7 જુલાઈ, 1995.
તિહાર જેલ, નવી દિલ્હી. દેશની સૌથી મોટી અને સૌથી જાણીતી તિહાર જેલ-4ના 9 નંબરના વૉર્ડમાં રાજન પિલ્લઈ નામનો એક હાઇપ્રોફાઇલ કેદી લાવવામાં આવ્યો હતો. એને સૂવા માટે એક ઓટલો અપાયો હતો. 7 જુલાઈ, 1995ની સવારે જેલના અધિકારીઓએ જોયું તો રાજન લગભગ બેભાન અવસ્થામાં પડ્યો હતો. એનું શરીર સૂજી ગયું હતું અને 104 ડિગ્રી ફેરનહિટ તાવથી ધખધખતું હતું. એની હાલત કહી આપતી હતી કે સ્થિતિ ગંભીર છે, રાજનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો જરૂરી હતો. તેને બદલે તિહારના ફરજ પરના અધિકારીઓએ જેલ ડૉક્ટરને બોલાવ્યો. જેલ ડૉક્ટરે દર્દીને જોઇને કહ્યું કે, આ તો સુંવાળી જિંદગી જીવવા ટેવાયેલા કેદીઓ તિહાર જેવી જગ્યાએ આવે એટલે આવી એંગ્ઝાયટી થાય તે સ્વાભાવિક છે. એણે દર્દીને શાંત કરવા માટે વપરાતું ‘કામપોઝ’નું ઇન્જેક્શન આપી દીધું. રાજન પિલ્લઇના વકીલો છેલ્લા કેટલાય દિવસથી કોર્ટમાં સજ્જડ દલીલો કરી રહ્યા હતા કે રાજનને લિવર સિરોસિસ (લિવર ફેલ્યોર)ની ગંભીર બીમારી છે, એને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં દાખલ કરવો પડશે. કોઇએ વાત કાને ધરી નહીં. બપોરે ચાર વાગ્યા પછી રાજન પિલ્લઇનો વકીલ એને મળવા તિહાર આવ્યો ત્યારે એણે રાજનની ગંભીર સ્થિતિ જોતાં માગણી કરી કે એને પ્રોપર હોસ્પિટલમાં લઇ જવામાં આવે. આખરે ગંભીર પરિસ્થિતિ જોતાં રાજનને તિહારને અડીને જ આવેલી દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં લિવર સિરોસિસ જેવી ગંભીર બીમારીના ક્રિટિકલ દર્દીને સાચવવા માટેની કોઇ જ સુવિધા નહોતી. છેક સાંજે નિર્ણય લેવાયો કે રાજનને કોઈ યોગ્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવો જોઇએ. ખાટલે મોટી ખોડ એ હતી કે એ વખતે કોઈ એમ્બ્યુલન્સ જ હાજર નહોતી. રાજનના વકીલે કહ્યું કે, મારી કારમાં એને લઇ જાઓ. તિહાર પોલીસે એવું કહીને ના પાડી કે આ પોલીસ પ્રોસિજરની વિરુદ્ધમાં છે. આખરે રાજન પિલ્લઇને પોલીસની વાનમાં સ્ટ્રેચર પર નીચે સૂવડાવીને લઇ જવાયો. રસ્તામાં રાજન પિલ્લઇને લોહીની ઊલટીઓ થઇ. એનાં નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું. એ શ્વાસ લેવા માટે તરફડિયાં મારી રહ્યો હતો. હોસ્પિટલે પહોંચ્યા પછીયે કોઇએ તબીબોને કહ્યું નહીં કે આને લિવર સિરોસિસની બીમારી છે. ડૉક્ટરો પોતાની સ્ટાન્ડર્ડ પ્રોસિજરના ભાગરૂપે એને રિવાઇવ કરવાની કોશિશ કરતા રહ્યા. હોસ્પિટલના દરવાજાના નાનકડા કાચમાંથી રાજનની પત્ની નીના પિલ્લઇ લોહીથી ખરડાયેલા એના પતિને તરફડિયાં મારતો જોઇ રહી. આખરે મોડી સાંજે 8:30 વાગ્યે રાજન પિલ્લઇને મૃત જાહેર કરવામાં આવ્યો. *** અબજોપતિ ‘બિસ્કિટ કિંગ’નું કંગાળ મોત
રાજન પિલ્લઇ, જે ઇન્ટરનેશનલ બિઝનેસ સર્કિટમાં ‘બિસ્કિટ કિંગ’ અને ‘બિસ્કિટ બેરન’ તરીકે જાણીતો હતો, જે હજુ થોડા દિવસ પહેલાં સુધી લંડન અને સિંગાપોરના રસ્તાઓ પર પોતાની લક્ઝુરિયસ બેન્ટ્લી કારમાં ફરતો હતો, સિંગાપોર સહિતના દેશોમાં એના ભવ્ય બંગલાઓ હતા, વિશ્વના વિખ્યાત ચિત્રકારોનાં કરોડો રૂપિયાની કિંમતનાં ઓરિજિનલ પેઇન્ટિંગ્સનો જંગી સંગ્રહ જેની પાસે હતો, વિમ્બલ્ડનમાં એના નામનું બોક્સ રિઝર્વ્ડ રહેતું હતું, થોડાં વર્ષ પહેલાં ‘બ્રિટાનિયા’ કંપનીનો જે સર્વેસર્વા હતો… એ રાજન પિલ્લઇ તિહાર પોલીસની કસ્ટડીમાં તદ્દન બેઝિક મેડિકલ સારવારના અભાવે, પાણીનું ટીપુંયે પામ્યા વિના લોહીની ઊલટીઓ કરીને માત્ર 47 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. મૃત્યુ પછી એના શરીર પર ઓઢાડવા માટે એક પ્રોપર કફન પણ નહોતું. કઇ રીતે હજારો કરોડ રૂપિયાનો માલિક ‘બિસ્કિટ કિંગ’ રાજન પિલ્લઇ રાતોરાત શ્રીમંતાઇના શિખરેથી સાવ મુફલિસીની ખીણમાં આવીને પટકાયો અને અત્યંત કરુણ મોતને ભેટ્યો? આજના ‘ખાખી કવર’માં વાત કરીએ રાજન જનાર્દન મોહનદાસ પિલ્લઇની.
*** કેરળનો કોહિનૂર
રાજન પિલ્લઇનો જન્મ 1947માં કેરળના કોલ્લમના એક કાજુ વેપારીને ત્યાં થયેલો. છ બહેનો અને બે ભાઇ એમ રાજનના પિતાનો વસ્તાર ભારે મોટો હતો. ભણવામાં હોંશિયાર અને પબ્લિક સ્પીકિંગમાં માહેર રાજને સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ કોલ્લમ કોલેજમાં એડમિશન લીધું. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ મેળવી. એ વખતે રાજન પિલ્લઇના પિતા જનાર્દનન ભારતના સૌથી મોટા કાજુ એક્સપોર્ટર્સમાંના એક હતા. એટલે રાજન પિલ્લઇનો ઉછેર એક શ્રીમંત પરિવારમાં થયેલો. પિતા જનાર્દનનની ઇચ્છા એવી કે દીકરો વિદેશમાં જઇને કામ કરે અને દુનિયાભરમાં પરિવારનું નામ રોશન કરે. રાજને એવું જ કર્યું. પરંતુ વિદેશ જતાં પહેલાં એણે એક અનોખું પગલું ભર્યું. એણે પોતાના ફાળે આવતી પિતાની મિલકત પોતાનાં ભાઇ-બહેનોને આપી દીધી. વિદેશ જઇને એમણે પોતાના કાંડાના બળે કામ શરૂ કર્યું. જોતજોતાંમાં એણે પિતાની કોઇપણ નાણાકીય સહાય વિના પોતાનું બિઝનેસ સામ્રાજ્ય ખડું કરી દીધું. દરઅસલ, પોતાની કરિયરની શરૂઆતમાં જ રાજન પિલ્લઇએ ગોવાની એક ફાઇવ સ્ટાર હોટેલની ડીલમાં રોકાણ કરેલું, જેમાં એને સારો એવો ફાયદો થયેલો. આ આત્મવિશ્વાસ એને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ જમાવવામાં ભારે કામ લાગ્યો. એ જ અરસામાં રાજન પિલ્લઇની મુલાકાત જવાહરલાલ નેહરુના વિશ્વાસુ અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી એવા વી. કે. કૃષ્ણ મેનન સાથે થઇ. દરઅસલ, પોતાની વગનો ઉપયોગ કરીને રાજન પિલ્લઇએ પોતાના એક કાર્યક્રમમાં કૃષ્ણ મેનનને આમંત્રિત કરેલા. રાજનની પ્રતિભા, છટા અને પર્સનાલિટી જઇને કૃષ્ણ મેનન પ્રભાવિત થયા. બંને વચ્ચે પરિચય એવો વધ્યો કે થોડા સમય પછી કૃષ્ણ મેનને પોતાની ભત્રીજીની દીકરીનાં લગ્ન રાજન સાથે કરાવી દીધાં. જોકે આ લગ્ન ઝાઝું ટક્યાં નહીં. બંને વચ્ચે કયા મુદ્દે મતભેદો સર્જાયા એ વિગતો તો પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ નથી, પરંતુ એકાદ-બે વર્ષમાં જ રાજન અને કૃષ્ણ મેનનની ભત્રીજીની દીકરીના છૂટાછેડા થઇ ગયા. રાજન મીટ્સ નીના
1983ના એ સમયગાળામાં ઉદ્યોગજગતમાં રાજન ઠીક ઠીક કાઠું કાઢી ચૂક્યો હતો. એ જ અરસામાં મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સુંદર યુવતી નીના સાથે થઇ. નીનાએ ગુજરાતના વડોદરામાંથી સ્નાતકની અને મુંબઇથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. એને ગ્લેમર વર્લ્ડમાં પોતાની કરિયર બનાવવી હતી. પરંતુ વિધાતાએ એના માટે એક ઘટનાપ્રચૂર જિંદગી લખી હતી. તે વખતે એર હોસ્ટેસ તરીકે કામ કરી રહેલી નીનાની મુલાકાત તાજ હોટેલના રિસેપ્શન પર રાજન પિલ્લઇ સાથે થઇ અને બંને વચ્ચે એક કનેક્શન ક્લિક થઇ ગયું. અઢી વર્ષ જેવું કોર્ટશિપમાં ગાળ્યાં પછી બંનેએ લગ્ન કરી લીધાં. સિંગાપોરના સુપર રિચ ટર્ન્ડ ‘બિસ્કિટ કિંગ’
સિત્તેરના દાયકાની મધ્યમાં રાજન પિલ્લઇએ સિંગાપોરને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. ત્યાં એણે ‘ટ્વેન્ટીએથ સેન્ચુરી ફૂડ્સ’ નામની કંપની સ્થાપી અને ‘ઓલે’ બ્રાન્ડનેમથી બટાકાની વેફર, પીનટ્સ અને કૂકીઝ બનાવવાની શરૂઆત કરી. તેમાં એ પોતાના પિતાના બિઝનેસ થકી આવતાં કાજુનો પણ ઉપયોગ કરતા હતા. જોતજોતામાં એણે પોતાની પ્રોડક્ટ્સને છ દેશોમાં પહોંચતી કરી. એની બિઝનેસ સ્ટાઇલ એવી હતી કે થોડાં વર્ષોમાં જ રાજન પિલ્લઇ સિંગાપોરના અગ્રણી બિઝનેસમેનમાં શુમાર થઇ ગયા. એ જ અરસામાં અમેરિકાની વિરાટ ફૂડ કંપની ‘સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સ’ના હેડ ફ્રેડરિક રોસ જ્હોનસને રાજન પિલ્લઇ સાથે હાથ મિલાવ્યા. 1984ના અરસામાં એમણે તાજીતાજી હસ્તગત કરેલી ‘નેબિસ્કો’ (નેશનલ બિસ્કિટ કંપની) સંભાળવા માટે લંડન મોકલી આપ્યા. આ નેબિસ્કો કંપનીની બીજી ઓળખ એટલે પોપ્યુલર ‘ઓરિયો’ બિસ્કિટનાં ઉત્પાદક. રોસ જ્હોનસને પોતાની હસ્તગત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ‘હન્ટલી એન્ડ પામર’ નામની વધુ એક બિસ્કિટ કંપની પોતાના નામે કરી લીધી. હન્ટલી એન્ડ પામર ભારતની સૌથી મોટી બિસ્કિટ અને ચોકલેટ કંપની ‘બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ’ને પણ કંટ્રોલ કરતી હતી. જ્હોનસને પોતાના વિશ્વાસુ તરીકે બ્રિટાનિયાના એશિયા બિઝનેસનો સંપૂર્ણ કારભાર રાજન પિલ્લઇને સોંપી દીધો. આ સાથે જ રાજન પિલ્લઇને ‘બિસ્કિટ કિંગ’ અને ‘બિસ્કિટર બેરન’નું બિરુદ મળ્યું. નુસ્લી વાડિયાઃ જિગરી દોસ્ત બન્યા જાની દુશ્મન
આ સમગ્ર બિઝનેસ પ્રોસેસમાં રાજન પિલ્લઇના એક સમયમાં પાક્કા મિત્ર અને ઉદ્યોગપતિ સાથેના સંબંધોમાં ઓટ આવવા લાગી. એ ઉદ્યોગપતિ એટલે નુસ્લી વાડિયા. નુસ્લી વાડિયા એટલે મોહમ્મદ અલી ઝીણાના દોહિત્ર, એક સમયે અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાનું નામ જેની સાથે જોડાયું હતું તે નેસ વાડિયાના પિતા અને ‘બોમ્બે ડાઇંગ’ કંપનીના ચેરમેન. નુસ્લી વાડિયા સાથેની રાજનની મૈત્રી કેવી પાક્કી હશે તેનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે રાજનનાં નીના સાથે લગ્ન કરાવવા માટે નુસ્લીએ જ રાજનનાં માતા-પિતાને મનાવ્યાં હતાં. 1981ના એક દિવસે નુસ્લી વાડિયાએ રાજન પિલ્લઇને બ્રિટનની એસોસિએટેડ બિસ્કિટ્સ કંપનીના શેર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ થોડા સમયમાં જ નુસ્લી વાડિયાને ખબર પડી કે રાજન પિલ્લઇના વિદેશી ભાઇબંધ એવા ફ્રેડરિક રોસ જ્હોનસને એ કંપનીના 38% શેર ખરીદ્યા હતા, એ પણ નેબિસ્કો માટે, જેના રાજન પોતે હેડ હતા. નુસ્લી વાડિયાને આ વાત સદંતર વિશ્વાસઘાતી લાગી. એમને હાડોહાડ લાગી આવ્યું. 1985-89ના ગાળામાં ‘નેબિસ્કો’ કંપનીએ પોતાની KKR નામની એક હરીફ કંપની સાથેની રાઇવલરીમાં પ્રચંડ નાણાં વેરવાં પડ્યાં. પરિણામે નેબિસ્કો કંપનીએ પોતાના પર આવી પડેલું 22 અબજ ડૉલરનું જંગી ભારણ ઘટાડવા માટે હોંગકોંગ, સિંગાપોર, મલેશિયામાં આવેલી સબસિડિયરી કંપનીઓ વેચવા કાઢી. બ્રિટાનિયા પણ એમાંની એક હતી. રાજન પિલ્લઇ એ વખતે નેબિસ્કો કંપનીના આફ્રિકા, એશિયા-પેસિફિક વિસ્તારના હેડ હતા. એમણે પોતાના બિઝનેસ સાથીદાર ફ્રેડરિક રોસ જ્હોનસનને મનાવ્યા અને ‘એસોસિએટેડ બિસ્કિટ’ કંપનીને KKRની ચુંગાલમાંથી છોડાવવા માટે ડેનોન નામની ફ્રેન્ચ ફૂડ કંપનીની મદદ લીધી. આ દરમિયાન રાજન પિલ્લઇએ બ્રિટાનિયા કંપનીમાં 38%થી વધુ શેર ખરીદી લીધો. 199૦-91નું વર્ષ આવ્યું ત્યાં ઇરાક-કુવૈત વચ્ચે ‘ગલ્ફ વૉર’ ફાટી નીકળ્યું. આખી દુનિયાના સ્ટોક માર્કેટ ધબાય નમઃ થઇ ગયા. આ અરસામાં રાજન પિલ્લઇ કોકાકોલાને પણ ભારતમાં લાવવા માટે પ્રયાસરત હતા, જોકે પાછળથી ભારતે પોતાની લિબરલાઇઝેશન નીતિ જાહેર કરતાં કોકાકોલા પોતાના બળે જ ભારતમાં પ્રવેશ્યું. ઉદ્યોગપતિને 14 વર્ષની જેલ
1993માં રાજન પિલ્લઇની સ્ટોરીમાં પ્રચંડ ટ્વિસ્ટ આવ્યો. નુસ્લી વાડિયાએ પોતાનો બદલો લીધો. એમણે ફ્રેન્ચ કંપની ડેનોનને ગળે ઉતારી દીધું કે રાજન પિલ્લઇએ એમને છેતર્યા છે. બ્રિટાનિયામાં પ્રભુત્વ ધરાવતી ડેનોન કંપનીએ રાજન પિલ્લઇને બ્રિટાનિયાના હેડ પદેથી હટાવ્યા અને તેને સ્થાને નુસ્લી વાડિયાને ગોઠવી દીધા. ભારતના કોર્પોરેટ ઇતિહાસની આ સૌથી નાટ્યાત્મક ઘટના હતી. હજુ નુસ્લી વાડિયાનો બદલો પૂરો નહોતો થયો. ભેદી રીતે રાજન પિલ્લઇના સાથીદાર ફ્રેડરિક રોસ જ્હોનસને પણ પિલ્લઇનો સાથ છોડીને નુસ્લી વાડિયાની ટીમ જોઇન કરી લીધી. એટલું જ નહીં, જ્હોનસને રાજન પિલ્લઇ વિરુદ્ધ સિંગાપોર કમર્શિયલ અફેર્સ ડિપાર્ટમેન્ટમાં ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરી. એમની ફરિયાદ હતી કે રાજન પિલ્લઇએ બોર્ડને વિશ્વાસમાં લીધા વિના નેબિસ્કો કંપની માટે ‘ઓલે’ કંપની ખરીદી અને બ્રિટાનિયા કંપનીને બેવકૂફ બનાવી, અને આ રીતે એમણે 1.72 કરોડ ડૉલરનો ફટકો પહોંચાડ્યો છે. ઉપરથી ફ્રેડરિક રોસ જ્હોનસને પણ પિલ્લઇ પાસેથી 3 કરોડ ડૉલરનું લેણું કાઢ્યું. 1993માં જ પિલ્લઇ સામે સિંગાપોરમાં ફ્રોડ, વિશ્વાસઘાત અને જંગી નાણાં અહીંથી તહીં કરવાના 22 કેસ ફાઇલ થયા. નાણાકીય ઉચાપતોની બાબતમાં સિંગાપોર ભારે આળું છે. એમણે બે વર્ષની અંદર ચુકાદો આપ્યો અને રાજનને ગુનેગાર ઠેરવીને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી. એક સમયના બિઝનેસ હોટશોટ રાજન પિલ્લઇની શાખ અને કારકિર્દીને મરણતોલ ફટકો પહોંચાડનારો આ ચુકાદો જાહેર થાય તે પહેલાં જ પિલ્લઇને અણસાર આવી ગયો અને તેઓ સિંગાપોરથી ભારત આવી ગયા. રાજન પિલ્લઇનો સ્ટ્રોંગ દાવો હતો કે પોતે કોઇ જ ગુનો કર્યો નથી, સિંગાપોરમાં પોતાને ન્યાય નહીં મળે. પિલ્લઇના ભારત આવતાંની સાથે જ સિંગાપોરે એમના પ્રત્યાર્પણની માગણી કરી અને ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જાહેર કરી. ધરપકડથી બચવા માટે રાજન પિલ્લઇએ મુંબઈ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, જે કોર્ટે ફગાવી દીધી. હવે રાજન પિલ્લઇ દિલ્હી હતા. એમની ગણતરી હતી કે પોતાના દિલ્હીના કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરીને તેઓ સિંગાપોરની કેદમાંથી બચી શકશે. પરંતુ એમના કોઇ કોન્ટેક્ટ્સ કામમાં આવ્યા નહીં. ભારતીય ન્યાયતંત્રનો કાળો અધ્યાય
આખરે 4 જુલાઈ, 1995ના રોજ વહેલી સવારે CBIએ દિલ્હીની લા મેરિડિયન હોટેલના રૂમ નં. 1086માંથી રાજન પિલ્લઇની ધરપકડ કરી. એમને તિહાર જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 47 વર્ષના રાજન પિલ્લઇ દારૂ પીવાને કારણે આવી પડેલી લિવર સિરોસિસ (લિવર ફેલ્યોર)ની ગંભીર બીમારીથી પીડાતા હતા. પિલ્લઇના વકીલોએ એપોલો હોસ્પિટલનું સર્ટિફિકેટ રજૂ કરીને કહ્યું કે, ‘રાજન પિલ્લઇ આલ્કોહોલ રિલેટેડ લિવર સિરોસિસથી પીડાઇ રહ્યા છે. હજુ એક દિવસ પહેલાં જ એમને જાજરૂમાં અને ઊલટીમાં લોહી પડ્યું છે. જો એમને તાત્કાલિક સારવાર નહીં મળે તો તેમના જીવને જોખમ છે. એમનો જીવ બચાવવા માટે એમને તાત્કાલિક લેસર સર્જરીની જરૂર છે.’ પિલ્લઇના પ્રત્યાર્પણનો આ કેસ સંભાળી રહેલા જસ્ટિસ એમ. સી. મહેતાએ તિહાર જેલ પ્રશાસનના રેસિડેન્ટ મેડિકલ ઑફિસર (RMO)ને પૂછ્યું કે તેઓ રાજન પિલ્લઇને સંભાળવા સક્ષમ છે કે કેમ. ઉપરાંત CBIને પણ પૂછ્યું કે શું રાજન પિલ્લઇને કોઈ ખાનગી કોર્પોરેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઇએ કે કેમ. પૈસાદાર બકરો તિહારને બહુ ગમે!
જેના પરથી થોડા સમય પહેલાં ‘નેટફ્લિક્સ’ પર ‘બ્લેક વૉરંટ’ નામની સુપરહિટ સિરીઝ બની તે પુસ્તક ‘બ્લેક વૉરંટ’ના લેખક અને તિહાર જેલના ભૂતપૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ લખે છે, ‘કોઈ ધનાઢ્ય આરોપી જેલમાં આવે એટલે તિહારમાં સૌને મજા પડી જાય, કેમકે એમને નાની નાની સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ચિક્કાર પૈસા પડાવી શકાય.’ કરુણતા જુઓ કે જસ્ટિસ મહેતાએ તિહારના RMOના અભિપ્રાય માટે મોકલેલો પત્ર એમને મળ્યો જ નહીં. કેમ કે, એક જ શહેરમાં હોવા છતાં એ પત્ર રૂબરૂ આપવાને બદલે કુરિયરથી મોકલવામાં આવ્યો હતો! વળી, જ્યારે પિલ્લઇને તિહાર લાવવામાં આવ્યા ત્યારે ફરજ પરના ડૉક્ટર રજા પર હતા. એટલે રાજન પિલ્લઇનું ક્યારેય મેડિકલ ચેકઅપ થયું જ નહીં. નેચરલી, પિલ્લઇની દવાઓ પણ બંધ કરી દેવાઇ હતી. આ બાજુ CBIએ પણ પિલ્લઇને કોર્પોરેટ હોસ્પિટલમાં મોકલવાનો ધરાર ઇનકાર કરી દીધો. એમની દલીલ હતી કે માલેતુજાર ગુનેગારો પોતાના પૈસાના જોરે નકલી મેડિકલ ઇશ્યુઝ ઉભા કરે છે અને જેલની કોટડીને બદલે હોસ્પિટલના સુંવાળા બિછાને સમય પસાર કરે છે. જવાબમાં પિલ્લઇના વકીલોએ મેડિકલ રિપોર્ટ્સ રજૂ કરીને કહ્યું કે હજુ ત્રણ વર્ષ પહેલાં જ પિલ્લઇને બે વખત જીવનું જોખમ ઊભું થયું હતું, અને ઇન્ટર્નલ બ્લીડિંગ રોકવા માટે તેમના પર 10 વખત સ્ક્લેરોથેરપી કરવામાં આવી છે. પરંતુ જજને ‘નિષ્પક્ષ’ ઓપિનિયન જોઇતો હતો, જે તેમણે તિહારના મેડિકલ ઑફિસર પાસેથી માગેલો, જે તેમને ક્યારેય મળ્યો જ નહીં. ‘હું લાંબું નહીં ખેંચું’
ગંભીર શારીરિક બીમારી, ચારેકોરથી મળી રહેલી નાલેશી, બિઝનેસમાં વિશ્વાસઘાત અને હજુ થોડા દિવસ પહેલાં સુધી કોર્પોરેટ જગતના શિખરે બિરાજતો આ ‘બિસ્કિટ કિંગ’ અત્યારે મામૂલી ગુનેગારની જેમ જેલ-કોર્ટના ધક્કા ખાઇ રહ્યો હતો. આ બધાથી પડી ભાંગેલા રાજન પિલ્લઇને 6 જુલાઇ 1995ના દિવસે કોર્ટથી તિહાર જતી વખતે એની પત્ની નીના મળી. નીનાને જોતાં જ અંતર્મુખી સ્વભાવના રાજને સેંકડો પોલીસવાળાઓ અને હજારો લોકોની વચ્ચે પત્નીના હોઠ પર કિસ કરી. એણે નીનાના હાથ પકડીને કહ્યું, ‘મને નથી લાગતું કે હું લાંબું ખેંચી શકીશ. તું તારું અને બંને દીકરાઓનું ધ્યાન રાખજે. એના બીજા જ દિવસે રાજનનું મૃત્યુ થયું.’ આ વાત ખુદ નીના પિલ્લઇએ અઢી દાયકા પહેલાંના ‘રોન્દેવુ વિથ સિમી ગરેવાલ’ શૉમાં કહી હતી. સુનીલ ગુપ્તા પોતાના પુસ્તકમાં શબ્દો ચોર્યા વિના લખે છે કે, ‘રાજન પિલ્લઇને આપણી સિસ્ટમની ઉદાસીનતા અને જડ વલણે મારી નાખ્યા. કેદીને દીન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલે જ લઇ જવો એ ગંભીર ભૂલ હતી. એ હોસ્પિટલમાં તો કોઇપણ સાજો માણસ પણ માંદો પડી જાય, ત્યારે પિલ્લઇ જેવા દર્દીની શું સ્થિતિ થાય તે સૌની સામે છે. એમને AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ)માં લઇ જવાયા હોત તો તેમનો જીવ બચી શક્યો હોત.’ રાજનને મારવાનું ઇન્ટરનેશનલ કાવતરું?
પોલીસ કસ્ટડીમાં રાજન પિલ્લઇના મૃત્યુથી મીડિયામાં સનસનાટી મચી ગઇ. રાજનની પત્ની નીના પિલ્લઇએ આક્ષેપ કર્યો કે તેના પતિના મૃત્યુ પાછળ ઇન્ટરનેશનલ કાવતરું છે. વાત વધતાં બે સ્વતંત્ર તપાસ શરૂ થઇ. CBIએ પોતાની રીતે તપાસ આદરી અને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ લીલા શેઠની અધ્યક્ષતામાં બીજી ઇન્ક્વાયરી બેઠી. અમુક કેદીઓ અને ખુદ નીના પિલ્લઇએ પણ આક્ષેપ કર્યો કે જેલમાં રાજનને માર મારવામાં આવ્યો હતો. જસ્ટિસ લીલા શેઠની તપાસમાં બહાર આવ્યું કે જેલ અધિકારીઓ તથા ફરજ પરના ડૉક્ટરની બેદરકારીએ રાજન પિલ્લઇનો જીવ લીધો. એમની સામે ચાર્જશીટ ફાઇલ થઇ પરંતુ તેનું કોઇ નક્કર પરિણામ ન આવ્યું. જેલમાં માર મારવાની કે આંતરરાષ્ટ્રીય કાવતરાંની વાતો પુરવાર ન થઇ શકી. પોતાનો પક્ષ રજૂ કરવા માટે તિહાર જેલ પ્રશાસને લાખો રૂપિયા ખર્ચીને કે.ટી.એસ. તુલસી (જેમણે રાજીવ ગાંધીની હત્યા અને રોબર્ટ વાડ્રાના તથા ઉપહાર સિનેમામાં માતા-પિતાઓના કેસ લડેલા, તથા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગુજરાત ગવર્મેન્ટ વતી કેસ લડવાની ના પાડી દીધેલી), તથા વિકાસ પાહવા (જેમણે સુનંદા પુષ્કર અપમૃત્યુ કેસમાં શશિ થરૂરનો કેસ લડેલો) જેવા દિગ્ગજ વકીલો રોક્યા હતા. રાજન પિલ્લઇના કસ્ટોડિયલ ડેથને કેરળ વિધાનસભાએ વિધિવત્ રીતે વખોડી કાઢ્યું. કેરળના ભૂતપૂર્વ સ્પીકર વી. રાધાકૃષ્ણને પિલ્લઇના મૃત્યુને ‘જ્યુડિશિયલ મર્ડર’ ગણાવ્યું. આખરે 2011માં દિલ્હી હાઇકોર્ટે રાજન પિલ્લઇના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી, જે રકમ પિલ્લઇના પરિવારે દાનમાં આપી દીધી. રાજન પિલ્લઇના કસ્ટોડિયલ ડેથ પછી કેરળના સાંસદના પ્રયાસોથી તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ 1998માં જેલમાં તબીબી સુવિધાઓ વધારવાની જાહેરાત કરી. જેલ ડૉક્ટરોની સંખ્યા 16થી વધારીને 110 કરાઇ. પેરામેડિકલ સ્ટાફ પણ 80થી વધારીને 200નો કરાયો. આ તમામને ચોવીસે કલાકની શિફ્ટમાં ગોઠવાયા, જેથી કોઇપણ કેદી તાત્કાલિક મેડિકલ ઇન્ટરવેન્શનથી વંચિત ન રહે.
***
વર્ષો પછી નીના પિલ્લઇએ ભાજપ જોઇન કરેલું. આજે તો એમના બંને દીકરા યુવાન થઇ ગયા છે. રાજન પિલ્લઇના મૃત્યુ વખતે મોટો દીકરો સાત વર્ષનો અને નાનો દીકરો દોઢ વર્ષનો હતો. સિમી ગરેવાલના શૉમાં નીનાએ કહેલું, ‘હું ક્યારેય પુનર્લગ્ન નહીં કરું. છેલ્લા શ્વાસ સુધી નીના પિલ્લઇ જ રહીશ.’ નીના પિલ્લઇ સોશિયલ મીડિયામાં અલપઝલપ દેખાય છે. રાજન પિલ્લઇ સાથે મૈત્રી, વિશ્વાસઘાત અને એમના પતનનું નિમિત્ત બનનારા નુસ્લી વાડિયા આજે ‘બ્રિટાનિયા’ કંપનીના માલિક છે. હવે આવનારા દિવસોમાં મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનને લઇને ‘બિસ્કિટ કિંગ’ નામની મલયાલમ ફિલ્મ બનવાની તૈયારીઓ પણ થઇ રહી છે.