P24 News Gujarat

‘ગોળી ઉપર કોઇના નામ-સરનામાં નથી હોતા’:કપાયેલું માથું થાળીમાં લઈને વિદ્યાર્થીઓ દોડ્યા, 24 ગુજરાતીઓને પોલીસે ભડાકે દીધા

દીકરાની લાશ જોઈને દર્દને દિલમાં છૂપાવતા પિતા બોલ્યા, ‘એક તો શું બીજા ચાર છોકરા છે. જરૂર હશે તો તે પણ મહાગુજરાત માટે આપવા તૈયાર છું.’ તો એક માતાએ કહ્યું ‘મારી અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ન જાય એ જોવા હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું.’ ભારત દેશની આઝાદી માટેની ચલાવાયેલી લડત અને આપવામાં આવેલી કુરબાનીથી સૌ કોઈ વાકેફ છે પણ શું તમને ખબર છે કે આજનું ગુજરાત આપણને એમ જ નથી મળ્યું. તેના માટે પણ લોહિયાળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ગઈકાલે 1 મેના રોજ ગુજરાત રાજ્યની રચનાને 65 વર્ષ થયા. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરે ખાસ સિરીઝ મહાગુજરાતની મહાગાથા શરૂ કરી છે. આજના બીજા એપિસોડમાં જુઓ 65 વર્ષ પહેલાંની ઐતિહાસિક તસવીરો સાથે જ વાંચો કે મહાગુજરાત આંદોલન સમયે કેવો માહોલ હતો? શું-શું ઘટના બની હતી? નેતાઓએ શું કહ્યું હતું? આંદોલનમાં શહીદ થનારા યુવાનો પરિવારજનોમાં કેવો આક્રોશ હતો? અનેક ડોક્યુમેન્ટ અને પુસ્તકોના આધારે દિવ્ય ભાસ્કરે આ બીજો ખાસ અહેવાલ તૈયાર કર્યો છે. મહાગુજરાતના શહીદો અમને માફ કરજો, પાર્ટ-1 તો વાંચો હચમચાવી દેતા સંઘર્ષની વાત… 6 ઓગસ્ટ, 1956નો દિવસ હતો. ગુજરાતમાં જાણે દિવાળી હોય એવો માહોલ હતો. ગુજરાતીઓના ચહેરા પર એક અજીબ ચમક હતી. ઉજવણીની જબરદસ્ત તૈયારીઓ કરીને રાખી હતી. બસ દિલ્હીથી શુભ સમાચાર આવવાની રાહ હતી પણ ત્યાં તો આખા રાજ્ય પર વજ્રઘાત થયો. ઓચિંતું આભ ફાટી પડે એવો આઘાતજનક નિર્ણય લેવાયો અને તેના અત્યંત ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા. કેન્દ્ર સરકારે ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગને ઠુકરાવી દીધી હતી. એ દિવસે ગુજરાતના ગામે-ગામ અને ઘરે-ઘરે બસ આની જ ચર્ચા હતી. જોકે લોકો આ વાત માનવા હજી તૈયાર નહોતા. ભારે અજંપાભરી સ્થિતિ વચ્ચે બીજા દિવસની સવાર પડી. ઘરે-ઘરે અખબાર પહોંચ્યા. પહેલા પાને મોટા અક્ષરે ‘ગુજરાત સાથે વિશ્વાસઘાત’. ‘જન્મ પહેલાં જ મૃત્યુ પામેલું ગુજરાત’ હેડલાઈન છપાઈ.’ ગુજરાત અલગ રાજ્ય નહીં બને તેની વાત ફેલાતા જ લોકોમાં એકાએક ઉશ્કેરાટ ફેલાયો. લોકોને સહજ અપેક્ષા હતી કે ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર એમ ત્રણ અલગ-અલગ રાજ્યો બનશે. તેની જગ્યાએ કેન્દ્ર સરકારે ફક્ત એક જ મુંબઈ રાજ્યની જ જાહેરાત કરી. ગુજરાત અને મહારાષ્ટ્રને તેમાં સમાવી દીધા. ‘જો ગુજરાતની જનતા મૌન રહેશે તો ભાવિ પેઢીનો મહાન અપરાધ ગણાશે.’ ‘ગુજરાતની અસ્મિતાની કબર અને દ્વિભાષી રાજ્યની ઇમારત ચણવા અમે હરગીજ તૈયાર નથી.’ આવા પ્રકારના લેખો અખબારોમાં છપાયા. સરકારના નિર્ણય સામે ગુજરાતભરમાં જબ્બર ગુસ્સાની લાગણી ઊભી થઇ. ખાસ કરીને અમદાવાદમાં અસાધારણ ઉત્તેજના વચ્ચે ગલીએ ગલીએ, લત્તે લત્તે, સોસાયટીઓમાં, સરકારી અને ખાનગી ઓફિસોમાં બધે જ દ્વિભાષી રાજ્ય (ગુજરાતી અને મરાઠી)ની રચનાનો ઉગ્ર વિરોધ અને ચર્ચા ચાલુ થઇ ગયા. બપોર પછી કેટલાક વિદ્યાર્થીઓ એકઠાં થઇને અમદાવાદમાં ભદ્રમાં આવેલી કોંગ્રેસ ઓફિસ પર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. અઢી કલાક ચર્ચા પછી ઠાકોરભાઇએ સ્ટુડન્ટને કહ્યું, ‘પ્રદેશ કોંગ્રેસની બેઠક મળે ત્યાં સુધી તમારે રાહ જોવી જોઇએ.’ વિદ્યાર્થીઓને આ જવાબથી સંતોષ ન થયો. ત્રીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટ, 1956ના રોજ ગુજરાતમાં સંપૂર્ણ હડતાલનું એલાન અપાયું. અમદાવાદની તમામ કોલેજના વિદ્યાર્થીઓમાં સવારથી જ હલચલ તેજ થઇ ગઇ. સ્વંયભૂ એક જંગી સરઘસ લો કોલેજથી શરૂ થઈને નીકળ્યું. હાથમાં પુસ્તકો અને સાયકલ લઇને લગભગ ચારેક હજાર વિદ્યાર્થીનું સરઘસ ‘લે કે રહેંગે મહાગુજરાત’, ‘વી વોન્ટ મહાગુજરાત’ અને ‘મહાગુજરાત ઝિંદાબાદ’ સૂત્રો બુલંદ અવાજે પોકારતા આગળ વધ્યું. રાયપુર ચકલા ખાતે સરઘસને વિદ્યાર્થી આગેવાન અને ખાડિયાના કોર્પોરેટર બ્રહ્મકુમાર ભટ્ટે સંબોધન કરી શાંતિની અપીલ કરી. બપોર થતાં જ વિદ્યાર્થીના ટોળાઓ કોંગ્રસ હાઉસ (ઓફિસ)માં રજૂઆત કરવા એકઠાં થવા લાગ્યા. દોઢ વાગ્યે કોઇક કોંગ્રેસ નેતાએ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં પોલીસ દળ આવી પહોંચ્યું, જેમાં સારી એવી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ પણ હતી. પોલીસ કોંગ્રેસ હાઉસના અંદરના ભાગમાં તેમજ બહારની બાજુ ગોઠવાઈ. કલેક્ટર લલિતચંદ્ર.આર.દલાલ અને DSP મીરાંડા પણ આવી પહોંચ્યા. વિદ્યાર્થી આગેવાનોમાં ઉશ્કેરાટ ફેલાયો કે કોઈ તોફાન નથી થયું તો પછી પોલીસને શા માટે બોલાવવામાં આવી છે? વિદ્યાર્થીઓએ પહેલા માળે પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા. એવામાં કોંગ્રેસી નેતાએ એક સ્ટુડન્ટનું અપમાન કરી તેને પોલીસની મદદથી બહાર કાઢ્યો. અંદાજે 4 વાગ્યાની આસપાસ અણધારી ઘટના બની. ગુજરાત ક્લબ બાજુથી અને સામે આવેલા સરદાર સ્મારક તરફથી અચાનક કોંગ્રેસ ઓફિસ પર પથ્થરો ફેંકાયા. એકાએક અરાજકતાનું વાતાવરણ ઊભું થયું. તે વખતે કોંગ્રેસ ઓફિસમાં નીચે અને ઉપરના માળે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હતા. જેઓ કોંગ્રેસના નેતાઓ સાથે તેમજ અંદરોઅંદર ચર્ચા કરતા હતા. અચાનક પોલીસે ઓફિસની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર 303 રાઈફલથી ગોળીબાર કર્યો. થોડીવારમાં બૂમરાણ મચી ગઈ. કોઈને માથામાં, કોઈને પેટમાં તો કોઈને પગમાં ગોળીઓ વાગતા અનેક વિદ્યાર્થીઓ જમીન પર ઢળી પડ્યા. જોતજોતામાં સમગ્ર વિસ્તાર લોહીથી રક્તરંજિત થઈ ગયો અને ગુજરાતના ઈતિહાસમાં આ દિવસ હંમેશના માટે કાળા અક્ષરે લખાઈ ગયો. પોલીસની ગોળીથી સૌ પહેલાં 16 વર્ષનો યુવક પૂનમચંદ વિંધાયો. મૂળ બનાસકાંઠાના થરાદના વતની અને અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરી કરતા પૂનમચંદની ખોપરી ઉડીને ધડથી અલગ થઈ ગઈ. હાજર વિદ્યાર્થીઓ આ દૃશ્ય જોઈને કંપી ગયા. અમુક વિદ્યાર્થીઓ હિંમત કરીને આ ખોપડીના માંસના લોચા એક થાળીમાં મૂકીને નજીક આવેલી ગુજરાત ક્લબમાં દોડી ગયા. જ્યાં પોલીસે છોડેલી 303 રાઈફલની ગોળીથી ઉડી ગયેલું વિદ્યાર્થીનું લોહીલુહાણ મસ્તક જોઈને વકીલોના મોં પહોળાં થઈ ગયા. થોડીવારમાં વકીલોમાં પણ ભારે ગુસ્સો અને ઉશ્કેરાટ ફેલાયો. આ બાજુ ગોળીબાર તો ચાલુ જ હતો, જેમાં કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ નામના વધુ બે યુવકો ઢળી પડ્યા. 18 વર્ષનો કૌશિક સેન્ટ ઝેવિયર્સ કોલેજના પહેલા વર્ષમાં ભણતો. માતા-પિતાનો એકના એક આધારસમાન હતો. દીકરાના મોતની ખબર મળતાં જ પાછળથી નિસાસા નાખતાં માતા-પિતા બોલ્યાં હતાં- ‘અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું. જિંદગી ખારી થઈ ગઈ છે અને હવે જીવવાની ઈચ્છા નથી.’ જ્યારે 17 વર્ષનો સુરેશ જયશંકર ભટ્ટ ઠાકર્સ હાઈસ્કૂલમાં ભણતો હતો. તેણે બે મહિના પહેલાં જ મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલમાં એક છોકરાને ડૂબતો બચાવ્યો હતો. બે દિવસ પહેલાં સુરેશે ઘરની દીવાલ પર લખ્યું હતું, ‘રે! પામર મનુષ્ય, તુ માયાને છોડી દેજે. માયા કલ્પના છે અને તે કોઈની થઈ નથી અને થશે પણ નહીં. એટલે તું માયાને ત્યજીને સુખી થા.’ એ વખતે પોલીસની હલચલ જોઈને નાનાભાઈએ સુરેશને ઘરે રહેવા કહ્યું હતુ પણ સુરેશ અડીખમ રહ્યો અને ગોળીએ વિંધાયો. આ જ સ્થળે ગોળીથી ચોથું મોત 17 વર્ષના અબ્દુલ પીરભાઈ નામના યુવકનું થયું. અબ્દુલ છીપાના કારખાનામાં કામ કરતો હતો. અંતિમ સંસ્કારમાં ગરીબ પિતા દીકરાને અંજલિ આપતા મોટા અવાજે તાડુકતા બોલ્યા હતા- ‘એક તો શું બીજા ચાર છોકરા છે. જરૂર હશે તો તે પણ મહાગુજરાત માટે આપવા તૈયાર છું.’ આ સિવાય એ દિવસે ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ બે યુવકોએ પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અમદાવાદમાં અચાનક શું બની રહ્યું છે તેની કોઈને ખબર જ નહોતી પડતી. અંધાધૂંધી વચ્ચે શાંતિનો સંદેશ આપવા માટે એ દિવસે જ લાલ દરવાજા મેદાન (હાલ ત્યાં સરદારબાગ)માં વિદ્યાર્થી સમિતિના અગ્રણી રતિલાલ ખુશાલદાસે જાહેર સભા રાખી. જ્યાં જોત જોતામાં સેંકડો વિદ્યાર્થીઓના ટોળાં આવીને શાંતિથી બેસી ગયા. હજી તો થોડો જ સમય વિત્યો હશે કે પોલીસ ત્યાં પણ ધસમસતી આવી અને ગોળીઓ છોડવા માંડી, જેમાં મદ્રાસ (હાલ ચેન્નઇ)ના વતની ગોવિંદ વરુમન સ્વામીનું મોત થયું. એક જ દિવસમાં આ પાંચમું મોત હતું. પોલીસના દમન અને ગોળીબારમાં પાંચ-પાંચ નવયુવકોના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા અમદાવાદમાં ઉગ્ર અને ઘેરા પડઘા પડ્યા. ગોળીબાર કોંગ્રેસ શહેર પ્રમુખ ત્રિકમલાલ પટેલે કરાવ્યો છે એવી વાત ફેલાતા ગુજરાત ક્લબના દરવાજા પાસે પડેલી તેમની મોટરકારને ટોળાએ સળગાવી દીધી. આ સિવાય પણ કોંગ્રેસ ભવન પાસે પાંચ-છ સરકારી મોટરને આગ લગાડી દેવામાં આવી. જ્યારે કોઈએ કોંગ્રેસ ભવનમાંથી મોરારજી દેસાઈની છબી ઉપાડી લાવી ગુજરાત ક્લબ પાસે બાળી દીધી. અનેક જગ્યાએ પોલીસ ચોકીઓ, બસ સ્ટેન્ડ, વીજળીના થાંભલા અને જાહેર મિલકતોને આગ લગાડવાના બનાવો ચાલુ થઈ ગયા. સાંજ પડતાં પડતાં તો સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. મોડી રાત સુધી કોંગ્રેસ નેતાઓના સરકારી-અર્ધસરકારી મકાનો પર લોકોના હુમલા ચાલુ રહ્યા. ઠેર-ઠેર પોલીસના લાઠીચાર્જ અને અશ્રુવાયુનું તાંડવ ચાલતું રહ્યું. લાલ દરવાજે વીજળીઘરના ભોયરા ભંડારમાં ટોળાએ ભાંગફોડ કરી આગ ચાંપી દીધી. રિલીફ રોડ પર સહકારી ભંડાર લૂંટવામાં આવ્યો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા એ દિવસે પોલીસે ત્રીજીવાર ગોળીબાર કર્યો જેમાં પણ અનેક લોકો ઘાયલ થયા. પોલીસે તુરંત સરઘર-સભા યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો. અને રાતના 9થી સવારના 7 સુધી કર્ફ્યૂ લાદી દીધો. જોકે તેની કોઈ અસર ન થઈ. આખી રાત તાંડવ ચાલું રહ્યું. ગોળીબારના જઘન્ય કૃત્યથી મહાગુજરાતના આંદોલનને જબરદસ્ત મોટું ટેકઓફનું બળ મળ્યું. પોલીસના અત્યાચાર અને ગોળીબારથી વિદ્યાર્થીના મોતના સમાચાર બીજા દિવસે અખબારોમાં પાના ભરી ભરીને છપાયા, જેથી આંદોલનની અસર સમગ્ર ગુજરાતમાં પ્રસરી. 9મી ઓગસ્ટ, 1956નો દિવસ ઉગતા જ ફરી અમદાવાદમાં તોફાનો શરૂ થયા. શાહપુરમાં કેન્દ્રના નાણાપ્રધાન સી.ડી.દેશમુખની નનામી બાળવામાં આવી. બપોરે 12 વાગ્યે ફરી શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ કોંગ્રેસની ઓફિસે એકઠાં થઈને દેખાવો કર્યો અને ગોળીબારની તપાસ કરાવવાની માગ કરી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ વિદ્યાર્થીઓ ‘લેં કે રહેંગે મહાગુજરાત’ જેવા સૂત્રો પોકારતા ફરવા લાગ્યા. જ્યારે કોંગ્રેસ અગ્રણી ઠાકોરભાઈ દેસાઈએ નિવેદન આપ્યું કે ‘બંદૂકની ગોળીઓ પર નામ-સરનામા લખેલાં હોતાં નથી. તેથી કોને ગુનેગાર કે નિર્દોષ ગણવો તે કહી શકાય નહીં.’ આથી આગમાં વધુ ઘી હોમાયું. શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આગ લગાડવાના બનાવો ચાલુ જ રહ્યા. મહેમદાબાદના નેનપુર ખાતે આશ્રમ ચલાવતા ઈન્દુલાલ યાજ્ઞિકને આ સમગ્ર બાબતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ટ્રેનમાં અમદાવાદ આવી પહોંચ્યા અને વિદ્યાર્થી સમિતિના અગ્રણીઓને મળ્યા. પછી બધા ગુજરાત કોલેજના દરવાજા પાસે શહીદ કીનારીવાલાને અંજલિ આપવા બોલાવવામાં આવેલી સભામાં પહોંચ્યા. અહીં આગેવાનોએ અલગ ગુજરાત રાજ્યની માગ અને પોલીસ ગોળીબારની તપાસની માગ સાથે ભાષણો આપ્યા. હરિહર ખંભોળજાએ કહ્યું, ‘અંગ્રેજો ગયા પછી પણ ગોળીબારને દેશવટો દેવાયો નથી. પહેલાંની માફક પથ્થરનો જવાબ ગોળીબારથી અપાયો છે. આપણી લડત કોઈની સામે નથી, પણ મહાગુજરાત મેળવવા માટે છે.’ જ્યારે ઈન્દુલાલ યાજ્ઞિકે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે જ્યાં સુધી મહાગુજરાત નહીં સ્થપાય ત્યાં સુધી જંપીને બેસીશું નહી અને સરકારને પણ જંપીને બેસવા દઈશું નહીં. આ બાજુ અમદાવાદમાં બહારથી પોલીસ દળને ખડકી દેવામાં આવ્યું. લોકો પણ ગોળીબારથી ગભરાઈને ઘરમાં બેસી રહેવાને બદલે મરણિયા થઈને રસ્તા પર પોલીસ જવાનો સાથે ગેરીલા યુદ્ધમાં ટકરાવા લાગ્યા હતા. શહેરનો એક પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પોલીસનો ગોળીબાર કે લાઠીચાર્જ ન થયો હોય. શાહપુર અને ખાડિયામાં તો મિલિટરી પોલીસ ગોઠવવી પડી હતી. રસ્તા પર ટોળાએ આડસો નાખી દેતાં પોલીસ વધુ રઘવાઈ બની હતી. આ દરમિયાન 22 વર્ષીય કાન્તિલાલ પરમાર નામનો યુવક તેના નાનકડા 10 વર્ષના ભાઈની ભાળ મેળવવા બહાર નીકળ્યો ત્યારે ટિળક રોડ પર ઓરીએન્ટલ બિલ્ડિંગ પાસે માથામાં ગોળી વાગતા ઢળી પડ્યો હતો. તેના માતા-પિતા ચલાલા પાસેના સરવડા ગામમાં રહેતા હતા. જ્યારે ગુલામ હુસૈન મોમીન નામનો યુવક સાડીઓ પર છાપકામ અને છાપાની ફેરી કરીને ગુજરાન ચલાવતો. તે સવારે ઘરેથી નીકળ્યો પછી જીવતો પાછો જ ન આવ્યો. તે પણ પોલીસ ગોળીબારનો ભોગ બન્યો હતો. જ્યારે 30 વર્ષનો હીરાલાલ વોરા ટિળકરોડ પર ઓળખીતા શાકવાળાની દુકાને પાણી પીવા ગયો હતો. જ્યાં દુકાનનું બારણું વિંધીને પોલીસની ગોળી આવીને સોંસરવી નીકળી ગઈ. એક પગે ખોડવાળા 26 વર્ષના વિષ્ણુપ્રસાદનો કિસ્સો ખૂબ કરુણજનક છે. ગાંધી રોડ પરની મામુનાયકની પોળમાં રહેતો વિષ્ણુપ્રસાદ સરકારના નિર્ણયના વિરોધમાં ઉતરી પડ્યો. રસ્તા પર ટોળા સાથે તે ફરતો હતો. ઓચિંતી પોલીસ આવી જતાં બીજા બધા પોળમાં નાસી ગયા પણ પગની ખોડના લીધે વિષ્ણુપ્રસાદ પોળના દરવાજા સુધી પહોંચે એ પહેલા જ પોલીસની કાળમુખી ગોળી તેના સુધી પહોંચી ગઈ. ચોથા દિવસે વધુ પાંચ લોકો પોલીસની ગોળીનો શિકાર બન્યા. સ્થિતિ કાબૂમાં ન આવતાં મુંબઈથી DIG નગરવાલા તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. અચાનક ગુજરાતની તસવીર એકદમ બદલાઈ ગઈ. ત્રણ દિવસમાં જ 14-14 ઘરના નવયુવાનો પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. આ બનાવના વિરોધમાં અમદાવાદ બહાર ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામડાંમાં પણ સરઘસો નીકળ્યાં અને સભાઓ થઈ. મુંબઈમાં અમુક બજારો બંધ રહ્યા. દિલ્હીમાં પણ પડઘા પડ્યા. લોકસભામાં સામ્યવાદી પાર્ટીએ કાર્યવાહી સ્થગિત કરવાની દરખાસ્ત મૂકી, પણ અધ્યક્ષે નકારી દીધી. ઉલ્ટું કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્ય રચવાનો કાયદો 241 વિરુદ્ધ 40 મતે પસાર કરી દીધો.એટલું જ નહીં ખરડાની ચર્ચામાં જવાહરલાલ નેહરુએ કહ્યું, ‘લોકસભાનો નિર્ણય હિંસાથી ફરશે નહીં. ચૂંટણી કરીને પ્રજા વર્તમાન સરકારને બદલી શકે છે, પરંતુ સરકાર તોફાનો સામે નમતું જોખશે નહીં.’ જ્યારે મોરારજીભાઈએ એક જગ્યાએ કહ્યું, ‘મેં જે કંઈ કરેલું છે તે ગુજરાતના હિતને લક્ષ્યમાં રાખીને જ કરેલું છે અને તેની સચ્ચાઈ પુરવાર કરવામાં હું કંઈ બાકી રાખીશ નહીં. વિદ્યાર્થીઓમાં કાયદો હાથમાં લેવાની ફેશન થઈ ગઈ છે, પણ લોકોએ બહુમતીનો નિર્ણય સ્વીકારવો જોઈએ.’ 10મી ઓગસ્ટ, 1956ના જનસત્તા અખબારે પહેલું પાનું સાવ કોરું રાખી માત્ર કાળી બોર્ડર મૂકી, જેમાં વચ્ચે લખ્યું- ઉન શહીદોં કી યાદ મેં, જીન્હોં ને અપને ખૂન સે સિંચા. વિરોધને ડામવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ મુંબઈથી અમદાવાદ આવ્યા. આ તરફ આંદોલનના સમર્થનમાં અમદાવાદના મેયર ચીનુભાઈ શેઠ તેમજ અનેક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. મહિલા આગેવાનો પણ બહાર આવ્યા અને સરકારને અપીલ કરતાં કહ્યું કે અમે પણ બાળકોની મા છીએ અને વધુ લોહી રેડવાનું બંધ કરાવો. મુંબઈથી સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે દ્વિભાષી રાજ્યની રચના અને પોલીસ દમનનો વિરોધ કરતું નિવેદન બહાર પાડતાં ગુજરાતી પ્રજામાં ઉત્સાહ ફેલાયો હતો. દિલ્હીમાં કેન્દ્ર સરકારના વર્તુળોને એવું હતું કે નવા કાયદાને ગુજરાત શાંતિથી સહન કરી લેશે પણ તેના બદલે વ્યાપક તોફાન ફાટી નીકળતા દિલ્હીવાળા સાવ છક્કડ ખાઈ ગયા. તેમણે આવા ભારે તોફાનની કલ્પના પણ નહોતી કરી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓને એટલો ડર પેસી ગયો હતો કે કોંગ્રેસ હાઉસ (ઓફિસ)નું કામકાજ પોલીસ અને સેવાદળના કાર્યકરોની ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે ચાલતું હતું. કોંગ્રેસનો ગઢ ગણાતું અમદાવાદ એક રાતમાં તેનું કટ્ટર વિરોધી થઈ ગયું. એક રાતમાં માથા પર મૂકાતી ધોળી ટોપી અદૃશ્ય થઈ ગઈ. જો કોઈ પહેરતું તો તેમનું આવી બનતું હતું. મહાગુજરાત આંદોલનની આગને ઠારવા માટે કેટલાંક કોંગ્રેસના આગેવાનોએ અમદાવાદના માણેકચોકમાં મોરારજી દેસાઈની સભાનું આયોજન કર્યું, જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના નેતાઓ માણેકચોકમાં પહોંચ્યા તો લોકોએ તેમને ઘેરી લીધા હતા. એટલું જ નહીં ઉશ્કેરાયેલા લોકોએ કોંગ્રેસના ત્રણેક આગેવાનોના ધોતિયા ખેંચી નાખ્યા હતા. નિર્વસ્ત્ર થઈ ગયેલા કોંગ્રેસી નેતાઓને નજીકની કાપડની દુકાનમાં લઈ જવાયા હતા. જ્યાં કાપડના તાકા ફાડીને નેતાઓએ શરીરે વીંટાળી આબરું બચાવી હતી. ત્યાર બાદ એમ્બ્યૂલન્સ બોલાવી તેમાં કોંગ્રેસના નેતાઓને પોલીસ પ્રોટેક્શન હેઠળ ઘરે મોકલવામાં આવ્યા હતા. ગાંધીજીએ 1947માં કહેલી વાતો સાચી પડતી લાગી. એ વખતે તેમણે બિહારમાં કોમી રમખાણ બાદ પટણાની પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે અનેક ત્યાગ અને તપ વડે કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે પણ જો આજની ઘડીએ કોંગ્રેસવાળાઓ પ્રજાને દગો દેશે તો અને સેવા કરવાના બદલે માલિક બની જશે તો તથા ધણીપણું આદરશે તો કદાચ હું જીવું કે ન જીવું પણ આટલા વરસના અનુભવોના આધારે આ આગાહી કરવાની હિંમત કરું છું કે દેશમાં બળવો ફાટશે, ધોળી ટોપીવાળાને પ્રજા વીણી વણીને મારશે અને કોઈ ત્રીજી સત્તા તેનો લાભ લેશે. દરમિયાન આંદોલનમાં વધુ ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા. 20 વર્ષીય સુરેન્દ્ર રાધેલાલ પટેલે બે મહિના પહેલાં જ પિતા ગુમાવ્યા હતા. દરિયાપુરમાં પોલીસની ગોળી તેને ચીરીને નીકળી ગઈ. જ્યારે 12 વર્ષનો ગાવિશંકર નાઈ નામનો કુમળી વયનો તરુણ ક્ષૌર કર્મ (દાઢી-વાળ કાપવાનું) કરીને નિર્વાહ કરતો હતો. જ્યારે 37 વર્ષના વાસુદેવ વસાવા મિલમાં નોકરી કરીને ઘી-કાંટા રોડ પરથી પસાર થતો તેને ગોળી વાગતા ત્યાં જ મોતને ભેટ્યો હતો. એ જ દિવસે કલોલમાં કાપડની મિલોના કામદારો રસ્તા પર ઉતર્યા હતા, જેને વિખેરવા પોલીસે કારમો લાઠીચાર્જ કર્યો. તેથી કામદારોમાં ઉશ્કેરાટ ફેલાયો. પોલીસે એક કામદારનો પીછો કરીને મીલમાં જઈને પગના નળામાં લાઠી મારીને ઘાયલ કર્યો. તરત બધી મિલ બંધ થઈ. હજારો કામદારોએ ભેગા થઈને મોરારજી દેસાઈની નનામી કાઢીને મજૂર મહાજનની કચેરી આગળ બાળી. પોલીસે આવીને લાઠી ચાર્જ કરતા બધા વિખેરાઈ ગયા. બપોરે ફરી કામદારો ટાવર પાસે ભેગા થયા. પોલીસે કંઈ જ ચેતવણી આપ્યા વગર ગોળીબાર કર્યો, જેથી ત્યાં તળાવ પાસેથી પસાર થતા બે નાના બાળક ચંદુલાલ નાયક અને અલીભાઈ ગનીભાઈને વાગતા મોતને ભેટ્યા હતા. 14 વર્ષનો ચંદુલાલે તો સવારમાં જ તેની માતાને કહ્યું હતું, ‘હું શહીદ થાઉં તો કેટલું સારું?’ તેના પિતા સાથે જવાને બદલે તે ‘હું ઝાંપે બેઠો છું’ કહીને ફરવા નીકળ્યો હતો. જ્યાં ટોળામાં વચ્ચે તે ફસાઈ ગયો હતો. એક વૃદ્ધને ભાગતા જોઈને ચંદુલાલ બોલ્યો હતો, ‘કેમ નાસો છો? મહાગુજરાત માટે ગોળી ખાવી પડે તો પણ શું?’ પછી તળાવ બાજુ ગયો અને ગોળી વાગી. જ્યારે ત્રીજી ગોળી કારીગર છનાભાઈ સુથારને વાગતા જમીન પર ફસડાઈ પડ્યા હતા. નડિયાદમાં અલગ જ બનાવ બન્યો. દ્વિભાષી મુંબઈ રાજ્યના મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના નડિયાદ સ્થિત ઘર પર બે દિવસથી હુમલા થતા હતા પણ 11મી ઓગસ્ટે, 1956ના રોજ હજારો લોકોના ટોળાંએ તેમના બંગલા પર પહોંચી રાજીનામાની માગ કરી હતી. કેટલાંક લોકો બંગલામાં ઘૂસી ગયા હતા. બાબુભાઈના પટેલના નાનાભાઈ મધુભાઈએ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યા. એક ગોળી રામસિંગ મારવાડી નામના યુવકના જમણા પગને વિંધીને નીકળી ગઈ. આથી ટોળું વધુ ઉશ્કેરાયું અને બંગલામાં ભાંગફોડ શરૂ કરી સામાનને આગ ચાપી. એટલું જ નહીં ટોળાએ બાબુભાઈ પટેલના પુત્ર સતીષને અગાસીમાંથી નીચે ફેંકી દીધો. જેને તાત્કાલિક મિશન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આવીને લાઠીચાર્જ કર્યો પણ ટોળાંને કંઈ અસર ન થઈ. આથી પોલીસે ગોળીબાર કર્યો અને રણછોડભાઈ નામના કિશોરની આંખ ઊડી ગઈ. હવે આંદોલન વેગ પકડતું જતું હતું. આ સાથે જ ઇન્દુલાલ યાજ્ઞિક ખૂબ સક્રિય થઈ ગયા અને ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ કરી લોકોને જાગૃત કરવા લાગ્યા. તેમણે ભરુચના આઝાદ મેદાનમાં કહ્યું, ‘ગુજરાતનું છેક કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાહ્યાઓએ ડૂબાડી દીધું છે. ગાંધીજી તો ભાષાવાર રાજ્યના ચુસ્ત હિમાયતી હતા. ગુર્જર રાજ્યની રચના એ સરદારના જીવનનું છેલ્લું સ્વપ્ન હતું પણ મોરારજીભાઈએ ગુજરાતને ધોળે દિવસે વેચ્યું છે. જો તેમનામાં હિંમત હોય તો વિરોધમાં રાજીનામું આપે. આજે ગુજરાતના નવયુવાનો ગોળીઓ ઝીલી રહ્યા છે અને બહેનો રણચંડી બનીને ગોળીઓ ખાવા નીકળી છે. મહાગુજરાત ન સ્થપાય ત્યાં સુધી અમે ઝંપીને બેસીશું નહી. ‘ ઈન્દુલાલ યાજ્ઞિકે સુરતમાં સભામાં કહ્યું, ‘ગુજરાતના આગેવાનોએ દિલ્હી જઈ ગુજરાતની પ્રજાને વેચી મારી છે. મહાગુજરાતનો હોઠે આવેલો અમૃત પ્યાલો ધૂળમાં ઢોળાઈ ગયો છે અને દ્વિભાષી રાજ્યનો ફેંસલો આપણા માથે ઠોકી બેસાડવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજા આ ક્યારેય સહન કરશે નહીં અને પોતાનું અલગ રાજ્ય લઈને જ જંપશે. તે માટે લાંબી મંજિલ કાપવી પડશે અને શાંતિમય માર્ગે કૂચ કરવી પડશે. વિદ્યાર્થીઓને સમજાવવાના બદલે જેના મ્હોમાં માનું દૂધ સૂકાયું નથી એવા કાચા જુવાનો પર ભીષણ ગોળીબાર થયા છે. જ્યાં સરકારનું સ્મારક રચવાનું છે તે ચોક જુવાનોના લોહીથી રંગાઈ ગયો છે.’ આ તરફ પોલીસનું દમન તો ચાલુ જ હતું. અમદાવાદના મીરઝાપુરમાં એર ઈન્ડિયાની ઓફિસ પાસે પોલીસે બે યુવકો પર ગોળીબાર કર્યો, જેમાં 17 વર્ષના પોપટલાલ પંચાલે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત દિનેશ કેશવલાલ વોરાને લોહી નીતરતી હાલતમાં દિનશા પટેલ નામના પારસીના ઘરના ઓટલા પર સૂવડાવવામાં આવ્યા. લોહી ભીનું દૃશ્ય જોઈને પારસી કુટુંબને કમકમા આવી ગયા. એટલું જ નહીં દૃશ્ય એટલું ભયંકર હતું કે ખુદ ઘરના મોભી દિનશા પટેલનું આઘાતમાં મોત થયું. અગાઉ આ જ રીતે રિલીફ રોડ પર ગોળીબારના દૃશ્ય જોઈને એરચ શાહ, ભીખાજી પટેલ બેભાન થઈ ગયા હતા. અને તેમની યાદશક્તિ ચાલી જતા તે પછી આઘાતમાં મરણ પામ્યા હતા. આ બંને પારસી મામા-ફોઈના દીકરા થતાં હતાં. દરમિયાન વિદ્યાર્થી સમિતિએ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં 13મી ઓગસ્ટે ‘શહીદ દીન’ ઉજવવાનું નક્કી કર્યું. જંગી સરઘસ ‘શહીદ અમર રહો’, ‘મહાગુજરાત ઝિંદાબાદ’ પોકારતું કોંગ્રેસ હાઉસ પહોંચ્યું હતું. સરઘસ એકદમ શાંત અને ગંભીર હતું. શહીદ સ્થળે દીવો પ્રગટાવી, પુષ્પાંજલિ અર્પિત કરી બે મિનિટ મૌન પાળ્યું. અમુક વિદ્યાથીઓએ મોરારજી દેસાઈની નનામીઓ બાળી. પોલીસે તેમને રોક્યા તો છોકરાઓ તાડુક્યા અને સૂત્રો પોકાર્યા- પોલીસવાળા શું કરે? કાંકરિયામાં ડૂબી મરે! કમનસીબે એ જ દિવસે જયંતીલાલ હરિવલ્લભદાસ પંડ્યા નામના આધેડ ગાંધી માર્ગ પર મામુ નાયકની પોળ આગળથી પસાર થતા હતા ત્યારે પોલીસની ગોળીથી વિંધાયા. તેમણે પોલીસને કર્ફ્યૂની પરમીટ પણ બતાવી હતી છતાં પોલીસે તેમના પર ગોળીઓ છોડી હતી. તેમણે પોળના નાકે જ દમ તોડ્યો. છેલ્લે તેઓ એટલું બોલ્યા- ‘મારી પાછળ ઘીનો દીવો કરજો.’ દાવાનળની જેમ ફેલાયેલું આ આંદોલન સ્વયંભૂ હતું. આમ છતાં તેને સમજવાની કે ઘા પર મલમ ચોપડવાની લાગણી એ વખતના કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી શક્યા નહોતા તે મોટી કમનસીબી રહી હતી. 15મી ઓગસ્ટ, આઝાદીનો દિવસ શોકદિન તરીકે ઉજવવાનું વિદ્યાર્થી સમિતિએ નક્કી કર્યું. દરેક પોળ પર કાળા તોરણ અને વાવટા બાંધવામાં આવ્યા. સ્ત્રીઓ કાળી સાડી પહેરી અને પુરુષોએ હાથ પર કાળી પટ્ટી લગાવી. લો કોલેજના મેદાનમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા સેંકડો લોકો ઉમટી પડ્યા. સંપૂર્ણ શાંતિ વચ્ચે ગોળીબારમાં માર્યા ગયેલા સુરેશના માતા સવિતાબેને ગદગદ અવાજે કહ્યું હતું, ‘મારી અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ન જાય એ જોવા હું લોકોને વિનંતી કરું છું.’ બીજા દિવસે ઈન્દુલાલ યાજ્ઞિકે સરદાર પટેલની ભૂમિ કરમસદમાં જંગી સભામાં હુંકાર કર્યો કે ‘અમદાવાદના ગોળીબારે આખા ગુજરાતને જાગ્રત કર્યું છે. સરદારના સ્વપ્નને મોરારજીભાઈએ ધૂળમાં મેળવ્યું છે અને વળી જે વિરોધ કરશે તેને ખુલ્લી ધમકી આપે છે પણ ગુજરાતને તેની મરજી વિરુદ્ધ મહારાષ્ટ્ર સાથે પરણાવી શકાય નહીં.’ પછી કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી અને આખા વિશ્વએ નોંધ લેવી પડી. 16મી ઓગસ્ટના રોજ જાહેરાત થઈ કે અમદાવાદમાં 19મી ઓગસ્ટે કોંગ્રેસની સામાન્ય સભા મળશે અને પછી મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ સાંજના પાંચ વાગ્યે લાલ દરવાજા મેદાનમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના અંગે પ્રવચન કરશે. આવી જાહેરાત થતાં જ ગુજરાતનો માહોલ ગરમ થઈ ગયો. આંદોલન ચલાવનારા બધા સજાગ થઈ ગયા અને આ અંગેની રણનીતિ બનાવવામાં લાગી ગયા. જો લોકો બહાર નીકળશે અને મોરારજીભાઈની સભામાં પહોંચી જશે તો ભારે તોફાનો થશે અને રક્તપાત સર્જાશે. તેથી કોઈ અસરકારક કાર્યક્રમ આપવાની ચર્ચા થઈ, જેમાં નક્કી કરાયું કે મોરારજીભાઈને અમદાવાદની જબરદસ્ત એકતાના દર્શન કરાવવા શહેરને સજ્જડ બંધ રાખી વિરોધ કરવો. આ જનતા કર્ફ્યુ માટે વિદ્યાર્થી સમિતિના કાર્યકરો આખા શહેરમાં ફરી વળ્યા અને લોકોને સમજાવ્યા. એ જ દિવસે નડિયાદ પાસે ઉત્તરસંડા ગામે સભામાં ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું, ‘માભોમ હજી વધારે બત્રીસ લક્ષણાનાં બલિદાન માગશે. તે આપવા તૈયાર રહેવું પડશે. બાકી અમદાવાદનો પાશવી ગોળીબાર તો ચિત્રગુપ્તના ચોપડે લખાઈ ગયો છે. તેથી તે કોઈ પણ રીતે ઢાંકી શકાશે નહીં. આજના કહેવાતા આગેવાનો પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે.’ જ્યારે અગ્રણી મગનભાઈએ કહ્યું, ‘મહાગુજરાત વિના અમને બીજું કંઈ જ ખપતું નથી. ગુજરાતને ધોળે દિવસે વેચનાર મોરારજીભાઈના નામ પર કાળી ચોકડી લાગી ગઈ છે. તે ભૂંસાય એમ નથી.’ 19મી ઓગસ્ટનો સૂરજ ઉગ્યો અને દુનિયાને ચમત્કારના દર્શન થયા. અમદાવાદના લત્તે-લત્તે, નાકા પર યુવાનો ગોઠવાઈ ગયા. જાહેર માર્ગ પર પોલીસ કે કોઈ પણ ફરે તેને કોઈ માણસ નજરે ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી. લોકો ઘરમાં ભરાઈ રહ્યા અને જનતાએ કર્ફ્યૂ સજ્જડ રીતે પાળ્યો. અમદાવાદ આવેલા દેશ-વિદેશ પત્રકારો શહેરભરના સૂમસામ રસ્તાઓ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઈંગ્લેન્ડ અને અમેરિકા સહિતના દેશોના અખબારોએ આ સમચારો છાપી મુક્તપણે વખાણ કર્યા. (હંગેરી દેશમાં એ વખતે કામદારોના આંદોલનને ત્યાંની સરકાર કચડી રહી હતી ત્યારે કામદારોએ અમદાવાદના જનતા કર્ફ્યૂનું અનુકરણ કરવાના સૂત્રો લખ્યા હતા.) એટલું જ નહીં મોટા પોલીસ અધિકારીએ કહ્યું હતું- ‘અદભૂત છે અમદાવાદની શિસ્ત. હું મારી ટોપી ઉતારીને તેને સલામ કરું છું.’ બીજી તરફ સાંજે પાંચ વાગ્યે મોરારજીભાઈ દેસાઈ જ્યાં સભાને સંબોધવાના હતા એ લાલ દરવાજા મેદાનમાં મોટી સંખ્યામાં લાઉડ સ્પીકરો બાંધવામાં આવ્યા હતા અને પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા. હજારો લોકો આવશે તેવી આશા સાથે તૈયારીઓ કરવામાં આવી પણ જૂજ કોંગ્રેસના આગેવાનો અને સેવાદળના કાર્યકરો જ આવ્યા. આની જાણ કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈને કરવામાં આવી. તેથી તેઓ સભા સ્થળે આવ્યા જ નહીં પણ સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલે સભા સ્થળે આવીને જાહેરાત કરી કે મોરારજીભાઈને સાંભળવા આવતા લોકોને બળથી રોકવામાં આવ્યા છે. તેથી મોરારજીભાઈ ઉપવાસ પર ઉતર્યા છે. આ જાહેરાતથી સન્નાટો મચી ગયો. આ તરફ કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈ દેસાઈએ જાહેરાત કરી કે ‘જ્યાં સુધી અમદાવાદના લોકો મને સાંભળશે નહીં ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. સભામાં આવતા લોકોને બળપૂર્વક રોકવામાં આવ્યા છે.’ મોરારજીભાઈ દેસાઈની આવી જાહેરાતથી હાજર કેટલા કોંગ્રેસીઓ ભાવુક થઈ ગયા. કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈએ દુ:ખ વ્યક્ત કરતા તેઓ પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી. મોરારાજીભાઈ દેસાઈએ વધુમાં કહ્યું, ‘હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, પરંતુ હિન્દુસ્તાનને ગુજરાતના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર નથી. મેં મારા વિચારો ખાનગી રાખ્યા નથી. હું મહેમદાબાદ આવ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે હું દ્વિભાષી રાજ્યમાં માનું છું. ભલે આપણે ચૂંટણીમાં હારી જઈએ. ગોળીબાર કરવાનો કોઈને શોખ નથી. મને પોતાને તો નથી જ, પરંતુ ગોળીબાર વગર આ બધી વસ્તુ કેમ અટકાવવી?’ આ સાથે તેમણે અલગ ગુજરાત રાજ્યના ગેરફાયદા પણ જણાવ્યા. બીજી તરફ મોરારજીભાઈ દેસાઈની ઉપવાસની જાહેરાતથી અમદાવાદના ઉદ્યોગપતિઓમાં સોપો પડી ગયો. મોરારજીભાઈને કેટલાક વિદ્યાર્થી પ્રતિનિધિઓ મળ્યા તો તેમણે ધમકી આપતા કહ્યું, ‘જો તમે તોફાનો બંધ નહી કરો તો આનાથી પણ વધુ કડક પગલાં ભરવા પડશે.’ એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું, ‘મહાગુજરાતની રચના થવાની હોય તો હું નહીં અને જો હું હોઉં તો મહાગુજરાત નહીં.’ આ તરફ પંડિત જવાહરલાલ નેહરુએ ગુજરાતને દાઝ્યા પર ડામ આપ્યો. ભૂજમાં તેમણે કબૂલ્યું, ‘દ્વિભાષી રાજ્યની રચનાથી ગુજરાતના યુવાનોને સંતોષ નથી થયો પણ તેમને સમજાવવાનો વખત નહોતો.’ પછી ગંભીર ટોણો મારતા કહ્યું, ‘અમદાવાદમાં કોઈ લોકો ગુજરાતનું રાજ્ય સ્થાપીને અને જમીનના ભાવ વધારીને ભારે નફો મેળવવા માગે છે પણ તે માટે જરાય ચિંતા કરવી નહીં.’ ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મોરારજી દેસાઈને ઉપવાસ છોડવા સમજાવ્યા પણ સફળતા ન મળી. પછી કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈએ કમર કસી. તેમણે સિનિયર વકીલો સાથે ચર્ચા કરી અને જાહેર કર્યું કે મોરારજીભાઈનું વજન 6.5 કિલો ઘટી ગયું છે. મોરારજીભાઈને મળવા માટે દિગ્ગજ કોંગ્રેસ નેતા યશવંતરાવ ચવ્હાણ અમદાવાદ આવ્યા. બીજી તરફ મોરારજીભાઈના ઉપવાસના વિરોધમાં અને મહાગુજરાતના સમર્થનમાં લો કોલેજના મેદાનમાં 232 ભાઈ-બહેનોએ 72 કલાકના સામુહિક ઉપવાસ શરૂ કર્યો. દરમિયાન ગુજરાતભરમાં કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડવાના ચાલુ થઈ ગયા. બોરસદ ખાતે સભામાં મોરારજીભાઈના ઉપવાસ પર ઈન્દુલાલ યાજ્ઞિકે ટોણો મારતા લાક્ષણિક શૈલીમાં કહ્યું, ‘તમે મહેમદાબાદમાં મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતના ત્રણ રાજ્યની માગણી કરી ત્યારે તમારું મગજ ક્યાં ગયું હતું?’ વાસદમાં પણ ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું, ‘ગઈકાલે જ કોંગ્રેસ ભવન આગળ ઉભેલો સિપાઈ શહીદોને કોઈએ ફૂલથી અંજલિ આપી હતી તેને લાત મારીને લોકલાગણી દુભાવી હતી.’ આટલું બોલતા જ ઈન્દુલાલના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને આંખમાં આંસૂ છલકાઈ આવ્યા. આગળ કહ્યું, ‘ગોળીબાર માટે લોકોનાં તોફાનનું બહાનું આપવામાં આવે છે તો વિચારો કે કેટલા પોલીસવાળા મરી ગયા કે ઘાયલ? સરકારની સિંહ જેવી હત્યા આગળ લોકોએ માત્ર છોકરવાદ કરી છે. કોંગ્રેસના નેતાઓ આજે ગુજરાતને નાતરે દેવા નીકળ્યા છે, ત્યારે જુવાનો શી રીતે શાંતિ બેસી રહે? વલ્લભવિદ્યાનગરના ભાઈકાકાએ પૂરો અભ્યાસ કરીને કહ્યું છે કે ગુજરાતનો પૈસો મહારાષ્ટ્રમાં ખેંચાઈ જાય છે અને તેથી ત્યાં થાય છે તેવા વિકાસના કાર્યો આપણે ત્યાં થતાં નથી.’ દરમિયાન જાહેરાત થઈ કે તારીખ 26 ઓગસ્ટ, 1956ના રોજ મોરારજીભાઈ દેસાઈ ઉપવાસના પારણાં કરશે અને જાહેરસભાને સંબોધન કરશે. નિર્ધારિત સમયે મોરરાજીભાઈની સભા શરૂ થઈ, જેમાં ઉશ્કેરાયેલા કેટલાક યુવાનો ઘૂસી ગયા અને લાઉડ સ્પીકર તોડી નાખ્યા. પોલીસ અને ટોળા વચ્ચે સામસામો પથ્થરમારો થયો. ટોળાંને વિખેરવા માટે પોલીસે ટીયરગેસ છોડ્યો, જેમાં જીતસિંહ હંસાસિહ નામના યુવકનું મોત થયું અને 126થી વધુ લોકો ઘાયલ થયા. આવી સ્થિતિમાં પણ મોરારજીભાઈએ છત્રી નીચે બેસી ભાષણ ચાલું રાખ્યું અને બોલ્યા, ‘મારા મરણથી કેટલાક ખુશ થવા માગતા હતા, પરંતુ મારે આવી ખોટી રીતે ભોગ નહીં આપવો જોઈએ. જે માટે ઉપવાસ શરૂ કર્યા હતા, તે કાર્ય પાર પડતાં મારે ઉપવાસ છોડી દેવા તેમ માનું છું.’ તણાવભરી સ્થિતિમાં મોરારજીભાઈ દેસાઈએ 38 મિનિટ પ્રવચન કર્યું. પછી અમૃતલાલ શેઠના હાથે મોસંબીનો રસ લઈને પારણાં કર્યા હતા. સભામાં મોરારજીભાઈને પથ્થરો વાગતા રોકવા માટે એડવોકેટ એચ કે ઠાકોર અને બાબુભાઈ વાસણવાળા આગળ ઊભા રહી ગયા હતા, જેમાં તે બંનેને પથ્થરો વાગ્યા હતા. આ સિવાય મોરારજીભાઈના પત્ની ગજરાબેન અને ઢેબરભાઈને પણ થોડું ઘણું વાગ્યું હતું. મહાગુજરાતના આંદોલનને મજબૂત બનાવવા અને એક તાંતણે બાંધવા માટે કોઈ એક જ સમિતિ બનાવવાનું નક્કી થયું. 9મી સપ્ટેમ્બર, 1956ના રોજ ખાડિયા દોલતખાનામાં આવેલી ઔદિચ્યની વાડીમાં મહાગુજરાત નાગરિક પરષિદનું અધિવેશન મળ્યું, જેમાં ‘મહાગુજરાત જનતા પરિષદ’ની કમાન ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપવાનું નક્કી થયું. બ્રહ્મકુમાર ભટ્ટની સમજાવટથી વિદ્યાર્થી આગેવાનો પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા અને હરપ્રસાદ વ્યાસ જોડાયા. દરમિયાન જાહેરાત થઈ કે 2જી ઓક્ટોબર, 1956ના રોજ વડાપ્રધાન પંડિત નેહરુ ગુજરાતની મુલાકાતે આવે છે. આની જાણ થતા જ મહાગુજરાત જનતા પરિષદના કાર્યકરોમાં હલચલ તેજ થઈ. તાત્કાલિક બેઠક મળી અને નક્કી થયું કે પંડિત નેહરુની સભાની સામે જનતા પરષિદની સમાંતર સભા યોજવી. કેટલાકે ડર વ્યક્ત કર્યો કે આજે પણ પંડિત નેહરુની પ્રતિભા અને લોકપ્રયિતા ઘણી ઊંચી છે અને તેમની સામે સમાંતર સભા યોજવામાં ધારી સફળતા નહીં મળે અને સારો દેખાવ નહીં થાય. જ્યારે કેટલાકે અભિપ્રાય આપ્યો કે જો સમાંતર સભા યોજવામાં નહીં આવે તો ઘણા યુવાન નહેરુની સભામાં પહોંચી જશે અને અશાંતિ ઊભી થશે. જે ઈચ્છવા યોગ્ય નથી. નહેરુની સામે સમાંતર સભા કરવી તે કોઈ નાનીસૂની વાત નથી, તે બધા આગેવાનો સમજતા હતા અને જો તે નિષ્ફળ જાય તો આખી મહાગુજરાતની લડત ઉગતી જ ખતમ થાય. મહાગુજરાત જનતા પરિષદના અગ્રણીઓ નહેરુની સમાંતર સભાને સફળ બનાવવા કામે લાગી ગયા. ઠેર-ઠેર લોકોને મળીને સમજાવવા લાગ્યા. 23 સપ્ટેમ્બર, 1956ના રોજ કોંગ્રેસ હાઉસના મેદાનમાં ઠાકોરભાઈ દેસાઈએ કહ્યું, ‘આ મહાગુજરાતવાળાને મહાગુજરાત નથી જોઈતું. તેમને તો કોંગ્રેસને ખતમ કરવી છે. તેઓ ગોળીબારની વાતો જ કરે છે અને શહીદોને વાત કરે છે પણ ગોળી ઉપર કોઈના નામ સરનામાં લખેલા હોતા નથી. ગોળીબાર ન થાય તો અંધાધૂધી વ્યાપી જાય. તોફાની તત્વો જોડે કંઈ ગરબા ગવાતા નથી. તાળીઓ પાડવાથી કંઈ મહાગુજરાત ન મળે.’ ઠાકોરભાઈના આ નિવેદનથી ગુજરાતના લોકોની લાગણી વધુ ઉશ્કેરાઈ. પંડિત નહેરુ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેમને મળવા માટે મહાગુજરાત જનતા પરિષદે સમય માગવાનું નક્કી કર્યું. એ માટે ઈન્દુલાલે પંડિત નેહરુને પત્ર લખ્યો. જેનો વડાપ્રધાનના મંત્રીએ જવાબ આપ્યો, ‘વડાપ્રધાનને સમય ન હોય અને વળી તમે દર્શાવેલ વિષય ઉપર મુલાકાત લેવાથી કોઈ હેતુ સરસે નહીં તેમ વડાપ્રધાન માને છે.’ 1 ઓક્ટોબર, 1956ના રોજ પંડિત નહેરુ રાજકોટ પહોંચ્યા હતા. અહીંના જીમખાના મેદાન ઉપર મેદનીને 30 મિનિટ સંબોધતા નેહરુએ કહ્યું, ‘ભાષાવાદીઓ પ્રચારથી કોંગ્રેસને તોડવા માગે છે. એક વ્યવસ્થા અને બીજી વ્યવસ્થા વચ્ચે દીવાલ ઊભી થવાનો તેમાં ભય રહેલો છે.’ ગોળીબારનો ઉલ્લેખ કરતાં પંડિતજીએ કહ્યું, ‘ખુવારીથી મને દુ:ખ થાય છે. તે દુ:ખ અમદાવાદ કે ગુજરાતનું નહીં પરંતુ આખા દેશનું છે. દ્વિભાષીના નિર્ણયથી ગુજરાતની પ્રજાને અણધાર્યો આઘાત પહોંચ્યો છે, પરંતુ આ નિર્ણય પાર્લામેન્ટે લીધો છે.’ મહાગુજરાત જનતા પરિષદની સભા માટે બહારથી આવનારા લોકોને અમદાવાદમાં જમવા માટે શહેરની પોળે પોળે સેંકડો માણસોએ સ્વચ્છાએ વ્યવસ્થા કરી રસોડાં ઊભા કર્યા હતા. એ દિવસે જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો હતા. મહાગુજરાતની મહાગાથા સિરીઝના આવતીકાલના એપિસોડમાં વાંચો કે ગુજરાતમાં ઇન્દુલાલની સભા સામે નહેરૂની સભા ઝાંખી પડી. આંદોલન મહાગુજરાતના નામે હતું તો રાજ્યનું ગુજરાત કેમ પડ્યું? 1 મેની જ કેમ પસંદગી કરાઇ? અલગ રાજ્ય થયું ત્યારે ગુજરાતને શું-શું મળ્યું? ગ્રાફિક્સઃ વિનોદ પરમાર મહાગુજરાતના શહીદો અમને માફ કરજો, વાંચો પાર્ટ-1

​દીકરાની લાશ જોઈને દર્દને દિલમાં છૂપાવતા પિતા બોલ્યા, ‘એક તો શું બીજા ચાર છોકરા છે. જરૂર હશે તો તે પણ મહાગુજરાત માટે આપવા તૈયાર છું.’ તો એક માતાએ કહ્યું ‘મારી અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ન જાય એ જોવા હું ગુજરાતના લોકોને વિનંતી કરું છું.’ ભારત દેશની આઝાદી માટેની ચલાવાયેલી લડત અને આપવામાં આવેલી કુરબાનીથી સૌ કોઈ વાકેફ છે પણ શું તમને ખબર છે કે આજનું ગુજરાત આપણને એમ જ નથી મળ્યું. તેના માટે પણ લોહિયાળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ગઈકાલે 1 મેના રોજ ગુજરાત રાજ્યની રચનાને 65 વર્ષ થયા. આ પ્રસંગે દિવ્ય ભાસ્કરે ખાસ સિરીઝ મહાગુજરાતની મહાગાથા શરૂ કરી છે. આજના બીજા એપિસોડમાં જુઓ 65 વર્ષ પહેલાંની ઐતિહાસિક તસવીરો સાથે જ વાંચો કે મહાગુજરાત આંદોલન સમયે કેવો માહોલ હતો? શું-શું ઘટના બની હતી? નેતાઓએ શું કહ્યું હતું? આંદોલનમાં શહીદ થનારા યુવાનો પરિવારજનોમાં કેવો આક્રોશ હતો? અનેક ડોક્યુમેન્ટ અને પુસ્તકોના આધારે દિવ્ય ભાસ્કરે આ બીજો ખાસ અહેવાલ તૈયાર કર્યો છે. મહાગુજરાતના શહીદો અમને માફ કરજો, પાર્ટ-1 તો વાંચો હચમચાવી દેતા સંઘર્ષની વાત… 6 ઓગસ્ટ, 1956નો દિવસ હતો. ગુજરાતમાં જાણે દિવાળી હોય એવો માહોલ હતો. ગુજરાતીઓના ચહેરા પર એક અજીબ ચમક હતી. ઉજવણીની જબરદસ્ત તૈયારીઓ કરીને રાખી હતી. બસ દિલ્હીથી શુભ સમાચાર આવવાની રાહ હતી પણ ત્યાં તો આખા રાજ્ય પર વજ્રઘાત થયો. ઓચિંતું આભ ફાટી પડે એવો આઘાતજનક નિર્ણય લેવાયો અને તેના અત્યંત ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા. કેન્દ્ર સરકારે ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગને ઠુકરાવી દીધી હતી. એ દિવસે ગુજરાતના ગામે-ગામ અને ઘરે-ઘરે બસ આની જ ચર્ચા હતી. જોકે લોકો આ વાત માનવા હજી તૈયાર નહોતા. ભારે અજંપાભરી સ્થિતિ વચ્ચે બીજા દિવસની સવાર પડી. ઘરે-ઘરે અખબાર પહોંચ્યા. પહેલા પાને મોટા અક્ષરે ‘ગુજરાત સાથે વિશ્વાસઘાત’. ‘જન્મ પહેલાં જ મૃત્યુ પામેલું ગુજરાત’ હેડલાઈન છપાઈ.’ ગુજરાત અલગ રાજ્ય નહીં બને તેની વાત ફેલાતા જ લોકોમાં એકાએક ઉશ્કેરાટ ફેલાયો. લોકોને સહજ અપેક્ષા હતી કે ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર એમ ત્રણ અલગ-અલગ રાજ્યો બનશે. તેની જગ્યાએ કેન્દ્ર સરકારે ફક્ત એક જ મુંબઈ રાજ્યની જ જાહેરાત કરી. ગુજરાત અને મહારાષ્ટ્રને તેમાં સમાવી દીધા. ‘જો ગુજરાતની જનતા મૌન રહેશે તો ભાવિ પેઢીનો મહાન અપરાધ ગણાશે.’ ‘ગુજરાતની અસ્મિતાની કબર અને દ્વિભાષી રાજ્યની ઇમારત ચણવા અમે હરગીજ તૈયાર નથી.’ આવા પ્રકારના લેખો અખબારોમાં છપાયા. સરકારના નિર્ણય સામે ગુજરાતભરમાં જબ્બર ગુસ્સાની લાગણી ઊભી થઇ. ખાસ કરીને અમદાવાદમાં અસાધારણ ઉત્તેજના વચ્ચે ગલીએ ગલીએ, લત્તે લત્તે, સોસાયટીઓમાં, સરકારી અને ખાનગી ઓફિસોમાં બધે જ દ્વિભાષી રાજ્ય (ગુજરાતી અને મરાઠી)ની રચનાનો ઉગ્ર વિરોધ અને ચર્ચા ચાલુ થઇ ગયા. બપોર પછી કેટલાક વિદ્યાર્થીઓ એકઠાં થઇને અમદાવાદમાં ભદ્રમાં આવેલી કોંગ્રેસ ઓફિસ પર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. અઢી કલાક ચર્ચા પછી ઠાકોરભાઇએ સ્ટુડન્ટને કહ્યું, ‘પ્રદેશ કોંગ્રેસની બેઠક મળે ત્યાં સુધી તમારે રાહ જોવી જોઇએ.’ વિદ્યાર્થીઓને આ જવાબથી સંતોષ ન થયો. ત્રીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટ, 1956ના રોજ ગુજરાતમાં સંપૂર્ણ હડતાલનું એલાન અપાયું. અમદાવાદની તમામ કોલેજના વિદ્યાર્થીઓમાં સવારથી જ હલચલ તેજ થઇ ગઇ. સ્વંયભૂ એક જંગી સરઘસ લો કોલેજથી શરૂ થઈને નીકળ્યું. હાથમાં પુસ્તકો અને સાયકલ લઇને લગભગ ચારેક હજાર વિદ્યાર્થીનું સરઘસ ‘લે કે રહેંગે મહાગુજરાત’, ‘વી વોન્ટ મહાગુજરાત’ અને ‘મહાગુજરાત ઝિંદાબાદ’ સૂત્રો બુલંદ અવાજે પોકારતા આગળ વધ્યું. રાયપુર ચકલા ખાતે સરઘસને વિદ્યાર્થી આગેવાન અને ખાડિયાના કોર્પોરેટર બ્રહ્મકુમાર ભટ્ટે સંબોધન કરી શાંતિની અપીલ કરી. બપોર થતાં જ વિદ્યાર્થીના ટોળાઓ કોંગ્રસ હાઉસ (ઓફિસ)માં રજૂઆત કરવા એકઠાં થવા લાગ્યા. દોઢ વાગ્યે કોઇક કોંગ્રેસ નેતાએ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં પોલીસ દળ આવી પહોંચ્યું, જેમાં સારી એવી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ પણ હતી. પોલીસ કોંગ્રેસ હાઉસના અંદરના ભાગમાં તેમજ બહારની બાજુ ગોઠવાઈ. કલેક્ટર લલિતચંદ્ર.આર.દલાલ અને DSP મીરાંડા પણ આવી પહોંચ્યા. વિદ્યાર્થી આગેવાનોમાં ઉશ્કેરાટ ફેલાયો કે કોઈ તોફાન નથી થયું તો પછી પોલીસને શા માટે બોલાવવામાં આવી છે? વિદ્યાર્થીઓએ પહેલા માળે પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા. એવામાં કોંગ્રેસી નેતાએ એક સ્ટુડન્ટનું અપમાન કરી તેને પોલીસની મદદથી બહાર કાઢ્યો. અંદાજે 4 વાગ્યાની આસપાસ અણધારી ઘટના બની. ગુજરાત ક્લબ બાજુથી અને સામે આવેલા સરદાર સ્મારક તરફથી અચાનક કોંગ્રેસ ઓફિસ પર પથ્થરો ફેંકાયા. એકાએક અરાજકતાનું વાતાવરણ ઊભું થયું. તે વખતે કોંગ્રેસ ઓફિસમાં નીચે અને ઉપરના માળે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હતા. જેઓ કોંગ્રેસના નેતાઓ સાથે તેમજ અંદરોઅંદર ચર્ચા કરતા હતા. અચાનક પોલીસે ઓફિસની બહાર ઉભેલા વિદ્યાર્થીઓ પર 303 રાઈફલથી ગોળીબાર કર્યો. થોડીવારમાં બૂમરાણ મચી ગઈ. કોઈને માથામાં, કોઈને પેટમાં તો કોઈને પગમાં ગોળીઓ વાગતા અનેક વિદ્યાર્થીઓ જમીન પર ઢળી પડ્યા. જોતજોતામાં સમગ્ર વિસ્તાર લોહીથી રક્તરંજિત થઈ ગયો અને ગુજરાતના ઈતિહાસમાં આ દિવસ હંમેશના માટે કાળા અક્ષરે લખાઈ ગયો. પોલીસની ગોળીથી સૌ પહેલાં 16 વર્ષનો યુવક પૂનમચંદ વિંધાયો. મૂળ બનાસકાંઠાના થરાદના વતની અને અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરી કરતા પૂનમચંદની ખોપરી ઉડીને ધડથી અલગ થઈ ગઈ. હાજર વિદ્યાર્થીઓ આ દૃશ્ય જોઈને કંપી ગયા. અમુક વિદ્યાર્થીઓ હિંમત કરીને આ ખોપડીના માંસના લોચા એક થાળીમાં મૂકીને નજીક આવેલી ગુજરાત ક્લબમાં દોડી ગયા. જ્યાં પોલીસે છોડેલી 303 રાઈફલની ગોળીથી ઉડી ગયેલું વિદ્યાર્થીનું લોહીલુહાણ મસ્તક જોઈને વકીલોના મોં પહોળાં થઈ ગયા. થોડીવારમાં વકીલોમાં પણ ભારે ગુસ્સો અને ઉશ્કેરાટ ફેલાયો. આ બાજુ ગોળીબાર તો ચાલુ જ હતો, જેમાં કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ નામના વધુ બે યુવકો ઢળી પડ્યા. 18 વર્ષનો કૌશિક સેન્ટ ઝેવિયર્સ કોલેજના પહેલા વર્ષમાં ભણતો. માતા-પિતાનો એકના એક આધારસમાન હતો. દીકરાના મોતની ખબર મળતાં જ પાછળથી નિસાસા નાખતાં માતા-પિતા બોલ્યાં હતાં- ‘અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું. જિંદગી ખારી થઈ ગઈ છે અને હવે જીવવાની ઈચ્છા નથી.’ જ્યારે 17 વર્ષનો સુરેશ જયશંકર ભટ્ટ ઠાકર્સ હાઈસ્કૂલમાં ભણતો હતો. તેણે બે મહિના પહેલાં જ મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલમાં એક છોકરાને ડૂબતો બચાવ્યો હતો. બે દિવસ પહેલાં સુરેશે ઘરની દીવાલ પર લખ્યું હતું, ‘રે! પામર મનુષ્ય, તુ માયાને છોડી દેજે. માયા કલ્પના છે અને તે કોઈની થઈ નથી અને થશે પણ નહીં. એટલે તું માયાને ત્યજીને સુખી થા.’ એ વખતે પોલીસની હલચલ જોઈને નાનાભાઈએ સુરેશને ઘરે રહેવા કહ્યું હતુ પણ સુરેશ અડીખમ રહ્યો અને ગોળીએ વિંધાયો. આ જ સ્થળે ગોળીથી ચોથું મોત 17 વર્ષના અબ્દુલ પીરભાઈ નામના યુવકનું થયું. અબ્દુલ છીપાના કારખાનામાં કામ કરતો હતો. અંતિમ સંસ્કારમાં ગરીબ પિતા દીકરાને અંજલિ આપતા મોટા અવાજે તાડુકતા બોલ્યા હતા- ‘એક તો શું બીજા ચાર છોકરા છે. જરૂર હશે તો તે પણ મહાગુજરાત માટે આપવા તૈયાર છું.’ આ સિવાય એ દિવસે ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ બે યુવકોએ પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. અમદાવાદમાં અચાનક શું બની રહ્યું છે તેની કોઈને ખબર જ નહોતી પડતી. અંધાધૂંધી વચ્ચે શાંતિનો સંદેશ આપવા માટે એ દિવસે જ લાલ દરવાજા મેદાન (હાલ ત્યાં સરદારબાગ)માં વિદ્યાર્થી સમિતિના અગ્રણી રતિલાલ ખુશાલદાસે જાહેર સભા રાખી. જ્યાં જોત જોતામાં સેંકડો વિદ્યાર્થીઓના ટોળાં આવીને શાંતિથી બેસી ગયા. હજી તો થોડો જ સમય વિત્યો હશે કે પોલીસ ત્યાં પણ ધસમસતી આવી અને ગોળીઓ છોડવા માંડી, જેમાં મદ્રાસ (હાલ ચેન્નઇ)ના વતની ગોવિંદ વરુમન સ્વામીનું મોત થયું. એક જ દિવસમાં આ પાંચમું મોત હતું. પોલીસના દમન અને ગોળીબારમાં પાંચ-પાંચ નવયુવકોના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા અમદાવાદમાં ઉગ્ર અને ઘેરા પડઘા પડ્યા. ગોળીબાર કોંગ્રેસ શહેર પ્રમુખ ત્રિકમલાલ પટેલે કરાવ્યો છે એવી વાત ફેલાતા ગુજરાત ક્લબના દરવાજા પાસે પડેલી તેમની મોટરકારને ટોળાએ સળગાવી દીધી. આ સિવાય પણ કોંગ્રેસ ભવન પાસે પાંચ-છ સરકારી મોટરને આગ લગાડી દેવામાં આવી. જ્યારે કોઈએ કોંગ્રેસ ભવનમાંથી મોરારજી દેસાઈની છબી ઉપાડી લાવી ગુજરાત ક્લબ પાસે બાળી દીધી. અનેક જગ્યાએ પોલીસ ચોકીઓ, બસ સ્ટેન્ડ, વીજળીના થાંભલા અને જાહેર મિલકતોને આગ લગાડવાના બનાવો ચાલુ થઈ ગયા. સાંજ પડતાં પડતાં તો સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. મોડી રાત સુધી કોંગ્રેસ નેતાઓના સરકારી-અર્ધસરકારી મકાનો પર લોકોના હુમલા ચાલુ રહ્યા. ઠેર-ઠેર પોલીસના લાઠીચાર્જ અને અશ્રુવાયુનું તાંડવ ચાલતું રહ્યું. લાલ દરવાજે વીજળીઘરના ભોયરા ભંડારમાં ટોળાએ ભાંગફોડ કરી આગ ચાંપી દીધી. રિલીફ રોડ પર સહકારી ભંડાર લૂંટવામાં આવ્યો. ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા એ દિવસે પોલીસે ત્રીજીવાર ગોળીબાર કર્યો જેમાં પણ અનેક લોકો ઘાયલ થયા. પોલીસે તુરંત સરઘર-સભા યોજવા પર પ્રતિબંધ મૂકી દીધો. અને રાતના 9થી સવારના 7 સુધી કર્ફ્યૂ લાદી દીધો. જોકે તેની કોઈ અસર ન થઈ. આખી રાત તાંડવ ચાલું રહ્યું. ગોળીબારના જઘન્ય કૃત્યથી મહાગુજરાતના આંદોલનને જબરદસ્ત મોટું ટેકઓફનું બળ મળ્યું. પોલીસના અત્યાચાર અને ગોળીબારથી વિદ્યાર્થીના મોતના સમાચાર બીજા દિવસે અખબારોમાં પાના ભરી ભરીને છપાયા, જેથી આંદોલનની અસર સમગ્ર ગુજરાતમાં પ્રસરી. 9મી ઓગસ્ટ, 1956નો દિવસ ઉગતા જ ફરી અમદાવાદમાં તોફાનો શરૂ થયા. શાહપુરમાં કેન્દ્રના નાણાપ્રધાન સી.ડી.દેશમુખની નનામી બાળવામાં આવી. બપોરે 12 વાગ્યે ફરી શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ કોંગ્રેસની ઓફિસે એકઠાં થઈને દેખાવો કર્યો અને ગોળીબારની તપાસ કરાવવાની માગ કરી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ વિદ્યાર્થીઓ ‘લેં કે રહેંગે મહાગુજરાત’ જેવા સૂત્રો પોકારતા ફરવા લાગ્યા. જ્યારે કોંગ્રેસ અગ્રણી ઠાકોરભાઈ દેસાઈએ નિવેદન આપ્યું કે ‘બંદૂકની ગોળીઓ પર નામ-સરનામા લખેલાં હોતાં નથી. તેથી કોને ગુનેગાર કે નિર્દોષ ગણવો તે કહી શકાય નહીં.’ આથી આગમાં વધુ ઘી હોમાયું. શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આગ લગાડવાના બનાવો ચાલુ જ રહ્યા. મહેમદાબાદના નેનપુર ખાતે આશ્રમ ચલાવતા ઈન્દુલાલ યાજ્ઞિકને આ સમગ્ર બાબતની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ટ્રેનમાં અમદાવાદ આવી પહોંચ્યા અને વિદ્યાર્થી સમિતિના અગ્રણીઓને મળ્યા. પછી બધા ગુજરાત કોલેજના દરવાજા પાસે શહીદ કીનારીવાલાને અંજલિ આપવા બોલાવવામાં આવેલી સભામાં પહોંચ્યા. અહીં આગેવાનોએ અલગ ગુજરાત રાજ્યની માગ અને પોલીસ ગોળીબારની તપાસની માગ સાથે ભાષણો આપ્યા. હરિહર ખંભોળજાએ કહ્યું, ‘અંગ્રેજો ગયા પછી પણ ગોળીબારને દેશવટો દેવાયો નથી. પહેલાંની માફક પથ્થરનો જવાબ ગોળીબારથી અપાયો છે. આપણી લડત કોઈની સામે નથી, પણ મહાગુજરાત મેળવવા માટે છે.’ જ્યારે ઈન્દુલાલ યાજ્ઞિકે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી કે જ્યાં સુધી મહાગુજરાત નહીં સ્થપાય ત્યાં સુધી જંપીને બેસીશું નહી અને સરકારને પણ જંપીને બેસવા દઈશું નહીં. આ બાજુ અમદાવાદમાં બહારથી પોલીસ દળને ખડકી દેવામાં આવ્યું. લોકો પણ ગોળીબારથી ગભરાઈને ઘરમાં બેસી રહેવાને બદલે મરણિયા થઈને રસ્તા પર પોલીસ જવાનો સાથે ગેરીલા યુદ્ધમાં ટકરાવા લાગ્યા હતા. શહેરનો એક પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પોલીસનો ગોળીબાર કે લાઠીચાર્જ ન થયો હોય. શાહપુર અને ખાડિયામાં તો મિલિટરી પોલીસ ગોઠવવી પડી હતી. રસ્તા પર ટોળાએ આડસો નાખી દેતાં પોલીસ વધુ રઘવાઈ બની હતી. આ દરમિયાન 22 વર્ષીય કાન્તિલાલ પરમાર નામનો યુવક તેના નાનકડા 10 વર્ષના ભાઈની ભાળ મેળવવા બહાર નીકળ્યો ત્યારે ટિળક રોડ પર ઓરીએન્ટલ બિલ્ડિંગ પાસે માથામાં ગોળી વાગતા ઢળી પડ્યો હતો. તેના માતા-પિતા ચલાલા પાસેના સરવડા ગામમાં રહેતા હતા. જ્યારે ગુલામ હુસૈન મોમીન નામનો યુવક સાડીઓ પર છાપકામ અને છાપાની ફેરી કરીને ગુજરાન ચલાવતો. તે સવારે ઘરેથી નીકળ્યો પછી જીવતો પાછો જ ન આવ્યો. તે પણ પોલીસ ગોળીબારનો ભોગ બન્યો હતો. જ્યારે 30 વર્ષનો હીરાલાલ વોરા ટિળકરોડ પર ઓળખીતા શાકવાળાની દુકાને પાણી પીવા ગયો હતો. જ્યાં દુકાનનું બારણું વિંધીને પોલીસની ગોળી આવીને સોંસરવી નીકળી ગઈ. એક પગે ખોડવાળા 26 વર્ષના વિષ્ણુપ્રસાદનો કિસ્સો ખૂબ કરુણજનક છે. ગાંધી રોડ પરની મામુનાયકની પોળમાં રહેતો વિષ્ણુપ્રસાદ સરકારના નિર્ણયના વિરોધમાં ઉતરી પડ્યો. રસ્તા પર ટોળા સાથે તે ફરતો હતો. ઓચિંતી પોલીસ આવી જતાં બીજા બધા પોળમાં નાસી ગયા પણ પગની ખોડના લીધે વિષ્ણુપ્રસાદ પોળના દરવાજા સુધી પહોંચે એ પહેલા જ પોલીસની કાળમુખી ગોળી તેના સુધી પહોંચી ગઈ. ચોથા દિવસે વધુ પાંચ લોકો પોલીસની ગોળીનો શિકાર બન્યા. સ્થિતિ કાબૂમાં ન આવતાં મુંબઈથી DIG નગરવાલા તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. અચાનક ગુજરાતની તસવીર એકદમ બદલાઈ ગઈ. ત્રણ દિવસમાં જ 14-14 ઘરના નવયુવાનો પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. આ બનાવના વિરોધમાં અમદાવાદ બહાર ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક શહેરો-ગામડાંમાં પણ સરઘસો નીકળ્યાં અને સભાઓ થઈ. મુંબઈમાં અમુક બજારો બંધ રહ્યા. દિલ્હીમાં પણ પડઘા પડ્યા. લોકસભામાં સામ્યવાદી પાર્ટીએ કાર્યવાહી સ્થગિત કરવાની દરખાસ્ત મૂકી, પણ અધ્યક્ષે નકારી દીધી. ઉલ્ટું કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્ય રચવાનો કાયદો 241 વિરુદ્ધ 40 મતે પસાર કરી દીધો.એટલું જ નહીં ખરડાની ચર્ચામાં જવાહરલાલ નેહરુએ કહ્યું, ‘લોકસભાનો નિર્ણય હિંસાથી ફરશે નહીં. ચૂંટણી કરીને પ્રજા વર્તમાન સરકારને બદલી શકે છે, પરંતુ સરકાર તોફાનો સામે નમતું જોખશે નહીં.’ જ્યારે મોરારજીભાઈએ એક જગ્યાએ કહ્યું, ‘મેં જે કંઈ કરેલું છે તે ગુજરાતના હિતને લક્ષ્યમાં રાખીને જ કરેલું છે અને તેની સચ્ચાઈ પુરવાર કરવામાં હું કંઈ બાકી રાખીશ નહીં. વિદ્યાર્થીઓમાં કાયદો હાથમાં લેવાની ફેશન થઈ ગઈ છે, પણ લોકોએ બહુમતીનો નિર્ણય સ્વીકારવો જોઈએ.’ 10મી ઓગસ્ટ, 1956ના જનસત્તા અખબારે પહેલું પાનું સાવ કોરું રાખી માત્ર કાળી બોર્ડર મૂકી, જેમાં વચ્ચે લખ્યું- ઉન શહીદોં કી યાદ મેં, જીન્હોં ને અપને ખૂન સે સિંચા. વિરોધને ડામવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ મુંબઈથી અમદાવાદ આવ્યા. આ તરફ આંદોલનના સમર્થનમાં અમદાવાદના મેયર ચીનુભાઈ શેઠ તેમજ અનેક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. મહિલા આગેવાનો પણ બહાર આવ્યા અને સરકારને અપીલ કરતાં કહ્યું કે અમે પણ બાળકોની મા છીએ અને વધુ લોહી રેડવાનું બંધ કરાવો. મુંબઈથી સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે દ્વિભાષી રાજ્યની રચના અને પોલીસ દમનનો વિરોધ કરતું નિવેદન બહાર પાડતાં ગુજરાતી પ્રજામાં ઉત્સાહ ફેલાયો હતો. દિલ્હીમાં કેન્દ્ર સરકારના વર્તુળોને એવું હતું કે નવા કાયદાને ગુજરાત શાંતિથી સહન કરી લેશે પણ તેના બદલે વ્યાપક તોફાન ફાટી નીકળતા દિલ્હીવાળા સાવ છક્કડ ખાઈ ગયા. તેમણે આવા ભારે તોફાનની કલ્પના પણ નહોતી કરી. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓને એટલો ડર પેસી ગયો હતો કે કોંગ્રેસ હાઉસ (ઓફિસ)નું કામકાજ પોલીસ અને સેવાદળના કાર્યકરોની ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે ચાલતું હતું. કોંગ્રેસનો ગઢ ગણાતું અમદાવાદ એક રાતમાં તેનું કટ્ટર વિરોધી થઈ ગયું. એક રાતમાં માથા પર મૂકાતી ધોળી ટોપી અદૃશ્ય થઈ ગઈ. જો કોઈ પહેરતું તો તેમનું આવી બનતું હતું. મહાગુજરાત આંદોલનની આગને ઠારવા માટે કેટલાંક કોંગ્રેસના આગેવાનોએ અમદાવાદના માણેકચોકમાં મોરારજી દેસાઈની સભાનું આયોજન કર્યું, જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના નેતાઓ માણેકચોકમાં પહોંચ્યા તો લોકોએ તેમને ઘેરી લીધા હતા. એટલું જ નહીં ઉશ્કેરાયેલા લોકોએ કોંગ્રેસના ત્રણેક આગેવાનોના ધોતિયા ખેંચી નાખ્યા હતા. નિર્વસ્ત્ર થઈ ગયેલા કોંગ્રેસી નેતાઓને નજીકની કાપડની દુકાનમાં લઈ જવાયા હતા. જ્યાં કાપડના તાકા ફાડીને નેતાઓએ શરીરે વીંટાળી આબરું બચાવી હતી. ત્યાર બાદ એમ્બ્યૂલન્સ બોલાવી તેમાં કોંગ્રેસના નેતાઓને પોલીસ પ્રોટેક્શન હેઠળ ઘરે મોકલવામાં આવ્યા હતા. ગાંધીજીએ 1947માં કહેલી વાતો સાચી પડતી લાગી. એ વખતે તેમણે બિહારમાં કોમી રમખાણ બાદ પટણાની પ્રાર્થનાસભામાં કહ્યું હતું કે અનેક ત્યાગ અને તપ વડે કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે પણ જો આજની ઘડીએ કોંગ્રેસવાળાઓ પ્રજાને દગો દેશે તો અને સેવા કરવાના બદલે માલિક બની જશે તો તથા ધણીપણું આદરશે તો કદાચ હું જીવું કે ન જીવું પણ આટલા વરસના અનુભવોના આધારે આ આગાહી કરવાની હિંમત કરું છું કે દેશમાં બળવો ફાટશે, ધોળી ટોપીવાળાને પ્રજા વીણી વણીને મારશે અને કોઈ ત્રીજી સત્તા તેનો લાભ લેશે. દરમિયાન આંદોલનમાં વધુ ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા. 20 વર્ષીય સુરેન્દ્ર રાધેલાલ પટેલે બે મહિના પહેલાં જ પિતા ગુમાવ્યા હતા. દરિયાપુરમાં પોલીસની ગોળી તેને ચીરીને નીકળી ગઈ. જ્યારે 12 વર્ષનો ગાવિશંકર નાઈ નામનો કુમળી વયનો તરુણ ક્ષૌર કર્મ (દાઢી-વાળ કાપવાનું) કરીને નિર્વાહ કરતો હતો. જ્યારે 37 વર્ષના વાસુદેવ વસાવા મિલમાં નોકરી કરીને ઘી-કાંટા રોડ પરથી પસાર થતો તેને ગોળી વાગતા ત્યાં જ મોતને ભેટ્યો હતો. એ જ દિવસે કલોલમાં કાપડની મિલોના કામદારો રસ્તા પર ઉતર્યા હતા, જેને વિખેરવા પોલીસે કારમો લાઠીચાર્જ કર્યો. તેથી કામદારોમાં ઉશ્કેરાટ ફેલાયો. પોલીસે એક કામદારનો પીછો કરીને મીલમાં જઈને પગના નળામાં લાઠી મારીને ઘાયલ કર્યો. તરત બધી મિલ બંધ થઈ. હજારો કામદારોએ ભેગા થઈને મોરારજી દેસાઈની નનામી કાઢીને મજૂર મહાજનની કચેરી આગળ બાળી. પોલીસે આવીને લાઠી ચાર્જ કરતા બધા વિખેરાઈ ગયા. બપોરે ફરી કામદારો ટાવર પાસે ભેગા થયા. પોલીસે કંઈ જ ચેતવણી આપ્યા વગર ગોળીબાર કર્યો, જેથી ત્યાં તળાવ પાસેથી પસાર થતા બે નાના બાળક ચંદુલાલ નાયક અને અલીભાઈ ગનીભાઈને વાગતા મોતને ભેટ્યા હતા. 14 વર્ષનો ચંદુલાલે તો સવારમાં જ તેની માતાને કહ્યું હતું, ‘હું શહીદ થાઉં તો કેટલું સારું?’ તેના પિતા સાથે જવાને બદલે તે ‘હું ઝાંપે બેઠો છું’ કહીને ફરવા નીકળ્યો હતો. જ્યાં ટોળામાં વચ્ચે તે ફસાઈ ગયો હતો. એક વૃદ્ધને ભાગતા જોઈને ચંદુલાલ બોલ્યો હતો, ‘કેમ નાસો છો? મહાગુજરાત માટે ગોળી ખાવી પડે તો પણ શું?’ પછી તળાવ બાજુ ગયો અને ગોળી વાગી. જ્યારે ત્રીજી ગોળી કારીગર છનાભાઈ સુથારને વાગતા જમીન પર ફસડાઈ પડ્યા હતા. નડિયાદમાં અલગ જ બનાવ બન્યો. દ્વિભાષી મુંબઈ રાજ્યના મંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના નડિયાદ સ્થિત ઘર પર બે દિવસથી હુમલા થતા હતા પણ 11મી ઓગસ્ટે, 1956ના રોજ હજારો લોકોના ટોળાંએ તેમના બંગલા પર પહોંચી રાજીનામાની માગ કરી હતી. કેટલાંક લોકો બંગલામાં ઘૂસી ગયા હતા. બાબુભાઈના પટેલના નાનાભાઈ મધુભાઈએ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યા. એક ગોળી રામસિંગ મારવાડી નામના યુવકના જમણા પગને વિંધીને નીકળી ગઈ. આથી ટોળું વધુ ઉશ્કેરાયું અને બંગલામાં ભાંગફોડ શરૂ કરી સામાનને આગ ચાપી. એટલું જ નહીં ટોળાએ બાબુભાઈ પટેલના પુત્ર સતીષને અગાસીમાંથી નીચે ફેંકી દીધો. જેને તાત્કાલિક મિશન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આવીને લાઠીચાર્જ કર્યો પણ ટોળાંને કંઈ અસર ન થઈ. આથી પોલીસે ગોળીબાર કર્યો અને રણછોડભાઈ નામના કિશોરની આંખ ઊડી ગઈ. હવે આંદોલન વેગ પકડતું જતું હતું. આ સાથે જ ઇન્દુલાલ યાજ્ઞિક ખૂબ સક્રિય થઈ ગયા અને ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ કરી લોકોને જાગૃત કરવા લાગ્યા. તેમણે ભરુચના આઝાદ મેદાનમાં કહ્યું, ‘ગુજરાતનું છેક કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાહ્યાઓએ ડૂબાડી દીધું છે. ગાંધીજી તો ભાષાવાર રાજ્યના ચુસ્ત હિમાયતી હતા. ગુર્જર રાજ્યની રચના એ સરદારના જીવનનું છેલ્લું સ્વપ્ન હતું પણ મોરારજીભાઈએ ગુજરાતને ધોળે દિવસે વેચ્યું છે. જો તેમનામાં હિંમત હોય તો વિરોધમાં રાજીનામું આપે. આજે ગુજરાતના નવયુવાનો ગોળીઓ ઝીલી રહ્યા છે અને બહેનો રણચંડી બનીને ગોળીઓ ખાવા નીકળી છે. મહાગુજરાત ન સ્થપાય ત્યાં સુધી અમે ઝંપીને બેસીશું નહી. ‘ ઈન્દુલાલ યાજ્ઞિકે સુરતમાં સભામાં કહ્યું, ‘ગુજરાતના આગેવાનોએ દિલ્હી જઈ ગુજરાતની પ્રજાને વેચી મારી છે. મહાગુજરાતનો હોઠે આવેલો અમૃત પ્યાલો ધૂળમાં ઢોળાઈ ગયો છે અને દ્વિભાષી રાજ્યનો ફેંસલો આપણા માથે ઠોકી બેસાડવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજા આ ક્યારેય સહન કરશે નહીં અને પોતાનું અલગ રાજ્ય લઈને જ જંપશે. તે માટે લાંબી મંજિલ કાપવી પડશે અને શાંતિમય માર્ગે કૂચ કરવી પડશે. વિદ્યાર્થીઓને સમજાવવાના બદલે જેના મ્હોમાં માનું દૂધ સૂકાયું નથી એવા કાચા જુવાનો પર ભીષણ ગોળીબાર થયા છે. જ્યાં સરકારનું સ્મારક રચવાનું છે તે ચોક જુવાનોના લોહીથી રંગાઈ ગયો છે.’ આ તરફ પોલીસનું દમન તો ચાલુ જ હતું. અમદાવાદના મીરઝાપુરમાં એર ઈન્ડિયાની ઓફિસ પાસે પોલીસે બે યુવકો પર ગોળીબાર કર્યો, જેમાં 17 વર્ષના પોપટલાલ પંચાલે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત દિનેશ કેશવલાલ વોરાને લોહી નીતરતી હાલતમાં દિનશા પટેલ નામના પારસીના ઘરના ઓટલા પર સૂવડાવવામાં આવ્યા. લોહી ભીનું દૃશ્ય જોઈને પારસી કુટુંબને કમકમા આવી ગયા. એટલું જ નહીં દૃશ્ય એટલું ભયંકર હતું કે ખુદ ઘરના મોભી દિનશા પટેલનું આઘાતમાં મોત થયું. અગાઉ આ જ રીતે રિલીફ રોડ પર ગોળીબારના દૃશ્ય જોઈને એરચ શાહ, ભીખાજી પટેલ બેભાન થઈ ગયા હતા. અને તેમની યાદશક્તિ ચાલી જતા તે પછી આઘાતમાં મરણ પામ્યા હતા. આ બંને પારસી મામા-ફોઈના દીકરા થતાં હતાં. દરમિયાન વિદ્યાર્થી સમિતિએ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં 13મી ઓગસ્ટે ‘શહીદ દીન’ ઉજવવાનું નક્કી કર્યું. જંગી સરઘસ ‘શહીદ અમર રહો’, ‘મહાગુજરાત ઝિંદાબાદ’ પોકારતું કોંગ્રેસ હાઉસ પહોંચ્યું હતું. સરઘસ એકદમ શાંત અને ગંભીર હતું. શહીદ સ્થળે દીવો પ્રગટાવી, પુષ્પાંજલિ અર્પિત કરી બે મિનિટ મૌન પાળ્યું. અમુક વિદ્યાથીઓએ મોરારજી દેસાઈની નનામીઓ બાળી. પોલીસે તેમને રોક્યા તો છોકરાઓ તાડુક્યા અને સૂત્રો પોકાર્યા- પોલીસવાળા શું કરે? કાંકરિયામાં ડૂબી મરે! કમનસીબે એ જ દિવસે જયંતીલાલ હરિવલ્લભદાસ પંડ્યા નામના આધેડ ગાંધી માર્ગ પર મામુ નાયકની પોળ આગળથી પસાર થતા હતા ત્યારે પોલીસની ગોળીથી વિંધાયા. તેમણે પોલીસને કર્ફ્યૂની પરમીટ પણ બતાવી હતી છતાં પોલીસે તેમના પર ગોળીઓ છોડી હતી. તેમણે પોળના નાકે જ દમ તોડ્યો. છેલ્લે તેઓ એટલું બોલ્યા- ‘મારી પાછળ ઘીનો દીવો કરજો.’ દાવાનળની જેમ ફેલાયેલું આ આંદોલન સ્વયંભૂ હતું. આમ છતાં તેને સમજવાની કે ઘા પર મલમ ચોપડવાની લાગણી એ વખતના કોંગ્રેસના નેતાઓ વ્યક્ત કરી શક્યા નહોતા તે મોટી કમનસીબી રહી હતી. 15મી ઓગસ્ટ, આઝાદીનો દિવસ શોકદિન તરીકે ઉજવવાનું વિદ્યાર્થી સમિતિએ નક્કી કર્યું. દરેક પોળ પર કાળા તોરણ અને વાવટા બાંધવામાં આવ્યા. સ્ત્રીઓ કાળી સાડી પહેરી અને પુરુષોએ હાથ પર કાળી પટ્ટી લગાવી. લો કોલેજના મેદાનમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા સેંકડો લોકો ઉમટી પડ્યા. સંપૂર્ણ શાંતિ વચ્ચે ગોળીબારમાં માર્યા ગયેલા સુરેશના માતા સવિતાબેને ગદગદ અવાજે કહ્યું હતું, ‘મારી અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ન જાય એ જોવા હું લોકોને વિનંતી કરું છું.’ બીજા દિવસે ઈન્દુલાલ યાજ્ઞિકે સરદાર પટેલની ભૂમિ કરમસદમાં જંગી સભામાં હુંકાર કર્યો કે ‘અમદાવાદના ગોળીબારે આખા ગુજરાતને જાગ્રત કર્યું છે. સરદારના સ્વપ્નને મોરારજીભાઈએ ધૂળમાં મેળવ્યું છે અને વળી જે વિરોધ કરશે તેને ખુલ્લી ધમકી આપે છે પણ ગુજરાતને તેની મરજી વિરુદ્ધ મહારાષ્ટ્ર સાથે પરણાવી શકાય નહીં.’ પછી કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી અને આખા વિશ્વએ નોંધ લેવી પડી. 16મી ઓગસ્ટના રોજ જાહેરાત થઈ કે અમદાવાદમાં 19મી ઓગસ્ટે કોંગ્રેસની સામાન્ય સભા મળશે અને પછી મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ સાંજના પાંચ વાગ્યે લાલ દરવાજા મેદાનમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના અંગે પ્રવચન કરશે. આવી જાહેરાત થતાં જ ગુજરાતનો માહોલ ગરમ થઈ ગયો. આંદોલન ચલાવનારા બધા સજાગ થઈ ગયા અને આ અંગેની રણનીતિ બનાવવામાં લાગી ગયા. જો લોકો બહાર નીકળશે અને મોરારજીભાઈની સભામાં પહોંચી જશે તો ભારે તોફાનો થશે અને રક્તપાત સર્જાશે. તેથી કોઈ અસરકારક કાર્યક્રમ આપવાની ચર્ચા થઈ, જેમાં નક્કી કરાયું કે મોરારજીભાઈને અમદાવાદની જબરદસ્ત એકતાના દર્શન કરાવવા શહેરને સજ્જડ બંધ રાખી વિરોધ કરવો. આ જનતા કર્ફ્યુ માટે વિદ્યાર્થી સમિતિના કાર્યકરો આખા શહેરમાં ફરી વળ્યા અને લોકોને સમજાવ્યા. એ જ દિવસે નડિયાદ પાસે ઉત્તરસંડા ગામે સભામાં ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું, ‘માભોમ હજી વધારે બત્રીસ લક્ષણાનાં બલિદાન માગશે. તે આપવા તૈયાર રહેવું પડશે. બાકી અમદાવાદનો પાશવી ગોળીબાર તો ચિત્રગુપ્તના ચોપડે લખાઈ ગયો છે. તેથી તે કોઈ પણ રીતે ઢાંકી શકાશે નહીં. આજના કહેવાતા આગેવાનો પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે.’ જ્યારે અગ્રણી મગનભાઈએ કહ્યું, ‘મહાગુજરાત વિના અમને બીજું કંઈ જ ખપતું નથી. ગુજરાતને ધોળે દિવસે વેચનાર મોરારજીભાઈના નામ પર કાળી ચોકડી લાગી ગઈ છે. તે ભૂંસાય એમ નથી.’ 19મી ઓગસ્ટનો સૂરજ ઉગ્યો અને દુનિયાને ચમત્કારના દર્શન થયા. અમદાવાદના લત્તે-લત્તે, નાકા પર યુવાનો ગોઠવાઈ ગયા. જાહેર માર્ગ પર પોલીસ કે કોઈ પણ ફરે તેને કોઈ માણસ નજરે ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી. લોકો ઘરમાં ભરાઈ રહ્યા અને જનતાએ કર્ફ્યૂ સજ્જડ રીતે પાળ્યો. અમદાવાદ આવેલા દેશ-વિદેશ પત્રકારો શહેરભરના સૂમસામ રસ્તાઓ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઈંગ્લેન્ડ અને અમેરિકા સહિતના દેશોના અખબારોએ આ સમચારો છાપી મુક્તપણે વખાણ કર્યા. (હંગેરી દેશમાં એ વખતે કામદારોના આંદોલનને ત્યાંની સરકાર કચડી રહી હતી ત્યારે કામદારોએ અમદાવાદના જનતા કર્ફ્યૂનું અનુકરણ કરવાના સૂત્રો લખ્યા હતા.) એટલું જ નહીં મોટા પોલીસ અધિકારીએ કહ્યું હતું- ‘અદભૂત છે અમદાવાદની શિસ્ત. હું મારી ટોપી ઉતારીને તેને સલામ કરું છું.’ બીજી તરફ સાંજે પાંચ વાગ્યે મોરારજીભાઈ દેસાઈ જ્યાં સભાને સંબોધવાના હતા એ લાલ દરવાજા મેદાનમાં મોટી સંખ્યામાં લાઉડ સ્પીકરો બાંધવામાં આવ્યા હતા અને પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા. હજારો લોકો આવશે તેવી આશા સાથે તૈયારીઓ કરવામાં આવી પણ જૂજ કોંગ્રેસના આગેવાનો અને સેવાદળના કાર્યકરો જ આવ્યા. આની જાણ કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈને કરવામાં આવી. તેથી તેઓ સભા સ્થળે આવ્યા જ નહીં પણ સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલે સભા સ્થળે આવીને જાહેરાત કરી કે મોરારજીભાઈને સાંભળવા આવતા લોકોને બળથી રોકવામાં આવ્યા છે. તેથી મોરારજીભાઈ ઉપવાસ પર ઉતર્યા છે. આ જાહેરાતથી સન્નાટો મચી ગયો. આ તરફ કોંગ્રેસ હાઉસમાં ચાલતી બેઠકમાં મોરારજીભાઈ દેસાઈએ જાહેરાત કરી કે ‘જ્યાં સુધી અમદાવાદના લોકો મને સાંભળશે નહીં ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. સભામાં આવતા લોકોને બળપૂર્વક રોકવામાં આવ્યા છે.’ મોરારજીભાઈ દેસાઈની આવી જાહેરાતથી હાજર કેટલા કોંગ્રેસીઓ ભાવુક થઈ ગયા. કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈએ દુ:ખ વ્યક્ત કરતા તેઓ પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કરશે તેવી ખાતરી આપી. મોરારાજીભાઈ દેસાઈએ વધુમાં કહ્યું, ‘હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, પરંતુ હિન્દુસ્તાનને ગુજરાતના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર નથી. મેં મારા વિચારો ખાનગી રાખ્યા નથી. હું મહેમદાબાદ આવ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે હું દ્વિભાષી રાજ્યમાં માનું છું. ભલે આપણે ચૂંટણીમાં હારી જઈએ. ગોળીબાર કરવાનો કોઈને શોખ નથી. મને પોતાને તો નથી જ, પરંતુ ગોળીબાર વગર આ બધી વસ્તુ કેમ અટકાવવી?’ આ સાથે તેમણે અલગ ગુજરાત રાજ્યના ગેરફાયદા પણ જણાવ્યા. બીજી તરફ મોરારજીભાઈ દેસાઈની ઉપવાસની જાહેરાતથી અમદાવાદના ઉદ્યોગપતિઓમાં સોપો પડી ગયો. મોરારજીભાઈને કેટલાક વિદ્યાર્થી પ્રતિનિધિઓ મળ્યા તો તેમણે ધમકી આપતા કહ્યું, ‘જો તમે તોફાનો બંધ નહી કરો તો આનાથી પણ વધુ કડક પગલાં ભરવા પડશે.’ એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું, ‘મહાગુજરાતની રચના થવાની હોય તો હું નહીં અને જો હું હોઉં તો મહાગુજરાત નહીં.’ આ તરફ પંડિત જવાહરલાલ નેહરુએ ગુજરાતને દાઝ્યા પર ડામ આપ્યો. ભૂજમાં તેમણે કબૂલ્યું, ‘દ્વિભાષી રાજ્યની રચનાથી ગુજરાતના યુવાનોને સંતોષ નથી થયો પણ તેમને સમજાવવાનો વખત નહોતો.’ પછી ગંભીર ટોણો મારતા કહ્યું, ‘અમદાવાદમાં કોઈ લોકો ગુજરાતનું રાજ્ય સ્થાપીને અને જમીનના ભાવ વધારીને ભારે નફો મેળવવા માગે છે પણ તે માટે જરાય ચિંતા કરવી નહીં.’ ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મોરારજી દેસાઈને ઉપવાસ છોડવા સમજાવ્યા પણ સફળતા ન મળી. પછી કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈએ કમર કસી. તેમણે સિનિયર વકીલો સાથે ચર્ચા કરી અને જાહેર કર્યું કે મોરારજીભાઈનું વજન 6.5 કિલો ઘટી ગયું છે. મોરારજીભાઈને મળવા માટે દિગ્ગજ કોંગ્રેસ નેતા યશવંતરાવ ચવ્હાણ અમદાવાદ આવ્યા. બીજી તરફ મોરારજીભાઈના ઉપવાસના વિરોધમાં અને મહાગુજરાતના સમર્થનમાં લો કોલેજના મેદાનમાં 232 ભાઈ-બહેનોએ 72 કલાકના સામુહિક ઉપવાસ શરૂ કર્યો. દરમિયાન ગુજરાતભરમાં કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડવાના ચાલુ થઈ ગયા. બોરસદ ખાતે સભામાં મોરારજીભાઈના ઉપવાસ પર ઈન્દુલાલ યાજ્ઞિકે ટોણો મારતા લાક્ષણિક શૈલીમાં કહ્યું, ‘તમે મહેમદાબાદમાં મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતના ત્રણ રાજ્યની માગણી કરી ત્યારે તમારું મગજ ક્યાં ગયું હતું?’ વાસદમાં પણ ઈન્દુલાલ યાજ્ઞિકે કહ્યું, ‘ગઈકાલે જ કોંગ્રેસ ભવન આગળ ઉભેલો સિપાઈ શહીદોને કોઈએ ફૂલથી અંજલિ આપી હતી તેને લાત મારીને લોકલાગણી દુભાવી હતી.’ આટલું બોલતા જ ઈન્દુલાલના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને આંખમાં આંસૂ છલકાઈ આવ્યા. આગળ કહ્યું, ‘ગોળીબાર માટે લોકોનાં તોફાનનું બહાનું આપવામાં આવે છે તો વિચારો કે કેટલા પોલીસવાળા મરી ગયા કે ઘાયલ? સરકારની સિંહ જેવી હત્યા આગળ લોકોએ માત્ર છોકરવાદ કરી છે. કોંગ્રેસના નેતાઓ આજે ગુજરાતને નાતરે દેવા નીકળ્યા છે, ત્યારે જુવાનો શી રીતે શાંતિ બેસી રહે? વલ્લભવિદ્યાનગરના ભાઈકાકાએ પૂરો અભ્યાસ કરીને કહ્યું છે કે ગુજરાતનો પૈસો મહારાષ્ટ્રમાં ખેંચાઈ જાય છે અને તેથી ત્યાં થાય છે તેવા વિકાસના કાર્યો આપણે ત્યાં થતાં નથી.’ દરમિયાન જાહેરાત થઈ કે તારીખ 26 ઓગસ્ટ, 1956ના રોજ મોરારજીભાઈ દેસાઈ ઉપવાસના પારણાં કરશે અને જાહેરસભાને સંબોધન કરશે. નિર્ધારિત સમયે મોરરાજીભાઈની સભા શરૂ થઈ, જેમાં ઉશ્કેરાયેલા કેટલાક યુવાનો ઘૂસી ગયા અને લાઉડ સ્પીકર તોડી નાખ્યા. પોલીસ અને ટોળા વચ્ચે સામસામો પથ્થરમારો થયો. ટોળાંને વિખેરવા માટે પોલીસે ટીયરગેસ છોડ્યો, જેમાં જીતસિંહ હંસાસિહ નામના યુવકનું મોત થયું અને 126થી વધુ લોકો ઘાયલ થયા. આવી સ્થિતિમાં પણ મોરારજીભાઈએ છત્રી નીચે બેસી ભાષણ ચાલું રાખ્યું અને બોલ્યા, ‘મારા મરણથી કેટલાક ખુશ થવા માગતા હતા, પરંતુ મારે આવી ખોટી રીતે ભોગ નહીં આપવો જોઈએ. જે માટે ઉપવાસ શરૂ કર્યા હતા, તે કાર્ય પાર પડતાં મારે ઉપવાસ છોડી દેવા તેમ માનું છું.’ તણાવભરી સ્થિતિમાં મોરારજીભાઈ દેસાઈએ 38 મિનિટ પ્રવચન કર્યું. પછી અમૃતલાલ શેઠના હાથે મોસંબીનો રસ લઈને પારણાં કર્યા હતા. સભામાં મોરારજીભાઈને પથ્થરો વાગતા રોકવા માટે એડવોકેટ એચ કે ઠાકોર અને બાબુભાઈ વાસણવાળા આગળ ઊભા રહી ગયા હતા, જેમાં તે બંનેને પથ્થરો વાગ્યા હતા. આ સિવાય મોરારજીભાઈના પત્ની ગજરાબેન અને ઢેબરભાઈને પણ થોડું ઘણું વાગ્યું હતું. મહાગુજરાતના આંદોલનને મજબૂત બનાવવા અને એક તાંતણે બાંધવા માટે કોઈ એક જ સમિતિ બનાવવાનું નક્કી થયું. 9મી સપ્ટેમ્બર, 1956ના રોજ ખાડિયા દોલતખાનામાં આવેલી ઔદિચ્યની વાડીમાં મહાગુજરાત નાગરિક પરષિદનું અધિવેશન મળ્યું, જેમાં ‘મહાગુજરાત જનતા પરિષદ’ની કમાન ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપવાનું નક્કી થયું. બ્રહ્મકુમાર ભટ્ટની સમજાવટથી વિદ્યાર્થી આગેવાનો પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા અને હરપ્રસાદ વ્યાસ જોડાયા. દરમિયાન જાહેરાત થઈ કે 2જી ઓક્ટોબર, 1956ના રોજ વડાપ્રધાન પંડિત નેહરુ ગુજરાતની મુલાકાતે આવે છે. આની જાણ થતા જ મહાગુજરાત જનતા પરિષદના કાર્યકરોમાં હલચલ તેજ થઈ. તાત્કાલિક બેઠક મળી અને નક્કી થયું કે પંડિત નેહરુની સભાની સામે જનતા પરષિદની સમાંતર સભા યોજવી. કેટલાકે ડર વ્યક્ત કર્યો કે આજે પણ પંડિત નેહરુની પ્રતિભા અને લોકપ્રયિતા ઘણી ઊંચી છે અને તેમની સામે સમાંતર સભા યોજવામાં ધારી સફળતા નહીં મળે અને સારો દેખાવ નહીં થાય. જ્યારે કેટલાકે અભિપ્રાય આપ્યો કે જો સમાંતર સભા યોજવામાં નહીં આવે તો ઘણા યુવાન નહેરુની સભામાં પહોંચી જશે અને અશાંતિ ઊભી થશે. જે ઈચ્છવા યોગ્ય નથી. નહેરુની સામે સમાંતર સભા કરવી તે કોઈ નાનીસૂની વાત નથી, તે બધા આગેવાનો સમજતા હતા અને જો તે નિષ્ફળ જાય તો આખી મહાગુજરાતની લડત ઉગતી જ ખતમ થાય. મહાગુજરાત જનતા પરિષદના અગ્રણીઓ નહેરુની સમાંતર સભાને સફળ બનાવવા કામે લાગી ગયા. ઠેર-ઠેર લોકોને મળીને સમજાવવા લાગ્યા. 23 સપ્ટેમ્બર, 1956ના રોજ કોંગ્રેસ હાઉસના મેદાનમાં ઠાકોરભાઈ દેસાઈએ કહ્યું, ‘આ મહાગુજરાતવાળાને મહાગુજરાત નથી જોઈતું. તેમને તો કોંગ્રેસને ખતમ કરવી છે. તેઓ ગોળીબારની વાતો જ કરે છે અને શહીદોને વાત કરે છે પણ ગોળી ઉપર કોઈના નામ સરનામાં લખેલા હોતા નથી. ગોળીબાર ન થાય તો અંધાધૂધી વ્યાપી જાય. તોફાની તત્વો જોડે કંઈ ગરબા ગવાતા નથી. તાળીઓ પાડવાથી કંઈ મહાગુજરાત ન મળે.’ ઠાકોરભાઈના આ નિવેદનથી ગુજરાતના લોકોની લાગણી વધુ ઉશ્કેરાઈ. પંડિત નહેરુ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેમને મળવા માટે મહાગુજરાત જનતા પરિષદે સમય માગવાનું નક્કી કર્યું. એ માટે ઈન્દુલાલે પંડિત નેહરુને પત્ર લખ્યો. જેનો વડાપ્રધાનના મંત્રીએ જવાબ આપ્યો, ‘વડાપ્રધાનને સમય ન હોય અને વળી તમે દર્શાવેલ વિષય ઉપર મુલાકાત લેવાથી કોઈ હેતુ સરસે નહીં તેમ વડાપ્રધાન માને છે.’ 1 ઓક્ટોબર, 1956ના રોજ પંડિત નહેરુ રાજકોટ પહોંચ્યા હતા. અહીંના જીમખાના મેદાન ઉપર મેદનીને 30 મિનિટ સંબોધતા નેહરુએ કહ્યું, ‘ભાષાવાદીઓ પ્રચારથી કોંગ્રેસને તોડવા માગે છે. એક વ્યવસ્થા અને બીજી વ્યવસ્થા વચ્ચે દીવાલ ઊભી થવાનો તેમાં ભય રહેલો છે.’ ગોળીબારનો ઉલ્લેખ કરતાં પંડિતજીએ કહ્યું, ‘ખુવારીથી મને દુ:ખ થાય છે. તે દુ:ખ અમદાવાદ કે ગુજરાતનું નહીં પરંતુ આખા દેશનું છે. દ્વિભાષીના નિર્ણયથી ગુજરાતની પ્રજાને અણધાર્યો આઘાત પહોંચ્યો છે, પરંતુ આ નિર્ણય પાર્લામેન્ટે લીધો છે.’ મહાગુજરાત જનતા પરિષદની સભા માટે બહારથી આવનારા લોકોને અમદાવાદમાં જમવા માટે શહેરની પોળે પોળે સેંકડો માણસોએ સ્વચ્છાએ વ્યવસ્થા કરી રસોડાં ઊભા કર્યા હતા. એ દિવસે જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો હતા. મહાગુજરાતની મહાગાથા સિરીઝના આવતીકાલના એપિસોડમાં વાંચો કે ગુજરાતમાં ઇન્દુલાલની સભા સામે નહેરૂની સભા ઝાંખી પડી. આંદોલન મહાગુજરાતના નામે હતું તો રાજ્યનું ગુજરાત કેમ પડ્યું? 1 મેની જ કેમ પસંદગી કરાઇ? અલગ રાજ્ય થયું ત્યારે ગુજરાતને શું-શું મળ્યું? ગ્રાફિક્સઃ વિનોદ પરમાર મહાગુજરાતના શહીદો અમને માફ કરજો, વાંચો પાર્ટ-1 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *