3 ડિસેમ્બર, 1983.
આગ્રાથી 13.5 કિમી દૂર આવેલું એક નાનકડું ગામ, બાદ.
શિયાળાની કડકડતી ઠંડી રાત્રે, આર્મી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં અજંપા ભરી સ્થિતિ હતી. શાંતિ દેવી નામની સ્ત્રી પ્રસૂતિની પીડામાં કણસી રહી હતી. અગાઉ તે પાંચ બાળકોને જન્મ આપી ચૂકી હતી, એટલે શરીર કંતાઈ ગયું હતું.અત્યારે તે પોતાના છઠ્ઠા બાળકને જન્મ આપવાની પ્રક્રિયામાં જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી હતી. ડૉક્ટરોને ડર હતો કે ન તો માતા બચશે, ન બાળક. શાંતિના પતિ, મહાવીર સિંહ, એક રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીના શિક્ષક હતા. તે પોતાની પત્નીને બચાવવા માટે કોઈપણ હદે જવા તૈયાર હતા. તેમણે પોતાના એક મિત્રની લશ્કરી ઓળખનો સહારો લીધો અને શાંતિને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સાત દિવસ પછી, 10 ડિસેમ્બર 1983ના રોજ, એક ચમત્કાર થયો. શાંતિએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. તેનું નામ રાખવામાં આવ્યું- તીઉ તોરણ સિંહ, જેને પ્રેમથી ‘ટીટુ’ કહેવામાં આવતો હતો. આ બહોળા પરિવારમાં વધુ એક બાળકના આગમનથી ખુશીઓનો સંચાર થયો, પણ કોઇને ખબર નહોતી કે દોઢ જ વર્ષમાં સૌની જિંદગી ધરમૂળથી બદલાઇ જવાની છે. એટલું જ નહીં, જીવન-મરણ, વિજ્ઞાન-ચમત્કાર, જન્મ-પુનર્જન્મ વગેરેની બધી જ વ્યાખ્યાઓ પર મસમોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જવાનું હતું. અમેરિકાની યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને પણ અનેક ટેસ્ટ કર્યા પછીયે એકેય સવાલના જવાબ નહોતા જડવાના. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ ટીટુ ઉર્ફે તોરણ સિંહની, જેને જન્મના ચાર મહિના અગાઉ હત્યા કરાયેલા સુરેશ વર્માનો પુનર્જન્મ હોવાનું કહેવામાં આવે છે. આ નખશિખ સત્યકથા વૈજ્ઞાનિક માનસ ધરાવતી કોઇપણ વ્યક્તિને પણ માથું ખંજવાળતી કરી મૂકે તેવી વિચિત્ર છે. *** ‘હું તમારો દીકરો નથી, મારું ઘર તો આગ્રામાં છે’
ઇ.સ. 1985. ટીટુ હજુ દોઢ વર્ષનો હતો. આ ઉંમરનાં બાળકો સામાન્ય રીતે ‘મમ્મી’ કે ‘પપ્પા’ જેવા શબ્દો બોલતા શીખતા હોય છે છે, ત્યાં ટીટુ કંઇક એવું બોલવા માંડ્યો કે બધા જોતા જ રહી ગયા. સૌના આશ્ચર્ય વચ્ચે ટીટુ એકદમ સ્પષ્ટ બોલીમાં બોલવા માંડ્યો, ‘હું તો આગ્રાનો છું. મને સમજાતું નથી કે હું અહીં કેવી રીતે આવ્યો.’ તેની માતા શાંતિદેવી માટે આ સાંભળવું કોઈ આઘાતથી કમ નહોતું. દોઢ વર્ષનો બાળક, જે હજુ બરાબર ચાલતા પણ નહોતો શીખ્યો, જેને આ સંસાર વિશે કશી જ ગતાગમ નહોતી, તે પોતાની પત્ની અને બાળકોની વાતો કરી રહ્યો હતો. એ કહેતો, ‘મારા દાદાજીને કહો કે મારી પત્ની અને બાળકોનું ધ્યાન રાખે. હું અહીં આરામથી ખાઇ રહ્યો છું, પણ મને તેમની ચિંતા છે.’ આ શબ્દો બાળકના હતા, પણ આવાજ કોઈ બીજાનો લાગતો હતો. શરૂઆતમાં, શાંતિ અને મહાવીરે આને અવગણ્યું. નાનાં બાળકો જાતભાતની કલ્પનાઓ ઘડી કાઢે તે સ્વાભાવિક છે. પરંતુ ટીટુની આ વાતો ઘટવાને બદલે વધુ સ્પષ્ટ થતી ગઇ. તેણે કહ્યું, ‘મમ્મી, તમે આવાં કપડાંમાં બહાર ન જાઓ, મને શરમ આવે છે. મારી પત્ની ઉમા તો બબ્બે હજારની સુંદર સાડીઓ પહેરે છે.’ બીજી એક વખતે તેણે કહ્યું, ‘તમારું ઘર ગંદું છે. મારું ઘર ખૂબ મોટું હતું. મારી ભાભીઓ ભણેલી હતી. મારા ભાઈઓ પાસે સુંદર શર્ટ હતાં, જે તમે તો ક્યારેય જોયા પણ નહીં હોય.’ જ્યારે ટીટુને બસમાં કે પગપાળા ક્યાંક લઈ જવામાં આવતો, તો તે નારાજ થઇને કહેતો, ‘હું કારમાં જતો હતો. હું પગે ચાલીને કે સામાન્ય બસમાં નહીં જાઉં.’ આ વાતો સાંભળીને શાંતિ અને મહાવીર આશ્ચર્યચકિત થઈ ગયાં. ફરીવાર તેમણે બાળકના નખરા સમજીને આ વાતને ઇગ્નોર કરી. પરંતુ ટીટુની વાતો વધુ ને વધુ તીવ્ર થતી ગઈ. ટીટુના પિતા આગ્રામાં ભણાવતા. એ વાતે પણ ટીટુ ઘરમાં કજિયો કરતો કે, ‘તમે રોજ આગ્રા જાઓ છો, પણ મને ત્યાં આવેલા મારા ઘરે ક્યારેય નથી લઇ જતા.’ ‘મારી રેડિયોની દુકાન છે, ગોળી મારીને મારી હત્યા કરાયેલી’
1987 સુધીમાં ટીટુ લગભગ ચાર વર્ષનો થઈ ગયો હતો. તેની બેચેની અસહ્ય બની ગઈ હતી. તે વારંવાર આગ્રાનો અને ત્યાં જતા રહેવાની વાત કરતો રહેતો. તે પોતાનાં સગાં-બાયોલોજિકલ માતા-પિતાને ‘મમ્મી-પપ્પા’ કે ‘માં-બાબુજી’ કહેવાને બદલે ‘ગુલુની મા’ કે ‘ગુલુના પિતા’ કહીને બોલાવતો અને પોતાના ‘અસલી પરિવાર’ની શોધમાં જવાનો આગ્રહ રાખતો. અઢી વર્ષનો હતો ત્યારથી જ એ કહેતો કે મારી માતાનું નામ રાજકુમારી છે, મારા પિતાનું નામ ચંદા ભારતી છે, મારી પત્નીનું નામ ઉમા છે, ભાઈનું નામ રાજા બાબુ અને બહેનનું નામ સુશીલા છે. એક વખત એને ખરેખર આગ્રા જવાનો મોકો મળ્યો. ટીટુ પરિવાર સાથે આગ્રામાં કોઇ સંબંધીનાં લગ્નમાં ગયો હતો. ત્યાં જતી વખતે ટીટુ અચાનક ચીસ પાડવા લાગ્યો, ‘મારી દુકાન સદર બજારમાં છે! મારી દુકાન સદર બજારમાં છે!’ એવા જ બીજા એક પ્રસંગે નાનકડા ટીટુએ પોતાના સૌથી મોટા ભાઇ અશોકને કહેલું, ‘આ મારા પપ્પા તો મને આગ્રા નથી લઇ જતા, તમે લઇ જશો? ત્યાં સદર બજારમાં મારી સુરેશ રેડિયો નામની રેડિયો-ટેપ રેકોર્ડરની દુકાન છે. હું જ એ સુરેશ છું. હું બહુ મોટો સ્મગલર હતો. ગુંડો હતો.’ ‘સુરેશનું તો ચાર વર્ષ પહેલાં મૃત્યુ થઇ ગયું છે’
ટીટુના પિતા મહાવીર સિંહ કેમિસ્ટ્રીના શિક્ષક હતા, યાને કે વિજ્ઞાનના માણસ હતા. એ આવી પુનર્જન્મની કે ચમત્કારની વાતોમાં લગીરેય વિશ્વાસ નહોતા કરતા. આ વાતનો કાયમ માટે નિવેડો લાવવા માટે ટીટુના પિતા મહાવીરે નક્કી કર્યું કે એના મોટા દીકરા અશોકને આગ્રાના સદર બજારમાં મોકલવો અને ત્યાં કોઈ ‘સુરેશ રેડિયો’ નામની કોઈ દુકાન છે કે કેમ અને ત્યાં ટીટુ કહે છે એવી કોઈ વ્યક્તિઓ છે કે કેમ એની તપાસ કરવી. 17 વર્ષનો અશોક પોતાના મિત્ર સાથે આગ્રાના સદર બજારમાં ગયો. થોડી તપાસ કર્યા પછી એક મોટી દુકાન દેખાઈ, જેના પર મોટું બોર્ડ લટકતું હતું, ‘સુરેશ રેડિયો’. એ વખતે જે બ્રાન્ડ્સ પોપ્યુલર હતી તે ‘બુશ’, ‘વેસ્ટન’, ‘મરફી’નાં રેડિયો અને ટીવીના તેઓ ઓથોરાઇઝ્ડ ડીલર હતા. અશોકે હિંમત એકઠી કરીને દુકાનમાં પગ મૂક્યો. કાઉન્ટર પર એક મહિલા બેઠી હતી. અશોકે પૂછ્યું, ‘હું સુરેશને મળવા માગું છું.” મહિલાએ જવાબ આપ્યો, ‘સુરેશનું તો ચાર વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે. હું તેમની પત્ની ઉમા છું. તમારી શું મદદ કરી શકું?’ આ સાંભળીને અશોકના પગ તળેથી ધરતી સરકી ગઇ. ટીટુની એકેએક વાત—ઉમા, રેડિયોની દુકાન, સુરેશ, આગ્રા, સદર બજાર—બધું જ અક્ષરશઃ સાચું નીકળ્યું. ‘હું છું સુરેશ, બિઝનેસમેન, સ્મગલર, ગુંડો’
દરઅસલ, સુરેશ વર્મા, આગ્રાના સદર બજારમાં ‘સુરેશ રેડિયો’ દુકાનનો માલિક હતો. ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એક જાણીતું નામ હતો. સાથોસાથ એ વિવાદાસ્પદ માણસ પણ હતો. 1983ના અરસામાં ભારતની ઇકોનોમી લિબરલાઇઝ્ડ નહોતી. વિદેશી ટેકનોલોજી-વિદેશી કંપનીઓ ભારતમાં નહોતી. વિદેશમાં પોપ્યુલર વોકમેન કે ટ્રાન્ઝિસ્ટર રેડિયો વગેરે સોનાની જેમ વેચાતાં. ખરીદવા માટે અગાઉથી નોંધાવવા પડતાં. પરંતુ સુરેશની દુકાનમાં આ દરેક નવું ગેજેટ મળતું, પરંતુ આ બધું સરળ નહોતું. સુરેશ એક સ્મગલર પણ હતો. બ્લેક માર્કેટમાંથી એ સામાન ખરીદતો અને અને ઊંચા ભાવે વેચતો હતો. તે પોતાને ‘ગુંડો’ કહેતો—એક એવો માણસ જે પોતાની મરજીથી બધું જ હાંસલ કરી લેતો. સુરેશનો જન્મ ચંદા બાબુ ભારતી નામના એક પ્રોફેસર અને તેમની પત્ની બરફી દેવી સિંહના ઘરે થયો હતો. તેનાં લગ્ન ઉમા વર્મા સાથે થયાં હતાં. તેમને બે દીકરા હતા—સચિન અને અમિત, જેમને પ્રેમથી ‘મોનુ’ અને ‘ટોનુ’નાં હુલામણા નામે બોલાવતા. તેમનો પરિવાર આધુનિક સુવિધાઓથી સજ્જ એક ત્રણ માળના ઘરમાં રહેતો હતો, જેને ઉત્તર પ્રદેશની ટિપિકલ લેંગ્વેજ પ્રમાણે ‘કોઠી’ કહેતા. તેમની પાસે ટીવી, કૂલર અને એક ચકાચક સફેદ ફિયાટ કાર હતી. પરંતુ આ સંપત્તિની એ મોટી કિંમત ચૂકવવાનો હતો. માથામાં એક ગોળી અને સુરેશનો ખેલ ખતમ
સુરેશ સ્વભાવે ઉગ્ર હતો. વર્ષો પહેલાં 1975માં, આઠ ગુંડાઓએ કારમાં એનું અપહરણ કર્યું હતું. પરંતુ સુરેશે એક ગુંડાને માર માર્યો, ચાલતી કારમાંથી નદીમાં કૂદી પડ્યો અને તરીને બચી ગયો. એ પછી 1982માં તેની કાર બે ચોરોએ ચોરી લીધી હતી. સુરેશે જાતે ગુંડાઓ પર હુમલો કરીને કાર પાછી લઈ લીધી. તે દરમિયાન ગોળીબાર પણ થયેલો, પરંતુ તે બચી ગયો. ત્રણ-ત્રણ વાર મોતને માત આપનારા સુરેશનું નસીબ હવે તેને દગો દેવાનું હતું. 28 ઓગસ્ટ 1983ની સાંજે, ઉમા ઘરના કામમાં વ્યસ્ત હતી. તેણે સુરેશની કારના હોર્નનો અવાજ સાંભળ્યો. પરંતુ ત્યારે જ એક જોરદાર ધડાકો થયો. ઉમાએ વિચાર્યું કે કદાચ ટાયર ફાટ્યું હશે. તે દોડીને બહાર આવી અને જોયું કે બે લોકો ભાગી રહ્યા છે. સુરેશ પોતાની કારમાં લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યો હતો. એક ગોળી તેના જમણા કાનની નજીક લમણેથી ખોપરીમાં ઘૂસીને ડાબા કાનની પાછળના ભાગેથી બહાર નીકળી ગઇ હતી. 30 વર્ષનો સુરેશ કરપીણ મોતને ભેટ્યો હતો. ગયા જન્મની 30 વર્ષની પત્ની, આ જન્મનો 4 વર્ષનો પતિ!
અશોકે ઉમાને ટીટુની સ્ટોરી સંભળાવી. ઉમા સ્તબ્ધ થઈ ગઈ. એક અજાણ્યું બાળક, જે તેને ક્યારેય નહોતું મળ્યું, તેના પતિના જીવનની અંગત વાતો કેવી રીતે જાણી શકે? સાથોસાથ એને કોઈ ફ્રોડની શંકા પણ ગઇ. શંકા-કુશંકા અને વિશ્વાસની વચ્ચે ઝૂલતી ઉમા અને તેનાં સાસરિયાં સાથે બાદ ગામે પહોંચ્યાં. પરંતુ તેમને ત્યાં કોઇ ટીટુ સિંહ કે મહાવીર સિંહનું ઘર મળ્યું નહીં. પાછળથી એમને ખબર પડી કે એ લોકો ખોટા બાદ ગામે પહોંચી ગયેલા. દરઅસલ, ઉત્તર પ્રદેશમાં ‘બાદ’ નામનાં બે ગામ છે. ટીટુનું ઘર આગ્રાની નજીક આવેલા બાદ ગામે હતું. પાછળથી આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરનારા અમેરિકાના એક્સપર્ટો માટે પણ આ વાત મહત્ત્વનો પુરાવો બની રહી કે ઉમા-સુરેશનો પરિવાર ટીટુના પરિવારથી સદંતર અજાણ હતો. જ્યારે ઉમા અને તેનાં સાસરિયાં ટીટુના ઘરે પહોંચ્યાં, ત્યારે ટીટૂએ તેમને જોતાં જ ઉમાને ભેટી પડ્યો. ‘ઉમા!’ તેણે બૂમ પાડીને કહ્યું. એક પતિ તેની પત્નીને વર્ષો પછી મળતો હોય એ રીતે એણે ઉમાને આલિંગન આપ્યું. તેણે તેના ‘પાપાજી’ (સુરેશના પિતા) અને ભાઈ-બહેનોને તરત ઓળખી લીધાં. ઉમા અને તેના પરિવારને વિશ્વાસ નહોતો આવતો. શું આ બાળક ખરેખર પાછલા જન્મમાં સુરેશ હતો? ‘મારી દુકાનમાં આ ફેરફાર કોણે કરાવ્યો?’
તેમણે ટીટુની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કોને ખબર આ બધું એક મસમોટા તરકટ, ષડ્યંત્રની જાળ હોય, તેમની પ્રોપર્ટીમાંથી ભાગ પડાવવા માટે ઊભું કરવામાં આવેલું કાવતરું હોય. તેમણે ટીટુ સમક્ષ એક પછી એક ટેસ્ટ મૂકવા માંડી. પહેલાં તેઓ ટીટુને ખોટી દુકાને લઈ ગયા—સુરેશના ભાઈની રેડિયો દુકાને. ટીટુએ તરત કહ્યું, ‘આ મારી દુકાન નથી. મારી દુકાન નજીકમાં છે.’ પરિવાર ફરી ચોંક્યો. પહેલી ટેસ્ટમાં ટીટુ પાસ થઇ ગયો હતો. જ્યારે તેઓ સુરેશની અસલી દુકાને પહોંચ્યાં, ત્યારે એ જાણે પોતાની જ દુકાનમાં પ્રવેશતો હોય એ રીતે અંદર ગયો. દુકાનને અંદર ચોતરફ જોઇ અને અચાનક ગુસ્સામાં બોલી ઊઠ્યો, ‘આ શોકેસ અહીં નહોતું. આ કોણે બનાવ્યું?’ ઉમા શ્વાસ રોકીને ઊભી હતી, એ શોકેસ ખરેખર સુરેશના મૃત્યુ બાદ બનાવવામાં આવ્યું હતું! ટીટૂએ દુકાનના મેનેજરનું નામ પણ કહી બતાવ્યું, જ્યાં પૈસા રાખવામાં આવતા હતા તે ડ્રોઅર પણ બતાવ્યું. બહારથી કોઇને ઝટ દેખાય નહીં એવા ખૂણેથી દુકાનના ઉપરના માળે જવાનો દાદરો હતો. ટીટુ જાણે રોજ જતો હોય એટલી સ્વાભાવિકતાથી એ દાદરા પર ચડીને ઉપર ગયો. ત્યાં ટીવી, ટેપરેકોર્ડર અને રેડિયોના રિપેરિંગનું કામ ચાલતું હતું. ત્યાં કામ કરી રહેલા કારીગરને એણે નામથી સંબોધીને બોલાવ્યો અને એની પીઠ થાબડીને કહ્યું કે તું બહુ સરસ કામ કરે છે. કીપ ઇટ અપ! ચાર વર્ષના બાળકે કહ્યું, ‘તમારા બાપને નમસ્તે પણ નથી કહેતા?’
નાનકડા ટીટુએ સુરેશની બહેન સુશીલાને પણ ઓળખી લીધી. ત્યાં ઊભેલી સ્ત્રીઓ સામે આંગળી ચીંધીને ટીટુને પૂછવામાં આવ્યું કે આમાંથી મોટી બહેન કોણ છે, ત્યારે પણ તેણે સાચો જવાબ આપ્યો કે કોઇ નથી, કેમ કે તે ત્યાં હાજર જ નહોતી! વધુ એક કસોટી હતી, સુરેશના બંને દીકરા ‘મોનુ’ અને ટોનુને ઓળખવાની. ચેક કરવા માટે સુરેશના પરિવારજનોએ મોનુ અને ટોનુને આજુબાજુના કેટલાય છોકરાઓની વચ્ચે બેસાડી દીધા. ટીટુએ એકઝાટકે બંનેને ઓળખી લીધા, એટલું જ નહીં, બંનેને ખીજાયો પણ ખરો કે તારા બાપને નમસ્તે કેમ કરતા નથી?! અંગત સવાલોના શૉકિંગ જવાબ
મૃત્યુ પામેલા સુરેશ વર્માની પત્ની ઉમાએ વધુ ખરાઇ કરવા માટે એવા સવાલો પણ પૂછ્યા જેની માત્ર તેને અને સુરેશને જ ખબર હોય. જેમ કે, ઉમાએ પૂછ્યું કે હત્યાના એક દિવસ પહેલાં આપણે ક્યાં ગયેલાં? નાનકડા ટીટુએ ફટ્ દઇને જવાબ આપ્યો, ‘કેમ ભૂલી ગઇ? આપણે ધોલપુરના મેળામાં ગયેલાં, ને ત્યાં આપણી સફેદ ફિયાટ કારના બોનેટ પર બેસીને જલેબી ને કુલ્ફી ખાધી હતી…!’ આ સાંભળીને ઉમાનું મોં ખુલ્લું જ રહી ગયું, કેમ કે, આ વાતની તેને અને સુરેશ સિવાય કોઇ કહેતા કોઇને ખબર નહોતી. ચાર વર્ષના બાળકે કાર ચલાવી બતાવી!
સુરેશ વર્માને પોતાની સફેદ ફિયાટ ગાડી બહુ વહાલી હતી. એ જ ગાડીમાં એની હત્યા કરાઇ હતી. એક પરીક્ષાના ભાગરૂપે નાનકડા ટીટુ સિંહની સામે એક સફેદ એમ્બેસેડર કાર લાવીને કહેવાયું કે જો આ તારી જ ગાડી છે ને? ત્યારે ટીટુએ ઘસીને ના પાડી દીધી કે આ મારી કાર નથી, મારી કાર તો ફિયાટ છે. એ પછી જ્યારે અસલી ફિયાટ લાવવામાં આવી ત્યારે ટીટુ ઊછળીને કારની ડ્રાઇવિંગ સીટમાં બેસી ગયો. એટલું જ નહીં, જાણે પોતે રોજ આ કાર ચલાવતો હોય તેમ એણે કારના ટેપ રેકોર્ડરમાં કેસેટ નાખીને ટેપ ચાલુ કર્યું અને કારને ગિયરમાં નાખીને થોડે સુધી ચલાવી પણ બતાવી! આ જોઇને ત્યાં હાજર તમામ લોકોની આંખો રીતસર પહોળી થઇ ગયેલી. કેમ કે, સાવ નાનકડા ગામડામાં રહેતા ટીટુએ કારમાં બેસવાની વાત તો દૂર કાર સરખી રીતે જોઇ પણ નહોતી. હવે સુરેશના પરિવારને પૂરેપૂરી ખાતરી થઈ ચૂકી હતી કે આ બાળક બીજું કોઈ નહીં, બલકે સુરેશ જ હતો, જે ટીટુ સ્વરૂપે પુનર્જન્મ પામીને ફરી પાછો આ દુનિયામાં આવ્યો છે! અમેરિકાના સાયન્ટિસ્ટો પણ ગોથે ચડ્યા
દિમાગ ચકરાવે ચડાવી દે તેવી આ સ્ટોરીને વધુ વિશ્વસનીયતા ત્યારે મળી, જ્યારે અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના પ્રોફેસર ઇયાન સ્ટીવન્સન અને તેમના સહયોગી ડૉ. એન્ટોનિયા મિલ્સે આ કેસની તપાસ શરૂ કરી. સ્ટીવન્સન 1957માં યુનિવર્સિટીના મનોચિકિત્સા અને ન્યુરોસાયન્સ વિભાગના અધ્યક્ષ બન્યા હતા, પુનર્જન્મના વિષય પર ઊંડું સંશોધન કરી રહ્યા હતા. તેમણે વિશ્વભરના આવા 44 કેસોનું વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે આમાંના ઘણાં બાળકો પાસે ખરેખર એવી યાદો હતી, જે તેમના પાછલા જીવન સાથે મેળ ખાતી હતી. ડૉ. એન્ટોનિયા મિલ્સ 1987માં ભારત આવ્યા અને ટીટુના કેસની તપાસ આદરી. તેઓ શરૂઆતમાં સંશયમાં હતા. તેમને લાગ્યું કે આ બધું કદાચ એક ચીટિંગ હોઈ શકે. પરંતુ તેમણે સ્ટીવન્સનની પદ્ધતિનો ઉપયોગ કરીને ટીટુની દરેક વાતની ચકાસણી કરી. તેમની સૌથી મોટી શોધ હતી ટીટુનાં જન્મ-ચિહ્નો-યાને કે બર્થ માર્ક્સ. ટીટુ બીજા જન્મમાં પણ બંદૂકની ગોળીનાં નિશાન સાથે જન્મ્યો
સ્ટીવન્સનની સંશોધન પદ્ધતિમાં શરીર પર જન્મ સાથે જ જોવા મળતાં બર્થમાર્ક્સ (લાખું, ડાઘા વગેરે)નું વિશેષ મહત્ત્વ હતું. તેમના સંશોધન મુજબ, પાછલા જન્મની યાદોનો દાવો કરતાં લગભગ 35% બાળકોનાં શરીર પર જન્મ-ચિહ્નો હોય છે. એટલું જ નહીં, આ ચિહ્નો તેમના પાછલા જીવનમાં તેમના મૃત્યુના કારણ સાથે મેળ ખાતાં હતાં. જેમ કે, ગયા જન્મમાં કોઇની છાતીમાં ગોળી મારીને હત્યા કરાઇ હોય, તો આ જન્મમાં પણ તેની છાતી પર એક્ઝેક્ટ એ જ જગ્યાએ ડાઘ જોવા મળતો હતો. ટીટુના કેસમાં પણ આ મુદ્દાની તપાસ કરવામાં આવી. સુરેશને જમણા લમણે ગોળી મરાઇ હતી, જે તેના ડાબા કાનની પાછળના ભાગેથી બહાર નીકળી ગઇ હતી. તેની તપાસ કરવા માટે ટીટુને માથે અસ્ત્રો ફેરવીને ટકો કરવામાં આવ્યો. સૌના આશ્ચર્ય અને આઘાત વચ્ચે ટીટુના જમણા લમણે કાનની બાજુમાં એ જ જગ્યાએ ગોળાકાર ડાઘ હતો. એક્ઝેક્ટ એ જ જગ્યાએથી સુરેશના માથામાં ગોળી એન્ટર થઇ હતી. ટીટુના ડાબા કાનની પાછળના ભાગે પણ વિખેરાયેલા ગોળ ડાઘ હતા, જાણે ગોળી બહાર નીકળીને તે ઘાની રૂઝને કારણે પડ્યા હોય! એન્ટોનિયાએ વધુ ખરાઇ કરવા માટે 1983માં સુરેશના મૃત્યુ બાદ બનેલા મેડિકલ રેકોર્ડ્સ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ શોધ્યા. કલાકો સુધી જૂના દસ્તાવેજો ફંફોળ્યા બાદ તેમણે સુરેશનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શોધી કાઢ્યો. તેમાં સ્પષ્ટ લખેલું હતું કે ગોળી જમણી કાનની નજીકથી ઘૂસી હતી અને ડાબા ભાગમાંથી બહાર નીકળી હતી, જેના કારણે માથાનો તે ભાગ વિખેરાઈ ગયો હતો. આ જખમોનું સ્થાન, આકાર ટીટૂના શરીર પરનાં ચિહ્નો સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતું હતું! સ્ટીવન્સને તેમના રિસર્ચ રિપોર્ટમાં લખ્યું, ‘43માંથી 49 કેસોમાં, જ્યાં મેડિકલ દસ્તાવેજો ઉપલબ્ધ હતા, જન્મ-ચિહ્નો અને ઘાવો વચ્ચેના સંબંધની પુષ્ટિ થઈ.’ આ ફોરેન્સિક પુરાવો હતો, જે આ સ્ટોરીને માત્ર એક જોગાનુજોગથી ક્યાંય આગળ લઈ જતો હતો. આ વિજ્ઞાન અને રહસ્યનો સંગમ હતો. આજે ટીટુ સિંહ ક્યાં છે?
વર્ષો સુધી સુરેશના પરિવાર અને ટીટુના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ રહ્યો. વખતોવખત બંને એકબીજાના ઘરે આવતા-જતા રહ્યા. પરંતુ પછી જેમ જેમ ટીટુ મોટો થતો ગયો, તેમ તેનાં માતા-પિતા મહાવીર અને શાંતિ ચિંતિત હતાં કે છેક પાછલા જન્મ સુધી લંબાતા આ ભૂતકાળનો બોજ તેને તેના વર્તમાન અને ભવિષ્યથી દૂર ન કરી દે. તેમણે ટીટુને આગ્રાથી ખાસ્સા દૂર, તમિલનાડુના ઊટીમાં ભણવા મોકલી દીધો, જ્યાં તેણે યોગ વિજ્ઞાન અને નેચરોપથીમાં પીએચડી કર્યું. નાનપણનો ‘ટીટુ’ હવે ડૉ. તૌરણ સિંહ બની ગયા હતા. અત્યારે તેઓ પતંજલિ યુનિવર્સિટીમાં યોગ અને નેચરોપથી ડિપાર્ટમેન્ટના ડીન છે. ટીટુ જ્યારે પોતાના જ હત્યારાઓને મળ્યો
થોડા મહિનાઓ પહેલાં એક યુટ્યુબરને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના પાછલા જન્મ અને બાળપણની આખી સ્ટોરી કહી સંભળાવી હતી. તેમાં ટીટુ ઉર્ફે ડૉ. તૌરણ સિંહે એવો પણ શૉકિંગ ખુલાસો કરતાં જણાવ્યું કે તેઓ પોતાના હત્યારાઓ—બલવીર સિંહ અને ટીટુ (હા, એક હત્યારાનું નામ પણ ટીટુ જ હતું!)—ને પણ મળ્યા હતા હતા. દરઅસલ, એ બંને સુરેશના ધંધામાં પાર્ટનર હતા. સ્મગલિંગમાં પણ તેમનો ભાગ હતો. ધંધામાં કશોક વાંધો પડતાં, તેમણે સુરેશને સાવ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને તેની હત્યા કરી હતી. હત્યા પછી તે બંનેની ધરપકડ થઇ અને બંનેને આઠ વર્ષની જેલની સજા થઇ હતી. સજા કાપીને તેઓ બહાર આવ્યા ત્યારે બંનેને ‘ટીટુ’ તરીકે સુરેશના પુનર્જન્મની ખબર પડી એટલે એ બંને પણ તેને મળવા આવેલા. જોકે તેમને જોતાં જ ટીટુ ડરીને ઘરમાંથી બહાર ભાગી છૂટેલો. વેપારી ભાગીદાર હતા, જેઓ તસ્કરીમાં સામેલ હતા. તેમની સજા માત્ર આઠ વર્ષની હતી. પરંતુ ડૉ. તૌરણ હવે તેમના ભૂતકાળને પાછળ છોડી ચૂક્યા છે. તેઓ કહે છે કે તેમનું નવું જીવન તેમનાં પાછલાં જન્મનાં કર્મોનું પ્રાયશ્ચિત છે. તેઓ બાળકોને ભણાવીને સમાજની સેવા કરી રહ્યા છે. આ ઘટનાએ 1990ના અરસામાં ભારત અને વિદેશના મીડિયામાં જબ્બર પ્રસિદ્ધિ મેળવી ત્યારબાદ BBCએ તેના પર એક ડૉક્યુમેન્ટરી પણ બનાવેલી, જેમાં સમગ્ર ઘટનાક્રમને યથાતથ તાદૃશ કરવામાં આવ્યો હતો. આ ડૉક્યુમેન્ટરી અત્યારે પણ યુટ્યુબ પર જોઈ શકાય છે. શું આ ખરેખર પુનર્જન્મનો કેસ છે?
આ રિયલ સ્ટોરી આપણી સમક્ષ એક પ્રશ્ન લાવીને ઊભો કરે છે—શું પુનર્જન્મ ખરેખર શક્ય છે? ઇયાન સ્ટીવન્સને તેમના અંતિમ રિસર્ચ પેપરમાં લખ્યું, ‘મને ખબર નથી કે તેનો જવાબ શું છે. હું હજુ પણ શોધી રહ્યો છું.’ કદાચ આ પ્રશ્ન આપણા બધા માટે છે. શું આપણે ફક્ત જિન્સ (રંગસૂત્રો) અને પર્યાવરણનું મિશ્રણ છીએ, કે આપણામાં કંઇક બીજું પણ છે—કંઇક એવું, જે મૃત્યુ પછી પણ જીવંત રહે છે?
ટીટુની લાઇફ સ્ટોરી, જે હવે ડૉ. તૌરણ સિંહના રૂપમાં નવું જીવન જીવી રહી છે, આપણને એ વિચારવા મજબૂર કરે છે કે કદાચ સત્ય આપણી સમજણથી ઘણું વધારે રહસ્યમય છે. મીડિયા ઇન્ટરવ્યૂમાં ડૉ. તોરણ સિંહ ઉર્ફ ‘ટીટુ’ જ આખી વાતનું સમાપન કરતાં કહે છે, ‘આખી વાતનો સાર એ જ છે કે સારાં કર્મો કરતાં રહો. કોને ખબર કોઇ વ્યક્તિ ક્યારે તમારાં પાછલાં જન્મોનાં ખરાબ કર્મોનું ફળ આપવા ફરી પાછી તમારી સામે આવીને ઊભી રહી જાય!’