1 નવેમ્બર, 1976ની સાંજ.
દેશની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા પુણેમાં કડકડતી ઠંડીનો માહોલ હતો.
અચાનક ત્યાંના જૂનવાણી એરિયા સદાશિવ પેઠની વિજય નગર કોલોનીમાં પોલીસની સાઇરનોએ વાતાવરણ ટેન્સ બનાવી મૂક્યું. થોડી વારે પોલીસ હેડક્વાર્ટરનો ફોન રણકી ઊઠ્યો. ફરજ પરના અધિકારીએ ફોન ઉપાડ્યો ત્યાં સામે છેડેથી ફોન કરનાર ઑફિસરે આતંકિત સ્વરમાં કહ્યું, ‘સાહેબ, ઇથે તીન મર્ડર ઝાલે આહેત.’ (સાહેબ, અહીં ત્રણ મર્ડર થઇ ગયા છે.) પુણેની શાંત શેરીઓમાં આ સમાચાર બોમ્બની જેમ ફાટ્યા. બંગલા જેવા એક જાજરમાન ઘરમાંથી પોલીસને ત્રણ હત્યા થઇ હોવાના સમાચાર મળ્યા. જ્યારે પોલીસ તે ઘરમાં પ્રવેશી, ત્યારે સામેનું દૃશ્ય કોઈ વિકરાળ દુઃસ્વપ્ન જેવું જ હતું. ત્રણ લાશ—અચ્યુત જોશી, તેમનાં પત્ની ઉષા જોશી, અને તેમના એકમાત્ર પુત્ર આનંદ જોશી—ફર્શ પર વિખરાયેલી પડી હતી. ત્રણેયનાં મોંમાં કપડું ખોસેલું હતું, હાથ-પગ દોરડાથી બાંધેલા હતા, અને ગળામાં બ્લ્યુ કલરની નાયલોનની દોરીનો ગાળિયો ચુસ્ત રીતે બાંધેલો હતો, જેના પાછળના ભાગે કચકચાવીને ગાંઠ બાંધેલી હતી. પરંતુ જે બાબતે પોલીસના રૂંવાડાં ઊભાં થઈ ગયાં, તે હતું આનંદનું શબ. તે સંપૂર્ણપણે નગ્ન હાલતમાં હતું. તેના શરીર પર એકપણ વસ્ત્ર નહોતું. જાણે કોઇ વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ઘરનો બધો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. ઉપરથી હવામાં એક રહસ્યમય, વિચિત્ર થોડી માદક, થોડી ચીતરી ચડે એવી સુગંધ તરતી હતી. પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવીને ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. ત્રણેય લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી.
***
પરંતુ પુણે જેવા શાંત શહેર પર તોળાઇ રહેલા એક ભયાવહ ખૂની તોફાનનો આ પહેલો સપાટો હતો. આ હતી જોશી-અભ્યંકર સિરિયલ કિલિંગ્સ શરૂઆત, જેણે 14 મહિના સુધી પુણેને ભયના ઓથાર તળે કેદ રાખ્યું. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ પુણેમાં 10 લોકોની શ્રેણીબદ્ધ હત્યાઓની, જેના પ્રતાપે દેશમાં પહેલીવાર એકસાથે ચાર હત્યારાઓને ફાંસી અપાઇ. એટલું જ નહીં, ત્રણ દાયકા પછી જ્યારે અનુરાગ કશ્યપે તેના પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, તો તે પણ કોઇ શ્રાપનો ભોગ બની હોય તેમ ક્યારેય રિલીઝ જ ન થઈ.
***
પ્રથમ હુમલો: જોશી પરિવારનો ખાત્મો
થયું એવું કે 31 ઓક્ટોબર, 1976ની રાત્રે, જ્યારે પુણેની શેરીઓ શાંતિમાં ડૂબેલી હતી, ત્યારે એક શાતિર ગેંગે શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત વેપારી અચ્યુત જોશીના ઘર પર હુમલો કર્યો. તે રાત્રે જ્યારે તેઓ તેમના પરિવાર સાથે ઘરમાં હતા, અંધારામાંથી ઊતરી આવેલા હત્યારાઓએ એમના ઘરનો દરવાજો ખખડાવ્યો. જેવો દરવાજો ખૂલ્યો, કે તરત જ જાણે દૈત્ય ત્રાટક્યો હોય એમ આ મારાઓ ઘરમાં ઘૂસી આવ્યા. બીજા દિવસે સવારે ખબર મળી, અને જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે આંખ સામેનું દૃશ્ય જોઇને તેમના હોશ ઊડી ગયા. પ્રૌઢ અચ્યુત અને ઉષાનાં શબ એક ઓરડામાં પડ્યાં હતાં, જ્યારે એમના જુવાન દીકરા આનંદનું શબ તદ્દન નગ્ન હાલતમાં બીજા ઓરડામાં હતું. ત્રણેયનાં ગળામાં ચપોચપ બંધાયેલી નાયલોનની દોરી, ગરદનના પાછળના ભાગે કચકચાવીને બાંધેલી ગાંઠ, મોંમાં ખોસેલું કપડું, અને વેરવિખેર સામાન, આ બધું જ લૂંટફાટની કહાની કહી રહ્યું હતું. પરંતુ આનંદનાં કપડાં ક્યાં ગયા? અને ઘરમાં તરવરી રહેલી એ વિચિત્ર સુગંધ શેની હતી? પુણેના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) મધુસૂદન હુલિયા કરર પણ આ અપરાધની ભયાનકતાથી હેબતાઇ ગયા હતા. તેમણે તાત્કાલિક તપાસ શરૂ કરી. ફોરેન્સિક ટીમે ઘરની એકેએક ઇંચની તપાસ કરી, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ અજાણ્યાં ફિંગરપ્રિન્ટ મળ્યાં નહીં. હત્યારા એટલા શાતિર હતા કે તેમણે હાથમોજાં પહેર્યાં હતાં. યાને કે આ કોઇ મામૂલી ચોર-લૂંટારા નહોતા, બલકે આ કોઇ પ્રોફેશનલ ગેંગનું કામ હતું, જે પોતાની હરકતોને ઝીણવટથી અંજામ આપતી હતી. આ સમાચાર બીજા દિવસે અખબારોમાં છપાયા, ત્યારે પુણેમાં સનસનાટી ફેલાઈ ગઈ. લોકો ભયથી થથરી ઊઠ્યા. એક જ પરિવારના ત્રણ લોકોની નિર્મમ હત્યા કોઈ સામાન્ય ઘટના નહોતી. સાંજ પડતાં જ ઘરોનાં દરવાજા અને બારીઓ બંધ થવા લાગ્યાં. માતાઓ પોતાનાં બાળકોને વહેલાં ઘરે બોલાવવા લાગી, અને શેરીઓમાં સન્નાટો છવાઈ ગયો. બજારોમાં ચોમેર આ હત્યાકાંડની જ ચર્ચા ચાલી રહી હતી. દરેક અજાણ્યો ચહેરો શંકાના દાયરામાં હતો. પોલીસ પર હત્યારાઓને જલદી પકડી પાડવાનું દબાણ વધ્યું, પરંતુ કોઈ નક્કર કડી મળી નહોતી. ACP મધુસૂદનને ખાતરી હતી કે આ એક ઓર્ગેનાઇઝ્ડ ગેંગ છે, કારણ કે એકસાથે ઘરના ત્રણ લોકો પર કાબૂ મેળવવો એકલી વ્યક્તિના હાથની વાત નહોતી. એક અવગણાયેલી ચેતવણી: યશોમતી બાફના
આ ઘટનાના 21 દિવસ પછી, 22 નવેમ્બર, 1976ના રોજ એક નવી ઘટનાએ પોલીસને ફરી ચોંકાવી દીધી. યશોમતી બાફના નામની એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને જણાવ્યું કે કેટલાક બદમાશો તેના શંકર શેઠ રોડના બંગલામાં જબરદસ્તી ઘૂસી આવ્યા હતા. તે રાત્રે જ્યારે બદમાશો દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા ત્યારે યશોમતી અને તેના બે હટ્ટાકટ્ટા નોકરોએ ઘરફોડુઓનો બરાબર સામનો કર્યો. ઝપાઝપીમાં બદમાશો હારી ગયા અને ભાગી ગયા. યશોમતીએ આપેલા બયાનમાં એક મહત્ત્વનો ક્લુ છુપાયેલો હતોઃ ‘એ બદમાશોમાંથી એકને બાકીના લોકો ‘બોસ’ કહીને બોલાવતા હતા, અને તેની દરેક વાત બાકીના લોકો માનતા હતા. જેવી એક બદમાશે બૂમ પાડી, ‘બોસ, હવે શું કરીએ?’ નેતાએ ભાગવાનો આદેશ આપ્યો.’ આ માહિતી સાંભળીને પોલીસે ફરિયાદ તો નોંધી, પરંતુ તેને સામાન્ય ચોરીનો મામલો સમજીને વધુ ગંભીરતા ન દાખવી. આ તેમની પહેલી અને સૌથી મોટી ભૂલ હતી. જો પોલીસે આ ‘બોસ’વાળા ક્લુને ગંભીરતાથી લીધો હોત, તો કદાચ પુણેને હવે પછીની દહેશતથી બચાવી શકાયું હોત. બીજો હુમલો: અભ્યંકર પરિવારની ઠંડા કલેજે હત્યા
એક્ઝેક્ટ એક મહિના પછી 1 ડિસેમ્બર, 1976ની રાત્રે પુણે ફરી લોહીથી ખરડાયું. ભાંડારકર રોડ પર આવેલા સ્મૃતિ બંગલામાં પોલીસને એક બીજી હત્યાની ખબર મળી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરમાં એક, બે નહીં, બલકે પાંચ લાશો વિખરાયેલી પડી હતી—88 વર્ષના સંસ્કૃત વિદ્વાન કાશીનાથ શાસ્ત્રી અભ્યંકર, તેમનાં પત્ની ઇન્દિરાબાઈ, તેમની નોકરાણી સખુબાઈ વાઘ, તેમનો પૌત્ર ધનંજય, અને તેમની પૌત્રી જઈ. બધાનાં મોંમાં કપડું ખોસેલું હતું, હાથ-પગ બાંધેલા હતા, અને ગળામાં તે જ બ્લ્યુ કલરની નાયલોનની દોરીનો ગાળિયો ચુસ્ત રીતે બાંધેલો હતો. એમની યુવાન પૈત્રી જઈનું શબ પણ તદ્દન નિર્વસ્ત્ર હતું. એટલું જ નહીં, આખા ઘરમાં તે જ રહસ્યમય પર્ફ્યૂમની સુગંધ ફેલાયેલી હતી. એક મહિના પહેલાં જે હત્યા સામાન્ય ઘરફોડીની લાગતી હતી, તે હવે ગંભીર સિરિયલ કિલિંગ બની ગઇ હતી. તે રાત્રે જૂનવાણી શૈલીના બેઠાઘાટના બંગલાનો દરવાજો ખખડ્યો ત્યારે યુવાન પૌત્રી જઈએ દરવાજો ખોલ્યો. સંસ્કૃત વિશે કશુંક પૂછવાના બહાને ચાર યુવાન ઘરમાં ઘૂસ્યા. અચાનક એ લોકોએ જઈને ઝડપી લીધી. ઝપાઝપી અને જઇની ચીસો સાંભળીને ઘરમાં રહેલી એમની નોકરાણી સખુબાઇ, પૌત્ર ધનંજય અને ઉપરના મજલેથી દાદી ઇન્દિરાબાઇ તથા વયોવૃદ્ધ કાશીનાથ શાસ્ત્રી દોડી આવ્યાં. હુમલાખોરોએ જઇના મોઢામાં એક દડો નાખીને એના હાથ-પગ બાંધી દીધા. ચારેય હત્યારા શરીરે હટ્ટાકટ્ટા હતા અને આ પારેવા જેવો પરિવાર એમનો સામનો કરી શકે તેમ નહોતો. એક-એક કરીને આખા પરિવારને બાંધવામાં આવ્યો, અને જઈની આંખોની સામે તેનાં દાદા-દાદી, સગો ભાઈ અને નોકરાણીને બ્લ્યુ નાયલોનની દોરીથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યાં. પછી જઈને ચાકુની અણીએ કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી, અને અંતે તેની પણ આ જ રીતે જાન લઈ લેવામાં આવી. ચારેય જણાની નિષ્ઠુરતા જુઓ. ચચ્ચાર હત્યાઓ કર્યા પછી જાણે કશું બન્યું જ ન હોય તેમ ચારેય જણા રસોડામાં રાંધેલી રસોઇનાં તપેલાં ડાઇનિંગ ટેબલ પર લાવ્યા, એમનું પોતાનું ઘર હોય એમ શાંતિ જમ્યા. પછી આખું ઘર ઊથલપાથલ કરીને જેટલી કિંમતી વસ્તુઓ મળી તે ઉઠાવી લીધી. જતાં પહેલાં આખા ઘરમાં એવો જ સ્ટ્રોંગ પર્ફ્યૂમ છાંટી દીધો. પછી બહારના અંધકારમાં આ ચારેય રાક્ષસ ઓગળી ગયા. એસીપી મધુસૂદન એટલા તો શ્યોર હતા કે આ તે જ ગેંગનું કામ છે, પણ હત્યારાઓ એટલા શાતિર હતા કે તેઓ કોઈ પુરાવો છોડતા નહોતા. આ એવા હત્યારા હતા જે કોઇ બદલો, દુશ્મની ચૂકતે કરવા માટે નહીં, બલકે મોજમજા અને પૈસા માટે જ આવી કરપીણ હત્યાઓ કરી રહ્યા હતા. પરંતુ આ ઘટનાના અત્યંત ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર પુણે શહેરમાં પડ્યા. લોકો એટલા ભયભીત થઈ ગયા કે સાંજ થતાં જ ઘરોમાં કેદ થવા લાગ્યા. કેટલાક લોકો તો ચાકુ અને છરીઓ લઇને શેરીઓમાં ફરવા લાગ્યા, જાણે દરેક અજાણ્યો ચહેરો હત્યારો હોય. બજારોમાં ધીમી ધીમી કાનાફૂસી તેજ થઈ ગઈ, અને દરેક વ્યક્તિ એ જ વિચારતી હતું કે હવે પછીનો નંબર તેમનો તો નથી ને! પોલીસે પણ વાતની ગંભીરતા પારખીને રાત્રે પેટ્રોલિંગ વધારી દીધું. દરેક ગાડી અને દરેક વ્યક્તિને શંકાની નજરે જોવામાં આવતી. પરંતુ લોકોનો ભરોસો તૂટી ચૂક્યો હતો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પુણે પોલીસને CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ટુકડી બોલાવવી પડી, જેથી શહેરમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ શકે. નદીમાંથી લોખંડની સીડીથી બાંધેલી લાશ મળી
ચાર મહિના સુધી પોલીસ અંધારામાં તીર ચલાવતી રહી. ન ક્લુ મળ્યા કે ન કોઈ સાક્ષી. કેસ ઠેરનો ઠેર રહ્યો અને હત્યારાઓ શહેરમાં બેખૌફ ફરતા રહ્યા. પછી 24 માર્ચ, 1977ની સાંજે, યરવડા પાસે મુલા-મુઠા નદીના કિનારે એક લાશ મળી, જેનાથી આ કેસને નવો જ વળાંક મળ્યો. એક ચપળ અને હોનહાર પોલીસ ઇન્સ્પેક્ટર માણિક રાવ દમામે તરત તપાસ શરૂ કરી. લાશ એક લોખંડની સીડી સાથે બાંધેલી હતી, અને તેના ખિસ્સામાંથી ભીનું, પરંતુ વાંચી શકાય તેવું એક આઈડી કાર્ડ મળ્યું, જેમાં વંચાતું હતુંઃ અનિલ ગોખલે, અભિનવ કલા મહાવિદ્યાલય. માણિક રાવે જ્યારે લાશને ધ્યાનથી જોઈ, ત્યારે તેમના રૂંવાડાં ઊભાં થઈ ગયાં. અનિલ ગોખલેના ગળામાં તે જ બ્લ્યુ નાયલોનની દોરી હતી, અને તેની ગાંઠ જોશી અને અભ્યંકર પરિવારની હત્યાઓ જેવી જ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે હત્યા 23 માર્ચ, 1977ના રોજ એટલે કે એક દિવસ પહેલાં જ થઈ હતી. યાને કે આ કેસ બિલકુલ તાજો હતો. પોલીસને ખબર હતી કે જો હવે તેઓ હરકતમાં નહીં આવે, તો હત્યારો ફરી અંધારામાં ગાયબ થઈ શકે છે. ACP મધુસૂદન અને માણિક રાવે તરત તેમની ટીમો કામે લગાડી, અને અનિલના છેલ્લી ક્ષણોની શોધખોળ શરૂ કરી. સૌથી મોટો વિકૃતઃ રાજેન્દ્ર જક્કલ
પોલીસે અભિનવ કલા મહાવિદ્યાલયમાં જઇને તપાસ આદરી. ત્યાં અનિલના મિત્રો અને કૉલેજના વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે અનિલને છેલ્લે રાજેન્દ્ર જક્કલની બાઇક પર પાછળ બેઠેલો જોયો હતો. પોલીસે તરત જ જક્કલને અટકાયતમાં લીધો. જક્કલે જણાવ્યું કે તે 23 માર્ચની સાંજે તેના ત્રણ મિત્રો—દિલીપ સુતાર, શાંતારામ જગતાપ, અને મુનાવર હારૂન શાહ સાથે હતો. પોલીસે આ ત્રણેયને પણ પકડી લીધા. ચારેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેમનાં નિવેદનો એકબીજા સાથે મેળ ખાતાં નહોતાં. એ સ્પષ્ટ હતું કે તેઓ કંઇક છુપાવી રહ્યા હતા. ACP મધુસૂદને જક્કલ સાથે નરમાશથી વાત કરવાની રણનીતિ અપનાવી. તેમણે તેને સિગારેટ ઑફર કરી, અને પોતે લાઇટરથી તેની સિગારેટ સળગાવી. થોડું સહજ થયા બાદ જક્કલે એક એવું નામ લીધું, જેણે પોલીસને ચોંકાવી દીધી—પ્રકાશ હેગડે. તેણે કહ્યું, ‘સાહેબ, ગયા વર્ષે અમારી કોલેજનો એક છોકરો પ્રકાશ હેગડે ગાયબ થયેલો. પાછળથી એની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું. અનિલ અને પ્રકાશની હત્યા એકબીજા સાથે જોડાયેલી હોઇ શકે.’ ‘દેવદાસ’નું અપહરણ થયું
પ્રકાશ હેગડે 15 જાન્યુઆરી, 1976થી ગુમ હતો. તેણે તેના પિતા સુંદર હેગડેને એક પત્ર લખ્યો હતો કે તે પોતાની મરજીથી ઘર છોડી રહ્યો છે અને તેને 1 લાખ રૂપિયાની જરૂર છે. પત્રમાં સહી પ્રકાશના નામે હતી, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે પ્રકાશ તો હંમેશાં પોતાના હુલામણા નામ ‘દેવદાસ’ના નામે જ સહી કરતો. પ્રકાશના પિતા સુંદર હેગડેને દીકરાનું અપહરણ થયું હોવાની શંકા ગઈ, અને તેમણે પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી લીધું નહીં. પોલીસની બહુ મોટી ભૂલ હતી. જો તે સમયે પોલીસે આ કિડનેપિંગની તપાસને ગંભીરતાથી લીધી હોત, તો કદાચ પુણેમાં હત્યાઓનો આ સિલસિલો ક્યારેય શરૂ જ ન થયો હોત. જક્કલના આ નિવેદનથી પોલીસને શંકા ગઈ કે તેને પ્રકાશની હત્યાની જાણકારી હતી. પરંતુ પુરાવાઓના અભાવે પોલીસે ચારેય (જક્કલ, દિલીપ, શાંતારામ, મુનાવર)ને છોડી દીધા. અલબત્ત, પોલીસે ગુપ્ત રીતે તેમના પર નજર રાખવાની શરૂ કરી. એ લોકો ક્યાં જાય છે, શું કરે છે, શું વાતો કરે છે એકેએક બાબત પોલીસ ટ્રેસ કરવા લાગી. એક દિવસ કૉલેજના ગેટ પર દિલીપ અને શાંતારામની વાતચીતમાં સુતારે હસતાં હસતાં કહ્યું, ‘ફિકર ન કર, બોસ પોલીસને સંભાળી લેશે.’ આ વાત ત્યાં હાજર સાદા યુનિફોર્મમાં તૈનાત પોલીસવાળાઓએ સાંભળી લીધી. આ સાંભળીને ACP મધુસૂદનને યશોમતી બાફનાનો કેસ યાદ આવ્યો, જેણે નિવેદન આપેલું કે એના ઘરમાં ઘૂસી આવેલા બદમાશો પોતાના લીડરને ‘બોસ’ કહી રહ્યા હતા. કલાની કોલેજમાંથી કાળોતરા પકડાયા
પોલીસે અભિનવ કલા મહાવિદ્યાલયમાં તપાસ ઓર તેજ કરી દીધી. ત્યાં સતીશ ગોરે નામનો એક વિદ્યાર્થી ખૂબ ગભરાયેલો દેખાયો. પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો કે જક્કલ, સુતાર, જગતાપ અને શાહે તેને જાતે જણાવ્યું હતું કે તેઓ આ હત્યાઓમાં સામેલ છે. તેણે એક બીજું નામ લીધું—સુહાસ ચાંડક, જે પણ એક હત્યામાં સામેલ હતો. જરાય સમય ગુમાવ્યા વિના પોલીસે સુહાસને હિરાસતમાં લીધો અને તેને સરકારી સાક્ષી બનવાની ઓફર આપી. ડર અને દબાણમાં સુહાસે આખી વાતના વટાણા વેરી દીધા. તેણે જણાવ્યું કે તે પ્રકાશ હેગડેની હત્યામાં સામેલ હતો. તેની જુબાની અને સતીશના નિવેદનથી પોલીસને પાકા પુરાવા મળી ગયા. 30 માર્ચ, 1977ના રોજ, અનિલ ગોખલેની હત્યાના માત્ર સાત દિવસ બાદ, પોલીસે રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુનાવર હારૂન શાહને ઝડપી લીધા. અપરાધનું મૂળ: ઐયાશીમાંથી પેદા થઇ ખૂની ગેંગ
ચારેયે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો અને આખી વાત બયાન કરી. દરઅસલ, આ ચારેય જણા અભિનવ કલા મહાવિદ્યાલયમાં કમર્શિયલ આર્ટના વિદ્યાર્થીઓ હતા, પરંતુ અભ્યાસ કરતાં તેમને દારૂ, ઐયાશી અને લુખ્ખાગીરી કરવામાં વધુ રસ હતો. રાજેન્દ્ર જક્કલ તેમનો નેતા હતો, જેનું નામ કૉલેજમાં ભારે વગોવાયેલું હતું. તેણે શહેરના કર્વે રોડ પર એક અડ્ડો બનાવ્યો હતો, જ્યાં આ ચારેય દારૂ પીતા, મોજ-મસ્તી કરતા અને અપરાધના પ્લાન ઘડતા. લોઅર મિડલ ક્લાસ પરિવારોમાંથી આવતા આ ચારેયને ઘરેથી ખાસ પૈસા મળતા નહોતા. દારૂ અને ઐયાશીની લત પૂરી કરવા માટે તેમણે સાયકલ અને સ્કૂટરની ચોરી શરૂ કરી. પરંતુ નાની ચોરીઓથી મન ન ભર્યું, તો જક્કલે મોટો પ્લાન ઘડ્યો. પ્રથમ શિકાર હતો એમની જ કોલેજમાં ભણતો મિત્ર પ્રકાશ હેગડે, જેના પિતાની હોટેલ વિશ્વા કૉલેજની નજીક હતી. સુહાસ ચાંડકને બહેલાવી-ફોસલાવીને સામેલ કરવામાં આવ્યો, અને 15 જાન્યુઆરી, 1976ના રોજ પ્રકાશનું અપહરણ કરી લેવાયું. તેને જક્કલના અડ્ડા પર લઈ જઈને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો. પછી તેની લાશને એક ડ્રમમાં પથ્થરો સાથે પેશવે પાર્કમાં આવેલા તળાવમાં ફેંકી દેવામાં આવી. સુહાસ ચાંડક માત્ર અપહરણનો હિસ્સો બનીને થોડા પૈસા બનાવવા માગતો હતો, એ હત્યા જોઇને ડરી ગયો અને ગેંગથી અલગ થઈ ગયો. લોહીથી ખરડાયેલો હત્યાઓનો સિલસિલો
પ્રકાશની હત્યા બાદ આ ચારેય પકડાઈ જવાના ડરથી કોલ્હાપુર ભાગી ગયા. ત્યાં ઓગસ્ટ 1976માં એક વેપારી અગ્રવાલના ઘરે લૂંટનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો, કારણ કે તે વેપારી પાસે રિવોલ્વર હતી. ડરીને આ લોકો મુંબઈ ભાગ્યા, અને પછી ઓક્ટોબર 1976માં પુણે પાછા ફર્યા. 31 ઓક્ટોબર, 1976ની રાત્રે, તેમણે જોશી પરિવાર પર હુમલો કર્યો. અચ્યુત અને ઉષાને બાંધીને મારી નાખ્યા બાદ આનંદને ચાકુની અણીએ કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવ્યો, જેથી શરમના માર્યા તે ભાગી ન શકે. ઘરમાંથી થોડા હજાર રૂપિયા, એક ઘડિયાળ, અને મંગળસૂત્ર લૂંટીને આ લોકો પર્ફ્યૂમ છાંટીને ભાગી ગયા. પર્ફ્યૂમનો ઉપયોગ પોલીસના સ્નિફર ડૉગ્સને ભટકાવવા માટે કરાતો હતો. 22 નવેમ્બરે યશોમતી બાફનાના બંગલામાં ઘૂસીને એમણે લૂંટપાટ-હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને સામેથી જડબાતોડ જવાબ મળ્યો. એટલે એમણે પૂંછડી દબાવીને નાસી જવું પડ્યું. આ નિષ્ફળ પ્રયાસ બાદ, 1 ડિસેમ્બર 1976ના રોજ આ ગેંગે કાશીનાથ શાસ્ત્રી અભ્યંકરના બંગલા પર હુમલો કર્યો. કાશીનાથ શાસ્ત્રીના પરિવારને બંધક બનાવવામાં આવ્યો. તેમની પૌત્રી જઈની નજર સામે જ તેનાં દાદા-દાદી, ભાઈ અને નોકરાણીને બ્લ્યૂ નાયલોનની દોરીથી ગળું દબાવીને મારી નાખવામાં આવ્યાં. પછી જઈને કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી, અને અંતે તેનો પણ જાન લઈ લેવામાં આવ્યો. ઘરમાંથી પૈસા અને ઘરેણાં લૂંટીને ગેંગે ફરી પર્ફ્યૂમ છાંટ્યું અને ભાગી ગઈ. આ ગેંગનો છેલ્લો શિકાર હતો અનિલ ગોખલે, જે પોતાના ભાઈ જયંતને મળવા અલ્કા ટોકીઝ ગયો હતો. રસ્તામાં જક્કલ તેને લિફ્ટ આપવાના બહાને પોતાના અડ્ડા પર લઈ ગયો. ત્યાં તેની મારપીટ કરવામાં આવી, પૈસા લૂંટવામાં આવ્યા, અને બ્લ્યૂ દોરીથી ગળું દબાવીને તેને મારી નાખવામાં આવ્યો. લાશને લોખંડની સીડી સાથે બાંધીને મુલા-મુઠા નદીમાં ફેંકી દેવામાં આવી, પરંતુ બીજા દિવસે નદીના પ્રવાહે લાશને ઉપર લાવી દીધી. તેની સાથે આખું કારસ્તાન પર સપાટી પર આવી ગયું. દેશમાં પહેલીવાર, એકસાથે ચાર-ચાર ફાંસી
સુહાસની ગવાહી અને સતીશના નિવેદનના આધારે પોલીસે પાકા પુરાવા એકઠા કર્યા. 15 મે, 1978ના રોજ ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પુણેની નીચલી અદાલતે 28 સપ્ટેમ્બર, 1978ના રોજ ચારેયને ફાંસીની સજા સંભળાવી. બોમ્બે હાઈકોર્ટ (6 એપ્રિલ, 1979) અને સુપ્રીમ કોર્ટે પણ આ સજા યથાવત રાખી. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ દયા યાચિકા ફગાવી દીધી. પોતાનું મોત નક્કી છે તેવું ભાળી ગયેલા આ ચારેય હત્યારાઓએ પોતાની ફાંસી ટાળવા માટે ઘણાં બહાનાં બનાવ્યાં. જેમ કે, ‘અમારે પુસ્તકોનું ભાષાંતર કરવાનું છે’, ‘અમે અંગદાન કરવા માગીએ છીએ’ (જેથી અંગોને બચાવવા ફાંસી ન આપી શકાય), અને ‘અમને ઇલેક્ટ્રિક ચેરથી મોતની સજા આપો’ (એમને ખબર હતી કે ભારતમાં ઇલેક્ટ્રિક ચેરથી મોતની સજા અપાતી નથી) વગેરે. પુણેના 1,000 અગ્રણી નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં પત્ર લખીને જલદી નિર્ણય કરવાની અને ફાંસીની સજાનો અમલ કરવાની માગણી કરી. કોર્ટે આ ગુનેગારોની તમામ દલીલો ફગાવી દીધી, અને 27 નવેમ્બર, 1983ના રોજ યરવડા જેલમાં ચારેયને ફાંસી આપવામાં આવી. એકસાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવી હોય તેવો આ આઝાદ ભારતનો પહેલો કેસ હતો. અનુરાગ કશ્યપને પણ આ હત્યાકાંડનો ‘શ્રાપ’ લાગ્યો
10 નિર્દોષ લોકોનો જીવ લેનારા ‘જોશી-અભ્યંકર કેસ’ પુણેના ક્રાઇમના ઇતિહાસમાં એક કાળો અધ્યાય છે. આ કેસે પોલીસને સતર્કતા અને તપાસનું મહત્ત્વ શીખવ્યું. વર્ષો થયે આ ઘટનાક્રમ એટલો બધો ચર્ચાયો છે કે તેના પર પુસ્તકો લખાયાં છે અને ફિલ્મો પણ બની છે. 1986માં નાના પાટેકરને લઇને ‘માફીચા સાક્ષીદાર’ નામની મરાઠી ફિલ્મ બની હતી. જ્યારે 2003માં અનુરાગ કશ્યપે આ કેસ પરથી ‘પાંચ’ નામની ફિલ્મ બનાવી હતી. જોકે અનુરાગ કશ્યપે આ ગુનેગારો જેવા હતા તેવા જ બતાવવાની કોશિશ કરી, જેની વિકરાળતા પડદા પર જોઇને સેન્સર બોર્ડ ડરી ગયું અને આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઇ શકી. દોઢ વર્ષ પહેલાં ‘જક્કલ’ નામની એક મરાઠી વેબ સિરીઝ પણ આવી હતી, જેમાં આ જ હત્યાકાંડને ફરી પાછો પડદા પર જીવંત કરાયો હતો. આજે પણ પુણેકરો એટલે કે પુણેના રહેવાસીઓ એ દહેશતને ભૂલી શક્યા નથી, જ્યારે દરેક રાત્રે ભયનો ઓથાર તેમના દરવાજે ટકોરા મારતો હતો.