કડી અને વિસાવદરની પેટાચૂંટણીના ઉમેદવારો માટે આજની રાત કતલની રાત છે. કેમ કે આવતીકાલે (19મી જૂને) આ બન્ને બેઠક માટે મતદાન થવાનું છે. વિસાવદરની પેટાચૂંટણીના લીધે આખા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એકતરફ આમ આદમી પાર્ટી 2 મહિના પહેલાં જ ઉમેદવાર જાહેર કરીને પ્રચારમાં પાપા પગલી માંડી ચૂકી હતી. જ્યારે ભાજપ અને કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરીને ધડાકો કર્યો. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિ મહત્વની છે. વિસાવદરમાં જમીન પર શું સ્થિતિ છે અને કેવો રાજકીય માહોલ છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વિસાવદર પહોંચી હતી. અહીં વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિકો સાથે વાતચીત કરીને તેમનો મત જાણ્યો હતો. વાંચો વિસાવદર બેઠકનો ગ્રાઉન્ડ રિપોર્ટ. મોટા કોટડા ગામ વિસાવદરથી 18 કિલોમીટર દૂર આવેલું છે. અહીંના લોકોનો મિજાજ જાણવા અમારી ટીમ સૌથી પહેલાં ત્યાં પહોંચી અને ત્યાં બેઠેલા કેટલાક યુવાનો તેમજ વડીલો સાથે વાતચીત કરી. સૌ પહેલાં અમને દેવાભાઇ મળ્યા. અમે તેમને પૂછ્યું કે એકતરફ ખેતીની સિઝન ચાલે છે અને બીજીતરફ ચૂંટણી છે. આ સમય યોગ્ય છે?
તેમણે કહ્યું કે ચૂંટણીનો સમય યોગ્ય લાગે કે ન લાગે પરંતુ ચૂંટણી છે એટલે જે થતું હોય એ તો કરવું જ પડે. આપણને ગમતા ઉમેદવાર આપણને વિનંતી કરે તો આપણે મતદાન કરવા 100 કામ પડતા મૂકીને પણ જવું જોઇએ. અમે જ્યારે તેમને રહેઠાણ આસપાસની સમસ્યાઓ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીંના રોડ રસ્તા થોડા ખરાબ છે. ત્યાં બેઠેલા મનસુખભાઇ સાથે પણ અમે વાતચીત કરી. અમારા પ્રશ્નનો જવાબ આપવા કરતાં પોતાની સમસ્યા વધુ જણાવતા હોય તેમ તેઓ બોલ્યા- અમારે અહીં રોડ રસ્તાની બહુ મોટી સમસ્યા છે. અમે આગળ પૂછ્યું કે વિસાવદરની જનતા જેને પણ ચૂંટે તેઓ સામેના પક્ષમાં કેમ જતા રહે છે?
તેમણે હળવા અવાજે કીધું, ભાઇ, બધાને પોતપોતાની લાલચ હોય છે. અમને દુઃખ તો ઘણું થાય છે પરંતુ શું કરી શકીએ? આ જ વાત અંગે ત્યાં બેઠેલા વીરજીભાઇ પણ કહે છે કે આવું થાય ત્યારે દુઃખ તો લાગે છે. અમે ત્યાં બેઠેલા સંજયભાઇ સાથે પણ વાત કરી. સંજયભાઇ જન્મથી જ આ વિસ્તારમાં રહે છે. સંજયભાઇ કહે છે કે, પાર્ટી કોઇપણ આવે અહીંયા તો કોઇ કામ થતાં જ નથી. કોઇપણ નેતા આવે થોડો ઘણો સમય રહે છે અને પછી પાર્ટી બદલી નાખે છે. અત્યારે આ વિસ્તારમાં અનેક ધારાસભ્યો અને મંત્રીઓ આંટા મારે છે. તેઓ એ રસ્તા પરથી પસાર પણ થાય છે તેમને ખબર પણ છે કે આ રસ્તા કેટલી ખરાબ હાલતમાં છે તો કોઇને એવું મન કેમ નથી થતું કે ડામર નાંખીને આ રસ્તાઓ સારા કરી દઇએ. મહેશભાઇ નામના સ્થાનિકે કહ્યું કે, વાતો તો બધા ખૂબ સારી સારી કરે છે પરંતુ કામ એ પ્રમાણે કંઇ નથી કરતા. અમે તમે પૂછ્યું કે વારંવાર તમારા પ્રતિનિધિ બીજી પાર્ટીમાં જતા રહે છે તો શું આ વખતે મતદાનની ટકાવારીમાં ઘટાડો થશે?
તો મહેશભાઇએ બેધડક ના પાડી દીધી. બોલ્યા- ના, મતદાનમાં બિલકુલ ઘટાડો નહીં થાય પરંતુ જનતા આ વખતે સમજી વિચારીને મત આપશે. અમે આ વિસ્તારની બીજી સમસ્યાઓ અંગે પૂછ્યું તો મહેશભાઇ હસી પડ્યા
તેમણે કહ્યું કે, ભાઇ, સમસ્યા તો એટલી બધી છે કે ગણાવીશું તો પણ ઓછી પડશે. બધા અત્યારે આવશે વાતો કરીને જતા રહેશે પરંતુ એ મુજબનું કંઇપણ થશે નહીં. અમે પૂછ્યું કે અહીંની જનતા કાયમ જેની સરકાર હોય તેની સામેના પ્રતિનિધિને કેમ જીતાડે છે? અહીંનો મિજાજ કેમ અલગ છે?
જેના જવાબમાં મહેશભાઇએ કહ્યું કે, અહીંની જનતા હંમેશા માણસને જોઇને વોટ આપે છે. જ્યારે માણસ સારો લાગે ત્યારે વિશ્વાસ હોય છે કે કામ કરશે. પરંતુ ચૂંટાઇ ગયા પછી તે આવા ખેલ કરે તો હવે એનું તો શું થઇ શકે? તેઓ ઉમેરે છે કે, નેતાઓને આ વિસ્તારમાં ખાલી ચૂંટાઇ જવું છે, કામ કંઇ કરવું નથી. અમે વિસાવદર વિસ્તારમાં ટાયર પંચરનું કામ કરતાં મુકેશભાઇ પરમાર સાથે પણ વાતચીત કરી. મુકેશભાઇ છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં ટાયર પંચરની દુકાન ચલાવે છે. તેમની દુકાને આસપાસના 10 થી 15 ગામના લોકો પોતાનું કામ કરાવવા આવે છે. તેઓ કહે છે કે, અહીંયા રસ્તાની ખૂબ મોટી સમસ્યા છે. આ સિવાય અહીંના ખેડૂતોને નર્મદાનું પાણી સમયસર આપવામાં નથી આવતું. ચૂંટણી આવે છે ત્યારે જ વાલ ખોલવામાં આવે છે. અમને આ દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા રણજીતભાઇ મળ્યા. રણજીતભાઇએ કહ્યું કે, હું જન્મથી જ આ વિસ્તારમાં રહું છું. અહીંયા ગમે તે નેતા ગમે એટલા ધમ પછાડા કરે અમારે તો ફક્ત ભોગવવાનું જ છે. અહીંયા કંઇ છે જ નહીં અમે ધક્કા જ ખાઇએ છીએ. નેતાઓ પાસે જઇએ તો કહે છે આજ આવજોને કાલે આવજો. 3-4 દિવસની રજા પાડવી પડે છે અને કોઇ કામ પણ નથી થતા. કોઇપણ મંત્રી આવે, કોઇપણ ધારાસભ્ય આવે કે કોઇની પણ સરકાર આવે, અહીંયા કોઇ કામ કરતું નથી. રણજીતભાઇએ અંતે કહ્યું કે જે ચૂંટાઇ જશે પછી એ એમના રસ્તે જતા રહેશે ને અમે અમારા રસ્તે જતા રહીશું. રણજીતભાઇ સાથે હાજર રાજુભાઇએ કહ્યું કે જે આવે એમાં મને ઝાઝી નથી ખબર પરંતુ આ ભેંસાણ અને મોટા કોટડાનો રોડ ખૂબ જ ખરાબ છે. માતા-પિતાથી જે છોકરાઓએ લગ્ન પછી અલગ થયા છે તેમના માટે છેલ્લા 25 વર્ષથી પ્લોટ ફાળવવામાં નથી આવ્યા. અમે ઉમેદવારોના પક્ષ પલટા અંગે પૂછ્યું તો કહ્યું કે, સૌ સૌનો મામલો છે. પૈસા લઇને વેચાઇ જાય છે. પહેલાં કોંગ્રેસવાળા વેચાઇ ગયા છેલ્લે આમ આદમી પાર્ટીવાળા વેચાઇ ગયા. હવે અત્યારના લોકોનું શું થાય એ તો એ જ જાણે. દિવ્ય ભાસ્કરની ટીમને લોકો સાથે વાતચીત કરતા જોઇને એક ભાઇ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે ભેંસાણનો રોડ એટલો ખરાબ છે કે જો પ્રસૂતિ કરવા માટે કોઇને લઇ જતા હોય તો રસ્તામાં જ થઇ જાય. અહીંની પ્રજા ભોળી છે વિશ્વાસ કરી બેસે છે પરંતુ નેતાઓ કાયમ તેમનો વિશ્વાસ તોડવાનું કામ કરે છે. અમે કેશુબાપા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે કેશુબાપા તો કેશુબાપા હતા. તેમની જગ્યા કોઇ લઇ શકશે નહીં. કેશુબાપાની ખોટ ક્યારેય કોઇ પૂરી નહીં કરી શકે. કેશુબાપા નથી એટલે વિસાવદરને બહુ મોટું દુઃખ થાય છે. અમે આગળ ખેડૂત આગેવાન પુરૂષોત્તમભાઇ પાનસેરિયા સાથે વાતચીત કરી. પુરૂષોત્તમભાઇએ એ કીધું કે ટાઇમે ખાતર નથી મળતું એ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. આ ઉપરાંત સરકાર ટેકાના ભાવે ખરીદી નથી કરતી એ પણ એક મોટી સમસ્યા છે. અમને આ વિસ્તારના છગનકાકા પણ મળ્યા. તેઓ દુકાનની પાળીએ બેઠા બેઠા મિત્રો સાથે વાતચીત કરતા હતા. છગનકાકાની ઉંમર 60 વર્ષ છે. તેઓ વર્ષોથી વિસાવદર વિસ્તારમાં રહે છે.
છગનકાકાએ કહ્યું કે અમે પહેલાં બે ટર્મ ભાજપને લાવ્યા પરંતુ કોઇ વિકાસ થયો નહીં, પછી કોંગ્રેસને લાવ્યા તો હર્ષદભાઇએ કોઇ કામ કર્યું નહીં. એ પછી ભૂપત ભાયાણીને લાવ્યા તો તેમણે ગાંસડી ભરીને રૂપિયા ભેગાં કરી લીધા અને વેચાઇ ગયા. અમે કીધું કે ભાજપના ઉમેદવાર કિરીટભાઇ વિસાવદરને પેરિસ બનાવવાની વાત કરે છે.
જેના જવાબમાં છગનકાકા એ કીધું કે જે બેંકમાંથી કરોડો રૂપિયા ખાઇ ગયા એ પેરિસ બનાવશે? પબ્લિકને તો આમ હેરાન જ થવાનું છે. છગનકાકા આગળ અકળાઇ ઉઠ્યા અને કહ્યું કે દીકરાઓને પેટે પાટા બાંધીને ભણાવ્યા છે. મારો દીકરો પ્રોફેસરની પરીક્ષામાં પાસ થઇ ગયો પરંતુ 20 લાખ રૂપિયા ડોનેશન માંગે છે. અમારી પાસે આટલા રૂપિયા ક્યાંથી હોય? છગનકાકા જૂનો કિસ્સો યાદ કરતા કહે છે કે, જ્યારે કેશુબાપા એ આ પાણીની કેનાલની વ્યવસ્થા કરી ત્યારે કોંગ્રેસવાળા કહેતા હતા કે આમાંથી માત્ર હવા નીકળશે પરંતુ કેશુબાપા એ કરી બતાવ્યું અને કેશુબાપાના કામ માથે આ ભાજપ ચડી ગઇ. મોટા કોટડા ગામની મુલાકાત બાદ દિવ્ય ભાસ્કરની ટીમ વિસાવદરથી અંદાજે 5 કિલોમીટરના અંતરે આવેલા ભૂતડી ગામે પહોંચી હતી અને ત્યાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. અમને અહીં ઘેલાભાઇ મળ્યા. તેમણે કહ્યું કે, હું 70 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. કુંવરજીબાપા હતા તે વખતની અમે ચૂંટણીઓ જોઇ છે. 12 વર્ષ થયા છે છતાં પણ કોઇ કામ નથી થયું. અમે કીધું કે કોઇ કામ કેમ નથી થતું?
તેમણે કહ્યું કે કામ કરે એવો કોઇ ધારાસભ્ય નહોતો. અમે કીધું કેમ નહોતા લાવતા તો કાકાએ કહ્યું કે અત્યાર સુધી તેમને વોટ નહોતા દેતા બીજાને આપતા હતા. અમે કહ્યું કે, આમ આદમી પાર્ટીવાળા કહે છે કે ભાજપ બધાને ખરીદી લે છે તમારું શું કહેવું છે?
તેમણે કીધું કે કોઇ કંઇ ખરીદતું નથી. અમે આ અહીંયા બેઠા. અત્યાર સુધી કોઇએ ખરીદ્યા નથી. અમે આગળ પૂછ્યું કે ગોપાલ ઇટાલિયા પણ એમ કહે છે કે હું કેશુબાપાની જેમ કામ કરીશ. આટલું બોલતા તો કાકા અકળાઇ ઊઠ્યા. તેમણે કહ્યું કે, સાવરણાંનું કામ તો ખાલી બજાર વાળવાનું છે.
અમે કિરીટ પટેલના કૌભાંડ અંગે પૂછ્યું તો કાકાએ કહ્યું કે કિરીટભાઇએ કોઇના પૈસા ખાધા નથી. બીજા ખાઇ જાય એમાં કિરીટભાઇ શું કરે? કાકાની બાજુમાં યુવાન વયના મનીષભાઇ બેઠા હતા. અમે તેમની સાથે વાતચીત કરી. મનીષભાઇએ કહ્યું કે ચૂંટણીનો માહોલ એકદમ રેડી છે. અમે કીધું કે ઇટાલિયાએ એમ કહ્યું કે જીતીશ કે હારીશ હવે તો વિસાવદરમાં જ રહીશ.
એટલામાં મનીષભાઇએ જવાબ આપી દીધો કે એનું અહીંયા કોઇ જાજુ કામ નથી. અમારે અહીં કિરીટભાઇ 15 વર્ષથી કામ કરે છે. અમે ઇકો ઝોનના પ્રશ્નો અંગે પૂછ્યું તો મનીષભાઇએ કહ્યું કે અમારે અહીંયા કોઇ સમસ્યા જ નથી. માત્ર એક ગોપાલભાઇને સમસ્યા છે. ચૂંટણી ટાણે એમને ખેડૂતો યાદ આવ્યા છે. બાજુમાં બેઠેલા હરેશભાઇ સાથે પણ અમે વાતચીત કરી અમે હરેશભાઇને કહ્યું કે, અહીંયા ચૂંટણીની સભાઓમાં મહિલાઓ કેમ નહોતી દેખાતી? તો તેમણે કહ્યું કે બીજી જગ્યાએ એવું હોય છે પણ અમારા ગામમાં થોડું સારું છે. અમે કહ્યું કે ગોપાલ ઇટાલિયા કહે છે કે હું ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું એટલે હું નાના માણસના કામ કરીશ.
આના જવાબમાં હરેશભાઇએ કહ્યું કે આ બધી ખોટી વાત છે. ચૂંટણી જીતવા માટેની વાતો છે. એ ક્યાં ખેડૂત હતા અને કઇ ખેતી કરી છે? એ ક્યાં કોઇ દિવસ વાડીએ ગયા છે? એની પાસે જમીન પણ નથી. ધારાસભ્યમાં અહીંનો સ્થાનિક માણસ હોવો જોઇએ ને. એની વાતો બધી ખોટી છે, એનું નથી ચાલવાનું. વિસાવદર મતવિસ્તારમાં ભેંસાણ તાલુકો પણ આવે છે. વિસાવદરથી ભેંસાણનું અંતર અંદાજે 27 કિલોમીટર છે. દિવ્ય ભાસ્કરની ટીમ મોટા કોટડા અને ભૂતડી ગામની મુલાકાત બાદ ભેંસાણ પહોંચી હતી. જ્યાં ખેડૂતો અને યુવાનો સાથે વાત કરી. આ વિસ્તારના આગેવાન રવજી કાકા અમને મળ્યા. તેઓ છેલ્લા 60 વર્ષથી અહીં રહે છે. અમે તકલીફો અંગે પૂછ્યું તો તેઓ બોલ્યા- સૌથી મોટી તકલીફ એ છે કે આ પાણી વિનાનો વિસ્તાર છે. અહીં કોઇ બાજુથી પાણી આવતું નથી. બીજીતરફ નર્મદાની બીજી લાઇન નાખવાની હતી. જે આ લોકોએ અટકાવી નાખી છે. રોડની પણ બહુ મોટી સમસ્યા છે. અમે પૂછ્યું કે આ વિસ્તારના લોકો સત્તામાં બેઠેલી પાર્ટીને કેમ નથી જીતાડતા?
રવજી કાકાએ કહ્યું કારણ કે આ વિસ્તારમાં કામ થતાં નથી તથા વિસ્તાર પર કોઇ ધ્યાન નથી આપતું એટલે લોકો આવું કરે છે. આ વિસ્તારના ઘણા બધા લોકો સહકારી કૌભાંડનો શિકાર થયા છે. અહીંના વાંદરવડ, પીપરિયા, ગુંદાળા, ચોડવડી સહિતના 4-5 ગામોમાં પ્રકારનું કૌભાંડ થયું છે. અમે કહ્યું કે ચૂંટણીમાં આ મુદ્દો કેટલો મહત્વનો રહેશે?
કાકા એ કહ્યું કે ખેડૂતો આ મુદ્દાને યાદ રાખીને વોટ આપશે. કારણ કે તેમની સાથે કૌભાંડ થયું છે. જેને ધિરાણ નથી ઉપાડ્યું એ લોકોના નામે પણ આ લોકોએ પૈસા ઉપાડી લીધા છે પછી તો લોકો ધ્યાને રાખે જ ને. અમે ઇકો ઝોનના પ્રશ્નો અંગે પૂછ્યું તો કાકાએ કહ્યું કે આ પ્રશ્ન આ વિસ્તારમાં ખૂબ જ મોટો છે. ઇકો ઝોન અહીંયા હોવો જ ન જોઇએ. જો ઇકો ઝોન હોય તો ખેડૂતો પોતાના ખેતરમાં કેવી રીતે જાય? બાજુમાં બેઠેલા એક યુવાનને અમે પ્રશ્નો અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે અહીંયા ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે. પાણી નથી, ખાતર સમયસર નથી મળતું. રસ્તા નથી. આ બધું ખૂબ નડે છે. અમારે કોઇ મોટા કામ નથી હોતા. આવા નાના નાના પ્રશ્નો હોય છે. અમે કહ્યું કે ભાજપના પ્રભારી જયેશ રાદડિયાએ કહ્યું છે કે અમને લાવો તો એક ફોને ખાતરની થેલીઓ આવી જશે. જેના જવાબમાં યુવાને કહ્યું કે એના ગામમાં જ ખાતર નથી તો અમારા સુધી કેવી રીતના પહોંચાડશે? ત્યાં પણ બધા લાઇનમાં જ ઊભા હતા. ચૂંટણી છે એટલે આવા બધા વાદા કરે છે. અમે પૂછ્યું કે કિરીટ પટેલ કહે છે કે હું વર્ષોથી આ વિસ્તારના કામ કરું છું. જો ધારાસભ્ય બનીશ તો વધારે કામ કરીશ.
આ પ્રશ્નના જવાબમાં યુવાન કહે છે કે ભાજપના લોકો જ કહે છે કે તેમણે કોઇ કામ નથી કર્યા. અમે તેમની ઓફિસે જઇએ છીએ તો અમને સાંભળ્યા વગર પાછા મોકલી દેવામાં આવે છે. અમને એમ કહે છે કે પહેલાં મત લઇને આવો. જો તેમણે કામ કર્યા હોત ને તો આ બધા મંત્રીઓને, મોટા મોટા માણસોને પ્રચારમાં ઉતારવા જ ન પડ્યા હોત. દિવ્ય ભાસ્કરની ટીમે અહીં રત્ન કલાકારોની પણ મુલાકાત લીધી. પહેલાં અમને ભાયાભાઇ મળ્યા. અમે વિસ્તારની સમસ્યા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, રોડ પાણી અને ખાતરની બહુ મોટી સમસ્યા છે.અમે ખેતરમાં કામ ન હોય ત્યારે હીરા ઘસવા જઇએ, મજૂરી કામે જઇએ. બીજું તો વધારે શું કરીએ? બસ આવું ચાલે છે. અમે રત્ન કલાકારોની સમસ્યા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ વિસ્તારમાં જો GIDC હોય તો રત્ન કલાકારોને યોગ્ય કારખાના મળે. રોડની ખરાબ હાલત અંગે ભાયાભાઇ કહે છે કે જો ટિફિન લઇને રસ્તા ઉપરથી નીકળતા હોય તો ટિફિન ક્યાં પડી ગયું હોય એની પણ ખબર રહેતી નથી. અમે પૂછ્યું કે કયા ઉમેદવાર પર આ વખતે વિશ્વાસ છે તો તેમણે કહ્યું કે આ વખતે ગોપાલભાઇ ઉપર વધારે ભરોસો હોય તેવું લાગે છે. અમે પૂછ્યું કે કિરીટભાઇ કહે છે કે હું તો વર્ષોથી આ વિસ્તારની સેવા કરું છું, વિસ્તારના કામ કરું છું. જેના જવાબમાં ભાયાભાઇ કહે છે કે જો કામ કર્યું હોત તો આ રસ્તાઓ સારા ન હોત? કિરીટભાઇ કામ કરશે એ પછીની વાત છે પણ કિરીટભાઇએ અત્યાર સુધી કામ નથી કર્યું એ ખૂબ મુદ્દાની વાત છે. અમે અન્ય રત્ન કલાકાર અશોકભાઇ સાથે પણ વાતચીત કરી.
અમે પૂછ્યું કે અહીંના લોકો ભાજપને નથી લાવતા એટલે કામ નથી થતાં એવું છે?
અશોકભાઇએ કહ્યું કે આ તો સાવ ઊંધી બાબત છે. પહેલાં તમે કામ કરો તો તમારે પ્રચાર પણ ન કરવો પડે. આ તો કેવું કે તમે પહેલાં અમને વોટ આપો પછી કામ થશે. અમે અશોકભાઇને પૂછ્યું કે ભાજપ કહે છે કે ગોપાલ ઇટાલિયા તો આયાતી ઉમેદવાર છે.
આ પ્રશ્નનો જવાબ આપતા અશોકભાઇ કહે છે તો કિરીટ પટેલ ક્યાં આ વિસ્તારના છે? ચૂંટાવવા માટે તો વ્યક્તિ ગમે ત્યાંથી આવે. અમે રત્ન કલાકાર ગૌતમભાઇ ભેંસાણીયા સાથે પણ મુલાકાત કરી. તેમણે કહ્યું કે આ વખતે ભાજપ સામે થોડો જનતાનો રોષ છે. અમને વારંવાર ભેંસાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ હેરાન કરે છે. રત્ના કલાકારોને ફી ભરવાની ખૂબ મોટી સમસ્યા હોય છે. આ મુદ્દે જાહેરાત તો થઇ ગઇ પણ કોઇ સરકારી પરિપત્ર સામે નથી આવ્યો. મારે જ બે દીકરા છે. બન્નેને ભણાવવામાં ખૂબ ખર્ચો થાય છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા ખેડૂતોને પડે છે. મેં આ અંગે અનેકવાર સાંસદ રાજેશ ચુડાસમા સાથે વાત કરી છે. તેઓ મને ખૂબ સારો જવાબ આપીને ફોન મૂકી દે છે પરંતુ સમસ્યાનું નિવારણ નથી આવતું. તેમણે કહ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઇ પણ ભેંસાણના છે એટલે તેઓ કેટલા વોટ કાપે છે એ મહત્વનું રહેશે. એટલે આ વખતે ચિત્ર કોઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી પરંતુ કોંગ્રેસના વોટ નીતિનભાઇને કારણે આ વખતે વધશે.ગત વખતે કોંગ્રેસને 17 હજાર વોટ મળ્યા હતા, આ વખતે તે 22 હજાર સુધી જઇ શકે છે. પરંતુ આ મતોનું નુકસાન કોઇ એક પાર્ટીને નહીં ભાજપ અને આમ આદની પાર્ટી બન્નેને થશે. એટલે નીતિનભાઇના કેટલા વોટ મળશે એના આધારે નક્કી થશે કે કોણ જીતશે અને કોણ હારશે. અમે ગોપાલ ઇટાલિયા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે કોણ ક્યાંથી આવે છે મહત્વનું નથી પરંતુ તે મજબૂત છે. અમારી કોઇપણ સમસ્યા હોય તે પારદર્શક રીતે તેને લડવાનું કામ કરે છે. અમારા જ વિસ્તારમાં થોડા દિવસ પહેલાંની જ વાત છે કે બાળકોની શિષ્યવૃત્તિ નહોતી આવી અમે ગોપાલભાઇને રજૂઆત કરી તેમણે આ અંગે કડક લડાઇ લડી અને અંતે બાળકોના ખાતામાં શિષ્યવૃત્તિ આવી ગઇ છે. અમે કહ્યું કે જ્યારે તમે વિરોધ પક્ષના પ્રતિનિધિને લાવો ત્યારે તમારી ભૂમિકા એ માત્ર રજૂઆતો અને આંદોલનની થઈ જાય છે વિકાસ નથી થતો તેવું કહેવાય છે.
તેનો જવાબ આપતા તેઓ કહે છે કે એવું નથી. તમે ચૈતર વસાવાને જોઇ લો ને. તે વિપક્ષના ધારાસભ્ય છે. અમે મોબાઇલમાં તેમના વીડિયો જોઇએ છીએ. તેની કામગીરી ખૂબ જ લોકપ્રિય અને મજબૂત છે એટલે એવું નથી કે જે પક્ષનો ધારાસભ્ય હોય તો જ કામ થાય. એ ધારાસભ્યના ટેલેન્ટ પર આધાર રાખે છે. અનેક મુલાકાતોના અંતે એટલું ચોક્કસ કહી શકાય કે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે આજની રાત કતલની રાત છે. અહીંના લોકોને મળતા એવું લાગ્યું કે હજુ પણ ખેડૂતોની સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર જ છે. આ તરફ બીજા બે અન્ય ઉમેદવાર એટલે કે શંકરસિંહની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી અને ગોપાલ ઇટાલિયાના સમર્થક તરીકે રહેલા અને હાલ તેમનાથી વિખૂટા પડીને અલગથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા હિતેશ વઘાસિયાને કેટલા વોટ મળે છે તે પણ મહત્વનું રહેશે.