બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેનઃ દોઢ દાયકાની સલામત સવારીનો કરુણ અંત
26 ઑક્ટોબર, 2011ના રોજ જાપાનની મુખ્ય એરલાઇન ‘ઑલ નિપ્પોન એરવેઝ’નું એક વિમાન રાજધાની ટોક્યોના નારિતા એરપોર્ટથી હોંગકોંગ જવા ઊપડ્યું. વિમાનના પાછળના ભાગે સ્પેશિયલ બ્લુ કલર કરવામાં આવ્યો હતો, જે ‘મેકેરેલ’ પ્રકારની માછલીનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ દરિયાઇ માછલીઓ વિશાળ ગ્રૂપમાં રહીને લાંબા અંતર સુધી તરી શકે છે. આ વિમાન માટે તે પર્ફેક્ટ હતું, કારણ કે સ્પેશિયલી લાંબા અંતર માટે લાવવામાં આવેલાં આ નવાં વિમાન આખી દુનિયાની લોંગ ડિસ્ટન્સ હવાઇ મુસાફરીઓને બદલી નાખવાનાં હતાં. રંગેચંગે આ વિમાનને વિદાય અપાઇ. થોડી મિનિટોમાં આ વિમાન 38 હજાર ફીટની ઊંચાઇએ ઊડી રહ્યું હતું. વિમાનમાં સવાર 240 મુસાફરોને ફ્રીમાં સ્પેશિયલ જેપનીસ આતિથ્યનો આનંદ માણવા મળ્યો. તેમાંના મોટાભાગના આમંત્રિત અતિથિઓ, મીડિયા પર્સન્સ, જાપાન એરલાઇન્સના અધિકારીઓ અને અમુક લોયલ્ટી મેમ્બર્સ હતા. વિમાનની છ બિઝનેસ ક્લાસની સીટોની હરાજી કરવામાં આવી હતી, જેમાંના એક પેસેન્જરે તો અધધધ 34 હજાર ડૉલર (આજના ભાવે 29 લાખ રૂપિયા) ચૂકવીને સીટ મેળવી હતી! એક્ઝેક્ટ 4 કલાક ને 8 મિનિટનું નોન-સ્ટોપ અંતર કાપીને આ વિમાન હોંગકોંગ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે તેના સ્વાગત માટે તેને વૉટર કેનન સેલ્યૂટ આપવામાં આવી. આ હતી વિમાન બનાવતી અમેરિકન કંપની ‘બોઇંગ’ની નવી વિમાની શ્રેણી ‘787-8 ડ્રીમલાઇનર’ના પહેલા વિમાનની સૌપ્રથમ ફ્લાઇટ. આજથી સવાસો વર્ષ પહેલાં ઇ.સ. 1903માં રાઇટ બંધુઓએ પહેલી ઉડાન ભરી ત્યારથી આ સિરીઝ લૉન્ચ થઇ તેમાં નવું પ્રકરણ ઉમેરાયું હતું. આ વિમાનના ખૂણેખૂણામાં અત્યાધુનિક ટેક્નોલોજી ઠાંસી ઠાંસીને ભરી હતી. વિમાનમાં મુસાફરોને બેસવાના મુખ્ય નળાકાર વિભાગને બનાવવામાં કાર્બન ફાઇબરમાંથી બનેલા કોમ્પોઝિટ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્બન ફાઇબરની ખાસિયત એ છે કે તે વજનમાં કાપડ જેવું હળવું હોય, પણ તેની મજબૂતી સ્ટીલ કે એલ્યુમિનિયમ જેવી હોય. નોંધપાત્ર રીતે વજન ઘટી જવાને કારણે વિમાનની ફ્યુઅલ એફિશિઅન્સી પણ 20 ટકા જેટલી ઘટી જવાની હતી. આ ઉપરાંત પેસેન્જર કેબિનની અંદર મોટી બારીઓ, હવા અને ભેજનું સરસ મિશ્રણ, જરાય તકલીફ ન થાય તેવું હવાનું પર્ફેક્ટ દબાણ, નવું ઇન્ટિરિયર, એમ્બિયન્ટ LED લાઇટિંગ વગેરે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. યસ્સ, 12 જુન, ગુરુવારના કાળમુખા દિવસે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન તૂટી પડ્યું અને 290 જેટલી નિર્દોષ જિંદગીઓ તેમાં હોમાઇ ગઇ, તે આ જ સિરીઝનું વિમાન હતું, ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’. છેલ્લાં ચૌદ વર્ષથી આખી દુનિયામાં 45 એરલાઇન કંપનીઓ આ સિરીઝનાં પ્લેન ઉડાડી રહી છે. અમદાવાદમાં થયેલા ક્રેશ પછી આપણને ગમે તેટલો ગુસ્સો ચડે, પરંતુ આંકડાકીય હકીકત એ છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર શ્રેણીનાં વિમાનો સૌથી સલામત છે. અમદાવાદમાં થયેલો અકસ્માત તેનો સૌપ્રથમ જીવલેણ ક્રેશ હતો. એ પછીયે ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’ મોડેલનાં 397 વિમાન અત્યારે હવામાં ઊડી રહ્યાં છે. તે પૈકી એર ઇન્ડિયા પાસે આ જ મોડેલનાં 26 વિમાન છે. દરઅસલ, બોઇંગ કંપનીએ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં નવી ટેક્નોલોજી થકી ફ્યુઅલનો વપરાશ ઘટાડવા માટે 2003માં ‘787 ડ્રીમલાઇનર’ સિરીઝની જાહેરાત કરી હતી. ચારેક વર્ષ સુધી વિવિધ એરલાઇન્સ પાસેથી ઑર્ડર્સ લઇને 2007થી તેનું ઉત્પાદન શરૂ કર્યું. આગળ કહ્યું તેમ કાર્બન ફાઇબર મટિરિયલનો ઉપયોગ કરીને વજનમાં ખાસ્સાં હળવાં બનાવવામાં આવેલાં ડ્રીમલાઇનર 787 સિરીઝનાં પ્લેનની ક્ષમતા એકસાથે 200થી 300 મુસાફરોને લઇ જવાની છે. નોનસ્ટોપ ફ્લાઇટમાં તે એક ઝાટકે 15,700 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ માટે તેની ટાંકીમાં 1.26 લાખ લીટર ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ભરવામાં આવે છે. આ તોસ્તાન વિમાનને હવામાં 36 હજાર ફીટની ઊંચાઇએ ઉડાડવા માટે બંને પાંખમાં એક-એક એમ કુલ બે એન્જિન હોય છે. ખરીદનાર કંપનીને ‘જનરલ ઇલેક્ટ્રિક GENx’ કે ‘રોલ્સ રોયસ ટ્રેન્ટ 1000’ એમ બે એન્જિનમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળે છે. બોઇંગ કંપનીએ આ ‘787 ડ્રીમલાઇનર’ સિરીઝનાં ત્રણ મોડેલ બનાવ્યાં છે, 787-8, 787-9 અને 787-10. યાને કે 787-8 મોડેલનું આ વિમાન તેનું સૌથી જૂનું અને 186 ફીટ લંબાઇ સાથે સૌથી નાનું વિમાન છે (બાકીનાં બંને મોડેલ 787-9 અને 787-10ની લંબાઇ અનુક્રમે 206 અને 224 ફીટ છે). બોઇંગ કંપનીના એક સૈકા કરતાં પણ વધુના ઇતિહાસમાં આ ડ્રીમલાઇનર સિરીઝનાં વિમાન તેનાં સૌથી સફળ વિમાન છે. કઇ રીતે બને છે આ ડ્રીમલાઇનર વિમાન? બોઇંગ 787 વિશ્વનાં સૌથી જટિલ વિમાનો પૈકીનું એક છે. તેના પાર્ટ્સ આખી દુનિયામાં બને છે અને ત્યાંથી તેને બોઇંગ કંપનીનું ‘ડ્રીમલિફ્ટર’ નામનું કાર્ગો વિમાન અમેરિકાના સાઉથ કેરોલિમાં આવેલા કંપનીના એસેમ્બલી લાઇન પ્રોડક્શન હેન્ગર ખાતે લઇ આવે છે. સૌથી પહેલાં ફ્યુઝલાજ તરીકે ઓળખાતા જંગી નળાકારને જોડવામાં આવે છે. ત્રણ નળાકાર જોડાઇને વિમાનનું ‘પેટ’ બને છે, જેમાં સીટો ગોઠવીને પેસેન્જરને બેસવાની જગ્યા કરવામાં આવે છે. ત્યારબાદ બંને બાજુએ પાંખોને ફ્યુઝલાજ સાથે જોડવામાં આવે છે. તે પછી વિમાનની નીચેના ભાગે લેન્ડિંગ ગિઅર (ફોલ્ડિંગ પૈડાં), ટેઇલ અને કંટ્રોલ સર્ફેસીસ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ બંને બાજુએ એન્જિન બેસાડવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ જોડવામાં આવે છે. છેલ્લે વિમાનનાં ઇન્ટિરિયર (સીટો, ગેલી, ટોઇલેટ વગેરે) તૈયાર કરવામાં આવે છે. આ બધું થઇ ગયા બાદ ટેસ્ટિંગનો વારો આવે. પહેલાં ગ્રાઉન્ડ ટેસ્ટ કરવામાં આવે, જેમાં ફ્યુઝલાજની અંદર હવાનું પ્રેશર, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ફ્યુઅલ સિસ્ટમ વગેરે ચેક કરાય. એ પછી વારો આવે ફ્લાઇટ ટેસ્ટિંગનો, જેમાં વિમાનનું પર્ફોર્મન્સ, હેન્ડલિંગ અને સેફ્ટી સિસ્ટમનું પરીક્ષણ થાય. સાથોસાથ કેબિનનું પ્રેશરાઇઝેશન અને એન્વાયર્મેન્ટલ કંટ્રોલ ટેસ્ટિંગ પણ થાય. તમામ ટેસ્ટ્સ સફળતાપૂર્વક થઇ ગયા બાદ જે કંપનીનો ઓર્ડર હોય તેના લોગો સાથેનું કલરકામ કરવામાં આવે અને છેલ્લે તેમને ડિલિવર કરી દેવાય. વિમાનના પાર્ટ્સ આવી ગયા બાદ તેનું ફિટિંગ કરીને એરલાઇન્સ કંપનીને ડિલિવર કરવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગે. પરંતુ એસેમ્બલી લાઇન પ્રોડક્શન હોવાને કારણે કંપની દર મહિને 8 થી 10 વિમાનોની ડિલિવરી કરી નાખે છે! એક વિમાનની કિંમત કેટલી?
અમદાવાદમાં ક્રેશ થયું તે ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’ પ્લેનની કિંમત લગભગ 239 મિલિયન ડૉલર એટલે કે 20.5 અબજ રૂપિયા જેટલી હતી. અલબત્ત, કોઇ એરલાઇન કંપની જ્યારે વિમાનોનો ઓર્ડર કરે ત્યારે એરક્રાઇફ્ટની સંખ્યા અને બાર્ગેનિંગને આધારે આ કિંમતમાં 10-20 ટકાનો ફેરફાર થતો હોય છે. કઈ કંપનીઓ ‘બોઇંગ 787-8 ડ્રીમલાઇનર’ વાપરે છે?
લેટેસ્ટ આંકડા પ્રમાણે વિશ્વની 45 જેટલી એરલાઇન્સ આ સિરીઝનાં વિમાન વાપરે છે. જેમાંથી ‘787-8’ મોડેલનાં કુલ 431 વિમાનોનો ઓર્ડર બોઇંગ કંપનીને મળ્યો છે, જે પૈકી 398 વિમાન ડિલિવર થઇ ચૂક્યાં છે અને 33 વિમાનોની ડિલિવરી હજી બાકી છે. જોકે હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ આ મોડેલ આઉટડેટેડ થઇ ગયું છે, અને કંપનીઓ 787-9 તથા 787-10 મોડેલ વધારે પસંદ કરી રહી છે. આપણા દેશમાં એર ઇન્ડિયા અને વિસ્તારા બે જ એરલાઇન કંપનીઓ આ બોઇંગ 787 ડ્રીમલાઇનર સિરીઝનાં પ્લેન વાપરે છે. એર ઇન્ડિયા પાસે 787-8 મોડેલનાં 27 પ્લેન હતાં, જેમાંથી એક પ્લેન ક્રેશ થતાં હવે તેની ફ્લીટમાં આ મોડેલનાં 26 પ્લેન છે, જે અત્યારે કાર્યરત છે. જ્યારે એર ઇન્ડિયાએ 787-9 મોડેલનાં 20 વિમાનોનો ઑર્ડર આપ્યો છે, જેની ડિલિવરી હજી બાકી છે. હવે ટાટાએ જ જે ખરીદી લીધી છે તે ‘વિસ્તારા’ એરલાઇન્સ પાસે 787-9 મોડેલનાં 6 એરક્રાફ્ટ કાર્યરત સ્થિતિમાં છે. એક વિમાનનું આયુષ્ય કેટલું?
અમદાવાદની દુર્ઘટના પછી એક સવાલ પુછાતો થયો છે કે ક્રેશ થયેલું વિમાન 11 વર્ષ જૂનું હતું અને આવું જૂનું વિમાન વાપરવું કેટલે અંશે યોગ્ય? પરંતુ ઑફિશિયલ ડેટા દર્શાવે છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર સિરીઝનાં વિમાનનું આયુષ્ય 25થી 30 વર્ષ જેટલું હોય છે. ટિપિકલ કમર્શિયલ ઉપયોગ કરવામાં આવે તો આ વિમાન 44 હજાર ફ્લાઇટ સાયકલ્સ અથવા 13 લાખ કલાક સુધી આસાનીથી હવામાં ઊડી શકે છે. એ રીતે જોવા જઇએ તો અમદાવાદમાં ક્રેશ થયેલું હતભાગી વિમાન તેની ‘યુવાની’માં હતું. અલબત્ત, આમાં શરત એ છે કે વિમાનનું વખતોવખત મેઇન્ટનન્સ થતું રહેવું જોઇએ અને બગડેલા પાર્ટ્સને સત્વરે બદલી નાખવા જોઇએ, નહીંતર વિમાનનું આયુષ્ય ઘટે અને પરિણામ જીવલેણ આવી શકે. બોઇંગ કંપની તો છાતી ફુલાવીને ગર્વભેર કહે છે કે પાછલાં ચૌદ વર્ષમાં (યાને કે જ્યારથી આ પ્લેન લૉન્ચ થયાં ત્યારથી) તેમણે સફળતાપૂર્વક 1 અબજથી વધુ મુસાફરોને સહીસલામત તેમનાં ગંતવ્યસ્થાને પહોંચાડ્યાં છે. 787 ડ્રીમલાઇનર સામે ફરિયાદોનું પોટલું
સો વર્ષ કરતાં પણ જૂની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ‘બોઇંગ’ની ગ્રહદશા છેલ્લા ઘણા સમયથી માઠી ચાલે છે. આપણાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને પાછા લાવવાનું હતું તે બોઇંગ કંપનીનું ‘સ્ટારલાઇનર’ યાન ખોટકાયું અને સુનીતા વિલિયમ્સનો ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)માં અઠવાડિયાનું રોકાણ એક વર્ષ જેટલું લંબાઇ ગયું. એ પહેલાં બોઇંગ કંપનીનાં ‘737 મેક્સ’ લાઇનનાં પ્લેનમાં એક પછી એક એવી ખામીઓ બહાર આવવા લાગી કે 2019થી 2020ની વચ્ચે મોટાભાગનાં પ્લેન ગ્રાઉન્ડ કરી દેવા પડ્યાં, યાને કે તેના ઉડાન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો. 2018 અને 2019ના પાંચ મહિનાની અંદર જ અનુક્રમે ઇન્ડોનેશિયા અને ઇથોપિયાની એરલાઇન્સનાં બે 737 મેક્સ વિમાનોનાં ભીષણ એક્સિડન્ટ થયાં જેમાં કુલ 346 લોકોનાં મોત થયાં. એ પછી હવે અમદાવાદના ક્રેશ સાથે 787 ડ્રીમલાઇનર સિરીઝનાં વિમાનો સામે પણ ફરિયાદોનું પોટલું ખૂલ્યું છે. ડિલિવરી મળ્યાનાં બે જ વર્ષમાં માર્ચ 2013માં જાપાન એરલાઇન્સના 787 વિમાનમાં બે વાર ઇંધણ લીકેજ થયું હતું, જેના કારણે તેને ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. એ જ રીતે, અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સના 787 વિમાનમાં મુખ્ય બેટરીમાં સમસ્યાઓ નોંધાઈ હતી. જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેની સરકારે આ વિમાનોના કાફલાને ગ્રાઉન્ડ કરી દીધા હતા. ઓછી જાણીતી વાત છે કે ભારતમાં બોઇંગે એર ઇન્ડિયાને ભયાનક વાવાઝોડાની નજીક ડ્રીમલાઇનર ઉડાડવાની ના પાડી દીધી હતી, કારણ કે એન્જિન પર બરફ જામી જવાનું જોખમ વધ્યું હતું, જેના કારણે દિલ્હી-ટોક્યો રૂટ પર વિમાન પાછું ખેંચી લેવું પડ્યું હતું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની સલામતી તપાસ ચાલુ રહી હતી, ત્યારે એર ઇન્ડિયા દિલ્હી-કોલકાતા 787 વિમાનના વિન્ડશિલ્ડમાં તિરાડ પડી ગયા બાદ દિલ્હી પરત ફર્યું હતું, અને બે અન્ય 787 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા. લોન્ચ થયાના 14 મહિનાની અંદર, એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર કાફલામાં 136 નાની ખામીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાને તેના રૂટ પર અન્ય વિમાનોને બદલવાના કારણે દરરોજ ₹60 લાખનો વધારાનો ખર્ચ થયો અને વિમાનની બદલી અને પાઇલટ જાળવણી માટે દરરોજ ₹1.43 કરોડનો વધારાનો ખર્ચ થયો હતો. તેના જવાબમાં, બોઇંગે તમામ ડ્રીમલાઇનર વિમાનોના 10-દિવસના જાળવણી ગ્રાઉન્ડિંગ દ્વારા એરક્રાફ્ટ સોફ્ટવેર અને ઘટકોમાં અપગ્રેડનો સમાવેશ કરતો ‘મોડિફિકેશન પેકેજ’ અમલમાં મૂક્યું હતું. 2015 થી 2024 ની વચ્ચે, એર ઇન્ડિયાની 787 ફ્લાઇટ્સમાં એન્જિન બંધ થવાં, ફ્લાઇટ કંટ્રોલ ગ્લિચ, ગિયર પાછું ખેંચવામાં ન આવવું, કેબિનમાં ધુમાડો, કમ્યુનિકેશન લોસ, વિન્ડશિલ્ડમાં તિરાડ, કેબિન પ્રેશર સમસ્યાઓ, ભારે ટર્બ્યુલન્સ, ઊંચાઈમાં ઘટાડો, સ્લેટમાં ખામી, ટાયર ફાટવું, હાઇડ્રોલિક લીક જેવી 32 ઘટનાઓ નોંધાઈ હતી. બે કિસ્સાઓમાં, ટેક્નિકલ સમસ્યાઓના કારણે અકસ્માતો થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. આજની અમદાવાદ ફ્લાઇટ એકમાત્ર એવી છે જે ક્રેશ થઈ છે, જેના કારણે જાનહાનિ થઈ છે. બોઇંગ શું છુપાવે છે?
બોઇંગ કંપનીના એન્જિનિયર સેમ સાલેહપોરે કંપની દ્વારા તેના 777 અને 787 ડ્રીમલાઇનર જેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા શોર્ટકટ્સ વિશે આખી દુનિયાને ચેતવી હતી. જાન્યુઆરી 2024 માં FAAમાં ફરિયાદ નોંધાવતાં સાલેહપોરે આરોપ લગાવ્યો હતો કે બોઇંગ ફ્યુઝલાજ (પેસેન્જરોને બેસવાનો મુખ્ય નળાકાર ભાગ)ના અલગ અલગ ભાગોને જોડતી વખતે અસંખ્ય નાની નાની જગ્યાઓને જોડવામાં નિષ્ફળ રહી હતી. તેણે પોતાની જાતે કર્મચારીઓને કૂદકા મારીને પાર્ટ્સને જોડતા જોયા હતા! એણે એવો પણ આરોપ મૂક્યો કે બોઇંગ પોતાના એન્જિનિયરોને એવાં કામ કરવા માટે પણ ફરજ પાડતું આવ્યું છે જેના પર હજુ સુધી ટેસ્ટિંગ થયું જ નથી. આ બધાના કારણે પ્લેનનું આયુષ્ય 25-30 વર્ષ કહેવામાં આવે છે, તેના કરતાં ક્યાંય ઓછું થઇ જાય છે. FAA હાલમાં આ આરોપોની તપાસ કરી રહ્યું છે. અગાઉ આવી જ ફરિયાદોને પગલે FAA અને બોઇંગ બંનેએ પોતાનાં ડ્રીમલાઇનર વિમાનોની ડિલિવરી અટકાવી હતી. આશા રાખીએ કે અમદાવાદમાં થયેલા ભયાવહ ક્રેશ પછી બોઇંગ, એર ઇન્ડિયા, ભારત સરકાર અને ઇન્ટરનેશનલ એજન્સીઓ નિષ્પક્ષ તપાસ કરે અને હવાઇ યાત્રાને ફરીથી મુસાફરીનું સંપૂર્ણપણે સુરક્ષિત માધ્યમ બનાવે.