માંડ 10 મીટર લાંબો રોડ અને તેને બનાવવા માટે ખર્ચ બતાવાયો સાડા ચાર લાખ રૂપિયા. બીજી એક જગ્યાએ તો મોટરસાઇકલ પસાર થાય એટલો પહોંળો રસ્તો, છતાં સરકારી ચોપડે મેટલનો પાક્કો રોડ બની ગયો છે અને એનો ખર્ચ બોલે છે પાંચ લાખ રૂપિયાની આસપાસ. હદ તો એ થઈ કે ગામડાઓની અંદર અલગ-અલગ લગભગ 10થી વધુ જગ્યાએ એક કાંકરો પણ મૂક્યો નથી અને મટિરિયલના બિલ મૂકીને સરકાર પાસેથી રૂપિયા સેરવી લેવામાં આવ્યા. આવા તો કેટલાક કારસ્તાનનો ખુલાસો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં થયો છે. હિસાબ મારીએ તો આંકડો કરોડોમાં પહોંચે છે. ગુજરાતના ગામડાઓમાં પંચાયતના સભ્ય, સરપંચ અને તલાટીઓના ભ્રષ્ટાચારના અનેક કિસ્સા તો તમે સાંભળ્યા હશે. પરંતુ આ વખતે કરોડોના કૌભાંડમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરાઓનું નામ ઉછળ્યું છે. સરકાર ભ્રષ્ટાચાર રોકવાના અને પારદર્શી વહીવટના દાવા તો ઘણા કરે છે. પણ બે મંત્રી પુત્રોએ કરોડોની કમાણી કરવા માટે જે મોડસઓપરેન્ડી અપનાવી એ વિચારતા કરી નાખે એવી છે. દિવ્ય ભાસ્કર આ આખાય કૌભાંડની રજેરજની માહિતી શોધી લાવ્યું છે. શ્રી રાજ ટેડર્સ બચુ ખાબડના દીકરાની એજન્સી હોવાના બે પુરાવા મનરેગા યોજનાના નામે મંત્રી પુત્રોએ રૂપિયા છાપી લીધા
દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે. જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં, જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાના ગામડાઓમાં સુપર એક્ટિવ છે. બંનેને દાહોદના વિવિધ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે. ઘણી જગ્યાએ એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પાસ કરાવી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આવી ગેરરીતિ વર્ષોથી ચાલતી હતી. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે 60% રકમ મટિરિયલ માટે ફાળવાય, જ્યારે 40% મનરેગાના મજૂરોના મજૂરીકામ માટે હોય છે. દિવ્ય ભાસ્કરને મનરેગા હેઠળ પાસ થયેલા લાખો રૂપિયાના બિલ પુરાવા રૂપે હાથ લાગ્યા છે. દાહોદમાં મંત્રી પુત્રો કેવી રીતે આખી સરકારી સિસ્ટમને ઘોળીને પી ગયા અને સરકારને જ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો એ જાણવા માટે અમે દાહોદ જઈને ગ્રાઉન્ડ-લેવલે તપાસ કરી. અલગ-અલગ ગામડાઓમાં ફર્યા અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન તેમજ શ્રી રાજ ટ્રેડર્સની ઓફિસે પણ પહોંચ્યા. જેમાં કૌભાંડના એક બાદ એક ચેપ્ટર ખૂલતા ગયા. આ કૌભાંડના કેન્દ્રમાં મૂળ બે ગામ છે.
1- કૂવા
2- રેઢાણા અમને જાણકારી મળી હતી કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કૂવા ગામમાં રહેતા પર્વતભાઈ નાયકાએ સૌથી પહેલા આ ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. એટલે અમે કૂવા ગામે જઈને પર્વતભાઈ સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું. કૂવા ગામે પહોંચ્યા, જ્યાં મુખ્ય રોડ તો ડામરનો જોવા મળ્યો. બાકી આખા ગામના રસ્તાઓ ઉબડ-ખાબડ હતા. અમે કેડીઓ ખૂંદતા-ખૂંદતા પર્વતભાઈના ઘર સુધી પહોંચ્યા. બે વર્ષ પહેલાં બિલ પાસ થઈ ગયા પણ રોડ બન્યો જ નથી
પર્વતભાઈએ અમને આ સમગ્ર મામલાની જાણ કેવી રીતે થઈ તે અંગે કહ્યું, મારા ઘર પાસેના રસ્તાનું કામ અંદાજે બે વર્ષ પહેલા મનરેગા યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તો બન્યો જ ન હતો. થોડા મહિના પહેલાં ફરી આ વિસ્તારમાં કામ કરવા માટે લોકો આવ્યા. મેં એ સમયે તેમને પૂછ્યું તો જાણવા મળ્યું કે અહીં રસ્તો મંજૂર થયો છે. મેં કહ્યું, અહીંયાં બે વર્ષ પહેલાં પણ રસ્તો મંજૂર થયો હતો ત્યારે બન્યો ન હતો. પાછો ફરી અહીં જ રસ્તો કેવી રીતે મંજૂર થયો? આ મુદ્દાને લઈ મેં તપાસ કરાવી તો સમગ્ર ગામમાં ખોટી રીતે કામ પાસ કરાવ્યા હોવાનું સામે આવ્યું. આ રહ્યા કૌભાંડના પુરાવા વનવિભાગ હસ્તગત આવતો રોડ પણ મંજૂરી વગર કાગળ પર બની ગયો
31 માર્ચ ,2021ના રોજ ધૂળાભાઈ નાયકાના (એટલે પર્વતભાઈના પિતા) ઘરથી નવલાભાઈના ઘર સુધી માટી મેટલના રોડનું કામ મંજૂર થયું હતું. આ કામ માટે કુલ 4.84 લાખ રૂપિયા ફાળવવાના નક્કી થયા હતા. બીજા જ દિવસે એટલે કે 1 એપ્રિલ, 2021ના રોજ બે બિલ પાસ થયા. એક બિલ 1,94,456 રૂપિયાનું હતું, જ્યારે બીજું બિલ 1,11,541 રૂપિયાનું હતું. આમ, 4.84 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી 3,05,997 રૂપિયાનું પેમેન્ટ માલ-સામાનની ખરીદી પેટે શ્રી રાજ ટ્રેડર્સને ગયું, જે કિરણ ખાબડની એજન્સી છે. પર્વતભાઈએ પોતાના જ ગામમાં રહેતા કેટલાક લોકોના નામ લીધા અને કહ્યું, ગામમાં અંદાજે 10થી વધુ રસ્તાનું કામ કર્યા વગર પૈસા મંજૂર કરવામાં આવ્યા છે. છેલ્લા 40 વર્ષમાં એકેય વખત રોડ બન્યો નથી, તો રોડ મટિરિયલ ક્યાં ગયું?
પર્વતભાઈ નાયકા સાથે વાતચીત કર્યા પછી અમે કૂવા ગામમાં રહેતા જ ભાવસિંહ સૂરસિંહનાના ઘરે પહોંચ્યા. તેમના ઘરની નજીક પણ માટી-મેટલનો રોડ મંજૂર થયો હતો. અમારી મુલાકાત ભાવસિંહના નાના ભાઈ સાથે થઈ. તેમણે કહ્યું, હું 40 વર્ષનો છું અને કૂવા ગામમાં રહું છું. મારા ઘર સામે ક્યારેય રોડ બન્યો નથી. ચોમાસામાં રસ્તા વગર ખૂબ તકલીફ પડે છે. રસ્તાની ખૂબ જરૂર છે. તેઓ કેમેરા સામે તો વધુ જ બોલી શક્યા પરંતુ સામાન્ય વાતચીતમાં ઘણો ઉકળાટ ઠાલવ્યો. તેમણે કહ્યું કે મારા ઘરે પ્રસંગ હતો તો મારે મજૂરી કરીને કાચું-પાકું પુરાણ કરવું પડ્યું જેથી મહેમાનોને તકલીફ ન પડે. અમે ડોક્યુમેન્ટ જોયા તો ભાવસિંહના ઘરથી મેઇન રોડ સુધી રસ્તો બનાવવા 3,95,000 રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયું હતું. જેનું કામ 27 જુલાઈ, 2023ના રોજ શરૂ થયું. જેના 10 દિવસ પહેલાં એટલે કે 17 જુલાઈ, 2023ના રોજ 1,90,085 અને 1,87,355 રૂપિયાના બે બિલ મટિરિયલ લાવવા માટે મંજૂર થયા. આમ, કિરણ ખાબડની એજન્સીને 3,77,440 રૂપિયાનું પેમેન્ટ મળ્યું હતું. આ જ કામ માટે થયેલા છૂટક ખર્ચના નામે 15,097 રૂપિયાનું ત્રીજું બિલ 8 મહિના બાદ 1 એપ્રિલ, 2024ના રોજ મંજૂર થયું. હવે, સરકારી તિજોરીમાંથી ચાર લાખની આસપાસ રકમ ખર્ચાયા બાદ ગ્રાઉન્ડલેવલે શું થયું એ જુઓ. જ્યાં રોડ બનાવવા માટે પોણા પાંચ લાખનું મટિરિયલ લીધું ત્યાં ધૂળ ઉડે છે
કૂવા ગામમાં રિપોર્ટિંગ સમયે અમે માથે બાચકું લઈને ઉઘાડા પગે જતા એક વડીલને જોયા. વાતચીત દરમિયાન તેમણે પોતાનું નામ ભાવસિંગ બારિયા જણાવ્યું. અમે ગામમાં રસ્તાની પરિસ્થિતિ વિશે તેમને પૂછ્યું તો ગળગળા થઈ ગયા. રસ્તા બાબતે તેમના નામે પણ છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું. ભાવસિંગે કહ્યું, મારી ઉંમર 72 વર્ષ છે અને હું જન્મથી જ આ ગામમાં રહું છું. મારા ઘર સામેનો રસ્તો મંજૂર થયો હતો. સરકારે રોડ બનાવવા માટે 4 લાખ 83 હજાર મંજૂર કર્યા હતા. પણ આ જ દિવસ સુધી બન્યો નથી. ડૉક્યુમેન્ટ્સ મુજબ આ રસ્તા માટે મંજૂર થયેલા રૂપિયામાંથી મરિટિયલ લાવવા 1 એપ્રિલ, 2021ના રોજ બે બિલ મંજૂર થયા હતા. આમ, 3,09,997 રૂપિયા સીધા જ શ્રી રાજ ટ્રેડર્સના ખાતામાં ગયા હતા. પણ રસ્તા પર કંઈ જ દેખાતું નથી. કૂવા ગામમાં રહેતા રૂપસિંહના નામે પણ આવી જ રીતે કૌભાંડ થયું છે. મેઈન રોડથી રૂપસિંહના ઘર સુધીનો રસ્તો બનાવવા માટે 5,30,000 રૂપિયા મંજૂર થયા હતા. અમે જોયું તો ત્યાં એક બાઈક પસાર થઈ શકે તેવી કેડી હતી. ત્યાં કોઈ રસ્તો બન્યો જ ન હતો. જ્યારે એ કામ માટે 3 લાખ 5 હજારનું મટિરિયલ માટેનું પેમેન્ટ કિરણ ખાબડની એજન્સીને ગયું હતું. એટલે કે કૂવા ગામમાં જે પગદંડી છે એ નેતાઓના પાપે સરકારી ચોપડે માટી મેટલનો રોડ બતાવાયો હતો. નીચે તસવીર અને મટિરિયલના બિલના પુરાવા જુઓ. 5 લાખનો રોડ બનાવવામાં 3 લાખ મંત્રીના દીકરાના ખિસ્સામાં ગયા
તમે માનો કે ન માનો પણ નીચે જે તસવીર આપી છે એ સરકારી ચોપડે પાક્કો રોડ બોલે છે અને એ બનાવવા માટે 5 લાખ રૂપિયાનો માલ-સામાન પણ ખરીદવામાં આવ્યો હતો.. આ સ્થિતિ છે કૂવા ગામમાં રહેતા મંગાભાઈના ઘર પાસે. રોડ બનાવવા માટે પાસ ખરીદવામાં આવેલા બિલમાં સ્પષ્ટ લખ્યું છે કે મુખ્ય રોડથી મંગાભાઈના ઘર સુધી રોડ બનાવવાનો છે. અમે મંગાભાઈના દીકરા બચુભાઈને અમે મળ્યા. તેમણે અમારી સાથે વાત કરતા જણાવ્યું કે, મારા જન્મથી હું અહીંયા રહું છું. મારા ઘર સુધી રસ્તો બતાવ્યો છે પરંતુ ક્યારેય બન્યો નથી. બચુભાઈના ઘરની પાસે 15 એપ્રિલ, 2023ના રોજ મંજૂરી મળી હતી. એ માટે 5 લાખ 2 હજાર રૂપિયાનું ફંડ પણ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આ રોડ બનાવવા માટેનું મટિરિયલ પણ અન્ય કોન્ટ્રાક્ટરની માફક કિરણ ખાબડને મળ્યો હતો. કિરણની માલિકીની પેઢી રાજ ટ્રેડર્સે આ રસ્તો બનાવવાના મટિરિયલના નામે કુલ ત્રણ બિલ મૂક્યા. જેમાંના બે બિલ 24 મે, 2023ના રોજ મૂકવામાં આવ્યા હતા. એક બિલ 1,60,836 રૂપિયાનું, જ્યારે બીજું બિલ 1,30,237 રૂપિયાનું હતું. આ રોડ બનાવવા માટે થયેલા છૂટક ખર્ચના નામે ત્રીજું બિલ લગભગ એક વર્ષ બાદ એટલે કે 1 એપ્રિલ, 2024ના રોજ મૂકવામાં આવ્યું, જે 11,642 રૂપિયાનું હતું. આમ, 3,02,715 રૂપિયા કિરણની પેઢીને મળ્યા. રોડ બન્યાની તકતી લગાવવામાં પણ ઢાંકપિછોડો
અમે વિવિધ ડૉક્યુમેન્ટ તેમજ પાસ થયેલા મનરેગાના બિલના આધારે કૂવા ગામમાં ફરી વળ્યા. જે લોકોના ઘર સામે રસ્તો બનાવવાના કાગળ પર પુરાવા હતા ત્યાં જઈને ચેક કર્યું. પરંતુ ક્યાંય રસ્તો જોવા ન મળ્યો. વળી, જ્યાં મનરેગાના કામો થાય ત્યાં નિયમ પ્રમાણે તકતી મુકવામાં આવતી હોય છે અને તેની તસવીર પણ પુરાવા રૂપે લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં પણ મનમાની અને ઢાંકપિછોડો કર્યો હોય એમ લાગ્યું. અમે અનેક જગ્યાએ આ તકતી શોધી. પરંતુ કેટલીક જગ્યાએ તો ખરેખર જે જગ્યાએ રોડ મંજૂર થયો હોય ત્યાંથી ઘણે દૂર તકતી મૂકવામાં આવી હતી. આ ભૂલ છે કે જાણી જોઈને થયેલું કૃત્ય છે તેની તપાસ થવી જોઈએ. કેટલીક જગ્યાએ તો તકતી પર નામ ભૂસેલા જોવા મળ્યા. અમુક તકતી તોડી પાડવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આ ક્રમમાં કૂવા ગામ ઉપરાંત રેઢાણા ગામના પુરાવા પણ અમને હાથ લાગ્યા હતા. એટલે અમે ત્યાં પહોંચ્યા. રેઢાણા ગામમાં ચાર કેસ એવા મળ્યા જ્યાં લાખો રુપિયાના બિલ તો પાસ થઈ ગયા છે પરંતુ રસ્તા બન્યા જ નથી. જો કે કૂવા ગામ કરતા રેઢાણાની પરિસ્થિતિ એક રીતે અલગ હતી. અહીંના લોકો ભ્રષ્ટાચારના નામે એક શબ્દ બોલવા માટે તૈયાર નહતા. જે લોકોના ઘરની સામેના રોડ બનાવવાના નામે કૌભાંડ થયું છે એમાંથી માત્ર રમણભાઈ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. જો કે તેમને અનેક ધમકીઓ મળતા અંતે તેમણે ગામ છોડીને ચાલ્યું જવું પડ્યું. અમે તેમના ઘર સુધી પહોંચ્યા. રેઢાણા ગામના લોકોમાં ફફડાટ
રમણભાઈનું ઘર મુખ્ય રોડથી અંદાજે 10 મીટર દૂર હશે. ચોંકાવનારી વાત એ છે કે આટલો ટૂંકો રસ્તો બનાવવા માટે 4 લાખ 78 હજારથી વધુ રૂપિયા મંજૂર થયા હતા. આ રોડ બનાવવા મટિરિયલ પેટે 7 મે, 2023ના રોજ શ્રી રાજ ટ્રેડર્સના નામે બે બિલ મંજૂર થયા. એક બિલ 1,47,601 રૂપિયાનું જ્યારે બીજું બિલ 83,169 રૂપિયાનું હતું. પછી 1 એપ્રિલ, 2024ના રોજ 9,230 રૂપિયાનું ત્રીજું બિલ છૂટકખર્ચના નામે મંજૂર થયું. આમ એકપણ કાંકરો નાખ્યા વગર કિરણ ખાબડની એજન્સીને 2 લાખ 40 હજાર રૂપિયા સરકાર પાસેથી સેરવી લીધા. આખા ગામમાં બીજું કોઈ તો બોલવા તૈયાર ન થયું પરંતુ બચુ ખાબડના સમર્થકોના ત્રાસથી બે મહિના પહેલા ઘર છોડીને વડોદરા જતા રહ્યાનો દાવો કરનાર રમણભાઈએ ફોન પર અમારી સાથે વાત કરી. તેમણે અમારી સાથેની વાત જાહેર કરવાની પણ સહમતિ દર્શાવી. તેઓ કહે છે કે, મેઈન રોડથી મારું ઘર સાવ નજીક છે ત્યાં કેવી રીતે રસ્તો બને? પરંતુ ખોટું કામ બતાવી દેવાયું છે. વળી, કાગળ પણ રોડ મારા ઘરની નજીક બન્યું હોવાનું દર્શાવ્યું છે પરંતુ તેની તકતી છેક પંચાયત ઓફિસે મારવામાં આવી છે. મારા ઘરથી પંચાયત ઓફિસ તો ઘણી દૂર છે. મોટી ગાડી નીકળે એટલા માટે રોડ બનાવ્યો હોવાનું કહે છે. પણ હકીકતમાં એ જગ્યાએથી બાઈક કાઢવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ છે. મારા નામે સરકાર પાસેથી ખોટા રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. રમણભાઈએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું, મેં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો તો ગામના માસ્તર રતનસિંહ દ્વારા મને ધમકી આપવામાં આવ. તેઓ કહે છે કે, તમને ગામમાં નહીં રહેવા દઈએ. તમને ઢોર માર મારીશું. જે લોકોએ અવાજ ઉઠાવ્યો તેમને દારુ પીવડાવીને ગામના માસ્તર સમજાવટ કરે છે અને લોકોને ખોટું સ્ટેટમેન્ટ અપાવે છે. કૂવા અને રેઢાણા ગામના લોકો પાસે વાત કરતા એટલું ચોક્કસ કહી શકાય કે મનરેગા યોજનાના નામે તો અહીં ઘણા લોકો છેતરાયા છે. પરંતુ આ ઉપરાંત નલ સે જલ સહિત અનેક યોજનાના કામોના નામે પણ અહીં લોકોને છેતરવામાં આવ્યા છે. અમે રમણભાઈ સાથે વાત કર્યા બાદ રેઢાણાથી પિપેરો ગામ પહોંચ્યા. આ ગામ એટલે બચુ ખાબડનું વતન. અહીંયા જ કિરણ ખાબડની એજન્સી શ્રી રાજ ટ્રેડર્સની ઓફિસ છે. જો કે અમે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હાલતમાં જોવા મળી. ઓફિસના બોર્ડ પર રાજ ટ્રેડર્સનું નામ, જીએસટી નંબર અને એક મોબાઇલ નંબર પણ હતો. જે સાબિત કરવા માટે પૂરતું હતું કે આ ઓફિસ કિરણ ખાબડની છે. શ્રી રાજ ટ્રેડર્સની ઓફિસે કોઈ ન મળ્યું એટલે અમે લગભગ અડધો કિલોમીટર આગળ પહોંચ્યા, જ્યાં રાજ કન્સ્ટ્રક્શનની ઓફિસ આવેલી હતી. ત્યાં શટર તો ખુલ્લું હતું પણ માત્ર મજૂરો હતા. બાજુમાં લખેલો નંબર ચેક કર્યો તો તે બળવંત ખાબડનો નીકળ્યો. અમે બંને ભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. કિરણ ખાબડે તો વારંવાર ફોન કરવા છતાં ફોન ન ઉપાડ્યો પરંતુ બળવંત ખાબડ સાથે અમારી ફોન પર વાતચીત થઈ. બળવંત ખાબડે કહ્યું, ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે
બળવંત ખાબડે પોતાના પર લાગેલા આક્ષેપ અંગે ખુલાસો આપતા કહ્યું, કોઈ ફસાવવા માટે આવું કરી રહ્યું છે. સમગ્ર મામલમાં કુલ 35 એજન્સી છે. પરંતુ ખાલી મંત્રી શ્રીને (બચુ ખાબડ) ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બળવંત ખાબડનો હાસ્યાસ્પદ જવાબ… ‘કદાચ વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા હશે’ બળવંત ખાબડને પૂછવામાં આવ્યું કે તમે કામ કર્યા વગર બિલ મૂકીને રૂપિયા લીધા છે? તો તેમણે કહ્યું કે હું 1995થી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું. મારે સ્ટીલની દુકાન છે. 1985થી અમારી પેઢી ચાલે છે. અમારે કોઈ સીધું કામ કરવાનું ન હતું. અમારી પાસે માત્ર મટિરિયલનું ટેન્ડર હતું. મેં મારી રીતે તપાસ પણ કરાવી, દરેક કામ થયા છે. બધા વાતો કરે છે એવું કંઈ છે જ નહીં. તમારે જોવું હોય તો તમે રૂબરૂ પણ ચેક કરી શકો છો. અમે કૂવા અને રેઢાણા ગામમાં વિશે પૂછ્યું તો બળવંત ખાબડે બિનધાસ્ત કરી દીધું કે ત્યાં પણ 100% કામ થયા છે. બળવંતસિંહે કહ્યુ કે,આ બન્ને ગામમાં અમારી કોઈ એજન્સી પણ નથી. અમે કહ્યું કે રાજ ટ્રેડર્સ અને રાજ કન્સ્ટ્રક્શન બન્ને તમારી એજન્સી નથી? તેમણે કહ્યું કે રાજ કન્સ્ટ્રક્શન મારી એજન્સી છે પણ આ બે ગામડાઓમાં રાજ ટ્રેડર્સે કામ કર્યું છે. બળવતસિંહ કદાચ જાણતા નહીં હોય કે શ્રી રાજ ટ્રેડર્સ તેમના જ સગા ભાઈ કિરણ ખાબડની એજન્સી છે એ અમને ખબર છે. એટલે અમે વળતો સવાલ કર્યો કે રાજ ટ્રેડર્સ તમારા ભાઈ કિરણભાઈની જ છે ને? એટલે તેઓ ડઘાઈ ગયા અને અંતે તેમણે હા કહી. ખોટા પડ્યા બાદ તેમણે ફરી 100% કામ થયાનું રટણ થયું. પછી યુ-ટર્ન લીધો હોય એમ ઉમેર્યું કે ચાર વર્ષ જૂના કામ છે. એટલે કદાચ વરસાદથી ધોવાણ થયું હોય એમ પણ બની શકે. અમને રાજકીય રીતે નીચું દેખાય એવો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે. દાહોદમાં મનરેગા યોજનાના કથિત કૌભાંડનો મામલો અગાઉ અમિત ચાવડાએ વિધાનસભામાં ઉપાડ્યો હતો અને SIT તપાસની માગ કરી હતી. અમિત ચાવડાએ જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, આખા ગુજરાતમાંથી દાહોદમાં સૌથી વધારે મનરેગા કૌભાંડ થાય છે. દાહોદ ભાજપના સ્થાનિક નેતાઓ જ સમગ્ર કૌભાંડમાં સામેલ છે. પોલીસ ફરિયાદ નોંધાતા મંત્રી ખાબડના દીકરાઓએ આગોતરા જામીન માગ્યા
દાહોદના ગામડાઓની સ્થિતિ જોતા દાળમાં કાળુ હોય તેવું નહીં, આખી દાળ કાળી હોય એમ લાગી રહ્યું છે. મનરેગા યોજના સહિત અનેક યોજનાના નામે સ્થાનિકો છેતરાયા હોવાનું કહી રહ્યા છે. આ કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 મળી કુલ 35 બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડ રૂપિયાની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ફરિયાદમાં એજન્સીના માલિકોના નામ જાહેર કરાયા નથી. પણ લિસ્ટમાં પોતાની એજન્સીનું નામ હોવાથી મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરાઓએ દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો. આ અરજી પર અગાઉ 9મી મેના રોજ સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થઈ શકી નહોતી. વધુ સુનાવણી માટે 13મી મેની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સોમવારે 12મી મેના રોજ એટલે કે આગોતરા જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલાં બળવંત અને કિરણ ખાબડે આગોતરા જામીન અરજી આશ્ચર્યજનક રીતે પાછી ખેંચી લીધી છે. બંને ભાઈઓએ જામીન અરજી શા માટે પાછી ખેંચી તે અંગે સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. કૌભાંડના આરોપ વચ્ચે દાહોદના અધિકારીઓની બદલીનો દોર પણ શંકાસ્પદ
બીજી તરફ બદલીનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ કથિત કૌભાંડમાં ફરિયાદી બનેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલી દાહોદથી ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. આમ જ આશ્ચર્યજનક રીતે તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાઠવાની પણ બદલી થઈ ચૂકી છે. આ કેસની વિભાગીય તપાસ સ્મિત લોઢા કરી રહ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં જ દેવગઢ બારિયાના ટેક્નિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલની ધરપકડ થઈ છે. કોર્ટે તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અગાઉ 4 કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તેમાં મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી, એકાઉન્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણ, ગ્રામ રોજગાર સેવક ફૂલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મંત્રી ખાબડ બેઠકોમાં હાજરી નથી આપી રહ્યા- સૂત્ર
નોંધવા જેવી વાત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી બચુ ખાબડ ગાંધીનગરમાં થતી મહત્વની બેઠકોમાં હાજરી નથી આપી રહ્યા હોવાનું અંગત સૂત્રો જણાવી રહ્યા છે. નજીકના જાણકારો તો એમ પણ કહે છે કે તેઓ સરકારી ગાડીનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે બચુભાઈ ખાબડનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર હજુ સુધી મળ્યો નથી. હવે દાહોદના મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તો માત્ર બચુ ખાબડ નહીં બીજા પણ સ્થાનિક ભાજપના નેતાઓના નામ સામે આવે તો નવાઈ નહીં. જો કે, આટલા મોટા મુદ્દે પણ હજુ તપાસ સ્થાનિક ટીમને જ કેમ સોંપવામાં આવી છે તે મોટો સવાલ છે? આ ઉપરાંત હજુ સુધી પ્રોપરાઈટરના નામ કેમ જાહેર નથી કરાયા? તપાસ આટલી ધીમી કે ચાલી રહી છે? આ બધા સવાલો તંત્રની નિયત પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે.