અમદાવાદના શૉકિંગ પ્લેન ક્રેશની તમામ ભયાવહ ડિટેલ વચ્ચે એક ચમત્કાર જોઇને આખી દુનિયા મોંમાં આંગળાં નાખી ગઇ છે. એર ઇન્ડિયાના લંડન જવા ઊપડેલા એ પ્લેનની સીટ નંબર 11Aમાં બેઠેલા મૂળ દીવના અને લંડનના નાગરિક એવા વિશ્વાસ કુમાર ભાલિયાનો આબાદ બચાવ થયો હતો. 242 લોકોના પ્લેનમાં તેઓ એકમાત્ર જીવિત વ્યક્તિ બચી ગયા છે. આ સમાચાર સમગ્ર વિશ્વમાં ફેલાયા એ પછી થાઇલેન્ડથી વધુ એક અચરજભર્યા ન્યૂઝ આવ્યા છે. થાઇલેન્ડના જેમ્સ રુઆંગસાક નામના ગાયક અને અભિનેતાએ સોશિયલ મીડિયામાં શૅર કર્યું છે કે આજથી 27 વર્ષ પહેલાં થાઇલેન્ડમાં થયેલા પ્લેન ક્રેશમાં તેઓ પણ 11A નંબરની સીટમાં જ બેઠા હતા. 101 લોકોનો ભોગ લેનારા એ ભયાવહ પ્લેન ક્રેશમાં તેમનો પણ આબાદ બચાવ થયો હતો! કુદરતના કરિશ્મા જેવી આ અદભુત ઘટનાના ન્યૂઝ વાઇરલ થયા પછી માત્ર તેની નોંધ લઇને બેસી ન રહેતાં અમે તેમનો સંપર્ક સાધ્યો અને તેમની સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. અમારા આશ્ચર્ય વચ્ચે એમણે પણ ઉત્સાહથી વાત કરવાની તૈયારી બતાવી. એટલે અમે એમની સમક્ષ અમારા સવાલોનો મારો ચલાવ્યો. આ રહી અમારી વાતચીતના મુખ્ય અંશોઃ ‘કરિયરની ટોચે હતો ને આકાશમાંથી નીચે પટકાયો’
જેમ્સ રુઆંગસાક લોયચુસાક જેવું થોડું અટપટું થાઇ ભાષાનું નામ ધરાવતા આ ફૂટડા ભાઇ છેલ્લાં ત્રીસ વર્ષથી ગાયક અને એક્ટર તરીકે ફેમસ છે. પોપ સિંગિંગ, મ્યુઝિકલ થિયેટર, ફિલ્મો અને ટેલિવિઝન પ્લેમાં એમના નામે બહુ બધી કળાઓ બોલે છે. આજે 47 વર્ષની ઉંમરે પણ થાઇલેન્ડમાં એમનું પોપ સિંગિંગનું કરિયર મસ્ત રીતે ચાલી રહ્યું છે. અમે એમને પહેલો જ સવાલ મુદ્દાનો પૂછ્યો, કે જેમ્સભાઇ, 11 ડિસેમ્બર, 1998ના એ દિવસે શું થયેલું? અમને ફ્લેશબેકમાં લઇ જશો? જેમ્સ રુઆંગસાક કહે, ‘વેલ, એ વખતે હું પોપ્યુલારિટીની ટોચે હતો. મારાં ગીતો ચાર્ટ બસ્ટર હતાં. આખા દેશમાં અહીંથી તહીં હું સતત ઊડાઊડ કરતો રહેતો. તે દિવસે, મારે થાઇલેન્ડના સુરત થાની પ્રાંતમાં પર્ફોર્મ કરવાનું હતું. મારી સાથે બીજા બે જણા પણ હતા. થાઇલેન્ડમાં એ દિવસે હવામાન બહુ ખરાબ હતું, તોફાન પણ હતું. પરંતુ મારે ગયા વિના છૂટકો નહોતો, કેમ કે, બહુ બધા લોકો કોન્સર્ટમાં મારી રાહ જોઇ રહ્યા હતા. પ્લેનમાં મારો સીટ નંબર ‘11A’ હતો. પ્લેન જમીનથી 36 હજાર ફીટ ઊંચે હતું. બારીમાંથી આકાશમાં થતી જોરદાર વીજળી અને નીચે વછૂટતો વરસાદ સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. કેપ્ટને ફ્લાઇટમાં જાહેરાત કરી કે હવામાન ખરાબ છે અને આપણને લેન્ડ કરવામાં મુશ્કેલી આવી શકે છે. લેન્ડ કરવાના પહેલા પ્રયાસમાં પ્લેન રનવેને સ્પર્શ્યું, પરંતુ તરત જ ફરીથી ઉપર લઇ લેવું પડ્યું. પ્લેન ફરીથી આકાશમાં ચડ્યું અને એરપોર્ટને ફરતે એક ચક્કર લગાવ્યું. કેપ્ટને ફરીથી જાહેરાત કરી કે આપણે ફરી એકવાર લેન્ડ કરવાનો પ્રયાસ કરીશું, નહીંતર બેંગકોક રિટર્ન થઇ જવું પડશે. બીજા પ્રયાસમાં પણ એવું જ થયું, વિમાન રનવેની નજીક આવીને ફરીથી આકાશે ચડ્યું. સૌ પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થવા માંડ્યા હતા. હું થોડો આશ્વસ્ત હતો, કે ચલો હવે બેંગકોક જ પાછા જઇ રહ્યા છીએ. ત્યાં તો પાઇલટે ફરીથી ત્રીજીવાર લેન્ડિંગનો પ્રયાસ કર્યો. આ વખતે પણ વિમાન નીચે ઊતરીને ફરીવાર આકાશે ચડવા ગયું. ત્યાં જ પાઇલટે વિમાન પરથી કાબૂ ગુમાવી દીધો. પ્લેન ફંગોળાયું. તેની પૂંછડી સીધી એર ટ્રાફિક કંટ્રોલ ટાવરની સાથે અથડાઇ. ભયાનક ધડાકો થયો અને અમારું પ્લેન એરપોર્ટથી લગભગ પાંચેક કિલોમીટર દૂરના વિસ્તારમાં જઇને તૂટી પડ્યું. મને પાછળથી ખબર પડેલી કે મારી સાથે બે વ્યક્તિ હતી તેમાંથી એકનું અવસાન થયેલું અને બીજા એકને ફ્લાઇટ અટેન્ડન્ટે પાછળની સીટમાં બેસાડી દીધેલો, જેથી તેનો જીવ બચી ગયો હતો. મને હજુ પણ મુસાફરોની ભયાનક ચીસો યાદ છે – તે એક ભયાનક ક્ષણ હતી જે હું ક્યારેય ભૂલીશ નહીં.’ ‘જાગ્યો ત્યારે મારી આસપાસ બધે જ અંધારું હતું’
અત્યારે આપણે ઇન્ટરનેટ પર વાંચીએ તો ખ્યાલ આવે છે કે 146 લોકો થાઇ એરવેઝની તે ફ્લાઇટમાં સવાર હતા, જેમાંથી 101 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 45 લોકો નાની-મોટી ઇજાઓ સાથે બચી જવા પામ્યા હતા. તેમાંથી આ જેમ્સભાઇ એક હતા, જે આજે આપણી સાથે વાત કરી રહ્યા છે. અમે એમની સાથેની વાતચીત આગળ ધપાવી, કે તમને ક્યારે ખ્યાલ આવ્યો કે તમે આ ભયાનક પ્લેનક્રેશમાંથી બચી ગયા છો? જેમ્સભાઇ પોતાના ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં કહે, ‘વિમાન ટુકડાઓમાં તૂટી પડ્યા પછી મને ભાન આવ્યું. હું જાગ્યો ત્યારે ચારેકોર કાળમીંઢ અંધકાર હતો. મને ફક્ત ચંદ્રનો પ્રકાશ અને કાટમાળની આસપાસ સળગતી આગ દેખાઈ. તે ક્ષણે, મને કોઈ દુખાવો થતો નહોતો, કદાચ કારણ કે હું આઘાતમાં હતો. પરંતુ હું મારી છાતીમાં તીવ્ર દુખાવો અનુભવી શકતો હતો. મને વધુ આઘાત એ વાતનો હતો કે મારી ઉપર માનવ શરીરનાં અંગો પડ્યાં હતાં. મેં ધીમે ધીમે આસપાસ જોયું, શાંત રહેવાનો અને હમણાં શું બન્યું તે સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું અકસ્માતમાંથી બચી ગયો છું.’ ‘ગંભીર અકસ્માતની આગાહીઓ હતી જ’
‘સાચું કહું તો, મેં ક્યારેય અંધશ્રદ્ધા કે પૂર્વાભાસ વગેરેમાં વિશ્વાસ કર્યો નથી. હું વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ છું. પરંતુ મારી સાથે કંઈક વિચિત્ર બન્યું. જ્યારે હું નાનો હતો, ત્યારે મારા દાદાએ એક વાર આગાહી કરી હતી કે જ્યારે હું 21 વર્ષનો થઈશ, ત્યારે મને એક ભયંકર અકસ્માતનો સામનો કરવો પડશે – જે લગભગ મને મારી નાખશે, પરંતુ હું બચી જઈશ. તમે નહીં માનો, પણ આ પ્લેન ક્રેશ વખતે મારી ઉંમર એક્ઝેક્ટ 21 વર્ષની હતી!’ ‘એટલું જ નહીં, આ અકસ્માત થાય તે પહેલાં, કોઈએ મને ચેતવણી આપી હતી, કે જ્યારે તમે ખ્યાતિના શિખર પર પહોંચશો, ત્યારે ભાગ્ય તમને એક જોરદાર ફટકો મારીને તમને નમ્ર બનાવવાનો પ્રયાસ કરશે. તમને ગંભીર ઇજા કે મોટી બીમારી આવી શકે છે. તમે સાવચેત રહેજો. અફ કોર્સ, તે સમયે, મેં તેના વિશે બહુ વિચાર્યું ન હતું. પરંતુ હવે પાછળ જોતાં, તે શબ્દો સતત મારા મનમાં તરવર્યા કરે છે. તમે 11A માં બેઠા હતા – શું તમે તે ચોક્કસ સીટ પસંદ કરી હતી? કે પછી એ ફક્ત સંયોગ હતો?
‘સાચું કહું તો મેં પોતે આ નંબરની સીટ પસંદ કરી નહોતી. મને જે સીટ મળી તેમાં બેસી ગયેલો. એટલે એ સંયોગ માત્ર જ હતો.’ ‘મારી છાતી ભાંગી ગયેલી’
પ્લેન ક્રેશમાં તમને કેટલી ઇજાઓ થયેલી, તેમાંથી ક્યારે બહાર આવ્યા? ‘અમારું પ્લેન ભયાનક રીતે પછડાયું હતું. મને પણ સખત ગંભીર ઇજાઓ થઇ હતી. મારી ચાર પાંસળીઓ તૂટી ગઈ હતી અને તેણે મારા ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. મારા મગજમાં ઇન્ટર્નલ બ્લીડિંગ થયું હતું, અને મારી કરોડરજ્જુ ફ્રેક્ચર થઈ ગઈ હતી.’ ‘પરંતુ સૌથી ઊંડો ઘા શારીરિક નહોતો, તે ઇમોશનલ હતો. શારીરિક રીતે સ્વસ્થ થવામાં મને લગભગ એક વર્ષ લાગ્યું, પરંતુ માનસિક અને ઇમોશનલ રીતે ખરેખર સાજા થવામાં દસ વર્ષ લાગ્યાં.’ ‘ક્રેશ પછી મને જિંદગીની કિંમત સમજાઇ’
સામાન્ય રીતે આવા ભયાવહ એક્સિડન્ટ પછી લોકો PTSD એટલે કે ‘પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર’થી પીડાવા લાગતા હોય છે. તેમને વિમાનના નામ માત્રથી કમકમાં આવી જતા હોય છે, તેમની આખી જિંદગી ભયના ઓથાર હેઠળ આવી જતી હોય છે. તમને આવું કંઇ થયેલું? ‘સાચું કહું તો ક્રેશ પછી મને જિંદગીની ખરેખરી કદર થઇ. જિંદગીની કિંમત સમજાઇ. મને સમજાયું કે જીવનમાં કંઇ જ નિશ્ચિત નથી. તેથી આપણે બેદરકાર ન રહેવું જોઈએ. જીવનને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવું જોઇએ. આપણે ભરપુર જીવવું જોઈએ, સારું કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી લોકોને પ્રેમ કરવો જોઈએ.’ અમે વાંચ્યું છે કે તમને દસ વર્ષ સુધી પ્લેનમાં નહોતા બેઠા. એ સાચું છે?
‘ના ના, એટલો બધો સમય તો નહોતો લાગ્યો, પણ હા, પ્લેનમાં ફરીવાર બેઠો ત્યારે એક વર્ષ કરતાં વધુ સમય થઇ ગયેલો. એક્ચ્યુઅલી, મારા ફેન્સ મારી રાહ જોઇ રહ્યા હતા. જે કોન્સર્ટમાં હું જઇ રહ્યો હતો તેના આયોજકોએ તે કોન્સર્ટ કેન્સલ નહોતો કર્યો, માત્ર મુલતવી રાખ્યો હતો. લોકોએ રિફંડ પણ નહોતું માગ્યું. લોકોને આશા હતી જ કે હું પાછો આવીશ. આ વાતે મને જબ્બર પ્રોત્સાહિત કર્યો. એમના પ્રેમે જ મને ફરી પાછો ગાવા માટે અને સ્ટેજ પર આવવા માટે પ્રેરિત કર્યો. અને યસ્સ, હું હજીયે માનું છું કે હવાઇ મુસાફરી એ ટ્રાન્સપોર્ટનો સૌથી સલામત રસ્તો છે.’ ‘બચી ગયા પછી હું બૌદ્ધ અનુયાયી બની ગયો’
આવી મોટી ઘટનામાંથી બહાર આવ્યા પછી લોકોનો ઇશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધી જતો હોય છે. જેમ્સના જીવનમાં પણ આવું જ થયું. તેઓ કહે છે, ‘પ્લેન ક્રેશમાંથી બહાર આવ્યા પછી મેં બૌદ્ધ સાધુ બનવાનું અને ભગવાન બુદ્ધે ચીંધ્યા માર્ગે આગળ વધવાનું નક્કી કરી લીધું. મેં બુદ્ધના ઉપદેશોનો ગંભીરતાથી અભ્યાસ કર્યો, અને ગહન ધ્યાન કરવા માટે હું જંગલમાં જતો રહેલો. કુદરતના ખોળે આ પ્રવાસ દ્વારા, મને સાચા સુખની ઊંડી સમજ મળી અને જીવનને સભાનતા અને બેદરકારી વિના જીવવાનું મહત્ત્વ પણ સમજ્યો.’ તમે પહેલેથી જ ધાર્મિક વ્યક્તિ હતા? ‘વેલ, આ બહુ નાજુક પ્રશ્ન છે. આમ તો હું ખુલ્લા હૃદયનો અને તમામ ધર્મો-માન્યતાઓમાં માનનારો માણસ રહ્યો છું. પરંતુ આ અનુભવે મને એક ઊંડા સત્યની નજીક લાવ્યો – અસ્થાયીતાનું સત્ય, બૌદ્ધ ઉપદેશોના હૃદયમાં આ જ વસ્તુ રહેલી છે. તે મને યાદ અપાવ્યું કે જીવન ખરેખર કેટલું અનિશ્ચિત અને નાજુક છે. અને તે અર્થમાં, અકસ્માત પછી બૌદ્ધ ધર્મ મારા મનમાં સૌથી વધુ પડઘો પાડ્યો હતો.’ ‘ગણેશજીએ મને બચાવ્યો’
જેમ્સભાઇ, હવે એક રસપ્રદ સવાલ, શું તમે માનો છો કે તે દિવસે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી હતી? ‘આ સવાલનો બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબ હું આપીશ. પ્રામાણિકતાથી કહું તો હું ક્યારેય અલૌકિક વસ્તુઓમાં માનતો નહોતો. મારે મન વિજ્ઞાનથી આગળ કંઇ જ નહોતું. પરંતુ અકસ્માત પછી, મેં કેટલાક વિચિત્ર સંયોગોનો અનુભવ કર્યો જે હું સમજાવી શકું તેમ નથી. તમને જાણીને રસ પડશે કે તેમાંનો એક અનુભવ ભગવાન ગણેશનો છે.’ થાઇલેન્ડમાં બૌદ્ધ ઉપરાંત હિન્દુ ધર્મનું અને ભગવાન ગણેશનું ઘણું જ પ્રભુત્વ છે. ગણેશજીની જાતભાતની મૂર્તિઓ થાઇલેન્ડનાં ઘણાં મંદિરોમાં જોવા મળે છે. જેમ્સ કહે છે, ‘મને લાગવા લાગ્યું કે કદાચ તે દિવસે તે મારું ધ્યાન રાખી રહ્યા હતા. અને પછી કાળક્રમે મને ભગવાન ગણેશ સાથે સંકળાયેલા કેટલાયે અદભુત-ચમત્કારી અનુભવો થયા છે, ખાસ કરીને પ્લેન ક્રેશ સાથે સંકળાયેલા. પરંતુ હું તેને કેમેય કરીને સમજાવી શકું તેમ નથી. એટલે જ હું તે લોકો સાથે વધુ શૅર પણ નથી કરતો.’ ‘સીટ ગમે તે હોય, જીવનની અનિશ્ચિતતાથી બચી નહીં શકો’
તમે જે અકસ્માતનો સામનો કર્યો તેનાં 27 વર્ષ પછી અમદાવાદમાં બીજો એક ભયાનક પ્લેન ક્રેશ થયો, અને તેમાં તમારી જેમ જ ‘11A’ નંબરની સીટ પર બેઠેલો એક યુવાન ચમત્કારિક રીતે બચી ગયો. એ ન્યૂઝ જાણીને તમને કેવું લાગ્યું? જેમ્સ સંયોગવશ થયેલા આ ચમત્કારમાં વહી પડવાને બદલે બહુ ઊંડો જવાબ આપે છે, ‘પ્રામાણિકતાથી કહું તો, જે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેના પ્રત્યે મને પારાવાર દુઃખ થાય છે. જે વ્યક્તિ બચી ગઇ છે તેને ‘અભિનંદન’ આપવા એ કેટલું યોગ્ય કહેવાય એ પણ મને સમજાતું નથી, કારણ કે કોઇપણ વ્યક્તિ ક્યારેય એવું ન ઇચ્છે કે તેને આવા ભીષણ અકસ્માતનો સામનો કરવો પડે.’ ‘પરંતુ આવી ટ્રેજેડીઓ આપણા સૌના કંટ્રોલની બહાર હોય છે. આવું ક્યારે, ક્યાં, કોની સાથે થશે તે આપણે ક્યારેય કળી શકતા નથી. એટલે જ આપણે સૌએ કાયમ સાવચેતીપૂર્વક અને પૂરેપૂરી જાગૃતિ સાથે જીવવું જોઇએ. તમે ગમે તે સીટ પર બેઠા હો, છતાં તમે જીવનની અનિશ્ચિતતાઓની વચ્ચે જ બેઠા છો એટલું યાદ રાખો.’ ‘અને હા, 11A નંબરનો જોગાનુજોગ, મને ખાલી આ જોગાનુજોગનું જ આશ્ચર્ય છે. બસ. એથી વધુ કશું જ નહીં.’ ‘એ વ્યક્તિને મારે ક્યારેય મળવાનું થશે તો એને અને કોઇને પણ હું એટલું જ કહીશ કે મારું જીવન આનંદથી જીવો. તમને જે જીવન મળ્યું છે તેનો મહત્તમ ઉપયોગ કરો. તમારા જીવનને જે કંઈ નુકસાન પહોંચાડે છે – તે ન કરો. અને બીજા કોઈના જીવનને સારું બનાવવા માટે તમે જે કંઈ કરી શકો છો – તે વિના વિલંબે કરો.’ ચમત્કારનું ત્રીજું નામઃ કુમાર નાદિગ
ઇ.સ. 1990માં ઇન્ડિયન એરલાઇન્સનું 146 લોકોને લઇને મુંબઇથી બેંગલોર જતું એક જાયન્ટ વિમાન બેંગલોર એરપોર્ટ પાસેના એક ગોલ્ફ કોર્સમાં તૂટી પડ્યું હતું. આ પ્લેન ક્રેશમાં 92 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી, જ્યારે 54 ભાગ્યશાળી લોકો બચી જવા પામ્યા હતા. તેમાંના એક હતા કુમાર નાદિગ, જેઓ 11 નંબરની સીટ પર જ સવાર હતા. અમે આ સ્ટોરી સંદર્ભે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ આ સ્ટોરી પ્રકાશિત થઇ ત્યાં સુધી તેમનો સંપર્ક થઇ શક્યો નહીં. અગાઉ તેમણે કરેલાં મીડિયા ઇન્ટરએક્શનમાં કહેલું કે, પહેલાં તેમને 10-A નંબરની સીટ ફાળવવામાં આવી હતી. પરંતુ એક નાનકડા છોકરાને વિન્ડો સીટમાં બેસવાની ઇચ્છા હતી, આથી તેમણે સીટ એક્સચેન્જ કરીને 11-Cમાં સવાર થઇ ગયા. અચાનક બેંગલોર આવતાં સુધીમાં પ્લેન ઝડપભેર નીચે આવવા લાગ્યું અને નીચે ધડાકાભેર પટકાયું. નસીબજોગે કુમાર નાદિગની સીટ પાસે જ 11-A સીટને અડીને જ ઇમર્જન્સી ગેટ હતો, જે તેમણે મહામહેનતે ખોલી નાખ્યો અને પોતે બહાર નીકળ્યા. સાથોસાથ તેમણે એક સ્ત્રી તથા એક બાળકને પણ ખેંચી કાઢ્યાં. ત્યાંથી આગની જ્વાળાઓ કૂદાવતાં વિમાનની પાંખ પર દોડીને બચીને બહાર નીકળી ગયાં. ચહેરા અને હાથ પર દાઝેલાનાં નિશાન તો એક વર્ષની સારવારને અંતે જતાં રહ્યાં, પરંતુ વિમાનમાં મુસાફરી કરવાનો તેમનો ભય નીકળતાં વર્ષો વીતી ગયાં. માત્ર વિમાનની મુસાફરી જ નહીં, બલકે આગ, સળગતી ધાતુઓ અને પ્લાસ્ટિકની ગંધ તેમના મગજમાં બેસી ગઇ. વર્ષો પછી જ્યારે તેમણે અમેરિકામાં 9/11 મેમોરિયલની મુલાકાત લીધી ત્યારે પણ આ વાસે તેમના મગજનો કબ્જો લઇ લીધેલો. વર્ષો પછી કુમાર નાદિગે પોતાના હવાઇયાત્રાના ભયમાંથી બહાર નીકળવા માટે એક આશ્ચર્યજનક અને અત્યંત બહાદુર નિર્ણય લીધો. તેમણે બેંગલોરના ‘જક્કુર ફ્લાઇંગ ક્લબ’માં એડમિશન લીધું અને જાતે જ નાનું વિમાન ઉડાડતાં શીખી લીધું. નસીબના બળિયા મોરારજી દેસાઇ
આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ રોડ, રેલ અને જળયાત્રાની સરખામણીએ હવાઇ યાત્રા ક્યાંય વધુ સલામત ગણાય છે. પરંતુ હજારો ફીટ ઊંચેથી પ્લેન જ્યારે ક્રેશ થાય ત્યારે તેમાં સવાર લોકોને બચવાનો જરાય મોકો રહેતો નથી. પરંતુ આપણા ગુજરાતના જાહેર ક્ષેત્રના એક મહાનુભાવો આવા નસીબના બળિયા પુરવાર થયા છે. તે આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ. 1977માં રશિયન બનાવટના ‘પુષ્પક રથ’ નામના વિમાનમાં સવાર થઇને જઇ રહ્યા હતા. ત્યારે જોરહાટ એરપોર્ટથી ચાર કિલોમીટરના અંતરે હતા ત્યારે તેમનું પ્લેન ક્રેશ થયું, જેમાં વિમાનમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર્સનાં કરુણ મોત થયાં હતાં. પરંતુ વિમાનમાં સવાર મોરારજીભાઇ દેસાઇ, તેમના પુત્ર કાંતિભાઇ દેસાઇ, અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી પી. કે. થુન્ગોન અને ઇન્ટેલિજલ્સ બ્યુરોના ડિરેક્ટર જ્હોન લોબોનો બચાવ થયો હતો. ત્યારબાદ મોરારજી દેસાઇએ પોતાની સંભાળ લેવા બદલ આસામ આર્મી હોસ્પિટલ સ્ટાફને સંબોધીને લખેલો આભાર પત્ર આજે પણ જોરહાટના મ્યુઝિયમમાં સચવાયેલો છે.