P24 News Gujarat

સુશાંત સિંહ રાજપૂતને અજીબોગરીબ અવાજો સંભળાતા:પાંચ વર્ષે પણ એક્ટરના મોતનું રહસ્ય વણઊકલ્યું, શું બોલિવૂડે જ સુશાંતને મારી નાખ્યો?

તારીખઃ 8 જૂન, 2020
સમયઃ રાતના એક વાગ્યાની આસપાસ દરિયાકિનારે વસેલી માયાનગરી મુંબઇ બફારાને કારણે ત્રસ્ત હતી, કોરોના ને લૉકડાઉનને કારણે એક અંજપો પણ હતો. આ બધાની વચ્ચે મુંબઈના મલાડના જનકલ્યાણ નગરની રિજન્ટ ગેલેક્સીના 14મા માળે પાર્ટીની ધૂમ હતી. 2BHK ફ્લેટમાં તે રાત હસીન હતી, પરંતુ દિશા સાલિયાનને સપનેય ખ્યાલ નહોતો કે આ તેના જીવનની અંતિમ પાર્ટી છે. દિશા ફિયોન્સે તથા અન્ય ચાર મિત્રો સાથે હતી. પાર્ટીની વચ્ચે દિશાને લંડનથી એક મિત્રનો ફોન આવ્યો. ફોન આવતાં જ તે અંદર રૂમમાં ગઈ. અચાનક જ રાતના એક વાગ્યે ફ્લેટમાં સન્નાટો છવાયો. દિશા સાલિયાને 14મા માળેથી કૂદકો માર્યો ને બધા જ મિત્રો નીચે જાય છે. દિશા સાલિયાન બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર રહી ચૂકી હતી. મુંબઈ પોલીસે શરૂઆતમાં આ કેસ આત્મહત્યાનું કહીને તપાસ હાથ ધરી. હજી આ કેસની તપાસનું કંઈ પરિણામ આવે તે પહેલા જ 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યો. માત્ર છ દિવસની અંદર થયેલા બે મોતે બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો. શું દિશા ને સુશાંતનાં મોત વચ્ચે કોઈ સંબંધ હતો? દિશાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી? દિશાના મોત બાદ સુશાંતનું રિએક્શન કેવું હતું? બોલિવૂડે ના ધારેલું હોય તેવી સ્થિતિ ભવિષ્યમાં ઊભી થવાની હતી. ગયા અઠવાડિયે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મોતને પાંચ વર્ષ પૂરાં થયા. પાંચ વર્ષમાં દુનિયા ઘણી જ આગળ વધી ગઈ, પરંતુ પરિવાર આજે પણ દીકરો-ભાઈ ગુમાવ્યાનું દુઃખ સહન કરી રહ્યો છે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું, સુશાંત સિંહના પરિવારની… સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે મુદ્દો 2020માં દિવસો સુધી ચગ્યો. મીડિયાએ પણ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઘણી બાબતોમાં કાચું કાપ્યું હોય તેવું બન્યું અને પછી મીડિયાએ સુશાંત કેસમાં કરેલા કવરેજ બદલ માફી પણ માગી. આ કેસની સિલસિલાબદ્ધ વિગતો એક પછી એક જાણીએ…. શરૂઆત કરીએ સુશાંત સિંહ રાજપૂતથી…
21 જાન્યુઆરી, 1986માં પટનામાં કૃષ્ણાકુમાર સિંહ ને ઉષા સિંહના ત્યાં જન્મેલા સુશાંત સિંહ રાજપૂતને મોટી ચાર બહેનો હતો. પરિવાર લાડમાં ગુલશન કે ગુગ્ગુ કહીને બોલાવતો અને ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હોવાથી તે ઘણો જ લાડકો હતો. પિતા બિહાર સ્ટેટ હેન્ડલૂમ કોર્પોરેશનમાં ટેક્નિકલ ઑફિસર હતા અને માતા હોમ મેકર હતી. સુશાંત માત્ર 16 વર્ષનો હતો ત્યારે 2002માં માતા ઉષા સિંહનું બ્રેન હેમરેજને કારણે અવસાન થયું ને તે એકદમ ભાંગી પડ્યો. સુશાંત માતાના અવસાનના દુઃખમાંથી બહાર આવી શક્યો નહોતો. આ જ કારણે સ્કૂલમાં તેની ઘણી જ મજાક ઉડાવવામાં આવતી. માતાના અવસાન બાદ સુશાંત બહેનોની નિકટ આવ્યો, પરંતુ તે પિતાની નજીક ખાસ નહોતો. ભણવામાં ઘણો જ હોંશિયાર હતો
સુશાંત નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો. સ્કૂલમાં તે નાનામાં નાની વાત સમજવાનો પ્રયાસ કરતો. નાનપણથી જ સુશાંત ઘણો જ શરમાળ હતો અને મિત્રો પણ ઘણા જ ઓછા રહેતા. પરિવાર પછી દિલ્હી શિફ્ટ થતાં ત્યાંની સેન્ટ કેરન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. 2003માં દિલ્હી યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીની એન્ટ્રન્સ એક્ઝામમાં સાતમો રેન્ક મેળવ્યો. સુશાંત નેશનલ ફિઝિક્સ ઓલમ્પિયાડનો વિનર રહી ચૂક્યો છે. આટલું જ નહીં, તેણે એન્જિનિયરિંગની અલગ-અલગ 11 એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી હતી. પરિવારના દબાણને કારણે એન્જિનિયરિંગમાં એડમિશન
સુશાંત સિંહ રાજપૂતને ક્યારેય એન્જિનિયરિંગમાં રસ નહોતો, પરંતુ પરિવારના દબાણને કારણે તેણે દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. તે એસ્ટ્રોનોટ (અવકાશયાત્રી) અથવા એરફોર્સ પાઇલટ બનવા માગતો. જોકે, આ સાથે જ તેને બોલિવૂડમાં પણ એટલો જ રસ હતો. તે શાહરુખ ખાનનો જબરજસ્ત ફૅન હતો. એન્જિનિયરિંગના અભ્યાસ સાથે સુશાંતને ડાન્સ ક્લાસ જોઇન કરવાની ઈચ્છા થઈ, પરંતુ ફીના પૈસા ના હોવાથી તે બાળકોને ડાન્સ શીખવતો અને આ પૈસાથી તેણે શામક દાવર ડાન્સ ઇન્સ્ટિટ્યૂટની ફી ભરી. સુશાંત જ્યારે બાળકોને ડાન્સ શીખવતો ત્યારે તેની પહેલી કમાણી 250 રૂપિયા હતી. માત્ર થોડા સમયમાં જ સુશાંત ડાન્સમાં માહેર થઈ ગયો અને તેણે 2005માં 51મા ફિલ્મફેર અવૉર્ડ સેરેમનીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પર્ફોર્મ કર્યું. 2006માં સુશાંતે કોમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યા રાયના પર્ફોર્મન્સ દરમિયાન બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. ત્યારબાદથી સુશાંત બોલિવૂડ ફિલ્મ ‘ધૂમ’ તથા ‘ધૂમ 2’નાં સોંગ્સ તથા બોલિવૂડની અનેક મોટી ઇવેન્ટ્સમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. એન્જિનિયરિંગના ત્રીજા વર્ષે ભણવાનું અધવચ્ચે છોડ્યું
ડાન્સને કારણે સુશાંતને ધીમે ધીમે બોલિવૂડ ગમવા લાગ્યું અને તેને એક્ટિંગ કરવાની ઈચ્છા થઈ. આ દરમિયાન ડાન્સગુરુ શ્યામક દાવરે સુશાંતને એમ કહ્યું કે તે સારો ડાન્સર છે અને ડાન્સ કરતાં સમયે તેનાં એક્સપ્રેશન પણ કમાલનાં છે. તેનામાં સારા એક્ટર બનવાના તમામ ગુણો છે. થોડા સમય બાદ શ્યામકે સુશાંતની મુલાકાત એક્ટિંગ ગુરુ બેરી જૉન સાથે કરાવી. શાહરુખ ખાન સહિતના સ્ટાર બેરી જૉન પાસેથી એક્ટિંગના પાઠ ભણી ચૂક્યા છે. આ મુલાકાત સુશાંતના જીવનનો ટર્નિંગ પોઇન્ટ રહી. સુશાંતને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપની ઑફર આવી, પરંતુ તે કોલેજમાંથી ડ્રોપ આઉટ લઈને મુંબઈના વર્સોવામાં એક રૂમ-રસોડામાં રહેવા આવી ગયો. આ રૂમમાં સુશાંત અન્ય પાંચ લોકોની સાથે રહેતો. પરિવારને જ્યારે આ અંગે જાણ થઈ તો તેમને ભારે આઘાત લાગ્યો, પરંતુ દીકરાની ખુશી માટે તે સમયે તેઓ કંઈ જ બોલ્યા નહીં. મુંબઈમાં સુશાંતે બેરી જૉનના ત્રણ મહિનાનો ડિપ્લોમા કોર્સ જોઇન કર્યો. કોર્સના અંતે ક્લાસમેટ્સને C ગ્રેડ આવ્યો, પરંતુ સુશાંતને B ગ્રેડ આવતાં તેને લાગ્યું કે તેનામાં એક્ટિંગ કરવાની ક્ષમતા રહેલી છે. નાટકોમાં કામ કર્યું, ઘરમાં કચરા-પોતાંથી લઈ તમામ કામ કર્યા
સુશાંતે ક્યારેય સંઘર્ષના દિવસોને કપરા કે પછી કઠિન ગણાવ્યા નથી. સુશાંત માનતો કે તેને જે કામ કરવું હતું તે જ કામમાં મહેનત કરી રહ્યો હતો. તેને થિયેટરમાં કામ કરવું ગમતું અને તે નાદિરા બબ્બરના એકજુટ થિયેટર ગ્રુપમાં જોડાયો. સાથે સાથે સુશાંતે ટીવી ને ફિલ્મમાં ઑડિશન આપવાની શરૂઆત કરી. તે માર્શલ આર્ટ્સની પણ ટ્રેનિંગ લેતો ને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ પણ કરતો. રૂમમાં તે છ લોકો માટે દાળ-ભાત-શાક બનાવતો. આ ઉપરાંત પોતાનાં વાસણો, કપડાં અને ઘરમાં કચરા-પોતાં સહિતના કામ કરતો. સુશાંતે અઢી વર્ષ સુધી એકજુટ થિયેટર ગ્રુપમાં કામ કર્યું ને પછી તે પૃથ્વી થિયેટરમાં જોડાયો. સુશાંત રોજે રોજ ઑડિશન આપતો, પરંતુ ક્યાંય મેળ પડતો નહીં ને અંતે તેને નેસ્લે મંચ ચોકલેટની એડ મળી. ટીવી પર આ એડ આવતાં જ તેની નોંધ લેવાઈ. એક વાર સુશાંત નાટક પર્ફોર્મ કરતો હતો ત્યારે એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમ પણ આવી હતી. ટીમને સ્ટેજ પર પર્ફોર્મ કરતાં સુશાંતની એક્ટિંગ ઘણી જ ગમી. બીજા જ દિવસે કાસ્ટિંગ ટીમે સુશાંતને ફોન કરીને ઑડિશન માટે બોલાવ્યો. આ શો હતો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ.’ આ શોમાં સુશાંતે પ્રીત લલિત જુનેજાના રોલ માટે ઑડિશન આપ્યું અને સિલેક્ટ પણ થયો. શોમાં સુશાંતનો રોલ બહુ જ ટૂંકો હતો, પરંતુ તે દર્શકોમાં છવાયો ને વ્યૂઅર્સની ડિમાન્ડને કારણે તેને બીજીવાર શોમાં લેવામાં આવ્યો. ‘પવિત્ર રિશ્તા’થી નસીબ બદલ્યું
2009માં સુશાંત ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’માં માનવના રોલમાં જોવા મળ્યો. એકતા કપૂરને સુશાંતનું હાસ્ય ઘણું જ ગમ્યું ને આ જ કારણે એકતાએ લીડ રોલ આપ્યો. સિરિયલમાં અંકિતા લોખંડેએ અર્ચનાનો રોલ પ્લે કર્યો. ચાહકોને અર્ચના-માનવની જોડી ઘણી જ ગમી. આ શો દરમિયાન સુશાંતે ‘ઝરા નચકે દિખા’ તથા ‘ઝલક દિખલા જા’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો ને દર્શકોને તેના ડાન્સ મૂવ્સ ઘણાં જ પસંદ આવ્યાં. પવિત્રા રિશ્તા ચાહકોમાં ખાસ્સો લોકપ્રિય થયો. ફિલ્મમેકિંગના કોર્સ માટે સિરિયલ છોડી
સુશાંતે અઢી વર્ષ સુધી ‘પવિત્રા રિશ્તા’માં કામ કર્યું. આ દરમિયાન સુશાંતને ફિલ્મમેકિંગનો કોર્સ કરવાની ઈચ્છા થતાં તેણે 2011માં આ સિરિયલ છોડી દીધી. સુશાંત કેલિફોર્નિયામાંથી ફિલ્મમેકિંગ કરવા માગતો હતો, પરંતુ તે ત્યાં જઈ શક્યો નહીં. 2011માં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની નજર સુશાંત પર મળી. મુકેશ છાબરાએ જ સુશાંતને ફિલ્મ ‘કાઇ પો છે’ના ઑડિશનમાં જવાનું કહ્યું. અભિષેક કપૂરની આ ફિલ્મ ચેતન ભગતની નોવેલ ‘3 મિસ્ટેક્સ ઑફ માય લાઇફ’ પર આધારિત હતી. સુશાંત ઑડિશનમાં સિલેક્ટ થયો અને ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ તથા અમિત સાધ હતા. ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી. આ દરમિયાન તેણે સુશાંતે ‘પીકે’, ‘શુદ્ધ દેસી રોમાન્સ’ સહિતની ફિલ્મ કરી. સુશાંતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પૈસા ને લોકપ્રિયતા માટે એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો નથી. તે એક્ટિંગને પ્રેમ કરે છે એટલે બોલિવૂડમાં આવ્યો છે. સફળતા મળતા જ સુશાંત એક ફિલ્મ માટે પાંચથી છ કરોડ રૂપિયા ચાર્જ કરતો. આ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા સ્ટેજ શોમાંથી પણ કમાણી થતી. 2015માં પોતાનું ઘર ખરીદ્યું
સુશાંત એક સમયે મલાડમાં 2 BHK ફ્લેટમાં રહેતો. 2015માં તેણે પાલી હિલમાં 20 કરોડમાં પેન્ટ હાઉસ ખરીદ્યું. સુશાંત પોતાના ઘરના લિવિંગ રૂમને ટ્રાવેલિંગ રૂમ કહેતો. સુશાંતે ઘરની દીવાલો પર પેઇન્ટિંગથી લઈને એન્ટિક આઇટેમ્સથી સજાવી હતી. અલબત્ત, સુશાંત પછી બાન્દ્રાના મોન્ટ બ્લેન્ક બિલ્ડિંગમાં ડુપ્લેક્સ ફ્લેટ છ હજાર સ્ક્વેર ફૂટનો લીધો હતો. આ ફ્લેટ માટે સુશાંત દર મહિને ચાર લાખ 51 હજાર ભાડું આપતો. સુશાંતે 2017માં ટેલિસ્કોપ મીડ 14” LX-600 અંદાજે સાડા છ લાખમાં ખરીદ્યું હતું. ડ્રોઇંગ રૂમમાં મૂકેલા આ ટેલિસ્કોપમાંથી તે આકાશીય નજારો જોતો. સુશાંત પાસે બે કાર હતી અને બંનેનો નંબર 4747 હતો. સુશાંતે આ જ ફ્લેટમાં અંતિમ શ્વાસ લીધા હતા. ચંદ્ર પર જમીન ખરીદી
સુશાંતે 25 જૂન, 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેનો આ પ્લોટ સી ઑફ મસકોવીમાં છે. સુશાંત અવાર-નવાર ટેલિસ્કોપમાંથી પોતાનો આ પ્લોટ જોતો. અલબત્ત, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે, પૃથ્વીની બહાર જેટલી પણ સંપત્તિ છે તે માનવ સમાજની ધરોહર છે અને તેમાં કોઈ એક વ્યક્તિ કે દેશ હકદાવો કરી શકે નહીં. બોલિવૂડમાંથી સુશાંત ચાંદ પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો. કંપની પણ શરૂ કરી
એપ્રિલ, 2018માં સુશાંતે બે લોકો સાથે મળીને પોતાની કંપની ‘ઇન્સાઇ વેન્ચર્સ’ શરૂ કર્યું. એક્ટર આ કંપનીમાં 300 કરોડનું રોકાણ કરવાનો હતો. આ કંપની લેટેસ્ટ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની હતી. આ જ કંપની હેઠળ સુશાંત 12 બાયોપિક બનાવવાનો હતો અને તે તમામ પાત્રો તે જાતે પ્લે કરવાનો હતો. જોકે, સુશાંત ફિલ્મમાં વ્યસ્ત હોવાથી આ કંપની પર વધુ ધ્યાન આપી શક્યો નહોતો. 2019માં સુશાંતે અન્ય એક કંપની ‘વિવિડ્રેજ રીઆલ્ટિક્સ’ શરૂ કરી. આ કંપની રિયા ચક્રવર્તી ને તેના ભાઈ શોવિકના નામથી રજિસ્ટર કરાવી. આ કંપનીના સ્પેલિંગમાં રિયાનું નામ રાખ્યું. પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહી અંકિતાને નેશનલ ટીવી પર પ્રપોઝ કર્યું
સુશાંત અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે 2009માં ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સાથે જોવા મળ્યાં. બંને વચ્ચે નિકટતા વધવા લાગી. 2011માં સુશાંતે રિયાલિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’માં નેશનલ ટેલિવિઝન પર અંકિતાને પ્રપોઝ કર્યું ને બંને લિવ ઇનમાં રહેવા લાગ્યાં. બંનેની જોડી ચાહકોમાં પણ એટલી જ પોપ્યુલર હતી અને આ જ કારણે ચાહકો બંનેનાં લગ્નની આતુરતાથી રાહ જોવા લાગ્યા. 2014માં એવી ચર્ચા થવા લાગી કે બંનેએ પરિવારના દબાણમાં આવીને છાનામાનાં લગ્ન કરી લીધાં છે, પરંતુ કપલે આ વાતનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી, 2016માં સુશાંતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં લૅવિશ લગ્ન કરવાનાં છે. જોકે, ડિસેમ્બર આવે તે પહેલા જ બંને અલગ થઈ ગયાં. બંનેનાં બ્રેકઅપ અંગે તે સમયે મીડિયામાં અલગ-અલગ વાતો વહેતી થઈ. કરિયર માટે અંકિતાનો સાથ છોડ્યો!
એક ચર્ચા એવી હતી કે અંકિતાનો સ્વભાવ ઘણો જ ઉગ્ર હતો. 2013માં યશરાજ સ્ટૂડિયોની બહાર અંકિતા ને સુશાંત વચ્ચે ઉગ્ર દલીલો થતાં ગુસ્સામાં આવીને અંકિતાએ સુશાંતને જાહેરમાં તમાચો માર્યો હતો. સુશાંત આ વાતથી ખાસ્સો અપસેટ હતો. ધીમે ધીમે બંને વચ્ચે કડવાશ આવતાં અલગ થયાં. જોકે, સુશાંત ને અંકિતા બંનેએ આવી કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો હતો. એક ચર્ચા એવી પણ હતી કે 2015માં સુશાંત-અંકિતા નાઇટ ક્લબમાં ગયાં અને દારૂ પીધા બાદ એક્ટર ફીમેલ ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરવા લાગ્યો. અંકિતાએ સમજાવ્યો, પણ નશામાં ચકચૂર બનેલા સુશાંતને ભાન ના રહેતાં પછી તેણે એક્ટરને થપ્પડ મારી હતી. એક વાત એવી પણ હતી કે સુશાંત બોલિવૂડમાં સફળ એક્ટર તરીકે ઓળખ ઊભી કરી રહ્યો હતો, પરંતુ તેના સંબંધો એક ટીવી એક્ટ્રેસ સાથે હોવાથી તેની ઇમેજ માટે આ યોગ્ય વાત નહોતી. કરિયરમાં આગળ વધવા માટે આ સંબંધો યોગ્ય નહોતા અને એક્ટરની PR ટીમના કહેવાથી તેણે સંબંધો તોડી નાખ્યા. અંકિતાએ 2021માં સુશાંત સાથેના સંબંધો અંગે એવી વાત કરી હતી કે સુશાંત કરિયરમાં આગળ વધવા માગતો હતો અને તેણે સંબંધો તોડ્યા. તે બ્રેકઅપથી ઘણી જ ભાંગી પડી હતી. તેને આમાંથી બહાર આવતાં ખાસ્સો સમય લાગ્યો. અલબત્ત, સુશાંત પણ અંકિતાને ક્યારેય ભૂલી શક્યો નહોતો. 2019માં સુશાંતે પોતાના સો.મીડિયાની તમામ તસવીરો ડિલીટ કરી નાખી હતી. ક્રિતિ સેનન સાથે પણ નામ જોડાયું
ફિલ્મ રાબ્તાના સેટ પર સુશાંત ને ક્રિતિ એકબીજાની નિકટ આવ્યાં. બંને અવાર-નવાર સાથે જોવા મળતાં. આટલું જ નહીં, ક્રિતિ ઘણીવાર સુશાંતના ફ્લેટ પર આવતી. સુશાંતે ક્રિતિના બર્થડે પર પોતાના ઘરે પાર્ટી આપી હતી. બંને મિત્રો સાથે સ્વિટ્ઝર્લેન્ડ વેકેશન મનાવવા ગયાં હતાં. સુશાંત દિલ્હી ક્રિતિનાં પેરેન્ટ્સને મળવા પણ ગયો હતો. જોકે, બંને ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. માનવામાં આવે છે કે સુશાંતના મૂડ સ્વિંગ્સ ને ગુસ્સાવાળા સ્વભાવથી ત્રાસીને ક્રિતિએ સંબંધોનો અંત લાવી દીધો. સારા સાથે થાઇલેન્ડ ફરવા ગયો
ક્રિતિ સાથેના બ્રેકઅપ બાદ સુશાંત એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનના સંપર્કમાં આવ્યો. બંનેએ ‘કેદારનાથ’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બંને એકબીજાને ડેટ કરતા હોવાની વાત જોરશોરથી ચર્ચાઈ. 2018થી સારા રેગ્યુલર સુશાંતના ફાર્મહાઉસમાં આવતી અને બંને ત્રણથી ચાર દિવસ સાથે રોકાતાં. ડિસેમ્બર, 2018માં સુશાંત -સારા સહિત અન્ય પાંચ લોકો પ્રાઇવેટ પ્લેનમાં થાઇલેન્ડ ટ્રિપ પર ગયાં હતાં, પરંતુ સુનામીની વોર્નિંગ આવતાં તેઓ ટ્રિપ ટૂંકાવીને ઇન્ડિયા પરત ફર્યાં ને સારા સીધી સુશાંતના ફાર્મહાઉસમાં આવી હતી. સુશાંતે સારાને પ્રપોઝ કરવા દમણ ટ્રિપ પ્લાન કરી હતી, પરંતુ તે શક્ય થઈ નહીં. ત્યારબાદ કેરળ જવાનું નક્કી કર્યું, પરંતુ તે કેન્સલ થયું. સારા જાન્યુઆરી, 2019 પછી ક્યારેય સુશાંતના ફાર્મહાઉસ પર આવી નહીં અને માર્ચ, 2019માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. સારાએ એક શોમાં એવું કહ્યું હતું કે તેની સાવકી માતા કરીનાએ બોલિવૂડમાં ડેબ્યૂ કરતાં પહેલાં સલાહ આપી હતી કે તે ક્યારેય પોતાની ડેબ્યૂ ફિલ્મના કો-સ્ટારના ડેટ કરવાની ભૂલ ના કરે. રિયા-સુશાંત 2013થી એકબીજાને ઓળખતાં
રિયા ને સુશાંતની પહેલી મુલાકાત 2013માં યશરાજ સ્ટૂડિયોમાં થઈ હતી. સુશાંત ‘શુદ્ધ દેસી રોમાન્સ’ ને રિયા ‘મેરે ડેડ કી મારુતિ’નું શૂટિંગ કરતી હતી. બાજુબાજુમાં શૂટિંગ હોવાને કારણે બંને વચ્ચે પરિચય થયો ને પછી બંને પાર્ટીઓમાં મળ્યાં. નંબર એક્સચેન્જ થયા ને સારા મિત્રો બન્યાં. બંને ફોન પર વાતો પણ કરતાં. આ સમયે સુશાંત ટીવી એક્ટ્રેસ અંકિતા સાથે લિવ ઇનમાં રહેતો હતો. સારા અલી ખાન ને રિયા ખાસ મિત્રો હતાં. સારા સાથેના બ્રેકઅપ બાદ રિયા ને સુશાંત વચ્ચે નિકટતા વધી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો અંગે વાત કરી નહોતી. બંને અવાર-નવાર સાથે જોવા મળતાં. એ વાત અલગ છે કે ડિસેમ્બર, 2019થી રિયા ને સુશાંત લિવ ઇનમાં રહેતાં હતાં. બંને સાથે લદ્દાખ વેકેશન મનાવવા ગયાં હતાં. સુશાંતના મોત બાદ રિયાએ તે એક્ટરની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. વાત હવે, આઠ જૂનથી 14 જૂન વચ્ચે શું બન્યું તેની…. રિયા ઘર છોડીને જતી રહી કે સુશાંતે ઘર છોડવાનું કહ્યું?
8 જૂન, 2020એ રિયા સાંજે સાત વાગ્યા પછી બેગ પેક કરીને સુશાંતના ઘરેથી નીકળી ગઈ. 8થી 14 જૂન સુધી સુશાંત ને રિયા વચ્ચે કોઈ જાતની વાતચીત થઈ નહોતી. પોલીસ નિવેદનમાં રિયા ને સુશાંતની બહેન મીતુએ અલગ-અલગ નિવેદનો આપ્યાં છે. મીતુ સિંહેએ કહ્યું હતું કે રિયાએ જ તેને ફોન કરીને બોલાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું. તે જ્યારે સુશાંતના ઘરે ગઈ તો રિયા જતી રહી હતી. સુશાંતે પણ ઝઘડા અંગે વાત કરી. તે 12 જૂન સુધી સુશાંત સાથે રહી અને પછી બાળકો નાના હોવાથી તે પોતાના ગોરેગાંવ સ્થિત ઘરે પરત ફરી. સુશાંતની તબિયત સારી નહોતી, સતત રડતો હતો
રિયાએ એવું કહ્યું કે, સુશાંતની તબિયત સારી નહોતી અને તે સતત રડતો હતો અને પરિવાર એટલે કે બહેનોને પોતાની પાસે બોલાવવા માગતો હતો. 8 જૂને જ્યારે મીતુ આવવા તૈયાર થઈ તો એક્ટરે તેને મોકલી દીધી. તે દિવસોમાં એક્ટ્રેસને પણ પેનિક અટેક આવતા હતા અને તેના થેરપી સેશન ચાલતાં હતાં. 8 જૂનના રોજ રિયાનું થેરપી સેશન હતું અને તેણે તે પૂરું કર્યા બાદ ઘરે જવાની વાત કરી, પરંતુ સુશાંતે ચોખ્ખી ના પાડી દીધી. ઘર છોડ્યા બાદ રિયાએ સૌ પહેલો મેસેજ મહેશ ભટ્ટને કર્યો હતો ને મહેશ ભટ્ટે તેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. દિશાના મોત બાદ સુશાંતે શું રિએક્ટ કર્યું?
રિયાએ ઘર છોડ્યું તે જ રાતે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું મોત થયું. દિશાના મોતના સમાચાર મળ્યા બાદ હાઉસ મેનેજર સિદ્ધાર્થ પેઠાનીએ CBIને આપેલા નિવેદનમાં કહ્યું, જ્યારે સુશાંતને દિશાના મોતના સમાચાર મળ્યા તો તેને એકદમ અસ્વસ્થ થઈ ગયોને બેભાન થયો. જ્યારે ભાનમાં આવ્યો ત્યારે સતત એક જ વાતનું રટણ કરતો કે હવે તે લોકો તેને મારી નાખશે. સુશાંતે સુરક્ષા વધારવાની વાત કરી. 14 જૂનના રોજ સુશાંતે શું કર્યું?
13 જૂનની રાત્રે સુશાંતે ડિનર ના કર્યું ને માત્ર જ્યૂસ પીને સૂઈ ગયો. 14 જૂને સુશાંતે જાણે મનથી નક્કી કરીને રાખ્યું કે આજનો દિવસ દુનિયામાં અંતિમ છે એ રીતે તે સવારે વહેલો ઊઠી ગયો ને ફોનમાં બિઝી હતો. સુશાંતે સવારે નાસ્તો કરવાની પણ ના પાડી દીધી. નોકર કેશવ સાડા નવ વાગ્યે સુશાંતના રૂમમાં જ્યૂસ, નાળિયેર પાણી ને કેળાં લઈને ગયો. સુશાંતે માત્ર જ્યૂસ પીધો. સવારે સાડા દસ વાગ્યે ફરી એકવાર નોકર સુશાંતના રૂમમાં ગયો ને લંચમાં શું બનાવવું તે પૂછ્યું, પરંતુ રૂમ અંદરથી બંધ હતો એટલે કોઈ જવાબ ના મળ્યો. 15-20 મિનિટ બાદ ફરી એકવાર નોકરે સુશાંતના રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ના મળતાં સુશાંતના ફ્રેન્ડ સિદ્ધાર્થને આ અંગે વાત કરી. ત્યારબાદ સિદ્ધાર્થે સુશાંતનો દરવાજો ખખડાવ્યો પણ જવાબ ના મળતાં સિદ્ધાર્થે સુશાંતની બહેન મીતુ સિંહને ફોન કર્યો તો જવાબ મળ્યો કે બીજી ચાવીથી દરવાજો ખોલવામાં આવે. બીજી ચાવી ના મળતાં સિદ્ધાર્થે ડુપ્લિકેટ ચાવીવાળાને ફોન કરીને બોલાવ્યો અને તે દોઢ વાગ્યે આવ્યો. રૂમનો દરવાજો ખૂલતાં જ સૌ પહેલાં રૂમમાં સિદ્ધાર્થ ગયો અને અંદરનું દૃશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ. તેની નજર સામે સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં હતો. સિદ્ધાર્થે ત્યાં ઊભા રહીને જ મીતુને આ અંગે વાત કરતાં જ તેણે સુશાંતને નીચે ઉતારવાની ને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની વાત કરી. સિદ્ધાર્થ ને નોકરો સાથે મળીને સુશાંતને નીચે ઉતારે છે તે જ સમયે મીતુ રૂમમાં દાખલ થઈને તે ચીસ પાડીને બોલી, ‘ગુલશન, તે આ શું કર્યું? બાબુ?’ એમ્બ્યૂલન્સ આવી ને સુશાંતને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. શરૂઆતમાં પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ કર્યો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ એ જ વાત આવી કે શ્વાસ રૂંધાવાને કારણે અવસાન થયું છે. મોતના અંતિમ કલાકો પહેલાં સુશાંતે છેલ્લે ગૂગલમાં શું સર્ચ કર્યું?
મુંબઈ પોલીસ કમિશ્નર સંજય બર્વેએ પ્રેસ કોન્ફરન્સમાં સુશાંત ડેથ કેસ અંગે વાત કરી હતી. તેમણે સુશાંતે મરતા પહેલાં ફોનમાં ગૂગલ સર્ચ શું કર્યું તે અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો. મુંબઈ પોલીસના મતે, સુશાંતે જીવનની છેલ્લી ઘડીઓમાં પેઇનલેસ ડેથ (પીડા વગરનું મોત), સ્કિઝોફ્રેનિયા-બાયપોલર ડિસઓર્ડર (એક પ્રકારની માનસિક બીમારી) તથા પોતાનું નામ સર્ચ કર્યું હતું. એક્ટરની પૂર્વ મેનેજર દિશા સાલિયનના મોત બાદ મીડિયામાં તેના નામ સાથે સુશાંતનું નામ જોડીને મીડિયામાં અહેવાલો છપાયા હતા. સુશાંત આ વાતથી ઘણો જ અપસેટ હતો અને તે જાણવા માગતો હતો કે તેના નામથી મીડિયામાં શું ચાલી રહ્યું છે. અચાનક સુશાંતે આત્મહત્યા કેમ કરી?
14 જૂન, 2020નો દિવસ સુશાંતના ચાહકો આજીવન ભૂલશે નહીં. સુશાંતે પોતાના બાંદ્રા સ્થિત ઘરના બેડરૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી. સુશાંત આત્મહત્યા કેસમાં ઘણું બધું કહેવાયું ને ઘણું બધું ચર્ચાયું. સુશાંતના મોત બાદ બોયકોટ બોલિવૂડ, નેપોટિઝ્મ, ડ્રગ્સ સહિતના મુદ્દાઓ ખાસ્સા ચર્ચાયા. શરૂઆતમાં મુંબઈ પોલીસે સુશાંતે આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી. તપાસમાં એ વાત સામે આવી હતી કે સુશાંત ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. માતા ઉષા સિંહની જેમ જ સુશાંત પણ બાયપોલર માનસિક બીમારીથી પીડાતો હતો. તેને બીમારી હોવાની જાણ હતી અને તે દવા લેતો પણ હતો. જોકે, પછીથી તેણે દવા લેવાની બંધ કરી દીધી. સુશાંતની સારવાર સાઇકોથેરાપિસ્ટ સુઝાન વૉલ્કરે કરી હતી. મુકેશ ભટ્ટે પોલીસને એવું નિવેદન આપ્યું હતું કે તેમને ખ્યાલ આવી ગયો હતો કે સુશાંત કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. અલબત્ત, મહેશ ભટ્ટ સાથે કામ કરતી રાઇટર સુહરિતા સેનગુપ્તાએ આ અંગે ડિટેલમાં વાત કરી હતી. તેણે સો.મીડિયામાં પોસ્ટ પણ શૅર કરી હતી. ‘સુશાંત સ્ક્રિઝોફેનિયાથી પીડાતો હતો, અજીબોગરીબ અવાજ સંભળાતા’
સુહરિતાએ કહ્યું હતું, મહેશ ભટ્ટ ફિલ્મ ‘સડક 2’ બનાવી રહ્યા હતા ત્યારે સુશાંત મળવા આવ્યો હતો. તે દરેક મુદ્દે વાત કરી શકતો, પરંતુ ખબર નહીં કેમ મહેશ ભટ્ટને એ વાતનો ખ્યાલ આવી ગયો કે સુશાંતની સ્થિતિ પરવીન બાબી જેવી થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે પરવીન બાબી સ્કિઝોફ્રેનિયાનો શિકાર બની હતી. સુશાંતને હવે માત્ર દવા જ ઠીક કરી શકે તેમ હતી. રિયાએ સુશાંતને દવાની મદદથી સાજો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘણીવાર સુશાંત દવા લેવાની ના પાડતો. સુશાંત સિવિયર ડિપ્રેશનમાં હતો. મોત પહેલાંના એક વર્ષ એટલે કે 2019ની આસપાસથી સુશાંતે બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. સુશાંતને અજીબોગરીબ અવાજ સંભળાતા. તેને સતત લાગતું કે કોઈ તેને મારવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક દિવસે તે અને રિયા ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ જોતા હતા અને અચાનક જ સુશાંતે બોલવા લાગ્યો, ‘મેં અનુરાગની ફિલ્મ કરવાની ના પાડી અને હવે તે મને મારી નાખશે.’ આ વાતો સાંભળીને રિયા ડરી ગઈ. તેણે મહેશ ભટ્ટને આ અંગે વાત કરી તો તેમણે રિયાને સુશાંતથી દૂર રહેવાની સલાહ આપી. આ ઘટના પછી જ રિયાએ સુશાંતથી અલગ થવાનું નક્કી કર્યું. સુશાંતના મોત બાદ નેપોટિઝ્મનો મુદ્દો જોરશોરથી ઉછાળવામાં આવ્યો. સુશાંતને બોલિવૂડના બિગ બેનરે એકલો પાડી દીધા હોવાના આક્ષેપો થયા અને મુંબઈ પોલીસે પણ આ દિશામાં તપાસ કરી. મુંબઈ પોલીસે કરન જોહર, આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, મહેશ ભટ્ટ, ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદ સહિત 50થી વધુનાં નિવેદનો લીધાં, પરંતુ આ નિવેદનો પરથી એવું કંઈ જ સાબિત ના થયું કે બોલિવૂડને કારણે સુશાંતે આત્મહત્યા કરી છે. બોલિવૂડે સુશાંતને એકલો પાડ્યો?
ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદે સુશાંત સિંહ રાજપૂત પર 2017-2019 દરમિયાન ત્રણ બ્લાઇન્ડ આર્ટિકલ્સ (જેમાં એક્ટરનું નામ ના હોય, પરંતુ વાચકોને ખ્યાલ આવી જાય કે કોની વાત થઈ રહી છે) મીડિયામાં છાપ્યા. આ આર્ટિકલ્સથી સુશાંતની એક નેગેટિવ ઇમેજ પણ ઊભી થઈ. અધૂરામાં પૂરું 2018માં ભારતમાં જ્યારે #MeToo મૂવમેન્ટ ચાલતી હતી ત્યારે એક્ટ્રેસ સંજના સાંઘીના નામથી મીડિયામાં એવો અહેવાલ છપાયો કે સુશાંતે સંજનાને સેક્સ્યુઅલી હેરાન કરી હતી. આ વાતથી સુશાંત ભારે અપસેટ થયો. સંજનાએ ખાસ્સા સમય પછી એ વાત જાહેર કરી કે તેના નામથી ખોટી વાતો છપાઈ છે. તેણે ક્યારેય સુશાંત વિરુદ્ધ કોઈ વાત કરી નથી. એક એવી પણ ચર્ચા હતી કે સુશાંતે યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’ માટે ઘણી જ સારી સારી ફિલ્મ રિજેક્ટ કરી. આ ફિલ્મ શેખર કપૂર બનાવી રહ્યા હતા. જોકે, ખાસ્સાં વર્ષો બાદ આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો અને સુશાંત ઘણો જ નિરાશ થયો. આ દરમિયાન સુશાંતની ફિલ્મ ‘ડ્રાઇવ’ થિયેટરને બદલે સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. કરન જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ના થતાં સુશાંત ગુસ્સે થયો હોવાની વાતો વહેતી થઈ. તેણે ફિલ્મ સાઇન કરતી વખતે કોન્ટ્રાક્ટમાં શરત ઉમેરવાની વાત કરી કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે તો જ તે સાઇન કરશે. આ વાતથી કરન ને સુશાંતના સંબંધો બગડ્યા હોવાનું માનવામાં આવ્યું અને આ જ કારણથી સુશાંત બોલિવૂડ પાર્ટીઓ ને ગેધરિંગથી દૂર થતો ગયો. 2019થી સુશાંત પરિવારને સતત એક વાત કહેતો કે હવે તે બોલિવૂડમાં કામ કરવા માગતો નથી. તે બેંગલુરુ કે પુણે જઈને ખેતી કરવા ઈચ્છે છે. ‘કૉફી વિથ કરન’માં સુશાંતની મજાક ઉડાવવામાં આવી?
સુશાંતના મોત બાદ કરનના ચેટ શો ‘કૉફી વિથ કરન’ની વીડિયો ક્લિપ ઘણી જ વાઇરલ થઈ હતી. આલિયા ભટ્ટે શોમાં બેવાર સુશાંતની મજાક ઉડાવી હતી. શોમાં રેપિડ ફાયર રાઉન્ડમાં કરને આલિયાને સ્ટાર્સનાં નામ આપીને સેક્સ અપીલ કોની વધારે તે રીતે જવાબ આપે. આલિયાએ સૌથી છેલ્લે સુશાંતને રાખ્યો હતો. ત્યારબાદ અન્ય એપિસોડમાં આલિયાને સુશાંત અંગે સવાલ કરવામાં આવ્યો કે તે સુશાંતને મારી નાખે, લગ્ન કરે કે હૂકઅપ (કિસ કે ફિઝિકલ રિલેશન) રાખે? આલિયાએ જવાબ આપ્યો કે તે મારી નાખે. આ ઉપરાંત સોનમ કપૂર જ્યારે પિતા અનિલ કપૂર સાથે આવી ત્યારે તેને વરુણ ધવન ને સુશાંત સિંહ રાજપૂતને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સવાલ કર્યો હતો કે આ સુશાંત સિંહ રાજપૂત કોણ છે? કરને ટીવી એક્ટર કહીને મજાક કરી હતી. અચાનક જ સુશાંત મોત કેસથી બોલિવૂડની કાળી હકીકત સામે આવી!
જોકે, 25 જુલાઈએ સુશાંત સિંહના પિતા કે.કે. સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવા અંગેનો કોસ કર્યો. આ ઉપરાંત રિયા, તેના પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, એક્ટરની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી તથા હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા વિરુદ્ધ સુશાંતના ખાતામાંથી 15 કરોડની હેરાફેરી કરી હોવાનો પણ કેસ કર્યો. પટનાથી ટીમ મુંબઈ પહોંચી ત્યારે રિયાએ વકીલ સતીશ માનશિંદેની મદદથી કેસ પટનાને બદલે મુંબઈમાં ચલાવવાની અપીલ કરી. આ દરમિયાન પટના પોલીસે આક્ષેપ કર્યો કે મુંબઈ પોલીસ કોઈ પણ રીતે સહયોગ કરતી નથી. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે CBI તપાસની માગ કરી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ વાતનો વિરોધ કર્યો, પરંતુ અંતે 19 ઓગસ્ટ, 2020એ સુશાંત મોત કેસની તપાસ CBIને આપવામાં આવી. રિયાએ સુશાંતની બહેન વિરુદ્ધ કેસ કર્યો
CBI તપાસ દરમિયાન રિયાએ સુશાંતનીબહેન પ્રિયંકા વિરુદ્ધ કેસ કરીને આક્ષેપ કર્યો કે એપ્રિલ, 2019માં તે અને પ્રિયંકા પાર્ટીમાં ગયાં હતાં. ત્યાં પ્રિયંકાએ વધુ પડતો દારૂ પી લીધો અને નશામાં તે મહિલા-પુરુષો સાથે ગેરવર્તન કરતી હતી. રિયા તેને લઈને સુશાંતના ઘરે આવી. ઘરે આવ્યા બાદ પ્રિયંકા ને સુશાંતે દારૂ પીવાનું ચાલુ રાખ્યું. મોડી રાતના જ્યારે રિયા સુશાંતના બેડરૂમમાં હતી ત્યારે પ્રિયંકાએ તેને સાથે ગેરવર્તૂણક કરી હતી અને તે રૂમ છોડીને જતી રહી. રિયાએ આ વાત સુશાંતને કરી અને ત્યારથી જ બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા. પ્રિયંકાએ આ આક્ષેપોને તથ્યહીન ગણાવ્યા હતા. રિયા વિરુદ્ધ ED ને NCBએ કાર્યવાહી કરી
31 જુલાઈ, 2020એ EDએ રિયા, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, એક્ટરની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી તથા હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો. EDની તપાસમાં ડ્રગ્સનો ખુલાસો થયો. રિયાએ પૂછપરછમાં કહ્યું કે તે સુશાંત સાથે ગાંજો લેતી હતી. તેણે સારા અલી ખાનને પણ ગાંજો પૂરો પાડ્યો છે. ડ્રગ્સ કેસનો ખુલાસો થતાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સુશાંત મોત કેસમાં એન્ટ્રી થઈ. 8 સપ્ટેમ્બર, 2020એ રિયાની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ અને તે એક મહિનો જેલમાં રહી. આ દરમિયાન સુશાંતના નોકર નીરજે નિવેદન આપ્યું કે સુશાંતે મોતના ત્રણ દિવસ પહેલાં પણ ગાંજો લીધો હતો. તે નિયમિત રીતે સુશાંત માટે ગાંજાના રોલ બનાવતો. સુશાંત અઠવાડિયામાં એકાદ-બે વાર પાર્ટી કરતો અને તેમાં દારૂ ને ગાંજો પીતો. ડ્રગ્સ કેસની તપાસમાં બોલિવૂડના ટોચના એક્ટરની પૂછપરછ કરવામાં આવી, જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે, અર્જુન રામપાલ સહિતના એક્ટર્સ સામેલ હતા. NCBએ આ કેસમાં 35થી વધુ ડ્રગ્સ પેડલરની પૂછપરછ કરી. જોકે, NCBની ટીકા પણ કરવામાં આવી. NDPS એક્ટના એક્સપર્ટ જાણીતા વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું કે NCBની રચના સ્ટાર્સના ઘરમાંથી મળતી ડ્રગ્સની પડીકી માટે કરવામાં આવી નહોતી. તેની રચના ઇન્ટરનેશનલ ને ઇન્ટર સ્ટેટ લેવલ પર સ્મગલિંગ રોકવા માટે થઈ હતી. NCBએ આ કેસની તપાસ દોઢેક વર્ષ કરી અને પછી આ કેસમાં ભીનું સંકેલી લીધું. સાડા ચાર વર્ષ બાદ CBIએ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો
22 માર્ચ, 2025એ CBIએ આ કેસમાં ક્લોઝ રિપોર્ટ સબમિટ કરતા કહ્યું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા નથી. દિશા સાલિયાન કેસમાં હવે શું?
સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાન કેસમાં CBIએ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો. CBIએ દિશાએ આત્મહત્યા કરી હોવાનું કહ્યું. ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કામના સ્ટ્રેસ તથા પિતાએ કરેલી છેતરપિંડીથી દિશાએ આત્મહત્યા કરી. દિશાના ફિયોન્સ રોહન રૉયે CBIને આ અંગે વાત કરી હતી. દિશા ‘કોર્નરસ્ટોન’ કંપનીમાં નોકરી કરી હતી અને તેના બે પ્રોજેક્ટ અટવાયેલા હતા અને આ જ કારણે ટેન્શનમાં હતી. આ ઉપરાંત તેના પિતા સતીશ સાલિયાને તેના પૈસાનો દુરુપયોગ કર્યો હોવાની જાણ થતાં તે વધુ ચિંતામાં આવી. તેના પિતાનું પોતાના બિઝનેસમાં કામ કરતી મહિલા કર્મી સાથે અફેર હોવાની જાણ થઈ હતી. સતીશે CBIના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો છે. સતીશે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને મુંબઈના પૂર્વ મેયર કિશોરી પેડનેકર તથા આદિત્ય ઠાકરે પર ગંભીર આક્ષેપો મૂક્યા છે ને દાવો કર્યો છે કે દીકરીનું મોત સુશાંત કેસ સાથે જોડાયેલું છે. દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, દિશાનું મોત માથામાં ગંભીર ઈજા થવાથી થયું હતું. તેની છાતી-હાથ-પગમાં ઇજાનાં નિશાનો હતાં. નાક ને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. દિશાના પિતાનો આક્ષેપ છે કે દીકરીની હત્યા થઈ અને તે પહેલાં તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નારાયણ રાણેએ દિશાના મોત બાદ આ જ આક્ષેપો કર્યા હતા અને એમ પણ દાવો કર્યો હતો કે દિશાની ડેડબૉડી ન્યૂડ મળી આવી હતી, પરંતુ તે સમયે દિશાના પિતાએ આ તમામ આક્ષેપો ફગાવીને દીકરીએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, પછી તેમણે શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે, એક્ટર સૂરજ પંચોલી, ડીનો મોરિયાની સંડોવણી હોવાનું કહ્યું. સતીશ સાલિયાને મુંબઈ પોલીસ કમિશ્નરને આપેલી ફરિયાદ અરજીમાં પોલીસ અધિકારી સચિન વાઝે ને રિયા ચક્રવર્તી ષડયંત્રમાં સામેલ હોવાનું જણાવ્યું. સતીશના વકીલ નિલેશ ઓઝાએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે સવાલ કર્યોને કહ્યું કે ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. ભૂપેશ કુમાર શર્માના રિપોર્ટમાં દિશાનું સેક્સ્યુઅલ અસૉલ્ટ થયાની વાત હતી અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે દિશાના શરીર પરના ઈજાનાં નિશાન ઊંચાઈથી પડ્યાં હોય તેવાં નહોતાં. આદિત્ય ઠાકરેએ આ આખા વિવાદ અંગે એવું કહ્યું કે તેની ઇમેજ ખરાબ કરવા માટે આમ કરવામાં આવ્યું છે અને છેલ્લાં પાંચ વર્ષથી તેનું નામ ખોટી રીતે ઉછાળવામાં આવ્યું છે. કેસ કોર્ટમાં છે અને તે ત્યાં પોતાનો પક્ષ રજૂ કરશે.

​તારીખઃ 8 જૂન, 2020

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *