21 જાન્યુઆરી, 1793.
ફ્રાન્સની રાજધાની પેરિસનો 19 એકરમાં ફેલાયેલો ‘હાર્મની સ્ક્વેર’.
આખા ફ્રાન્સના આ સૌથી મોટા ચોકમાં હજારો લોકો એકઠા થયા છે. ચોકની વચ્ચોવચ ઘોડેસવાર રાજા લુઈ-16માની એક વિશાળ પ્રતિમા હતી. પરંતુ ફ્રેન્ચ રિવોલ્યુશનના એ કાળમાં લોકો એવા રોષે ભરાયેલા કે તેમણે કાંસાની આ પ્રતિમા તોડી પાડી અને ભઠ્ઠીમાં લઇ જઇને ઓગાળી નાખી. તેને સ્થાને સ્વતંત્રતાની દેવીની પ્રતિમા (સ્ટેચ્યુ ઑફ લિબર્ટી!) સ્થાપિત કરી દેવાઇ હતી. હજારો લોકોથી ખચાખચ ભરાયેલા એ ચોકની વચ્ચે પ્રતિમાની પડખે લાકડાના વિશાળ પ્લેટફોર્મ પર એક માંચડો ઊભો કરાયો હતો. એ ગિલોટિન હતું. જેને મૃત્યુદંડ આપવાનો હોય એ માણસનું માથું ધડથી અલગ કરી નાખે એવું જાયન્ટ ગિલોટિન. થોડીવારમાં ‘નેશનલ ગાર્ડ’ તરીકે ઓળખાતા સૈનિકો એક ઘોડાગાડીમાં આરોપીને ત્યાં લઇ આવ્યા. હાથ બાંધેલી અવસ્થામાં રહેલો તે આરોપી હજુ ચાર મહિના પહેલાં સુધી આખા ફ્રાન્સ પર રાજ કરતો હતો. ઇન ફેક્ટ, એનો પરિવાર 570 વર્ષથી ફ્રાન્સ પર એકચક્રી શાસન કરી રહ્યો હતો. એ આરોપી હતો ફ્રાન્સનો છેલ્લો રાજા કિંગ લુઈ-16મો. નિરાશ વદને એણે માંચડા ભણી પગ માંડ્યા. પોતાની છેલ્લી સ્પીચમાં આ 38 વર્ષીય પદભ્રષ્ટ રાજાએ ફ્રાન્સની જનતા સમક્ષ પોકાર કર્યો કે, ‘હું નિર્દોષ છું…’ હજી એ આગળ બોલવા જતો હતો ત્યાં નેશનલ ગાર્ડના જનરલે ડ્રમ વગાડવાનો આદેશ કરી દીધો. યાને કે જલદી ખેલ ખતમ કરો. પબ્લિકમાંથી પોકારો ઊઠ્યા, ‘પા દ પિટી…’ (નો મર્સી… કોઈ દયા નહીં…) કિંગ લુઈ-16માને એ ગિલોટિનના માંચડા નીચે સૂવડાવવામાં આવ્યો. હાથ-પગ ચુસ્ત રીતે બાંધેલા હતા. આદેશ થયો એટલે 3 હજાર લોકોનાં માથાં કાપી ચૂકેલા ચાર્લ્સ હેનરી સેન્સન નામના જલ્લાદે દોરડું છોડી દીધું. એ સાથે જ ચૌદ ફીટ ઊંચેથી 40 કિલોગ્રામ વજનની લોખંડની બનેલી ધારદાર ગંજાવર બ્લેડ નીચે ધસી આવી. તે સીધી જ રાજા લુઈની ગરદન પર પડી. કાકડી કપાય એમ રાજાનું માથું ધડથી અલગ થઇને ફૂટબોલની જેમ નીચે દડી ગયું. કપાયેલી ગરદનમાંથી લોહીનો ધોધ વછૂટ્યો. લોહીની નદી વહેતી વહેતી લાકડાંના પ્લેટફોર્મના સાંધામાંથી ગળાઇને નીચે જમીન પર એકઠું થવા લાગ્યું. કેટલાક લોકો દોડ્યા અને એ લોહીમાં પોતાના રૂમાલ ઝબોળીને યાદગીરી રૂપે ને રાજાશાહીમાંથી છૂટેલા ફ્રાન્સના પ્રતીક રૂપે એકઠું કરી લીધું. સૈનિકે રાજાનું કપાયેલું માથું ઊંચકીને જાણે વિજેતા ટ્રોફી બતાવતો હોય એમ ચારે દિશામાં એકઠા થયેલા લોકોને બતાવ્યું. ***
આ ઘટનાના નવ મહિના પછી 16 ઓક્ટોબર, 1793નો દિવસ આવ્યો.
સ્થળ એ જ, ફ્રાન્સનો સૌથી મોટો ચોક, હાર્મની સ્ક્વેર.
લાકડાંનું એ 14 ફૂટ ઊંચું ગિલોટિન ત્યાં જ હતું.
ફરી પાછા લોકો એકઠા થયા હતા. આ વખતે એક ખુલ્લું ગાડું રાણી મેરી એન્ટોઇનેટને લઇને આવ્યું. આ 37 વર્ષીય રાણી રાજા લુઈ સોળમાની ધર્મપત્ની હતી. આ એ જ રાણી હતી, જેના નામે ઇતિહાસના સૌથી નિર્દયી ઉદગારો બોલે છે. ફ્રાન્સની ભૂખે મરતી જનતાને ખાવા બ્રેડ પણ નથી મળતી એવી ફરિયાદ એના કાને આવી ત્યારે એણે કહેલું, ‘તો પછી એ લોકોને કેક ખાવા દો.’ એક બાજુ ફ્રાન્સની જનતા ભૂખે મરતી હતી અને આ રાણી અપાર વૈભવમાં આળોટતી હતી. આ વાતે ગુસ્સે ભરાયેલા લોકોએ ચોમેરથી ગાળો અને ફિટકારનો વરસાદ કર્યો. ભગ્ન હૃદયે રાણીએ ગિલોટિનના માંચડા તરફ પગ માંડ્યા. માંચડા પાસે ઊભેલા જલ્લાદના બૂટ પર એનો પગ મુકાઈ જતાં એણે જલ્લાદની માફી પણ માગી. પતિની જેમ એને પણ હાથ-પગ બાંધીને મોં જમીનની દિશામાં રહે તે રીતે ઊંધી સૂવડાવવામાં આવી. 40 કિલોની તિક્ષ્ણ બ્લેડ નીચે ખાબકી અને રાણીની સુંવાળી ગરદન માખણ પર ફરતા ચપ્પુની જેમ કપાઇ ગઇ. એનું કપાયેલું માથું ઊંચકીને સૈનિકોએ લોકોને બતાવ્યું. ચોમેરથી હર્ષોન્નાદ થયા.
***
વિશ્વપ્રસિદ્ધ હીરાનું પિયરઃ ભારતનું ગોલકોન્ડા
વાચકોને સવાલ થશે કે દર વખતે ‘ખાખી કવર’માં ભારતના સીમાડાની અંદર બનતા નોંધપાત્ર ક્રાઇમની વાતો માંડતા હોઇએ, તે અચાનક સાડા છ હજાર કિલોમીટર દૂર આવેલા ફ્રાન્સની અને તે પણ સવા બસ્સો વર્ષ પહેલાંની વાત કેમ માંડી છે. તેનું એક કારણ છે થોડા દિવસ પહેલાં આવેલા એક સમાચાર. આ અઠવાડિયે સમાચાર આવ્યા કે આગામી 14 મેના રોજ સ્વિત્ઝર્લેન્ડના જિનિવા ખાતે 23.24 કેરેટનો ‘ગોલકોન્ડા બ્લુ ડાયમંડ’ હરાજીમાં મુકાવાનો છે. આસમાની ઝાંય ધરાવતો આ હીરો 300થી 430 કરોડ રૂપિયા જેટલી આસમાની કિંમતે વેચાય તેવી આશા આ ઑક્શન હાઉસ ‘ક્રિસ્ટિઝ’ના નિષ્ણાતો સેવી રહ્યા છે. નામ કહી આપે છે તેમ આ હીરો ભારતના તેલંગણાના ગોલકોન્ડા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ હીરો અગાઉ ઇન્દોરના મહારાજા યશવંતરાવ હોલ્કર-બીજાની માલિકીનો હતો. આંધ્રપ્રદેશ-તેલંગણાના ગોદાવરી-કૃષ્ણા નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં કુદરતે કરેલી રચનાને કારણે નદીઓના સૂકા પટમાં ખોદકામ કરવાથી હીરા મળી આવવાનો સિલસિલો સેંકડો વર્ષ જૂનો છે. સોળમી સદીની શરૂઆતમાં આ વિસ્તારમાં ગોલકોન્ડા સલ્તનતની સ્થાપના થઇ તેની સાથે હીરાનાં ખોદકામનાં કામમાં પણ જબ્બર તેજી આવી. અહીંના કોલ્લુર (KGF વાળી ‘કોલર ગોલ્ડ ફીલ્ડ’ની ખાણ નહીં)ની ખાણમાંથી અને આસપાસના વિસ્તારોમાંથી વિશ્વના સૌથી ખ્યાતનામ હીરા મળી આવ્યા છે. જેમાં આપણા કોહિનૂર, દરિયા-એ-નૂર, ગ્રેટ મુઘલ ડાયમંડ, ઓર્લોવ ડાયમંડ, હોપ ડાયમંડ, અકબર શાહ વગેરે હીરાનો સમાવેશ થાય છે. લોહિયાળ અભિશાપનો સ્વામીઃ હોપ ડાયમંડ
અબજો રૂપિયાની નાણાકીય કિંમત અને અમૂલ્ય ઐતિહાસિક વેલ્યૂ ધરાવતા આ હીરા તેની સાથે એક ન સમજાય તેવો અભિશાપ પણ લઇને ફરતા રહે છે. જેમ કે, વિશ્વનો સૌથી જાણીતો હીરો એવો કોહિનૂર પણ શાપિત ગણાય છે, જેના વિશે આપણને સૌને સારી એવી જાણકારી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કોહિનૂર કરતાંય વધુ લોહિયાળ અભિશાપ જેની સાથે સંકળાયેલો છે તે ‘હોપ ડાયમંડ’ વિશે. શરૂઆતમાં આપણે જે ફ્રાન્સના છેલ્લા રાજા અને રાણીના જાહેર મૃત્યુદંડનું વર્ણન કર્યું તેમની સાથે પણ આ હોપ ડાયમંડ જોડાયેલો છે. થોડા ફ્લેશબેકમાં જઇને આ હીરાની લોહિયાળ હિસ્ટ્રી વિશે જાણીએ. માતાજીનો હીરો ચોરવાનું પાપ
મળતી વિગત પ્રમાણે આ હીરો ઇ.સ. 1666માં ગોલકોન્ડાની કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો. તે વખતે આ અનપોલિશ્ડ હીરાનું કદ 112 3/16 કેરેટનું હતું. એ જ અરસામાં ફ્રાન્સનો એક ઝવેરી ઝ્યાં-બાપ્તિસ્ત તેવેરનિયર ભારતના પ્રવાસે હતો. એના હાથમાં આ હીરો આવી ચડ્યો. એક્ઝેક્ટ્લી કયા સંજોગોમાં આ હીરો તેની પાસે આવ્યો તે વિશે મતમતાંતરો છે. એક પોપ્યુલર થિયરી કહે છે કે તેવેરનિયરે આ હીરો કાલિ માતાના મંદિરમાંથી ચોરી લીધો હતો. આ હીરો દેવી માતાની આંખમાં જડેલો હતો. અન્ય વર્ઝન શીતળા માતાના કે સીતા માતાના મંદિરમાંથી ચોર્યો હોવાનું પણ કહે છે. એ સમયમાં ખાણમાંથી નીકળતા મોટા હીરા રાજવી પરિવાર મારફતે મંદિરમાં દાન દઇ દેવાનું ચલણ હતું. જોકે તેવેરનિયરે લખેલા ‘ધ સિક્સ વોયેજિસ ઑફ ઝ્યાં બાપ્તિસ્ત’ પુસ્તકમાં ક્યાંય આ હીરો ચોર્યો હોવાનો ઉલ્લેખ કર્યો નથી. મોટેભાગે એણે આ હીરો ખરીદ્યો હોઇ શકે. આ અને આવા લગભગ પચ્ચીસેક હીરા લઇને ફ્રાન્સના તે વખતના રાજા લુઈ-14માને વેચી આવ્યો હતો. અન્ય એક સ્રોત પ્રમાણે એણે રાજાને હજારો હીરા વેચ્યા હતા, જેના બદલામાં એણે 147 કિલોગ્રામ સોનું મળી શકે એટલું ધન પ્રાપ્ત કર્યું હતું. એણે ખેડેલી વિશ્વની છ સાહસિક યાત્રાઓમાં દર વખતે એ ભારત આવ્યો અને દરેક વખતે ઢગલો હીરા ઊસેટી જતો હતો. આવી એક મુલાકાત દરમિયાન એ મુઘલ બાદશાહ શાહજહાંને પણ મળ્યો હતો. રાજા ગેંગ્રીનથી સડી સડીને મર્યો
આ હીરો ખરીદ્યાનાં થોડાં વર્ષો બાદ એણે રાજ પરિવારના સત્તાવાર ઝવેરીને આ હીરો પૉલિશ કરીને તેને નવા ઘાટઘૂટ-શાઇન આપવાનું કામ સોંપ્યું. બે વર્ષ સુધી ઘસ ઘસ કર્યા પછી આ હીરાનું કદ ઘટીને 67.125 કેરેટ થઇ ગયું. રાજા લુઈ-14માએ આ હીરાને પોતાના મફલરમાં સ્થાન આપ્યું, જે એને શાહી સમારંભો અને વિધિઓમાં પહેરતો હતો. હવે આ હીરો ફ્રેન્ચ શાહી ખજાનાનો ભાગ હતો. દોઢેક દાયકા સુધી આ હીરાની માલિકી ભોગવ્યા પછી આ રાજા લુઈ-14માને ગેંગ્રીન થયું. હાથ-પગ કાળા પડી જઇને કપાવવા પડે તેવી પારાવાર વેદનામાં એનું મૃત્યુ થયું. તેનો પ્રપૌત્ર લુઈ-15મો માત્ર પાંચ વર્ષની વયે જ ફ્રાન્સનો રાજા બની ગયેલો. એ શીતળાના ભયંકર ચેપમાં મર્યો. લુઈ-14માએ આ શાહી હીરો પોતાના ખાસ માણસ અને નાણામંત્રી નિકોલસ ફુકેને પહેરવા આપ્યો હતો. પારાવાર સંપત્તિ, પ્રચંડ ઇન્ફ્લુઅન્સ અને શાહી હીરો પહેરવા મળે તેવી રાજા સાથેની નિકટતા પછી અચાનક રાજાને તેનાથી જોખમ લાગવા માંડ્યું. તેની ધરપકડ કરાવીને તેને આજીવન કારાવાસમાં ધકેલી દીધો, જ્યાં એક મુફલિસ કેદી તરીકે એનું મોત થયું. લોકો આ દુર્ગતિને રોયલ બ્લુ હીરો પહેરવાનો અભિશાપ લેખાવે છે. બીજી બાજુ, આ ભેદી બ્લુ હીરો જેણે ભારતના ગોલકોન્ડામાંથી હસ્તગત કર્યો હતો, તે ફ્રેન્ચ ઝવેરી ઝ્યાં-બાપ્તિસ્ત તેવેરનિયર પોતાની છેલ્લી સફર દરમિયાન રશિયા પહોંચ્યો હતો, જ્યાં અચાનક તેનું મોત થઇ ગયું. કેટલાક સંદર્ભો પ્રમાણે એને જંગલી કૂતરાંઓએ ફાડી ખાધો હતો. જોકે તેના મોત પર જામેલી સમયની ધૂળને પ્રતાપે આ થિયરી સાબિત થઇ શકતી નથી. વારસદારો લોકોના હાથે કપાઈ મર્યાં
આ હીરો વારસામાં મળ્યો હતો લુઈ 15માના પૌત્ર લુઈ-16માને. એ જ અરસામાં ફ્રાન્સમાં લોહિયાળ ક્રાંતિ ફાટી નીકળી હતી અને તેને પ્રતાપે 1793માં લુઈ-16માનો માત્ર 38 વર્ષની વયે પોતાની જ પ્રજાની સામે શિરચ્છેદ કરવામાં આવ્યો. એની રાણીએ આ હીરો પહેર્યો નહોતો છતાં, એને આ કથિત અભિશાપનો સામનો કરવો પડ્યો અને નવ મહિના પછી આ જ રીતે અત્યંત કરુણ મોતને ભેટવું પડ્યું. ઇવન રાણીએ પોતાના સ્ટાફની એક ખાસ સ્ત્રીને આ હીરો આપેલો, જેની ફ્રેન્ચ રિવોલ્યુશન દરમિયાન ક્રાંતિકારીઓએ અત્યંત ખરાબ રીતે હત્યા કરેલી અને તેના શરીરને ક્ષત-વિક્ષત કરી નાખેલું. આ દરમિયાન રાજાના પેલેસમાં પણ બેફામ લૂંટફાટનો દોર ચાલ્યો હતો, જેમાં રાજાનો ખજાનો ચોરાયો અને આ ફ્રેન્ચ બ્લુ ડાયમંડ પણ ચોરાઇ ગયો. લગભગ બે દાયકા સુધી આ હીરો ક્યાંક ગાયબ રહ્યો. વીસેક વર્ષ બાદ 1812માં આ હીરો મારી પાસે છે તેવું લંડનના એક ઝવેરીએ જાહેર કર્યું. ઓછી જાણીતી વાત છે કે આ પ્રકારની કળા-કલ્ચરલ વસ્તુઓની ચોરીની બાબતમાં વીસ વર્ષનો એક ‘સ્ટેચ્યુટ ઑફ લિમિટેશન્સ’ લાગુ પડે છે. યાને કે ખોવાયા-ચોરાયાનાં વીસ વર્ષ પછી તેના મૂળ માલિકનો તેના પર કોઈ હક-દાવો રહેતો નથી. પરંતુ આ વીસ વર્ષ દરમિયાન આ હીરાને કારણે કેટલાય લોકોના જીવ લેવાઇ ચૂક્યા હતા. ઝવેરીના દીકરાએ બાપની હત્યા કરી, પોતે આપઘાત કર્યો
રસપ્રદ વાત એ છે કે ચોરાયો ત્યારે 112 કેરેટનો આ ફ્રેન્ચ બ્લુ ડાયમંડ જ્યારે મળ્યો ત્યારે તેનું કદ ઘટીને માત્ર 45 કેરેટ થઇ ગયું હતું. તેનો આકાર પણ બદલાઇ ગયો હતો. પાછળથી માહિતી બહાર આવી કે આ હીરાને નેધરલેન્ડ્સના વિલ્હેમ ફોલ્સ નામના ઝવેરીએ નવા ઘાટ આપ્યા હતા. હીરાને નવાં રંગ-રૂપ આપ્યાંના થોડા સમય બાદ જ વિલ્હેમના સગા દીકરા હેન્ડરિકે હીરાની લાલચમાં બાપની હત્યા કરી નાખી, ને હીરો ચોરી લીધો. થોડા સમય બાદ શું થયું કે હેન્ડરિકે પણ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ 1911માં આ હીરાના લોહિયાળ ઇતિહાસ વિશે એક અહેવાલ છાપેલો. તેમાં લખેલું કે હેન્ડરિક પાસેથી હીરો મેળવનાર ફ્રાંસવા બીલી નામનો માણસ ભૂખે મરી ગયેલો. એ પછી એક રશિયન પ્રિન્સના હાથમાં આ હીરો આવ્યો, એણે પોતાની સ્ટેજ એક્ટ્રેસ બહેનપણીને આ હીરો પહેરવા આપ્યો, પણ પછી શું થયું કે એણે સ્ટેજ પર જ એ બહેનપણીને ગોળી મારી દીધી. થોડા સમયમાં રશિયન ક્રાંતિકારીઓએ આ પ્રિન્સને પણ છરા હુલાવીને પતાવી નાખ્યો. હીરો આવ્યો ને દોઢસો વર્ષની જાહોજલાલી સાફ થઇ ગઇ
ઇ.સ. 1824માં આ ભૂરા રંગનો આકર્ષક હીરો લંડનના અતિ-ધનાઢ્ય બેન્કર થોમસ હોપની માલિકી હેઠળ આવ્યો. તેના દોઢેક દાયકા બાદ થોમસના જ વારસદાર હેનરી ફિલિપ હોપના જ્વેલરી કલેક્શનમાં સત્તાવાર રીતે જાહેરમાં આવ્યો. ત્યારથી આ હીરાનું નવું નામકરણ થઇ ગયેલું. હવે તે ‘હોપ ડાયમંડ’ તરીકે ઓળખાતો હતો. આ હીરાની ચમકનો પ્રતાપ હોય કે પરિવારની જુગાર વગેરે બદીઓમાં બેફામ પૈસા ઉડાડવાની કુટેવો, પરંતુ દોઢસો વર્ષથી જે હોપ ફેમિલીની બેંકો યુરોપમાં ધમધમતી હતી, તેમના બિઝનેસમાં ઝાંખપ આવવા લાગી. ઓગણીસમી સદી પૂરી થતાં સુધીમાં તો એવી સ્થિતિ આવીને ઊભી રહી કે આ પરિવાર પર દેવાના ડુંગરા ખડકાવા લાગ્યા. તે ભરવા માટે તેમણે પોતાનો જંગી ખજાનો (જેમાં અલભ્ય પેઇન્ટિંગ્સ, એન્ટિક શિલ્પો, હીરા-ઝવેરાત વગેરેનો સમાવેશ થતો હતો) વેચવાની ફરજ પડી. હોપ પરિવારમાંય ડખાનો પાર નહોતો. વારસદાર લોર્ડ ફ્રાન્સિસ હોપને વારસામાં મળેલી બંગલા-જમીન વગેરે સ્થાવર સંપત્તિ વેચવાનો અધિકાર નહોતો. એની પાસે 1887માં આ હોપ ડાયમંડની માલિકી આવી એ અરસામાં ભાઇ મે યોહે નામની અમેરિકન કોન્સર્ટ સિંગરના પ્રેમમાં પડ્યો. બ્રિટનનો માલેતુજાર અમેરિકન સ્ટારના પ્રેમમાં પડે-લગ્ન કરે તે સમાચારે તે વખતે ભારે ચર્ચા જગાવેલી. આ ગાયિકા કોન્સર્ટમાં તે હોપ ડાયમંડ પહેરીને પર્ફોર્મ કરતી. પરંતુ બેફામ લાઇફસ્ટાઇલ અને વધતાં જતાં દેવાને કારણે એમને નાદારી નોંધાવવાની નોબત આવી. હોપ પરિવારનું ફરજંદ પોતાની અકાઉન્ટ બુક્સનો તાળો મેળવે તે પહેલાં એની અમેરિકન સિંગર પત્ની અમેરિકન આર્મીના એક કેપ્ટનના પ્રેમમાં પડી અને લોર્ડ ફ્રાન્સિસ હોપને ડિંગો બતાવી દીધો. વીસમી સદી આવતાં સુધીમાં હોપ ડાયમંડ ત્રણેક માલિક બદલી ચૂક્યો હતો. 1901માં ન્યૂ યોર્કના જોસેફ ફ્રેન્કલ એન્ડ સન્સ પાસે અને 1908માં તુર્કીના સુલતાન અબ્દુલ હમીદ (બીજા) આ હીરાના માલિકો બન્યા. બંનેની હાલત એવી કફોડી થઇ કે એકે દેવાળું ફૂંક્યું અને શક્તિશાળી ઓટોમન સામ્રાજ્યના સુલતાનની ગાદી જવાની નોબત આવી. શેઠાણીનાં સંતાનો મરાયાં, પતિ પાગલખાનામાં મર્યો
ઘુમ ફિર કે 1910માં આ હીરો ફ્રેન્ચ જ્વેલર પિયર કાર્ટિયર (‘કાર્ટિયર’ જ્વેલરી કંપનીનો સ્થાપક) પાસે આવ્યો, એણે આ હીરાની ફરતે રહસ્ય અને ભેદ-ભરમનાં આવરણો ચડાવ્યાં ને હીરો અમેરિકાની એવલિન વૉલ્શ મેકલીન નામની શ્રીમંત શેઠાણીને વેચી દીધો. આ એવલિન વૉલ્શ મેકલીન એટલે અમેરિકાના વિખ્યાત દૈનિક ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ની મૂળ માલિકણ. હીરો આવ્યા પછી આ શેઠાણીની એવી માઠી બેઠી કે ન પૂછો વાત. પહેલાં તો એની સાસુ મૃત્યુ પામી. એનો શોક હજુ ઊતર્યો નહોતો ત્યાં શેઠાણીનો નવ વર્ષનો નાનકડો દીકરો કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. શેઠાણીના પતિએ બીજી કોઈ સુંદરી માટે તેને ત્યજી દીધી. પતિનું દિમાગી સંતુલન એવું બગડ્યું કે એને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવવો પડ્યો, ને ત્યાં જ એનું મૃત્યુ થયું. શેઠાણીની જુવાનજોધ દીકરીએ ડ્રગ્સના ઓવરડોઝમાં આત્મહત્યા કરી લીધી. એક પછી એક આવી પડેલી આ ટ્રેજેડીઓને કારણે શેઠાણીનો બિઝનેસ તદ્દન ખાડે ગયો. એને ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ વેચવાની નોબત આવી. આખરે એ દેવાના ડુંગરા હેઠળ દબાઇને જ મૃત્યુ પામી અને એનાં સંતાનોએ દેવું ચૂકવવા માટે 1949માં આ હીરો વેચવો પડ્યો. એવી પણ વાત છે કે એવલિન મેકલીન એક કરોડ ડૉલરની કિંમતનો આ હોપ ડાયમંડ પોતાના પાલતુ કૂતરાને પણ પહેરાવતી! અબજો રૂપિયાનો હીરો સાદી ટપાલમાં મોકલ્યો! મુફલિસીમાં મરેલી શેઠાણી એવલિન મેકલીનનું આખું ઝવેરાતનું કલેક્શન 1949માં અમેરિકાના હેરી વિન્સ્ટન નામને ઝવેરીએ ખરીદી લીધું, જેમાં આ બ્લુ હોપ ડાયમંડ પણ સામેલ હતો. પછીના એક દાયકામાં હેરી વિન્સ્ટને આ હીરાને આખી દુનિયામાં પ્રદર્શિત કર્યો, તેમાંથી પૈસા પણ કમાયો અને ચેરિટી પણ કરી. 1958માં વિશ્વભરમાં મ્યુઝિયમો ચલાવતી સંસ્થા ‘સ્મિથસોનિયન’ના નિષ્ણાતે હેરીને સમજાવ્યો કે તમારે આ હીરો નેશનલ મ્યુઝિયમને દાનમાં આપી દેવો જોઇએ. એ પછી ખબર નહીં શું થયું કે એક દિવસ 10 નવેમ્બર 1958ની સવારે હેરી વિન્સ્ટને સાદી રજિસ્ટર્ડ પોસ્ટમાં આ ઐતિહાસિક હીરો નેશનલ મ્યુઝિયમને મોકલી આપ્યો. રસ્તામાં ક્યાંય આ હીરો ખોવાઇ-ચોરાઇ જાય તો વળતર મળી રહે તે માટે હેરીએ તેનો 10 લાખ ડૉલરનો વીમો પણ ઊતરાવેલો. ત્યારથી આ હીરો અમેરિકાના વૉશિંગ્ટન DCમાં આવેલા ‘નેશનલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી’માં ‘સ્પેસિમેન #217868’ તરીકે જેમ્સ એન્ડ જ્વેલરી ગેલરીમાં શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે. પરંતુ હીરાની સાથે રહેલા કથિત અભિશાપનું શું થયું? ભેદી રીતે આ હોપ ડાયમંડની ડિલિવરી કરનારા ટપાલીના થોડા દિવસમાં જ બેક ટુ બેક બે એક્સિડન્ટ થયા અને એનું ઘર સળગી ગયું! અભિશપ્ત હીરોઃ શ્રાપ કે સાયન્સ?
સાડાત્રણ દાયકાથી આખી દુનિયામાં અલગ અલગ માલિકોના હાથમાં ફરતો રહેલો અને અત્યંત લોહિયાળ ઘટનાઓનો સાક્ષી બનેલો આ હીરો જેની જિંદગીમાં પ્રવેશે તેના માટે બૂંદિયાળ સમય લઇને આવતો હશે? જાણકારો કહે છે કે આવા વિખ્યાત હીરાઓની કિંમત અને તેની સલામતી વધારવા માટે વેચનારાઓ દ્વારા આવી વાતો ઘડી કાઢવામાં આવે છે. પરંતુ ઇતિહાસમાં નોંધાયેલી ઘટનાઓની હારમાળા જોતાં આટલા જોગાનુજોગ શક્ય હશે ખરા? તમને શું લાગે છે?