23 જૂન 1985.
રાત્રિના લગભગ 1:00 વાગ્યા હતા. કેનેડાના મોન્ટ્રિયલ મિરાબેલ ઇન્ટરનાશનલ એરપોર્ટ પર મુસાફરોની ચહલપહલથી એરપોર્ટ ધમધમી રહ્યું હતું. મુસાફરોના સામાનને ઝડપથી એર ઇન્ડિયાની ફ્લાઇટ 182માં ખસેડવામાં આવી રહ્યો હતો, જે પહેલેથી જ 1 કલાક 40 મિનિટની વિલંબથી ચાલી રહી હતી. ટોરોન્ટોથી ઊપડેલી આ એર ઇન્ડિયા ફ્લાઇટ ‘182 કનિષ્ક’ મોન્ટ્રિયલથી પણ કેટલાક વધુ મુસાફરોને લઈને લંડનના હીથ્રો એરપોર્ટ થઈને મુંબઈ અને દિલ્હી જવાની હતી. ફ્લાઇટની કમાન કેપ્ટન હંસ સિંહ નરેન્દ્રના હાથમાં હતી, જ્યારે સતવિન્દર સિંહ ભિંડર કો-પાયલટની ભૂમિકામાં હતા. ફ્લાઇટ એટેન્ડન્ટની જરૂરી સૂચનાઓ બાદ, ફ્લાઇટ 182, 307 મુસાફરો અને 22 ક્રૂ મેમ્બર્સ સાથે, તેના આગલા ડેસ્ટિનેશન લંડનના હીથ્રો એરપોર્ટ માટે ટેકઓફ કરી ગઈ. મુસાફરોમાં મોટાભાગે કેનેડિયન નાગરિકો હતા, જેઓ ઘણાં વર્ષો બાદ પોતાના મિત્રો અને પરિવારજનોને મળવા ભારત જઈ રહ્યા હતા. બધું સામાન્ય હતું. ફ્લાઇટે મોન્ટ્રિયલથી ઉડાન ભર્યાને લગભગ 5 કલાક થઈ ગયા હતા. સવાર થઈ ગઈ હતી. આકાશમાં તેજસ્વી સૂર્ય ચમકી રહ્યો હતો. નીચે અફાટ જણાતો એટલાન્ટિક મહાસાગર હિલ્લોળા લઇ રહ્યો હતો. ફ્લાઇટ આયર્લેન્ડની એરસ્પેસમાં ઊડી રહી હતી, જ્યાં તે આયર્લેન્ડના શેનન એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્કમાં હતી. અત્યાર સુધી કેટલાક મુસાફરો પોતાની ઊંઘ પૂરી કરીને જાગી ગયા હતા, જ્યારે કેટલાક હજુ પણ ગાઢ નિદ્રામાં સૂતેલા હતા. ફ્લાઇટમાં હાજર કોઈને પણ ખબર નહોતી કે આગલા કેટલાક પળોમાં તેમની સાથે શું થવાનું છે. દરેક વ્યક્તિ આ વાતથી અજાણ હતું કે આ તેમના જીવનનો અંતિમ દિવસ હશે. ત્યાં જ સવારે લગભગ 7:00 વાગ્યે, શેનન ATCના રડાર પરથી ફ્લાઇટ 182 અચાનક ગાયબ થઇ ગઇ. આ જોઇને ATC અધિકારીઓમાં હડકંપ મચી ગયો. તેઓ ફ્લાઇટ 182 સાથે સંપર્ક કરવાનો મરણિયો પ્રયાસ કરવા લાગ્યા. ખાસ્સા પ્રયત્નો છતાં પણ ફ્લાઇટ 182 સાથે સંપર્ક સ્થાપિત ન થતાં, ત્યારે સૌને કશુંક ભયાનક અમંગળ બની ગયાની શંકા ગઇ. લગભગ તે જ સમયે, તેમની પહોંચથી ખૂબ દૂર, એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે 31,000 ફીટની ઊંચાઇએ ઊડી રહેલા વિમાનના ટુકડે ટુકડા થઈ જાય છે. સંખ્યાબંધ સળગતા ગોળાઓમાં ફેરવાઇ ગયેલું આ વિમાન સીધું સમુદ્રમાં ખાબકી પડે છે. એક જ ઝટકામાં 300થી વધુ લોકો હવામાં જ પોતાનો જીવ ગુમાવી બેસે છે, જ્યારે કેટલાક જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલતા એટલાન્ટિક મહાસાગરના અફાટ ઊંડાણમાં ખોવાઈ જાય છે, જ્યાં તેમની ચીસો સાંભળનાર કોઈ ન હતું.
***
ગયા અઠવાડિયે થયેલા અમદાવાદ પ્લેન ક્રેશની કળ હજુ સુધી કોઇને વળી નથી. ત્યારે આ તબક્કે આજથી એક્ઝેક્ટ 40 વર્ષ પહેલાં ખાલિસ્તાની આતંકીઓના પાપે એર ઇન્ડિયાની જ કેનેડાથી ભારત આવતી ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને 329 નિર્દોષ લોકો મોતના ખપ્પરમાં હોમાઇ ગયા હતા, તે લોહિયાળ ઇતિહાસ સ્વાભાવિકપણે જ સાંભરે છે. આજના ‘ખાખી કવર’માં ભારતની એવિએશન હિસ્ટ્રીની સૌથી લોહિયાળ ઘટનાઓ પૈકીની એક એવી ‘કનિષ્ક બોમ્બિંગ’ વિશે જાણીએ. ખાલિસ્તાની આતંકી સંગઠન ‘બબ્બર ખાલસા’નો જન્મ
આ ભયાનક હવાઈ આતંકી હુમલાની સ્ટોરી પંજાબના તલવિન્દર સિંહ પરમાર નામના શખ્સની આસપાસ ફરે છે, જે 1970માં પોતાની પત્ની સાથે પંજાબથી કેનેડા સ્થળાંતર થયો હતો. તે સમયે પંજાબનો યુવા વર્ગ મોટી સંખ્યામાં રોજગારની શોધમાં કેનેડા જઈ રહ્યો હતો, જેના કારણે ત્યાં શીખ સમુદાયની સંખ્યા નોંધપાત્ર થઈ ગઈ હતી. કેનેડામાં 6 વર્ષ વીતાવ્યા બાદ, 1976માં તલવિન્દર કેનેડાની કાયમી નાગરિકતા મેળવવામાં સફળ થયો. ત્યાં સુધીમાં તેણે શીખ સમુદાયમાં સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી. તે એવા શીખ અલગાવવાદીઓના સંપર્કમાં પણ આવી ગયો હતો, જેઓ કેનેડામાં રહીને ભારતમાં શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનની માગ કરી રહ્યા હતા. આ માગને વેગ આપવા માટે, તેણે 1978માં સુખદેવ સિંહ બબ્બર સાથે મળીને ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ’ નામનું શીખ અલગાવવાદી સંગઠન રચ્યું. આ દરમિયાન પંજાબમાં 13 એપ્રિલ 1978ના રોજ સંત નિરંકારી મિશને ખાલસાનો જન્મદિવસ ઉજવવા માટે એક સંમેલનનું આયોજન કર્યું. પરંતુ અલગાવવાદી જરનલ ભિંડરાવાલે અને ફૌજા સિંહને આ સંમેલન શીખોનું અપમાન કરનારું લાગ્યું. આના પરિણામે, બંનેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં ફૌજા સિંહ સહિત 13 શીખ અને ત્રણ નિરંકારી માર્યા ગયા. તલવિન્દર શીખોનાં મૃત્યુથી ગુસ્સે થઈ ગયો અને નિરંકારીઓ સામે બદલો લેવા ભારત આવી પહોંચ્યો. બે પોલીસમેનની હત્યા, શરૂઆતથી જ કેનેડાની આડોડાઇ
પંજાબ પહોંચતાં જ તે નિરંકારીઓને મારવાની યોજના ઘડવા લાગ્યો. આ દરમિયાન, 1981માં તેને પંજાબ પોલીસ સાથે ઝઘડો થયો, જેમાં તેણે બે પોલીસ અધિકારીઓની હત્યા કરી નાખી. આના કારણે તે પંજાબ પોલીસના હિટ લિસ્ટમાં આવી ગયો. ઝડપાઈ જવાના ડરથી તે ફરી કેનેડા ભાગી ગયો. ખાલિસ્તાની પ્રવૃત્તિઓના કારણે તે પહેલેથી જ ભારતીય સરકારની નજરમાં હતો. આ ઘટના બાદ ભારતે કેનેડાથી તેનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી, પરંતુ કેનેડા તેના માટે તૈયાર ન થયું. આ કેસમાં કેનેડાએ કંઈ ન કર્યું, પરંતુ બે વર્ષ બાદ 1983માં જ્યારે તે જર્મની ગયો, ત્યાંની પોલીસે તેને ધરપકડ કરી અને જેલમાં નાખી દીધો. તે સમય સુધી ‘આનંદપુર સાહિબ રિઝોલ્યુશન’ની માગને લઈને જરનૈલ સિંહ ભિંડરાવાલેએ પંજાબમાં ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ખરેખર તો આનંદપુર સાહિબ રિઝોલ્યુશન શિરોમણિ અકાલી દળના દિમાગની ઊપજ હતું, જે સીમિત રીતે તેનો અમલ કરવા ઇચ્છતું હતું અને પંજાબ તથા શીખોની માગોની વાત કરી રહ્યું હતું. પરંતુ આ જ મુદ્દાઓ પર જરનૈલ સિંહ ભિંડરાવાલેનો અભિગમ સખત હતો, જે પોતાની વાત મનાવવા માટે હિંસાનો સહારો પણ લેવા લાગ્યો હતો. ઑપરેશન બ્લુ સ્ટાર અને ઇન્દિરા ગાંધીની હત્યા
જ્યારે કેન્દ્ર સરકારે તેની માગો નકારી દીધી, ત્યારે 1983 સુધીમાં તેણે ગોલ્ડન ટેમ્પલના કેટલાક ભાગો પર કબજો કરી લીધો અને ત્યાં હથિયારોનો મોટો જખીરો એકઠો કરી લીધો. આના પગલે પંજાબમાં હિંસા થવી સામાન્ય બની ગઈ હતી. તેથી ગોલ્ડન ટેમ્પલને આતંકવાદીઓથી મુક્ત કરવા માટે, ઇન્દિરા ગાંધીના આદેશ પર જૂન 1984માં સેના દ્વારા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ દ્વારા તેને ખાલી કરાવવામાં આવ્યું. આ ઑપરેશનમાં ભિંડરાવાલે સહિત સેંકડો લોકો માર્યા ગયા અને ગોલ્ડન ટેમ્પલની ઇમારતોને પણ નુકસાન થયું. ગોલ્ડન ટેમ્પલમાં સેનાની આ કાર્યવાહીથી શીખ સમુદાય ઇન્દિરા ગાંધીથી ખૂબ નારાજ થઈ ગયો હતો. તેમની નારાજગી એટલી વધી ગઈ કે 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની તેમના જ બે શીખ અંગરક્ષકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. વડાપ્રધાનની હત્યાથી આખા દેશમાં હોબાળો મચી ગયો, જેના પરિણામે શીખ વિરોધી રમખાણો ભડકી ઊઠ્યાં, જેમાં હજારો નિર્દોષ શીખો માર્યા ગયા. ભારતમાં થયેલી આ ભયંકર ઊથલપાથલના સમાચાર જર્મનીની જેલમાં બંધ તલવિન્દર પરમાર સુધી પણ પહોંચી રહ્યા હતા. તે જ વર્ષે જર્મનીની અદાલતે પુરાવાના અભાવે તલવિન્દરને મુક્ત કર્યો, અને તે ફરીથી કેનેડા ચાલ્યો ગયો. કેનેડા પહોંચતાં જ તે પોતાના સંગઠન બબ્બર ખાલસામાં ફરીથી સક્રિય થઈ ગયો. 1984ના શીખ વિરોધી રમખાણો બાદથી જ કેનેડાના અલગાવવાદીઓ ભારત સામે બદલો લેવાની ફિરાકમાં હતા. તલવિન્દર આ તકનો લાભ લઈને તમામ અલગાવવાદીઓને એકસાથે લાવવા માગતો હતો. ઇલેક્ટ્રિશિયને બનાવ્યો બોમ્બ
તેણે સૌપ્રથમ ઇન્દ્રજીત સિંહ રિયાદ સાથે મુલાકાત કરી, જે કાર મિકેનિક અને ઇલેક્ટ્રિશિયન તરીકે કોઈ કંપનીમાં કામ કરતો હતો. તેના વ્યવસાયને ધ્યાનમાં રાખીને તલવિન્દરે તેને બોમ્બ બનાવવાની જવાબદારી સોંપી, પરંતુ તે બોમ્બનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તે વિશે તેણે રિયાદને કંઈ જ ન જણાવ્યું. ત્યારબાદ તેણે હરદયાલ સિંહ જોહલ સાથે મીટિંગ કરી, જે એક શાળામાં જનિટર તરીકે કામ કરતો હતો. પછી તે રિપુદમન સિંહ મલિક સાથે મળ્યો, જે કેનેડાના શીખ સમુદાયમાં ખૂબ પ્રભાવ ધરાવતો હતો અને ખાલિસ્તાની ચળવળનો મોટો નેતા હતો. અંતે, તેણે અજૈબ સિંહ બગરી સાથે મુલાકાત કરી, જે 1984નાં શીખ રમખાણો બાદ પોતાનાં ભાષણોમાં અવારનવાર 50,000 હિન્દુઓની હત્યા કરીને બદલો લેવાની વાત કરતો હતો. તલવિન્દર આ બધા સાથે મળીને ભારત વિરુદ્ધ એક ગુપ્ત મિશન માટે તેમને કામ સોંપી રહ્યો હતો, જેમાં અજૈબ બગરીનું કામ ભંડોળ એકત્ર કરવાનું હતું. આ બધામાં ઘણા મહિનાઓ વીતી ગયા, જે દરમિયાન પૂરતું ભંડોળ પણ એકત્ર થઈ ગયું, અને તલવિન્દરે પોતાના સાથીઓ સાથે મળીને ભારત સામે બદલો લેવાની યોજના પણ તૈયાર કરી લીધી. યોજના હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની. આ માટે જ્યાં બોમ્બ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં બોમ્બને વિમાનમાં કોણ મૂકશે તેના પર પણ વિચારણા ચાલુ હતી. આ કામમાં ઝડપાઈ જવાનું જોખમ હતું, તેથી આ કામ કોઈ પ્રોફેશનલ પાસે કરાવવાનું વિચારવામાં આવ્યું. આ કામ માટે તે સમયના કુખ્યાત ગુનેગાર જેરી બુડલને પસંદ કરવામાં આવ્યો, જેને એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં બોમ્બ લગાવવા માટે $2 લાખની ઓફર આપવામાં આવી. પરંતુ જેરી બુડલ આ માટે તૈયાર ન થયો; ઇવન આ રીઢા ગુનેગારને પણ એકસાથે આટલા લોકોની હત્યા ખૂબ ભયંકર અને નિર્દય લાગી. તેણે આની જાણ કેનેડિયન પોલીસને આપી દીધી. પરંતુ કેનેડિયન પોલીસે બીજી ગંભીર ભૂલ કરી. તલવિન્દરના ગુનાહિત બેકગ્રાઉન્ડના કારણે તેની માહિતીને ખોટી માની અને આ મામલે કોઈ તપાસ ન કરી. થોડા મહિના બાદ હરમેલ સિંહ ગ્રેવાલ નામના એક વ્યક્તિએ પણ કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) સમક્ષ બબ્બર ખાલસા દ્વારા કરવામાં આવી રહેલી આ બોમ્બ બ્લાસ્ટની યોજનાને ખુલ્લી પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની વાતોને પણ કેનેડિયન અધિકારીઓએ આધારહીન ગણીને તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. એક તરફ કેનેડામાં ભારત વિરુદ્ધ આ પ્રકારના આતંકી હુમલાનું આયોજન થઈ રહ્યું હતું, તો બીજી તરફ જૂન 1985માં વડાપ્રધાન રાજીવ ગાંધી અમેરિકાના પ્રવાસે જવાના હતા. તે મહિને ઓપરેશન બ્લૂ સ્ટારની પ્રથમ વર્ષગાંઠ પણ હતી. તેથી કેનેડિયન શીખો તરફથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, અમેરિકા રાજીવ ગાંધીની સુરક્ષામાં કોઈ કમી રાખવા માગતું ન હતું. આથી, તેણે કેનેડા સાથે સહકાર આપીને તેમની સુરક્ષાની પાકી વ્યવસ્થા કરી. અમેરિકાના દબાણ હેઠળ, કેનેડામાં સક્રિય ઘણાં અલગાવવાદી અને આતંકવાદી સંગઠનો પર ખાસ નજર રાખવામાં આવવા લાગી, જેમાં બબ્બર ખાલસા પર કેનેડિયન અધિકારીઓની સૌથી તીવ્ર નજર હતી, કારણ કે આ સંગઠન ઘણી વખત ભારત સામે બદલો લેવાની વાત કરી ચૂક્યું હતું. કેનેડાની ત્રીજી ભૂલઃ બોમ્બનું ટેસ્ટિંગ જોયું, છતાં કંઇ ન કર્યું
આને ધ્યાનમાં રાખીને, કેનેડાની ગુપ્તચર એજન્સી CSISએ માર્ચ 1985થી બબ્બર ખાલસાના વડા તલવિન્દર પરમારને નજર હેઠળ રાખીને તેના ફોન કૉલ્સ ટેપ કરવાનું શરૂ કર્યું. એપ્રિલ મહિના સુધી, બોમ્બ બનાવવાના કામમાં રોકાયેલા ઇન્દ્રજીત સિંહ રિયાદને ઘણી વખત તલવિન્દર સાથે ડાયનામાઇટ વિશે વાત કરતા સાંભળ્યો. તે તેને મેળવવાની ઉતાવળમાં હતો અને તેના માટે વધુ કિંમત આપવા પણ તૈયાર હતો. મે મહિનામાં તેણે 12 વોલ્ટનું ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ બનાવ્યું અને એક ડિજિટલ ઓટોમોબાઇલ ક્લોક ખરીદીને તેને 24 કલાકના અલાર્મવાળા બઝરમાં રૂપાંતરિત કરી દીધું. આ દરમિયાન, CSISએ એક મહિનામાં રિયાદ અને પરમારને નવ વખત બોમ્બ બનાવવાના સંદર્ભમાં વાત કરતા ટેપ કર્યા. CSISએ તેમને માત્ર બોમ્બ બનાવવાની વાત કરતા જ નહીં, પરંતુ પછીથી બોમ્બનું ટેસ્ટિંગ કરતા પણ જોયા. જૂનના શરૂઆતના દિવસોમાં, જ્યારે તલવિન્દર અને ઇન્દ્રજીત રિયાદ વિસ્ફોટકોના ટેસ્ટિંગ માટે કેનેડાના એક જંગલમાં ગયા, ત્યારે CSISના એજન્ટ્સ તેમનો પીછો કરીને જંગલમાં તેમનાથી થોડે દૂર છુપાઈને આખો નજારો જોવા લાગ્યા. થોડી જ વારમાં ત્યાં એક જોરદાર વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો, પરંતુ એજન્ટ્સે તેની તપાસ કરીને કોઈ રેકોર્ડિંગ ન કર્યું. આ ઘટના બાદ CSIS પાસે તેમને ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા હતા, પરંતુ CSISએ આ માહિતી ન તો કેનેડિયન પોલીસને આપી, ન તો પોતે કોઈ પગલાં લીધાં. ભારતનાં પ્લેન ફૂંકી મારવાની ખુલ્લેઆમ ધમકીઓ
આનાથી તેઓ બિન્દાસ્તપણે પોતાનાં ષડ્યંત્રોને અમલમાં મૂકવામાં લાગી ગયા. આ દરમિયાન, જ્યાં કેનેડાના ગુરુદ્વારાઓમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા ગુંજવા લાગ્યા હતા. ત્યાં બબ્બર ખાલસાના સભ્યો શીખ લોકોને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી રહ્યા હતા. બોમ્બ બન્યા બાદ ખાલિસ્તાની નેતાઓ ખુલ્લેઆમ પોતાનાં ભાષણોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સાથે કંઈક મોટું કરવાની ધમકીઓ આપી રહ્યા હતા. આટલા ખતરનાક ધમકીઓ હોવા છતાં, કેનેડિયન અધિકારીઓને કોઈ ફરક નહોતો પડી રહ્યો, અને તેઓ આરામથી હાથ પર હાથ ધરીને બેઠા હતા. આ દરમિયાન, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં બોમ્બ બ્લાસ્ટની યોજનાની ખબર ભારતીય એજન્સી RAWને પણ મળી, જેણે તાત્કાલિક આ માહિતી CSISને આપી અને તેમને હાઈ એલર્ટ પર રહેવા જણાવ્યું. પરંતુ તેમ છતાં કેનેડિયન અધિકારીઓ પોતાની નિદ્રામાંથી જાગ્યા નહીં, ન તો કોઈ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ન તો એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી. ‘સ્ટોરી લખાઇ ગઇ?’
20 જૂને CSISએ તલવિન્દરને કોડ વર્ડમાં વાત કરતા રેકોર્ડ કર્યો, જેમાં તેણે હરદયાલ સિંહ જોહલને ફોન કરીને પૂછ્યું કે શું સ્ટોરી લખાઈ ગઈ છે? જોહલે આનો જવાબ ‘ના’માં આપ્યો. જવાબમાં તલવિન્દરે કહ્યું કે તેને જલદી લખી નાખો. આ વાતચીત બાદ કેનેડાના વેનકુવર એરપોર્ટ પરથી $35 ચૂકવીને એર ઇન્ડિયાની બે ફ્લાઇટ્સમાં બે ટિકિટ બુક કરવામાં આવી. પહેલી ટિકિટ એમ. સિંહના નામે અને બીજી ટિકિટ એલ. સિંહના નામે બુક કરાઇ. બે દિવસ બાદ, 22 જૂને, બંનેએ ફરીથી વાતચીત કરી, જેમાં જોહલે તલવિન્દરને કહ્યું કે સ્ટોરી લખાઈ ગઈ છે, જોવી હોય તો આવી જાઓ, અને ત્યારબાદ કોલ ડિસકનેક્ટ કરી નાખ્યો. અહીં ‘સ્ટોરી લખાઈ ગઈ’નો અર્થ ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવવાનો થતો હતો. તે જ દિવસે હરદયાલ સિંહ જોહલ ગાડીમાં વિસ્ફોટકોથી ભરેલી બે બેગ લઈને પોતાની શાળાએ પહોંચ્યો અને તેને ત્યાંનાં બેસમેન્ટમાં છુપાવી દીધી. ત્યારબાદ, તલવિન્દરે પોતાની યોજનાના આગલા ભાગની શરૂઆત કરી, જેના કારણે થોડા જ કલાકોમાં એક એવી ઘટના ઘટવાની હતી, જેના લીધે સેંકડો નિર્દોષ લોકો મોતના મુખમાં ખાબકવાના હતા. એકસાથે એર ઇન્ડિયાની બબ્બે ફ્લાઇટમાં બોમ્બનું પ્લાનિંગ
આખરે 22 જૂન 1985નો દિવસ આવ્યો. આ દિવસે બપોરે 3:30 વાગ્યે, મનજીત સિંહ નામનો એક વ્યક્તિ ટોરોન્ટો જવા માટે વેનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રવેશ્યો. તેની ટિકિટ કન્ફર્મ નહોતી, છતાં તે એરપોર્ટ એજન્ટ જેની એડમને વારંવાર ચેક-ઇન કરવાની વિનંતી કરી રહ્યો હતો. જ્યારે જેની તેના માટે તૈયાર ન થઈ, તો તે વિનંતી કરવા લાગ્યો કે કમ સે કમ તેના સામાનને ચેક-ઇન કરી દેવામાં આવે. મનજીતે વેનકુવરથી ટોરોન્ટો સુધીની ફ્લાઇટ પકડવાની હતી, જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 કનિષ્કમાં તેની ટિકિટ બુક હતી, જે ટોરોન્ટોથી મોન્ટ્રિયલ અને પછી લંડન થઈને નવી દિલ્હી અને મુંબઈ પહોંચવાની હતી. મનજીત ઇચ્છતો હતો કે તેનો સામાન સીધો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચેક-ઇન થઈ જાય, જેથી ટોરોન્ટોમાં તેને ફરીથી મુશ્કેલી ન ઉઠાવવી પડે. પરંતુ જ્યારે જેનીએ આમ કરવાની પણ ના પાડી, તો મનજીત ગુસ્સે થઈને હઠ પર અડી ગયો. તે દિવસે એરલાઇન ખૂબ વ્યસ્ત હતી, અને તેની ટિકિટ બિઝનેસ ક્લાસની હતી, તેથી જેનીએ તેને વેલ્યુએબલ કસ્ટમર ગણીને તેની ટિકિટ કન્ફર્મ કરી અને તેના સામાન સાથે તેને ચેક-ઇન કરાવી દીધો. પરંતુ આ સ્ટોરી અહીં અટકી નહીં. થોડી વાર બાદ આ જ એરપોર્ટ પર આ જ સ્ટોરી ફરીથી એક વખત દોહરાવવામાં આવી. આ વખતે એલ. સિંહ નામના એક વ્યક્તિએ કેનેડિયન પેસિફિક એરલાઇન્સમાં બીજી સૂટકેસ ચેક-ઇન કરી. એલ. સિંહે પણ એક કનેક્ટિંગ ટિકિટ બુક કરાવી હતી, જેના દ્વારા કેનેડિયન પેસિફિક એરલાઇનની ફ્લાઇટથી ટોક્યો પહોંચીને એર ઇન્ડિયાની ફ્લાઇટ 301 પકડવાની હતી. આ રીતે એર ઇન્ડિયાની બે ફ્લાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. પોતપોતાના સમયે બંને કનેક્ટિંગ ફ્લાઇટ્સ બંને સામાન સાથે પોતાના ગંતવ્ય માટે ટેકઓફ કરી ગઈ, પરંતુ ખૂબ ચાલાકીથી એમ. સિંહ અને એલ. સિંહ ફ્લાઇટમાં ચઢ્યા જ નહીં. ગ્રહણ ટાણે મશીન બગડ્યું, ફ્લાઇટમાં બોમ્બ પ્લાન્ટ થઇ ગયો
રાત્રે 8:02 વાગ્યે કેનેડિયન પેસિફિક એરલાઇન્સની ફ્લાઇટ 60, 30 મુસાફરોને લઈને વેનકુવરથી ટોરોન્ટો પહોંચી. તેમાં સવાર કેટલાક મુસાફરોએ એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 પકડવાની હતી, તેથી તેમના સામાનને તે ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવા માટે સિક્યોરિટી ચેકિંગ શરૂ થયું. કેનેડામાં શીખ અલગાવવાદીઓ દ્વારા એર ઇન્ડિયાને આપવામાં આવી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ સામાન અને મુસાફરોની તપાસ માટે સુરક્ષા વધારી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ચઢવા જતી દરેક વસ્તુને એક્સ-રે મશીન અથવા PDD-4 એક્સપ્લોસિવ સ્નિફરથી તપાસવું ફરજિયાત હતું.
સંયોગવશ, તે દિવસે એક્સ-રે મશીન ખરાબ હતું, તેથી PDD-4 એક્સપ્લોસિવ સ્નિફરથી તપાસનું કામ ચાલી રહ્યું હતું. મનજીતનો સામાન પણ તેના વગર ટોરોન્ટો પહોંચી ગયો હતો. આ તપાસ દરમિયાન, સુરક્ષા ગાર્ડ પાસે મનજીતની બેગ આવી, જેની તપાસ કરતી વખતે તેમને હળવો બીપનો અવાજ સંભળાયો, પરંતુ સુરક્ષા ગાર્ડે તેને જોખમ ન માનીને અવગણી દીધો. સામાનની તપાસ બાદ, એરપોર્ટ સ્ટાફે તમામ સામાનને ફ્લાઇટ 182માં મૂકી દીધો. યોજના મુજબ, મનજીત અહીં પણ ફ્લાઇટમાં બેસ્યો નહોતો, જ્યારે તેનો સામાન ખૂંખાર ઘટનાને અંજામ આપવા માટે વિમાનમાં ચઢાવી દેવાયો હતો. એન્જિનમાં ખામીના કારણે આ ફ્લાઇટ લગભગ 1 કલાક 40 મિનિટના વિલંબ સાથે 12:01 વાગ્યે ટોરોન્ટોથી મોન્ટ્રિયલ માટે રવાના થઈ. મોન્ટ્રિયલ એરપોર્ટ પર કેટલાક વધુ મુસાફરો ચઢ્યા, જેના કારણે આ વિમાનમાં કુલ 307 મુસાફરો અને 22 ક્રૂ મેમ્બર્સ સહિત 329 લોકો હતા, જેમાંથી 268 ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા, જેઓ કેનેડાથી ભારત આવી રહ્યા હતા. આ ઉપરાંત, વિમાનમાં 24 ભારતીય નાગરિકો અને 27 બ્રિટિશ નાગરિકો પણ હાજર હતા. એક લોચો થયો ને એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ બચી ગઇ
આ પછી ફ્લાઇટ તેના આગલા ડેસ્ટિનેશન એવા લંડનના હીથ્રો એરપોર્ટ માટે ટેકઓફ કરી ગઈ, જ્યાં આ ફ્લાઇટમાં રિફ્યુઅલિંગ પણ કરવાનું હતું. બીજી તરફ, વેનકુવરથી ઊડેલી કેનેડિયન પેસિફિક એરલાઇન્સની બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ટોક્યોના નારિતા એરપોર્ટ પહોંચી ગઈ હતી. અહીંથી ઘણા મુસાફરોએ એર ઇન્ડિયાની ફ્લાઇટ 301 પકડીને બેંગકોક જવાનું હતું, તેથી બેગેજ હેન્ડલર્સ ઉતાવળે તેમના સામાનને ફ્લાઇટમાં ખસેડી રહ્યા હતા. આમાં એલ. સિંહની બેગ પણ હતી, જે એમ. સિંહની જેમ ફ્લાઇટમાં ચઢ્યો નહોતો. સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા દરમિયાન અચાનક બેગેજ એરિયામાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેની ઝપટમાં આવીને બે બેગેજ હેન્ડલર્સનું મોત નીપજ્યું. ખરેખર, બબ્બર ખાલસાના આતંકવાદીઓએ બોમ્બની યોજના ફ્લાઇટ માટે જ ઘડી હતી, પરંતુ આ દરમિયાન તેમનાથી એક ભૂલ થઈ ગઈ. થયું એવું કે કેનેડા અને અમેરિકામાં ડે લાઇટ સેવિંગ ટાઇમ ચાલે છે, જ્યાં ઉનાળામાં ઘડિયાળોને એક કલાક આગળ કરવામાં આવે છે અને શિયાળામાં એક કલાક પાછળ કરવામાં આવે છે. આતંકવાદીઓએ આ યોજના કેનેડિયન ટાઇમના હિસાબે ઘડી હતી, જ્યારે જાપાન ડે લાઇટ સેવિંગ ટાઇમને અનુસરતું નથી. આથી, આ બોમ્બ વિસ્ફોટ નારિતા એરપોર્ટ પર જ લગભગ એક કલાક વહેલો થઈ ગયો, જેમાં બે લોકોના જીવ ગયા, પરંતુ સદનસીબે એર ઇન્ડિયા ફ્લાઇટ 301ના તમામ મુસાફરોના જીવ બચી ગયા. એક ધડાકો અને 329 લોકો સ્વાહા થઇ ગયા
જે સમયે ટોક્યોમાં આ વિસ્ફોટ થયો, તેના લગભગ એક કલાક બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 આયરિશ કિનારાથી લગભગ 193 કિલોમીટરના અંતરે એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડાન ભરતી હતી અને ઝડપથી તેના આગલા ડેસ્ટિનેશન લંડન તરફ આગળ વધી રહી હતી. તે સમયે સવારના લગભગ 7:00 વાગી રહ્યા હતા. ફ્લાઇટ આયરિશ એરસ્પેસમાં પ્રવેશ્યા બાદથી જ આયરલેન્ડનું ATC ફ્લાઇટ સાથે સંપર્કમાં હતું. પરંતુ થોડી જ મિનિટો પછી તેમણે જોયું કે ફ્લાઇટ 182 અચાનક તેમના રડાર પરથી ગાયબ થઈ ગઈ. ઘણી મિનિટો સુધી જ્યારે ફ્લાઇટ 182 સાથે સંપર્ક ન થઈ શક્યો, ત્યારે ત્યાંના કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા. કશુંક ભયંકર અમંગળ થયાની આશંકાને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટ 182ની આસપાસ ઊડતાં વિમાનો સાથે સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ તેમની પાસે પણ ફ્લાઇટ 182 વિશે કોઈ માહિતી નહોતી. અને હોય પણ ક્યાંથી? પ્લેન આકાશમાં હોય તો તેમને દેખાય ને? જ્યારે આ કમ્યુનિકેશન ચાલી રહ્યું હતું ત્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 182માં મૂકેલો બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યો હતો, જેણે લગભગ 31,000 ફીટની ઊંચાઈએ આકાશમાં વિમાનના ટુકડે ટુકડા કરી નાખ્યા. લાખો લિટરનું ઇંધણ ધરાવતું ચાર એન્જિનવાળું બોઇંગ 747-237B મોડેલનું માત્ર સાત વર્ષ જૂનું ‘એમ્પરર કનિષ્ક’ વિમાન અનેક સળગતા ટુકડાઓમાં વહેંચાઇ ગયું હતું. તેમાં સવાર 86 બાળકો સહિત તમામ 329 લોકો બળી મર્યા હતા, વિસ્ફોટને કારણે મૃત્યુ પામ્યા હતા અથવા તો 31 હજાર ફીટ ઊંચેથી એટલાન્ટિક મહાસાગરમાં ગરકાવ થઇ ગયા હતા. 329માંથી 132 લોકોના જ મૃતદેહો મળી શક્યા
આ બધી બાબતોથી અજાણ અધિકારીઓએ સવારે 7:30 વાગ્યે ઇમરજન્સી જાહેર કરીને ફ્લાઇટ 182ને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. વિમાન જે સ્થળે રડાર પરથી ગાયબ થયું હતું, તે જગ્યાની નજીકથી પસાર થતા એક કાર્ગો શિપ સાથે સંપર્ક કરીને આ વિમાન વિશે માહિતી માગવામાં આવી. ઘટનાના લગભગ 2 કલાક બાદ, સવારે 9:00 વાગ્યે, એક મર્ચન્ટ શિપ લોરેન્ટિનો ઘટનાસ્થળની નજીકથી પસાર થઈ રહ્યું હતું. થોડે દૂર આગળ વધતાં, શિપના ક્રૂને કોઈ ફ્લાઇટનો કાટમાળ અને પાણીમાં તરતા મૃતદેહો દેખાયા. તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને આની જાણ કરવામાં આવી. આ ફ્લાઇટ 182નો જ કાટમાળ હતો. તે મળી આવ્યાની થોડી જ વારમાં નાની બોટ્સને એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી અને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું. રેસ્ક્યૂને ઝડપી બનાવવા માટે બ્રિટિશ રોયલ એરફોર્સનું વિમાન અને આયરિશ નેવલ શિપ લે એસ્લિંગ પણ દુર્ઘટનાસ્થળે પહોંચી ગયાં. આ ઉપરાંત, 19 જહાજો અને કેટલીક નાની ફિશિંગ બોટ્સને પણ આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવી. તે સમયે સમુદ્રમાં તેજ લહેરો ઊછળી રહી હતી, જેના કારણે રેસ્ક્યુ કામગીરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી. છતાં, રેસ્ક્યુ ટીમે હિંમત રાખીને પોતાનું કામ ચાલુ રાખ્યું. પરંતુ ઘણા કલાકોની આ કઠિન મહેનત બાદ પણ માત્ર 132 મૃતદેહો જ બહાર કાઢી શકાયા, જ્યારે બાકીના 197 મૃતદેહોને સમુદ્રની લહેરો દૂર ખેંચી ગઈ, જે ક્યારેય શોધી શકાયા નહીં. બાદમાં પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે કેટલાક લોકોનું મોત ઓક્સિજનની ઊણપને કારણે થયું હતું. આઠ લોકોને ફ્લેલ (Flail) પેટર્નની (છાતીની ત્રણ કે તેથી વધુ પાંસળીઓ ભાંગી જઇને શ્વાસ રૂંધી નાખે તેવી) ઇજાઓ થઈ હતી, જે દર્શાવે છે કે જ્યારે બોમ્બ ફાટવાથી ફ્લાઇટના ટુકડા થયા, ત્યારે તે લોકો આકાશમાં જ વિમાનમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, જે દરમિયાન તેમનું મોત થયું. 26 લોકોનું મોત પાણીમાં ડૂબવાથી અને 25 લોકોનું મોત સીધું વિસ્ફોટની ઝપટમાં આવવાથી થયું હતું. આ દુર્ઘટનામાં ‘નદીયા કે પાર’ ફિલ્મના લોકપ્રિય અભિનેતા ઇન્દર ઠાકુર પણ પોતાના પરિવાર સાથે જીવ ગુમાવી બેઠા હતા, જેઓ ઘટનાના દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ 182થી જ ભારત પરત ફરી રહ્યા હતા. જ્યારે આ ગમખ્વાર ઘટનાના સમાચાર કેનેડા અને ભારત સુધી પહોંચ્યા, ત્યારે પીડિતોના પરિવારોના પગ નીચેથી જમીન સરકી ગઈ. મૃતકોમાંથી અડધાથી વધુ લોકોના મૃતદેહ પણ મળી શક્યા નહોતા, જેના કારણે તેમના પરિવારજનો તેમને જીવતા તો શું, તેમના મૃતદેહો સુધી પણ ન પહોંચી શક્યા, જેનું તેઓ અંતિમ સંસ્કાર કરી શકે. વિશ્વનો સૌપ્રથમ હવાઇ આતંકી હુમલો
આ કનિષ્ક બોમ્બિંગ વિશ્વના હવાઇ ઉડ્ડયનના ઇતિહાસના સૌ પ્રથમ આતંકી હુમલાઓમાંનો એક હતો, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. રેસ્ક્યુ ઓપરેશન બાદ તુરંત જ આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી. આ ઘટનાના લગભગ એક કલાક પહેલાં ટોક્યોના નારિતા એરપોર્ટ પર પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ 301ના બેગેજ કાર્ગોમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેથી, બંને ઘટનાઓની કડીઓને જોડીને જોવામાં આવ્યું, તો બંને ઘટનાઓમાં ઘણી સમાનતાઓ સામે આવી. બંને ફ્લાઇટ્સને નિશાન બનાવવા માટે કનેક્ટિંગ ફ્લાઇટ્સનો સહારો લેવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ફક્ત વિસ્ફોટકોથી ભરેલા સામાનને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે CSISના એજન્ટ રે કબ્ઝીને આ બોમ્બિંગ વિશે ખબર પડી, ત્યારે તેના મુખમાંથી એ જ નીકળ્યું કે આ તલવિન્દર પરમારનું જ કામ છે. CSIS પાસે તલવિન્દર પરમાર અને તેના સાથીઓ વચ્ચે બોમ્બ બનાવવાથી લઈને વિમાનની ટિકિટ બુક કરવા સુધીની વાતચીતનાં રેકોર્ડિંગ્સ હતાં, તેમ છતાં આશ્ચર્યની અને આઘાતની વાત એ હતી કે આ ઘટનાનાં ઘણા વર્ષો બાદ પણ તેમાં સામેલ ગુનેગારોને પકડી શકાયા નહોતા. હુમલા પછીયે કેનેડાનો ઢાંકપિછોડો
આ બોમ્બિંગ પછી પણ કેનેડિયન અધિકારીઓએ કોઈ મજબૂત પગલાં લેવાને બદલે, પુરાવાઓને ઇરાદાપૂર્વક કે અજાણતા વિકૃત કરી દીધા. તેમની પાસે જે મૂળ પંજાબીમાં કોલ રેકોર્ડિંગ્સ હતાં, તેને અંગ્રેજીમાં અનુવાદ કરાવીને ડિલીટ કરી દેવામાં આવ્યાં, જેના કારણે કોર્ટે તેને પૂરતા પુરાવા તરીકે સ્વીકાર્યા નહીં. પોલીસે તલવિન્દર અને તેના સંગઠન બબ્બર ખાલસા સાથે જોડાયેલા ઘણા લોકો સામે કેસ નોંધ્યા, પરંતુ તેમાંથી એકપણ વ્યક્તિને જેલમાં ધકેલવામાં આવ્યો નહીં. હદ તો ત્યારે થઈ જ્યારે એક વર્ષ બાદ, 29 એપ્રિલ 1986ના રોજ, કોર્ટ સમક્ષ ઇન્દરજીત સિંહ રિયાદે સ્વીકાર્યું કે તેની પાસે વિસ્ફોટક સામગ્રી હતી, છતાં તેને માત્ર $2000નો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો. માસ્ટરમાઇન્ડનો ખાત્મો
ત્યારબાદ, તે પોલીસથી બચવા માટે પોતાના પરિવાર સાથે બ્રિટનમાં જઈને સ્થાયી થયો. પરંતુ જાપાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટના પુરાવા જાપાન પોલીસ પાસે હતા, જેના કારણે ત્યાં બે લોકોની હત્યાના ગુનામાં રિયાદને ધરપકડ કરીને કેનેડા પાછો લાવવામાં આવ્યો, જ્યાં તેને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. આ આખા હુમલાના માસ્ટરમાઇન્ડ તલવિન્દર સિંહ પરમારની ધરપકડ તો કરવામાં આવી, પરંતુ અપૂરતા પુરાવાનું બહાનું કાઢીને તેને થોડા સમયમાં જ છોડી દેવામાં આવ્યો. આ પછી તકનો લાભ લઈને તે પાકિસ્તાન ભાગી ગયો અને ત્યાંથી 1992માં ફરીથી પંજાબ પરત ફર્યો. તે એ વાતે મુસ્તાક હતો કે સેંકડો લોકોના જીવ લઈને પણ તે પંજાબમાં શાંતિથી જીવી શકશે. પરંતુ પંજાબમાં પ્રવેશતાં જ ભારતીય પોલીસ તેની પાછળ લાગી ગઈ. ભારતને ખાતરી હતી કે હવે જો આ જીવતો બચ્યો તો ફરી ક્યારેય હાથમાં નહીં આવે અને વધુ કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપશે. એક દિવસ પોલીસે તેને ચારે બાજુથી ઘેરીને મોતને ઘાટ ઉતારી દીધો. તેના મોત બાદ તેના સંગઠન ‘બબ્બર ખાલસા’એ જ તેને પોતાનો માનવાનો ઇનકાર કર્યો અને તેના પર ભારતનો ગુપ્ત એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો. કેનેડાના ખાલિસ્તાનીઓનો વાહિયાત દાવો હતો કે પરમારે ભારતીય સરકારના કહેવા પર વિમાનને તોડી પાડવાનું ષડ્યંત્ર રચ્યું હતું, જેથી ભારતમાં ચાલી રહેલી ખાલિસ્તાની ચળવળને ખતમ કરી શકાય. આ ઘટનાનાં લગભગ 15 વર્ષ બાદ, 2000માં, કેનેડિયન પોલીસે અજૈબ સિંહ બગરી અને રિપુદમન સિંહ મલિક સામે આ બોમ્બિંગમાં સામેલ હોવાનો કેસ નોંધ્યો. કેનેડામાં આ કેસ એટલો હાઇ-પ્રોફાઇલ હતો કે તેને ‘એર ઇન્ડિયા ટ્રાયલ’ નામ આપવામાં આવ્યું. પરંતુ તપાસ અત્યંત ઢીલી હતી અને સાક્ષીઓ માટે જોખમોથી ભરેલી હતી. કેસ દરમિયાન એક સાક્ષીની હત્યા કરવામાં આવી, જ્યારે એક સાક્ષીને પોલીસ પ્રોટેક્શનમાં રાખવો પડ્યો. કેનેડામાં તપાસના નામે ફારસ
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક અલગ કોર્ટરૂમ બનાવવામાં આવ્યો, પરંતુ ફરીથી કોર્ટે પુરાવાની ઊણપનું બહાનું આપીને બગરી અને મલિકને છોડી મૂક્યા. બીજી તરફ, રિયાદને એર ઇન્ડિયા 182 બોમ્બ બ્લાસ્ટના કેસમાં અલગથી 5 વર્ષ અને 2010માં કોર્ટમાં જૂઠું બોલવા માટે 9 વર્ષની સજા સંભળાવવામાં આવી. હુમલાના દિવસે વિસ્ફોટકોથી ભરેલી બેગ પહોંચાડનારા બંને માણસો, એમ. સિંહ અને એલ. સિંહ, વિશે કેનેડિયન પોલીસ આજ સુધી કંઈ જાણી શકી નથી, અને તે બંને ગુનેગારો કેનેડામાં ખુલ્લી હવામાં શ્વાસ લેતા રહ્યા. ઘણાં વર્ષો બાદ પણ આટલી મોટી દુર્ઘટનામાં કોઈ મોટી કાર્યવાહી ન કરવાને કારણે કેનેડિયન સરકારની ચોતરફ ટીકા થઈ રહી હતી. પીડિતોના પરિવારજનો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને સરકાર પાસે આ કેસની જાહેર સુનાવણી કરવાની માગ કરી રહ્યા હતા. ભારે દબાણ વચ્ચે, 2006માં કેનેડિયન વડાપ્રધાન સ્ટીફન હાર્પરે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જોન મેજરના નેતૃત્વમાં એક કમિશનની રચના કરી અને એર ઇન્ડિયા ફ્લાઇટ 182 બોમ્બિંગની તપાસનો આદેશ આપ્યો. જોન મેજર કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાના મુખ્ય આરોપી તલવિન્દર સિંહ પરમાર અને તેના સાથીઓને CSISના એજન્ટોએ જંગલમાં બોમ્બની ટેસ્ટિંગ કરતા જોયા હતા, પરંતુ આ માહિતી પોલીસને આપવામાં આવી નહોતી. CSISને બોમ્બ બનાવવાથી લઈને વિમાનમાં ટિકિટ બુક કરાવવા સુધીની બધી જ ખબર હતી, છતાં તેમણે ન તો આ ઘટનાને થતી અટકાવી, ન તો બાદમાં ગુનેગારોને સજા અપાવી. આ કમિશનની તપાસે કેનેડિયન સરકાર અને તેની તમામ તપાસ એજન્સીઓની નિષ્ફળતાને ખુલ્લી પાડી દીધી હતી. કમનસીબે તેમની સામે કોઇ જ નક્કર શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવ્યાં. ગુનેગારો આજે પણ આઝાદ ફરે છે
ભારતમાં પણ આ હુમલાની તપાસ માટે ‘કૃપાલ કમિશન’ની રચના કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ બોમ્બિંગનો માસ્ટરમાઇન્ડ તલવિન્દર પરમાર જ હતો. એર ઇન્ડિયા ફ્લાઇટ 182 બોમ્બિંગની તપાસ કેનેડિયન સરકારે 20 વર્ષથી વધુ સમય સુધી ખેંચી અને તેના પર 130 મિલિયન કેનેડિયન ડૉલર ખર્ચ્યા, પરંતુ આટલી મોંઘી અને લાંબી તપાસ છતાં, 329 લોકોના હત્યારાઓમાંથી માત્ર એક વ્યક્તિ રિયાદને જ જેલની સળિયા પાછળ મોકલવામાં આવ્યો, અને તે પણ 2017માં મુક્ત થઈ ગયો. તે સિવાયના તમામ હત્યારા આજે પણ ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે.