યુપીમાં કાસગંજના બહાદુરનગરથી લગભગ 25 કિમી દૂર ગંજ ગુંદવાડા નામનું ગામ છે. અહીં પ્રિયંકાનું ઘર છે. પ્રિયંકાના રૂમમાં તેનો ફોટો લાગેલો છે, જેના પર હાર ચઢાવેલો છે. 20 વર્ષની પ્રિયંકા હવે જીવિત નથી. બરાબર એક વર્ષ પહેલાં તે હાથરસના સિકંદરારાઉમાં સૂરજપાલ બાબાનો સત્સંગ સાંભળવા ગઈ હતી. ત્યાં નાસભાગ થઈ, અને પ્રિયંકા ભીડમાં દબાઈ ગઈ. પ્રિયંકાના ઘરમાં હજુ પણ સૂરજપાલ બાબા ઉર્ફે નારાયણ હરિ સાકારનો ફોટો લાગેલો છે. સૂરજપાલ બાબાનો આશ્રમ બહાદુરનગરમાં જ છે. તેમને નાસભાગના કેસમાં ક્લીન ચિટ મળી ચૂકી છે. પ્રિયંકાની માતા રાધા પણ બાબાને દોષ નથી આપતાં. તેઓ કહે છે, “જેમનો સમય આવી ગયો હતો, તેઓ ભગવાન પાસે ચાલ્યા ગયા. આ તેમનું નસીબ છે.” 2 જુલાઈ, 2024ના રોજ સિકંદરારાઉમાં સૂરજપાલ બાબાનો સત્સંગ યોજાયો હતો. બાબા જવા લાગ્યા ત્યારે ભક્તો તેમની પાછળ દોડ્યા. સત્સંગની જગ્યાએ માટી ભીની હતી, જેના કારણે લોકો લપસીને પડવા લાગ્યા. નાસભાગ થઈ, અને 121 લોકો મૃત્યુ પામ્યા. કોર્ટમાં આ કેસ હજુ ચાલી રહ્યો છે. આ મામલે 11 સેવાદારોને આરોપી બનાવવામાં આવ્યા છે, અને બધા જામીન પર છે. હવેની સુનાવણી 19 જુલાઈએ થવાની છે. આ ઘટના બાદ સૂરજપાલ બાબા માત્ર એક જ વાર લોકો સામે આવ્યા છે. નાસભાગને એક વર્ષ થયું, તેમ છતાં કેટલાક સવાલો બાકી છે: ભાસ્કરે આ સવાલોની તપાસ કરી. સત્સંગમાં તહેનાત લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU)ના પોલીસકર્મીઓના નિવેદનોથી લઈને તપાસ માટે બનાવેલ ન્યાયિક આયોગના 1670 પેજના રિપોર્ટ સુધી અમારી પાસે છે. અમે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો સુધી પહોંચ્યા. સૂરજપાલ બાબાના આશ્રમે ગયા અને તેમના વકીલ સાથે પણ વાત કરી. આયોગનો રિપોર્ટ: જગ્યાની તપાસ વગર કાર્યક્રમની મંજૂરી આપી
નાસભાગની તપાસ માટે યુપી સરકારે 3 જુલાઈ, 2024ના રોજ ન્યાયિક આયોગની રચના કરી હતી. તેમાં નિવૃત્ત જસ્ટિસ બૃજેશ કુમાર શ્રીવાસ્તવ, નિવૃત્ત IAS હેમંત રાવ અને નિવૃત્ત IPS ભાવેશ કુમાર સિંહનો સમાવેશ હતો. 20 ફેબ્રુઆરી, 2025ના રોજ આયોગે 1670 પેજનો રિપોર્ટ સરકારને સોંપ્યો, અને 5 માર્ચે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. આયોગે તપાસ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લીધા. દરેક પાસેથી 30 થી 50 સવાલો પૂછવામાં આવ્યા. સૂરજપાલ બાબા સહિત ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદનો લેવામાં આવ્યા, અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. રિપોર્ટમાં નાસભાગનાં કારણો લખાયાં છે, અને અંતે આયોગે લગભગ 27 પેજમાં નિષ્કર્ષ આપ્યો છે. કારણ-1: તપાસ વગર ઉતાવળમાં મંજૂરી આપી 18 જૂને અરજી, 19 જૂને પરવાનગી, કોઈ અધિકારી જગ્યા જોવા ન ગયો.
આયોગે લખ્યું છે કે સત્સંગના મુખ્ય આયોજક દેવ પ્રકાશ મધુકરે 18 જૂન, 2024ના રોજ 80 હજાર લોકોના આગમનની જાણકારી આપીને પરવાનગી માગી હતી. આના પર ઘટનાસ્થળની તપાસ કરીને રિપોર્ટ લાવવાની અને મંજૂરી આપવાની જવાબદારી પોલીસની હતી. કચૌરા ચોકીના ઈન્ચાર્જ મનવીર સિંહે આ રિપોર્ટ આપવાનો હતો. જે દિવસે અરજી માગવામાં આવી, તે જ દિવસે મનવીર સિંહે કાર્યક્રમની પરવાનગી આપવાની મંજૂરી આપી દીધી. ત્યારબાદ ઈન્સ્પેક્ટર આશિષ કુમાર અને CO આનંદ કુમારે અરજી SDM રવિન્દ્ર કુમારને સોંપી. આ પછી 19 જૂને પરવાનગી આપી દેવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે પરવાનગી આપતા પહેલાં કોઈ અધિકારી સત્સંગની જગ્યા જોવા ગયો નહોતો. બધાએ તપાસ વગર જ કાર્યક્રમની પરવાનગી આપી દીધી. કારણ-2: મંજૂરીના પત્રમાં લોકોની અંદાજિત સંખ્યાનો કોલમ ખાલી છોડ્યો
સત્સંગની પરવાનગીના આદેશમાં કુલ 13 કોલમ હતા. તેમાંથી એક કોલમ આવનારા લોકોની અંદાજિત સંખ્યાનો હતો, જે ખાલી છોડી દેવામાં આવ્યો. અરજી કરતી વખતે 80 હજાર લોકોના આગમનની શક્યતા દર્શાવાઈ હતી. વીડિયો અને ચક્ષુસાક્ષીઓની જુબાનીથી સ્પષ્ટ છે કે કાર્યક્રમમાં 2.5 થી 3 લાખ લોકો હતા. કારણ-3: સૂરજપાલ બાબાના આવવા-જવાનો રૂટ ન બનાવ્યો
રિપોર્ટમાં લખ્યું છે કે પોલીસ-તંત્ર અધિકારીઓએ પરવાનગીની શરતોની તપાસ ન કરી. પહેલી શરત હતી કે કાર્યક્રમમાં હથિયાર, લાકડી-ડાંગ નહીં લાવવામાં આવે. એક દિવસ પહેલાં જ સેવાદારો ડાંગ લઈને ફરજ બજાવી રહ્યા હતા. એક શરત એ પણ હતી કે સૂરજપાલ બાબાને સત્સંગની જગ્યાએ આવવા અને પાછા જવા માટે અલગ રૂટ બનાવવામાં આવશે. ન તો આવો રૂટ ચાર્ટ બન્યો, ન તો રૂટ તૈયાર કરવામાં આવ્યો. સૂરજપાલ બાબાને લોકોની વચ્ચેથી જ રસ્તો બનાવીને લાવવામાં આવ્યા અને તે જ રસ્તે પાછા લઈ જવામાં આવ્યા. સત્સંગમાં ભૂત-પ્રેતની બીમારી મટાડવાનો દાવો
રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગ વિશે દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં આવવાથી ભૂત-પ્રેતની અડચણો દૂર થશે. આનાથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને પ્રોત્સાહન આપવાની અને ભોળા લોકોને ગેરમાર્ગે દોરવાની વાત સાબિત થાય છે. આ ઉપરાંત, આયોજકોએ સત્સંગમાં આવનારા લોકોની સુરક્ષા, ભીડનું સંચાલન અને ટ્રાફિક નિયંત્રણની જવાબદારી લીધી હતી. તેમણે પોલીસ-પ્રશાસનને કહ્યું હતું કે સરકારી વિભાગો નિશ્ચિંત રહે. તેમ છતાં, લોકોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હતી. નાસભાગ અકસ્માત હતો કે કાવતરું, આ અંગે આયોગે લખ્યું છે કે બધા સાથેની વાતચીત, દસ્તાવેજો અને પુરાવાઓથી આ અકસ્માત જ લાગે છે. શું સૂરજપાલ બાબાની ચરણરજ લેવાના ચક્કરમાં અકસ્માત થયો?
આ અંગે આયોગે રિપોર્ટમાં લખ્યું છે કે પોલીસ, પ્રશાસન, અન્ય સરકારી વિભાગો અને ચક્ષુસાક્ષીઓના નિવેદનોમાં મંચ પરથી ચરણરજ લેવાની અને તેનાથી બધી સમસ્યાઓ દૂર થવાની જાહેરાતની વાત છે. ચરણરજ લેવા દોડેલી ભીડને કારણે આ ઘટના બની હોવાનું કહેવાયું છે. જોકે, ઘણા શ્રદ્ધાળુઓ અને સૂરજપાલ બાબાએ પોતે પોતાના નિવેદનમાં ચરણરજ જેવી પરંપરા ન હોવાની વાત કહી છે. ઘણા દિવસોથી સત્સંગમાં જનારા શ્રદ્ધાળુઓએ નિવેદન આપ્યું કે નવા શ્રદ્ધાળુઓ ચરણરજ લે છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારે જણાવ્યું કે સત્સંગમાં જનારા શ્રદ્ધાળુઓ ત્યાંથી ચરણરજ લાવતા હતા. તપાસ દરમિયાન સૂરજપાલ બાબાના મંચ પરથી નીકળીને હાઈવે પાર કરવા સુધીના વીડિયોમાં આવું કંઈ દેખાતું નથી. તેથી ચરણરજ લેવાને કારણે આ અકસ્માત થયો હોવાનું ન કહી શકાય. ભીડ પર ઝેરી સ્પ્રે, કાવતરાની વાત નકારી
રિપોર્ટ મુજબ, સૂરજપાલ બાબાએ આયોગને મોકલેલા શપથપત્રમાં કહ્યું હતું કે હાફ પેન્ટ-ટી-શર્ટ પહેરેલા 15-20 યુવાનોએ ભીડ પર ઝેરી સ્પ્રે કર્યો અને ભાગી ગયા. દાવો કરવામાં આવ્યો કે ઝેરી સ્પ્રેથી લોકો પડીને બેભાન થવા લાગ્યા. તપાસ વખતે તેમણે આનો ઇનકાર કર્યો અને બીજું શપથપત્ર આપ્યું. આથી લાગે છે કે ઝેરી સ્પ્રેની વાત શપથપત્રમાં લખાવવામાં આવી હતી. આયોગને આપેલા નિવેદનોમાંથી સ્પષ્ટ છે કે આ તથ્ય વિશ્વસનીય નથી. LIUએ એક દિવસ પહેલાં જ કહ્યું હતું- એક લાખ લોકો ભેગા થઈ શકે
ભાસ્કર પાસે આયોગના રિપોર્ટ ઉપરાંત ચાર્જશીટ પણ છે. તેમાં લોકલ ઈન્ટેલિજન્સ યુનિટના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુમન લાટિયાનનું નિવેદન છે. તેમાં કહેવાયું છે કે મને આયોજન વિશે 30 જૂન, 2024ના રોજ જાણ થઈ હતી. 1 જુલાઈની સાંજે મેં હાથરસના SPના કેમ્પ કાર્યાલયમાં મૌખિક રીતે જાણકારી આપી હતી. ત્યારે 1 લાખ લોકો ભેગા થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સૂચના એકત્ર કરવા માટે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ અને ગૌરવ કુમારની ફરજ લગાવવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંઘે નિવેદનમાં કહ્યું, “હું 2 જુલાઈ, 2024ના રોજ સૂરજપાલ બાબાના કાર્યક્રમમાં ગયો હતો. બપોરે 12:10 વાગ્યા સુધી સત્સંગ બરાબર ચાલી રહ્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ સૂરજપાલ બાબા નીકળી ગયા. ફુલરઈ કટ પર તેમની ગાડી વળી રહી હતી. તે જ કટ પર શ્રદ્ધાળુઓની ભીડ ભેગી થઈ ગઈ.” “બાબાને જોવા અને રજ લેવાની પ્રથાને કારણે ભીડ વધતી જતી હતી. બાબાના કમાન્ડો, આયોજકો, સેવાદારો દોડીને બાબાની ગાડી નીકાળવા રસ્તો બનાવી રહ્યા હતા. તેમના હાથમાં ડાંગ પણ હતા. તેઓ તેનાથી ધક્કામુક્કી કરીને લોકોને બાજુમાં કરી રહ્યા હતા. ભીડનું વધુ દબાણ હોવાને કારણે નાસભાગ થઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. ફાયર ટેન્ડરથી શ્રદ્ધાળુઓ પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો.” નાસભાગમાં ઘાયલોને સિકંદરારાઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે મોબાઈલ નેટવર્ક કામ નહોતું કરતું. થોડે દૂર જતાં નેટવર્ક આવ્યું, તો મેં ઈન્ચાર્જને સૂચના આપી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે સત્સંગ પૂરો થયા બાદ હાફ પેન્ટ-ટી-શર્ટ પહેરેલા છોકરાઓને સ્પ્રે કરતા જોયા હતા. નરેન્દ્ર સિંહે જવાબ આપ્યો, “ના.” માથું ટેકવા સૂરજપાલ બાબાના આશ્રમે આવતા શ્રદ્ધાળુઓ
સૂરજપાલ બાબાનો આશ્રમ કાસગંજના બહાદુરનગરમાં છે, જે નાસભાગની જગ્યાથી લગભગ 26 કિમી દૂર છે. નાસભાગ બાદ પણ આશ્રમમાં શ્રદ્ધાળુઓનું આવવું બંધ થયું નથી. આશ્રમની દિવાલો પર ઠેરઠેર લખેલું છે કે અહીં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવી સખત મનાઈ છે. અમે એક કલાક આશ્રમની બહાર રોકાયા. આ દરમિયાન 40થી વધુ શ્રદ્ધાળુઓ માથું ટેકવા આવ્યા. આશ્રમના પ્રવેશદ્વાર પર એક લાઈનમાં ઘણા હેન્ડપંપ લાગેલા છે. અમે જોયું કે ઘણી મહિલાઓ આવી, હેન્ડપંપમાંથી પાણી લીધું અને નારાયણ હરિ સાકારનું નામ લઈને પી ગઈ. અમે આ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તૈયાર ન થયા. તેમણે એટલું જ કહ્યું કે પાણી પીવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે, અને મુશ્કેલીઓ દૂર થાય છે. આશ્રમનું ગેટ કોઈ મહેલ જેવું છે. ગેટની અંદર ખુલ્લો વિસ્તાર છે, પછી મોટું રસોડું છે. રસોડામાં કેટલાક લોકો ખાવાની તૈયારી કરી રહ્યા હતા. અમે એક સેવાદારને પૂછ્યું કે અહીં સત્સંગ થાય છે? તેમણે કહ્યું, “છેલ્લે નવેમ્બર 2014માં થયો હતો. શ્રદ્ધાળુઓ વધ્યા, તો પછી સત્સંગ બહાર જ થવા લાગ્યા. અહીં સત્સંગ નથી થતો, પરંતુ શ્રદ્ધાળુઓ આવે છે.” “અહીં દાનપેટી નથી, ન તો દાન લેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની મરજીથી આવે છે, માથું ટેકે છે, અને પછી ચાલ્યા જાય છે. આશ્રમમાં સેવાદારો જ રહે છે. હાલમાં અહીં 70-80 સેવાદારો છે.” આશ્રમના ગેટની બાજુમાં નારાયણ હરિ સાકાર ટ્રસ્ટની શાળા છે. તે પછી સૂરજપાલ બાબાના રહેવાની જગ્યા છે, જ્યાં 24 કલાક સુરક્ષા હોય છે. કોઈની પ્રવેશની મનાઈ છે. અમે અંદર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રોકી દેવામાં આવ્યા. પીડિત પરિવાર
નાસભાગમાં પ્રિયંકાનું મૃત્યુ, તેમનો પરિવાર હજુ બાબાનો ભક્ત
બહાદુરનગરથી લગભગ અડધો કલાક દૂર ગંજ ગુંદવાડા ગામ છે. હાથરસ નાસભાગમાં મૃત્યુ પામેલી પ્રિયંકા આ ગામની હતી. પ્રિયંકાના ઘરે તેમની માતા રાધા દેવી મળ્યાં. તેઓ કહે છે, “અમારા પરિવારમાં દર મહિને કોઈને કોઈ બીમાર પડતું હતું. દવાથી પણ ઠીક નહોતું થતું. 7 વર્ષ પહેલાં મારો ભાઈ બાબાના દર્શન કરવા બરેલી જઈ રહ્યો હતો. હું પણ તેની સાથે ગઈ. બાબાથી પ્રભાવિત થઈને ફિરોઝાબાદમાં અરજી કરી. ત્યારબાદ ઘરમાં લોકો ઠીક થવા લાગ્યા.” “બે વર્ષ પહેલાં પ્રિયંકાની તબિયત ખરાબ થઈ હતી. તેના પર ભૂત ચઢી ગયું હતું. તે આખો દિવસ જમીન પર આળોટતી રહેતી હતી. બાબા ઘરે આવતા હતા. તેમણે પ્રિયંકાને ઠીક કરી દીધી.” અમે પૂછ્યું, “શું પ્રિયંકા માટે ન્યાય ચાહો છો?” રાધા જવાબ આપે છે, “હું હજુ પણ મારા પ્રભુજીનો ગુણગાન કરું છું. તેમની પૂજા કરું છું. આમ જ તેમના દર્શન કરી લઉં છું. જેમનો સમય આવી ગયો હતો, તેઓ ભગવાન પાસે ચાલ્યા ગયા. અમે તેમાં શો ન્યાય માગીએ.” “બાબા અને તેમના સેવાદારોને સજા થવી જોઈએ”
પ્રિયંકાના પરિવારને મળ્યા બાદ અમે કાસગંજ ગયા. અમારી પાસે મૃત્યુ પામેલા લોકોની લિસ્ટ હતી, જેમાં નામની સામે મોબાઈલ નંબર લખેલા હતા. અમે આ નંબરો પર કેટલાક લોકો સાથે વાત કરી. મોટાભાગના લોકોએ વાત ન કરી. આ યાદીમાં આગ્રાના સિકંદરાની લક્ષ્મી દેવીનું નામ હતું. તેમના પુત્ર પવનએ અમારી સાથે વાત કરી. પવન કહે છે, “મારી માતા 5 વર્ષથી બાબા સાથે જોડાયેલાં હતાં. મારા પરિવારને આ ગમતું નહોતું. મોહલ્લાની મહિલાઓ બાબાનો સત્સંગ જોવા જતી હતી. એક દિવસ માતા પણ ગયાં. ત્યારથી તેઓ બાબાને ફોલો કરવા લાગ્યાં. અમારા પરિવારમાં કોઈ બાબાની પૂજા નથી કરતું.” “મેં માતાને ઘણી વાર રોક્યાં. તેઓ ઝઘડો કરવા લાગતાં. અમારા ઘરમાં કોઈ બીમાર નહોતું. આ માતાની શ્રદ્ધા હતી. તેઓ ક્યારેય બાબાને છોડતાં નોહતાં. 2 જુલાઈએ પણ મેં તેમને હાથરસ જવા માટે મનાઈ કરી હતી, પરંતુ તેઓ ન માન્યાં. હવે પણ જે લોકો બાબાની પૂજા કરે છે, તેમની માનસિકતા પર દુઃખ થાય છે. બાબા અને બધા આરોપીઓને સજા થવી જોઈએ.” બાબાના વકીલ હજુ પણ કાવતરાની વાત પર કાયમ
સૂરજપાલ બાબા તરફથી દિલ્હીના વકીલ ડૉ. એ.પી. સિંહ કેસ લડી રહ્યા છે. અમે તેમને પૂછ્યું કે તમે નાસભાગ વિશે કોર્ટમાં શું દલીલ કરી રહ્યા છો? તેઓ કહે છે, “અમે 80 હજાર લોકોની પરવાનગી લીધી હતી. મેરેજ લૉન, સ્ટેડિયમ કે ક્લબ હોય, તેની એક ક્ષમતા હોય છે. અમારો કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં હતો. આયોજનમાં કેટલા લોકો આવ્યા, તે ગણવા માટે અમારી પાસે, પોલીસ-ફાયર બ્રિગેડ પાસે કોઈ સિસ્ટમ કે મશીન નહોતી. મારું કહેવું છે કે કાવતરાના ભાગરૂપે લોકો પર ઝેરી સ્પ્રે કરવામાં આવ્યો. તેમને મારવામાં આવ્યા.” એક દિવસ પહેલાં 1 જુલાઈએ કેટલાક લોકોએ મુખ્ય આયોજક મધુકરને ધમકી આપી હતી કે જો મને સમિતિનો અધ્યક્ષ નહીં બનાવો તો આયોજન નહીં થવા દઉં. તે જ બાદ કાવતરાના ભાગરૂપે નાસભાગ કરાવવામાં આવી. હાલ કોર્ટમાં શું ચાલી રહ્યું છે? ડૉ. એ.પી. સિંહ કહે છે, “કોર્ટમાં પોલીસ અધિકારીઓનું નિવેદન થવાનું છે. અમે 1200 લોકોના એફિડેવિટ આપ્યા છે. પોલીસવાળાઓએ તો કહ્યું છે કે અમારા સેવાદારોએ જ પોતાના લોકોને મારી નાખ્યા. એવું શક્ય નથી કે કોઈ પોતાના જ ભક્તો પર હાથ ઉપાડે. નારાયણ સાકાર હરિ તો પોતાની ગાડીમાંથી ઉતર્યા જ નથી. પોલીસની ચાર્જશીટ ખોટી છે. તેઓ પોતાને બચાવવા માગે છે.” “આ કેસ હાલ હાથરસની સિકંદરારાઉ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમાં મુખ્ય આરોપી સેવાદાર દેવ પ્રકાશ મધુકર સહિત 11 આરોપીઓ બનાવવામાં આવ્યા હતા. બધા જામીન પર છે. કોર્ટમાં ચાર્જ પર દલીલ ચાલી રહી છે.” એક વર્ષ થયું, સૂરજપાલ બાબા ક્યારે લોકોની વચ્ચે આવશે? ડૉ. એ.પી. સિંહ કહે છે કે તેમની ઇચ્છા થશે, ત્યારે તેઓ જાતે આવશે. તેઓ હાલ ક્યાં છે, તે વિશે કંઈ નથી કહી શકતા.