આપણામાંથી ઘણા લોકોએ એરોપ્લેનમાં મુસાફરી કરી હશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક મુસાફરની સીટ નીચે કેટલાક ઉપકરણો હોય છે. તમે જોયું જ હશે કે પ્લેનમાં લાઈફ જેકેટ હોય છે, ઓક્સિજન માસ્ક પણ હોય છે, છતા આપણને પેરાશૂટ જોવા મળતા નથી. તમને કદાચ આ બાબતની નવાઈ લાગી હશે.
આપણે એ વાત જાણીએ છીએ કે મિલેટ્રી એરક્રાફ્ટ અને ફાઈટર જેટમાં પેરાશુટ આપવામાં આવે છે અને કોઈ દર્ઘટના સમયે તેનો ઉપયોગ કરી જીવ પણ બચાવી લેવાય છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આપણા મનમાં પણ પ્રશ્ન થાય કે જો આ એરક્રાફ્ટમાં પેરાશુટ આપવામાં આવતા હોય તો કોમર્શિયલ ફ્લાઈટમાં શા માટે નહી?
આમાં પેરાશુટની ટ્રેનિંગનો અભાવ, પ્લેનની હાઈ સ્પીડ, દરવાજાનુ લોકેશન, બહારનુ ઠંડું વાતાવરણ વગેરે કારણોનો સમાવેશ થાય છે. ચાલો આ તમામ કારણોને વિસ્તાર પૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ.
યાત્રીઓ પાસે નથી હોતી પેરાશુટ વાપરવાની ટ્રેનિંગ
આપણને કદાચ લાગે કે માત્ર બે બાજુથી દોરડા ખેંચી પેરાશુટનુ બેલેન્સ કરવું એ ક્યાં અઘરી બાબત છે, પણ અસલમાં પેરાશુટ ઓપરેટ કરવું આપણે ધારીએ તેટલું સરળ નથી. પેસેન્જર પ્લેનમાં પેરાશૂટ ન રાખવાનું આ એક મહત્વનું કારણ એ છે કે પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોને પેરાશૂટનો ઉપયોગ કેવી રીતે કરવો અને નીચે ઉતરવું તે ખબર નથી હોતી. જેના કારણે જો તે યોગ્ય સમયે પેરાશૂટ ન ખોલે તો તેમનો જીવ પણ જઈ શકે છે.
કોમર્શિયલ ફ્લાઈટની વધુ ઉંચાઈ
મોટાભાગે કોમર્શિયલ ફલાઈટ અને પેસેન્જર પ્લેન 35000 ફૂટની ઉઁચાઈ પર ઉડતા હોય છે. જ્યારે સ્કાય ડાઈવિંગ માટે જે પ્લેન ઉડાડવામાં આવે છે તેની મહત્તમ ઉંચાઈ 15 થી 16 હજાર ફૂટ હોય છે. આ સિવાય તે પ્લેનની ગતિ પણ સિમીત હોય છે. જ્યારે કોમર્શિયલ ફ્લાઈટની બાબતમાં આવું નથી. કોમર્શિયલ ફ્લીટ હાઈ એલ્ટીટ્યુડ પર ઉડવાની સાથે ખૂબ જ સ્પીડમાં હોય છે. આ ઉંચાઈ પર વાતાવરણ ખૂબ જ ઠંડું હોય છે સાથે જ ત્યાં મનુષ્યને શ્વસ લેવા લાયક હવા અને ઓક્સિજનનો પણ અભાવ હોય છે.
વિમાનની ડિઝાઈન અને દરવાજાનુ લોકેશન
આપણે આ વાતથી તો વાકેફ જ છીએ કે ફાઈટર જેટ અને અન્ય એરક્રાફ્ટની સરખામણીએ કોમર્શિયલ ફ્લાઈટની ડિઝાઈનમાં ઘણો ફેર હોય છે. સામાન્ય કોમર્શિયલ પ્લેનમાં બાજુમાં બહાર નીકળવાના દરવાજા હોય છે, જો તમે આ દરવાજામાંથી કૂદી પણ જાવ તો તમે પ્લેનની સાઈડ વિંગ અથવા ટેઈલ સાથે અથડાઈ જશો. જો આવું થાય તો પ્લેનની સ્થિતી વધારે ખરાબ થાય સાથે જ પેસેન્જરોએ પણ જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. જો કોમર્શિયલ પ્લેનમાં પેરાશુટ આપવાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલા પ્લેનના ડિઝાઈનમાં ફેરફારો કરવાની જરૂર પડશે.
પ્લેનની વધારે ગતિ
કોમર્શિયલ પ્લેન માત્ર ખૂબ જ ઊંચાઈએ જ નહીં, પણ ખૂબ વધારે ઝડપથી ફ્લાય કરે છે. આ ગતિ એટલી હોય છે કે જો કોઈ વ્યક્તિ આ ઝડપથી પેરાશુટ લઈ વિમાનની બહાર કુદે તો તે વ્યક્તિની ગરદનને ગંભીર ઈજાઓ પહોંચી શકે છે. આમાં વ્યક્તિની મૃત્યુંની પણ સંભાવના રહેલી છે.
લેન્ડિંગ અને ટેકઓફ સમયે દુર્ઘટના
કોમર્શિયલ પ્લેનમાં મોટાભાગના અકસ્માત અને દુર્ઘટનાઓ પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગના સમયે જ થતી હોય છે. ખૂબ ઓછા એવા કિસ્સા છે કે જ્યાં પ્લેનને હવામાં દુરઘટના નડી હોય. પેરાશૂટનો ઉપયોગ કરવા માટે પ્લેનની ઉપર હોવું જરૂરી છે. જો લેન્ડિંગ અને ટેકઓફ સમયે અકસ્માત થાય તો પેરાશૂટ અર્થવિહીન બની જાય છે.
આ પણ વાંચો: OMG:
500 દિવસ ગુફામાં રહીને આવી મહિલા! એવું તો કેવું રિસર્ચ કરવા ગઈ હતી પાતાળમાં, આંચકો લાગે એવી ઘટના
પેરાશૂટની વધારે કિંમત અને વજન
પેસેન્જર એરક્રાફ્ટમાં પેરાશૂટ ન રાખવાનું એક કારણ તેની કિંમત પણ છે. જો દરેક યાત્રી માટે એક પેરાશૂટ ફાળવવામાં આવે તો તો હવાઈ સફરની કિંમત એટલી વધી જશે કે તેમાં યાત્રા કરવી મુશ્કેલ બનશે. એક પેરાશૂટની કિંમત 1 લાખથી વધુની હોય છે. આ સાથે જ પેરાશુટમાં વજન પણ ખૂબ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો તમામ મુસાફરો અને પાયલટ માટે પેરાશૂટ રાખવામાં આવે તો પ્લેનનું વજન ઘણી હદ સુધી વધી જશે. જેના કારણે પ્લેનને હવામાં ઉડાડવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
એવા બહુ ઓછા સંજોગો હશે જ્યાં પેરાશૂટથી કોઈનો જીવ બચાવી શકાયો હોય. આવું કરવા માટે દિવસનો સમય હોવો જોઈએ, પ્લેન જમીનની ઉપર હોવું જોઈએ અને દરેક વ્યક્તિ માટે પ્લેનમાંથી કૂદવા માટે પૂરતો સમય હોવો જોઈએ અને આ તમામ સંજોગો કોમર્શિયલ ફ્લાઈટમાં એકસાથે મળે તે થોડું મુશ્કેલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
